You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
12 વર્ષની બાળકી બનીને 37 વર્ષની મહિલાએ 14 મહિના સુધી લોકોને કેવા છેતર્યા?
- લેેખક, વીતોર તાવારેસ અને ઇઆરા દિનીઝ
- પદ, બીબીસી ન્યૂઝ બ્રાઝિલ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
એક છોકરીએ મદદની વિનંતી કરીને કહ્યું કે તે 12 વર્ષની છે, ઉત્પીડનથી ભાગી છે અને સાવ એકલી છે. તો બ્રાઝિલમાં લોકોએ તેની મદદ માટે તેમનાં ઘરોના દરવાજા ખોલી નાખ્યા.
જોકે બ્રાઝિલના અધિકારીઓએ ગેબ્રિયલનું એક અલગ જ સત્ય ઉજાગર કર્યું છે. તેમનું કહેવું છે કે વાસ્તવમાં તે 37 વર્ષીય મહિલા હતી, જે પોતાને અસહાય ઑટિસ્ટિક બાળકી બતાવીને લોકો ગુમરાહ કરતી હતી.
પોલીસે ત્રણ જૂને જણાવ્યું કે તેમણે એ મહિલાની ધરપકડ કરી છે. કોર્ટના દસ્તાવેજોમાં તેની ઓળખ અમાંડા મારિયા સૂઝા ડી ઓલિવેરા તરીકે થઈ છે. તેમના પર છેતરપિંડી અને ખોટી ઓળખના ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
તપાસકારો અનુસાર, ઓલિવેરાએ 14 મહિના સુધી એક પરિવાર સાથે નકલી ઓળખ બતાવીને સમય વિતાવ્યો હતો.
આ મામલો હાલમાં બ્રાઝિલમાં ખૂબ ચર્ચામાં છે. પોલીસનું કહેવું છે કે તેમના પર સાઓ પાઉલો, રિયો ડી જાનેરો, મિનાસ જેરાઇસ, રિયો ગ્રાન્ડે દો સૂલ અને ગોયાસ રાજ્યોમાં આ રીતની છળકપટ કર્યાની આંશકા છે.
પોલીસે એક નિવેદનમાં કહ્યું, "બાળકીની ભૂમિકાને વિશ્વાસપાત્ર બનાવવા માટે સંદિગ્ધ નિયમિત રીતે દૂધ પીવાની બૉટલ અને રમકડાં રમવાનો ઢોંગ કરતી અને બાળકો જેવી હરકતો કરતી હતી."
"તે પોતાના વયસ્ક દેખાતા ચહેરા અંગે લોકોને એમ કહીને સમજાવવાનો પ્રયાસ કરતી કે બાળપણમાં બળજબરી હોર્મોન આપવાને કારણે તેનો શારીરિક બાંધો આવો થઈ ગયો છે."
તપાસ અધિકારી રોડરિગો ગુસોએ બીબીસી ન્યૂઝ બ્રાઝિલને કહ્યું કે આ છળકપટની ત્યારે ખબર પડી જ્યારે જે પરિવારે તેને પોતાના ઘરમાં શરણ આપ્યું હતું તેના એક સગાને તેના પર શંકા ગઈ. એ સગાએ ઇન્ટરનેટ પર ખાંખાંખોળાં કર્યાં અને લગભગ આ રીતના કેસનો એક રિપોર્ટ જોયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અલગ-અલગ નામથી લોકોને છેતર્યા
અન્ય રાજ્યોની પોલીસ સાથે માહિતી સરખાવ્યા બાદ રોડરિગો ગુસોએ પુષ્ટિ કરી કે બંને મામલામાં એ જ સામેલ હતી.
તેમણે કહ્યું કે ધરપકડના સમયે સંદિગ્ધે છળકપટ કર્યાની વાત સ્વીકારી છે અને એ પણ માન્યું કે તે મોટા ભાગે ખોટું બોલી રહી છે.
તેમણે બીબીસી ન્યૂઝ બ્રાઝિલને કહ્યું, "તેમાં કોઈ એવી સ્થિતિના સંકેત નથી મળ્યા કે જેમાં માનસિક સમસ્યાને કારણે ગુનો થયાની ખબર પડે. તે સંપૂર્ણ રીતે સમજદાર, સહયોગી અને તાર્કિક રીતે વિચારનારી છોકરી હતી."
ઓલિવેરાના વકીલ રાફેલ લુઇસ સિવર્ટે જણાવ્યું કે તેમણે તેની માનસિક સ્થિતિના આકલન માટે મનોવૈજ્ઞાનિક તપાસ કરાવવાની વિનંતી કરી છે, જેને કોર્ટે મંજૂરી કરી છે.
તેમણે કહ્યું કે હવે તેઓ તપાસનાં પરિણામની રાહ જોશે અને બાદમાં આગળની કાયદાકીય કાર્યવાહી કરાશે.
રિયો ડી જાનેરોમાં ઉત્પીડનનાં શિકાર અને ઑટિસ્ટિક બાળકોની મદદ કરનાર ચેરિટી ચલાવનાર બે મહિલાએ બીબીસીને જણાવ્યું કે આ મહિલાએ 2023માં એક અલગ નામ ધારણ કરીને તેમને પણ છેતર્યાં હતાં.
વિવિયન હેનરિક્સ માયોજ ક્યૂ અબેનઓમ કૉમ આમોર નામની સંસ્થા ચલાવે છે. તેઓ કહે છે કે ઓલિવેરા સાથે તેમની પ્રથમ મુલાકાત સંસ્થાના સોશિયલ મીડિયા પેજના માધ્યમથી થઈ હતી. એ સમયે ઓલિવેરાએ પોતાનું નામ 'ડૂડા' જણાવ્યું હતું.
હેનરિક્સ અનુસાર, ઓલિવેરાએ દાવો કર્યો હતો કે તે બ્રાઝિલના ઉત્તર-પૂર્વીય રાજ્ય સેઆરાથી ઉત્પીડનથી બચીને ભાગી છે.
તેમના અનુસાર, ઓલિવેરાનું કહેવું હતું કે તેના પિતાએ તેને બળજબરી વેશ્યાવૃત્તિમાં ધકેલી હતી અને હોર્મોન ટ્રીટમેન્ટ કરાવી હતી. તેનું કહેવું હતું કે આ કારણે તે પોતાની સાચી ઉંમરથી ઘણી નાની ઉંમરની દેખાતી હતી.
હેનરિક્સ કહે છે, જ્યારે તેણે પોતાની કહાણી સંભળાવી ત્યારે હું બહુ ડરી ગઈ હતી, કેમ કે પહેલેથી હું આવા મામલા સાથે જોડાયેલી રહી છું.
મહિલાની છળકપટની ખબર કેવી રીતે પડી?
તેમની કહાણીથી પ્રભાવિત થઈને હેનરિક્સ અને તેમનાં સહયોગી રેનાતા મેગલહાઇસે ઓલિવેરા માટે એક નાનો ફ્લૅટ ભાડે લીધો અને તેની સારસંભાળ લેવાનું શરૂ કર્યું.
હેનરિક્સ કહે છે, તે એક કિશોરી જેવી લાગતી હતી. સાવ નાનાં બાળકોની જેમ વાતો કરતી, કહેતી કે તેને ઑટિઝમ છે અને હંમેશાં હુડ પહેરીને રહેતી હતી."
એ પછી મહિનાની અંદર બંને મહિલાઓનો તેની સાથે ભાવનાત્મક સંબંધ બંધાઈ ગયો. તેમનું કહેવું છે કે ઓલિવેરા બાળકો જેવી હરકતો કરતી, તે દૂધની બૉટલ અને બાળકોનું ભોજન માગતી હતી, પરંતુ ક્યારેય પૈસા નહોતી માગતી.
મેગલહાઇસના અનુસાર, તે તેમને વારંવારે વિનંતી કરતી કે તેને ચાઇલ્ડ પ્રોટેક્શન કાઉન્સિલ પાસે ન લઈ જાય, કેમ કે તેને ડર હતો કે તેને ફરીથી સેઆરા મોકલી દેવાશે.
બંને મહિલાનું કહેવું છે કે તેના શરીર પર કેટલાક પરેશાન કરી દેનાર સંકેત પણ દેખાતા હતા, જેનાથી તેની કહાણી સાચી લાગવા માંડી હતી.
તેમના અનુસાર, તેઓ તેને એક્સ-રે કરાવવા લઈ ગયાં. જ્યાં તેના શરીરમાં 200થી વધુ સોય ફંસાયેલી જોવા મળી. ઓલિવેરાએ દાવો કર્યો હતો કે તેના પિતાએ જાદુ-ટોણાં સંબંધિત અનુષ્ઠાનો દરમિયાન આ સોય શરીરમાં ભોંકી હતી.
મેગલહાઇસ કહે છે કે "આ બહુ ભયાનક હતું."
તેઓ વધુમાં કહે છે, "મેં તેને પ્રેમ આપ્યો, તેની સારસંભાળ રાખી, તેને ભોજન આપ્યું. તેના પર શંકા કરવાનું કોઈ કારણ નહોતું."
જ્યારે 'ડૂડા' અલગ-અલગ લોકો સાથે અલગ વ્યવહાર કરવા લાગી ત્યારે શંકા પેદા થઈ.
મેગલહાઇસ અનુસાર, તેઓ ભાવનાત્મક રીતે વધુ નિર્ભર થઈ જાતી હતી અને તેને એકલી છોડી દેવાય તો તે પોતાને નુકસાન કરવાની ધમકી આપતી. તે સતત લોકોનું ધ્યાન તેની તરફ ખેંચાય તેવી માગ કરતી હતી.
મેગલહાઇસ કહે છે, "તેણે મારી માનસિક સ્થિતિ અને આર્થિક સ્થિતિને બરબાદ કરી નાખી. તેણે મારા પર એટલું દબાણ નાખ્યું કે હું મારાં બાળકોથી પણ દૂર થઈ ગઈ."
જોકે હેનરિક્સનું કહેવું છે કે તેમની સાથે ઓલિવેરાનો વ્યવહાર સામાન્ય અને સ્થિર રહ્યો હતો.
આ વિરોધાભાસ શંકાનું કારણ બન્યો અને અંતે બંને મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો. તપાસ બાદ પોલીસે આખી છળકપટનો પર્દાફાશ કર્યો.
રિયોમાં તપાસનું નેતૃત્વ કરનાર અધિકારી મોનિકા એરિયાલે બીબીસી ન્યૂઝ બ્રાઝિલને જણાવ્યું કે ઓલિવેરાના ફોનમાં ઇન્ટરનેટ સર્ચ હિસ્ટ્રી મળી હતી. જેમાં "ઑટિસ્ટિટ લોકો કેવો વ્યવહાર કરે છે અને ઉત્પીડનની શિકાર વ્યક્તિ કેવી દેખાય" તેની શોધ સામેલ હતી.
'માત્ર ધરપકડ કરવી એ સમાધાન નથી'
ઓલિવેરાની ધરપકડ કરાઈ અને પૂછપરછ દરમિયાન તેણે પોતાની છળકપટનો સ્વીકાર્ય કર્યો છે. જોકે કોર્ટે નિર્ણય આપ્યો કે મુદ્દકમાની પ્રક્રિયા ચાલે ત્યાં સુધી એ જામીન પર બહાર રહી શકે છે.
બાદમાં પ્રોસિક્યુરોએ તેની સામે આરોપનામું દાખલ કર્યું, પરંતુ ત્યાર બાદ અધિકારીઓ તેની ભાળ મેળવવામાં નિષ્ફળ રહ્યા.
એરિયાલનું કહેવું છે કે આવા મામલામાં આરોપીને હિરાસતમાં રાખવું 'મુશ્કેલ' હોય છે, કેમ કે કોર્ટો છળકપટને એવો ગુનો ગણે છે, જેમાં હિંસા કે ગંભીર ધમકી સામેલ નથી હોતી.
મેગલહાઇસ કહે છે કે એ જાણીને પોતાને 'લાચાર' અનુભવે છે કે અન્ય લોકો પણ તેની છળકપટના શિકાર થયા છે. તેમને આશા છે કે આખરે ન્યાય મળશે.
જોકે તેમના અનુસાર, 'માત્ર તેની ધરપકડ કરવી એ સમાધાન નથી'. તેમનું માનવું છે કે ઓલિવેરાની મનોવૈજ્ઞાનિક સારવારની જરૂર પણ હોઈ શકે છે.
આ આખા અનુભવ બાદ હેનરિક્સનું કહેવું છે કે તેઓ નિસહાય બાળકોની મદદ માટેનું પોતાનું કામ ચાલુ રાખશે.
તેમના શબ્દોમાં કહીએ તો, "હું લોકોની મદદ કરવાની ઇચ્છા નથી છોડવાની."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન