You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બૅંગ્લુરૂના રામેશ્વરમ કાફેમાં ‘આઇઇડી બ્લાસ્ટ’, તપાસમાં અત્યાર સુધી શું શું સામે આવ્યું?
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બેંગલુરુથી, બીબીસી માટે
- પ્રકાશિત
કર્ણાટકના બૅંગ્લુરૂના વ્હાઇટફીલ્ડ વિસ્તારમાં સ્થિત રામેશ્વરમ કાફેમાં ગત 1 માર્ચના રોજ થયેલા ઓછી તીવ્રતાના આઇઇડી વિસ્ફોટમાં નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં એક મહિલા પણ સામેલ છે.
આ મહિલાનું શરીર 40 ટકા જેટલું સળગી ગયું છે અને તેમને આઇસીયુમાં દાખલ કરાયાં છે.
આ બે વિસ્ફોટ પાંચ સેકન્ડના અંતરે થયા હતા. પહેલો વિસ્ફોટ બપોરે 12:55:32 વાગ્યે અને બીજો વિસ્ફોટ 12:55:37 વાગ્યે થયો હતો.
શનિવારે મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ બ્રુકફીલ્ડ હૉસ્પિટલ જઈને આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોના ખબરઅંતર પૂછ્યા હતા.
જ્યારે પ્રદેશના ઉપમુખ્ય મંત્રી ડીકે શિવકુમારે કહ્યું, “સરકાર આ મામલાની સ્પષ્ટ અને નિષ્પક્ષ તપાસ કરવા માટે પ્રતિબદ્ધ છે. પોલીસ અને સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ આ મામલાની તપાસ કરી રહી છે. સાતથી આઠ સમૂહો બનાવવામાં આવ્યાં છે, જેઓ દોષીઓને પકડવા તપાસ કરી રહ્યા છે.”
તેમણે કહ્યું, " એ સારી વાત છે કે કોઈ મોટી દુર્ઘટના થઈ નથી. અમે નથી ઇચ્છતા કે બૅંગ્લુરૂમાં લોકોના મનમાં ડર રહે. અમે પોલીસને નિષ્પક્ષ તપાસનો આદેશ આપીશું, જેથી આ મામલાની તમામ ઍન્ગલથી તપાસ થઈ શકે."
ભાજપે રાજ્ય સરકારને આ મામલે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે અને કહ્યું છે કે સરકારે તપાસ એનઆઇએને સોંપવી જોઈએ.
પોલીસે શું કહ્યું?
સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, બૅંગ્લુરૂ પોલીસે આ મામલે અનલૉફુલ ઍક્ટિવિટિઝ પ્રીવેન્શન ઍક્ટ (યુએપીએ) અને ઍક્સપ્લોઝિવ સબસ્ટેનેન્સ ઍક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બૅંગલુરૂ પોલીસ કમિશનરે કહ્યું છે કે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ઘણી ટીમો તપાસમાં લાગેલી છે અને ઘણી કડીઓ પણ મળી આવી છે.
કેસની સંવેદનશીલતા અને સુરક્ષાનાં પાસાંને ધ્યાનમાં રાખીને પોલીસે મીડિયાને અનુમાન ન લગાવવા અને તપાસમાં સહકાર આપવાની અપીલ કરી છે.
ક્યાં થયો વિસ્ફોટ?
આ વિસ્ફોટ એક એવા વિસ્તારમાં થયો છે જેને બૅંગ્લુરૂનું આઇટી હબ ગણવામાં આવે છે. આઇટી ક્ષેત્રમાં કામ કરનારા યુવાનો આ જગ્યાએ ખાવાપીવા આવે છે.
આ વિસ્ફોટથી મોટી આગ તો ન લાગી, પરંતુ આ કાફેના વૉશબેસિનવાળા વિસ્તારમાં ખૂબ ધુમાડો થયો હતો અને ત્યાર બાદ ત્યાં ખીલા અને નટ બૉલ્ટ વીખરાયેલાં પડ્યાં જોવા મળ્યાં હતાં.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ વિસ્ફોટને અંજામ આપનારી વ્યક્તિએ પહેલાં રામેશ્વરમ કાફેમાં રવા ઈડલી ખાધી અને ત્યાર બાદ તે વૉશબેસિન પાસે બૅગ રાખીને ચાલ્યો ગયો.
આ વિસ્ફોટ આઇઇડી બ્લાસ્ટ છે, આ વાતની પુષ્ટિ કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ કરી છે.
સમાચાર ઍજન્સી રોઇટર્સે શુક્રવારે અધિકારીઓના હવાલાથી કહ્યું કે આ વિસ્ફોટ સંદિગ્ધ દેશી બૉમ્બથી થયેલો લાગે છે.
નજરે જોનારા લોકોએ શું કહ્યું?
વિસ્ફોટ સમયે કાફેમાં હાજર ઍડિબોય નામના શખ્સે કહ્યું કે, “હું અહીં બપોરનું જમવા માટે આવ્યો હતો. લગભગ એક વાગ્યે આ બન્યું હશે. ત્યારે મેં એક મોટો અવાજ સાંભળ્યો. આ બૉમ્બ ધડાકા જેવો અવાજ હતો, પરંતુ મને ખબર ન હતી કે આ બૉમ્બ વિસ્ફોટ હતો કે બીજું કંઈક.”
તેમણે કહ્યું, “લોકોને એવું લાગે છે કે આ બૉમ્બ વિસ્ફોટ હશે, પરંતુ કેટલાક લોકો તેને સિલિન્ડર બ્લાસ્ટ પણ કહે છે. અંદર અંદાજે 35થી 40 લોકો હાજર હતા. વિસ્ફોટ બાદ ત્યાં ધુમાડો જોવા મળ્યો હતો.”
જ્યારે સબરીશ કુંડલી નામના અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે જ્યારે અમે ધડાકાની જગ્યાએ પહોંચ્યા તો ત્યાં કાળો ધુમાડો હતો, મેં ત્યાં કેટલાક ઘાયલોને જોયા.
તેઓ કહે છે, “સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને નજીકની હૉસ્પિટલોમાં લઈ જવાયા હતા.”
ઈજાગ્રસ્ત સારવાર હેઠળ
આ ઈજાગ્રસ્તોમાં એક 45 વર્ષીય મહિલા પણ સામેલ છે, જેમનું શરીર 40 ટકા સુધી દાઝી ગયું છે. આ મહિલાનો બ્રુકફીલ્ડ હૉસ્પિટલમાં ઇલાજ કરવામાં આવી રહ્યો છે.
બ્રુકફીલ્ડ હૉસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. પ્રદીપકુમારે પત્રકારો સાથે વાત કરતાં ત્યાં દાખલ દર્દીઓની સ્થિતિ વિશે માહિતી આપી હતી.
તેમણે કહ્યું હતું કે, "તેમની હૉસ્પિટલમાં ત્રણ ઘાયલ દર્દીઓ દાખલ છે અને ત્રણેય ખતરાની બહાર છે. એક 45 વર્ષીય મહિલા છે, જેઓ 40 ટકા દાઝી ગયા છે. તેઓ આઇસીયુમાં છે."
આ મહિલાને ડાબી બાજુએ કાપો પડ્યો છે અને તેમને પ્લાસ્ટિક સર્જરીની જરૂર પડશે. વિસ્ફોટના અવાજને કારણે તેમના કાનનો પડદો પણ ફાટી ગયો છે.
જોકે, ડૉ. પ્રદીપકુમારે કહ્યું કે જો તે વધુ તીવ્ર વિસ્ફોટ થયો હોત તો દર્દીઓને વધુ ગંભીર ઈજાઓ થઈ હોત.
વિસ્ફોટ વિશે અત્યાર સુધીમાં શું જાણવા મળ્યું છે?
કર્ણાટક સરકારે અત્યારે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. રાજ્યના ટોચના અધિકારીઓએ જણાવ્યું છે કે આ મામલા સાથે જોડાયેલાં તમામ તથ્યોની તપાસ કરવામાં આવી રહી છે.
આ વિસ્ફોટને સિલિન્ડર બ્લાસ્ટ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. પરંતુ આ રેસ્ટોરાંનાં પ્રબંધ નિર્દેશક દિવ્યા રાઘવેન્દ્રે બીબીસીને જણાવ્યું છે કે કોઈ પણ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો નથી.
આ મામલાની ફોરેન્સિક તપાસ કરવા માટેની ટીમ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે.
કર્ણાટકના ડીજીપી આલોક મોહને પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. તેમણે સમાચાર ઍજન્સી પીટીઆઇને જણાવ્યું છે કે આ એક બૉમ્બ વિસ્ફોટ છે.
મુખ્ય મંત્રીએ કહ્યું- આ આઇઇડી બ્લાસ્ટ હતો
આ પહેલાં રાજ્યના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ મૈસુરુમાં એક પોલીસ અધિકારીના હવાલાથી પત્રકારોને કહ્યું હતું કે આ વિસ્ફોટ આઇઇડી હતો.
તેમણે કહ્યું, "સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. કોઈએ ત્યાં બૅગ રાખી હતી. તેઓ કહી રહ્યા છે કે તે આઇઇડી બ્લાસ્ટ હતો. અમને હજુ સુધી ખબર નથી કે એ આતંકવાદી હુમલો છે કે નહીં. મને જે માહિતી મળી છે તે મેં આપી છે. તમને કહી છે. પોલીસ ત્યાં હાજર છે."
આ સાથે જ રાજ્યના ગૃહમંત્રી ડૉ. જી. પરમેશ્વરે કહ્યું છે કે આ મામલે તમામ ઍન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું, "આ બ્લાસ્ટ કોણે કરાવ્યો, તે કેવા પ્રકારનો બ્લાસ્ટ છે... તમામ ઍન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે. આ ઍન્ગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે કે તે આઇઇડી બ્લાસ્ટ હતો કે નહીં."
રાજ્યના નાયબ મુખ્ય મંત્રી ડીકે શિવકુમારે કહ્યું છે કે, "રામેશ્વરમ કાફેમાં એક વાગ્યે બ્લાસ્ટ થયો હતો. તે ઓછી તીવ્રતાનો બ્લાસ્ટ હતો. એક યુવક નાની બૅગ લઈને આવ્યો હતો જેના એક કલાક પછી વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં લગભગ દસ લોકો ઘાયલ થયા છે."
ભાજપે શું કહ્યું?
કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી અને ભાજપના નેતા બસવરાજ બોમ્મઈએ કૉંગ્રેસ સરકાર પર આરોપ લગાવ્યો, “પહેલા દિવસથી જ સરકાર કાયદા-વ્યવસ્થા જાળવી રાખવામાં નાકામ રહી છે. સત્તાધારી પક્ષના નેતાઓનું સમર્થન રાષ્ટ્રવિરોધી તત્ત્વોને મળી રહ્યું છે અને પોલીસનું મનોબળ પણ ઓછું થયું છે.”
“અસામાજિક તત્ત્વો શહેરમાં ફરી રહ્યા છે અને તેમાં હવે એટલું સાહસ આવી ગયું છે કે તેઓ શહેરમાં બૉમ્બ રાખે. આના તાર આતંકી તત્ત્વો સાથે જોડાયેલા છે. જ્યારે અમારી સરકાર હતી ત્યારે અમે 15 સ્લીપર સેલની તપાસ કરીને તેમને સળિયા પાછળ ધકેલી દીધા હતા.”
તેમણે કહ્યું કે સરકારે આ મામલાની તપાસ એનઆઇએને સોંપવી જોઈએ અને જો એવું ન થાય તો સરકારે સત્તા છોડી દેવી જોઈએ.
કર્ણાટક ભાજપ પ્રદેશપ્રમુખ બી. વાય. વિજયેન્દ્રે કહ્યું કે તેમણે સરકારને આ મામલાની તપાસ એનઆઇએને સોંપવાની માંગ કરી છે.
તેમણે કહ્યું, “હું સરકારને આગ્રહ કરું છું કે આ મામલે ગંભીર પગલાં ભરવામાં આવે.”
બૅંગ્લુરૂ દક્ષિણ લોકસભા બેઠકથી ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ આ મામલે તપાસ એજન્સીઓને ખુલ્લી છૂટ આપવાની માંગ કરી છે.
તેમણે એક્સ પર લખ્યું છે કે, “પહેલાં તેમણે સિલિન્ડર બ્લાસ્ટનો નેરેટિવ બનાવવાની કોશિશ કર, હવે તેઓ વેપારમાં સ્પર્ધાની વાર્તા બનાવવાની કોશિશ કરી રહ્યા છે. કૉંગ્રેસ સરકાર તપાસ એજન્સીઓને ખુલ્લી છૂટ કેમ આપી નથી રહી. વોટબૅન્કની શું મજબૂરી છે. મુખ્ય મંત્રીએ તપાસ માટે ખુલ્લી તપાસ આપવી પડે અને બૅંગ્લુરૂના લોકોને સ્પષ્ટ જવાબ દેવો જોઈએ.”