ટ્રમ્પની મોટી જાહેરાત, 'શાંતિ સમજૂતી થઈ ગઈ, હોર્મુઝ સામુદ્રધુની બધા માટે ખુલ્લી અને ટોલ ફ્રી', 19મીએ થશે કરાર પર હસ્તાક્ષર

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

ગલ્ફની ખાડીમાં યુદ્ધ સમાપ્ત કરવાના મામલે અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. વાતચીતની મધ્યસ્થતા કરી રહેલા પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે એક નિવેદન જાહેર કરીને આ માહિતી આપી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ઈરાન સાથે સમજૂતીના કરાર પર સહમતિ બની હોવાની વાત કરી છે. ઈરાનના ઉપવિદેશ મંત્રીએ પણ આ બાબતની પુષ્ટિ કરી છે.

બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઇટાલીના નેતાઓએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ અમેરિકા, ઈરાન અને પ્રાદેશિક ભાગીદારો સાથે મળીને 'આ તકનો યોગ્ય ઉપયોગ' કરવા માટે કામ કરશે.

E4 સમૂહે જણાવ્યું, "અમે આ કૂટનીતિક સફળતા માટે અમેરિકા, ઈરાની સરકાર અને તેમાં સામેલ તમામ પક્ષોને, જેમાં પાકિસ્તાન, કતાર અને અન્ય તમામ મધ્યસ્થ સામેલ છે, અભિનંદન પાઠવીએ છીએ."

અમેરિકા-ઈરાન કરારની જાહેરાત પછી એશિયામાં શરૂઆતના વેપાર દરમિયાન ઑઇલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આ કરાર હેઠળ હોર્મુઝ સામુદ્રધુનીને ફરીથી ખોલવાની તૈયારી થઈ રહી છે.

આ વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોંએ કહ્યું કે આ અઠવાડિયે ફ્રાન્સના ઍવિઅન શહેરમાં યોજાઈ રહેલી જી7 નેતાઓની બેઠકમાં અમેરિકા-ઈરાન કરારના ભાગરૂપે હોર્મુઝ સામુદ્રધુનીને લાંબા સમય માટે ખુલ્લી રાખવા વિશે ચર્ચા કરવામાં આવશે.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે જણાવ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ ગઈ, જેના કારણે "લેબનોન સહિત તમામ મોરચાઓ પર સૈનિક અભિયાન" સમાપ્ત થશે.

શહબાઝ શરીફે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આ કરાર પર શુક્રવારે સ્વિટ્ઝર્લૅન્ડમાં સત્તાવાર રીતે હસ્તાક્ષર કરવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જ્યારે શુક્રવારે કરાર પર હસ્તાક્ષર થઈ જશે ત્યારે "ઑઇલની અવરજવર ફરી શરૂ થશે."

બીબીસીના ઉત્તર અમેરિકા સંવાદદાતા અનુસાર, આ જાહેરાત ટ્રમ્પના 80મા જન્મદિવસના અવસર પર કરવામાં આવી છે, જોકે કરારની સંપૂર્ણ વિગતો હજુ ઉપલબ્ધ નથી.

ઈરાનના ઉપવિદેશ મંત્રીએ સરકારી ટેલિવિઝન પર પુષ્ટિ કરી છે કે કરારને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. જ્યારે દેશના ટોચના સૈનિક નેતૃત્વે તેને તહેરાનની જીત ગણાવી છે.

અમેરિકા અને ઇઝરાઇલે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલા શરૂ કર્યા હતા. શરૂઆતના હુમલાઓમાં જ ઈરાનના ઘણા ટોચના નેતાઓનાં મોત થયાં હતાં.

તે બાદ ઈરાને ખાડી વિસ્તારમાં અમેરિકાનાં ઠેકાણાં અને ઇઝરાઇલ પર હુમલા કર્યા હતા. આ સાથે જ ઈરાને ઑઇલ અને ગૅસ સપ્લાયના મહત્ત્વના સમુદ્રી માર્ગ હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરી દીધો હતો.

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે વિશ્વભરમાં ઑઇલ અને ગગૅસ સપ્લાય પર અસર પડી હતી. જેના કારણે ઊર્જાની કિંમતો વધવા લાગી હતી.

અમેરિકા અને ઈરાન વચ્ચે કેવી રીતે થઈ સમજૂતી?

ઈરાનના ઉપવિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીનું કહેવું છે કે કતારના મધ્યસ્થોએ તહેરાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે એક સમજૂતી કરારપત્ર પર સહમતિ બનાવવા માટે લગભગ '14થી 15 કલાક વાતચીત' કરી હતી.

ઉપવિદેશ મંત્રીએ કહ્યું કે અંતિમ સમજૂતી પર વાતચીત 60 દિવસોમાં થશે, જેમાં ઈરાનને ઘણા મુદ્દે વાતચીત કરવાની છે. અને તેની સૌથી મોટી પ્રાથમિકતા તેના પર લાગેલા તમામ પ્રતિબંધોને હઠાવવાની છે.

કાઝેમ ગરીબાબાદીએ સોમવારે ઈરાની સરકારી મીડિયાને જણાવ્યું, "આ વાતચીતની પ્રક્રિયામાં ઘણો સમય લાગ્યો. ઈરાન અને અમેરિકા વચ્ચે ઇસ્લામાબાદ સમજૂતીપત્રક પર અંતિમ વાતચીતને સ્વરૂપ આપવા માટે રવિવારે તહેરાનમાં કતારનું એક પ્રતિનિધિમંડળ ઉપસ્થિત હતું."

ટ્રમ્પે 'ન્યૂ યૉર્ક ટાઇમ્સ'ને શું કહ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિએ રવિવારે 'ન્યૂ યૉર્ક ટાઇમ્સ'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ઈરાન સાથે થયેલો કરાર ખાતરી આપે છે કે હોર્મુઝ સ્ટ્રેટ "સ્થાયી રીતે ટોલ-મુક્ત" રહેશે.

અખબાર અનુસાર, 28 મિનિટના ફોન ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે એ પણ કહ્યું કે જો ઈરાન અમેરિકા સાથે અંતિમ પરમાણુ કરાર સુધી નહીં પહોંચે, તો તેઓ ફરીથી સૈન્ય હુમલાઓ શરૂ કરશે, અથવા તો અમેરિકાને "મિડલ ઇસ્ટનો સંરક્ષક" બનાવવામાં આવશે, જેના બદલે ક્ષેત્રની કુલ આવકનો પાંચમો હિસ્સો મળશે.

તેમણે પોતાના જૂના દાવાઓ પર ભાર મૂકતા કહ્યું કે ફેબ્રુઆરીમાં ઈરાન પર હુમલો કરવાના નિર્ણયને કારણે અને ત્યાર બાદ તેનાં બંદરોની સમુદ્રી નાકેબંધી કરવાના નિર્ણયને કારણે "મિડલ ઇસ્ટને ફરી અમેરિકાના પક્ષમાં કર્યું છે."

આ ડીલની જાહેરાત કરતા ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "આ શાનદાર ડીલ સમગ્ર વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા લાવશે."

તેમણે આગળ લખ્યું, "ઘણા રાષ્ટ્રપતિઓએ ઈરાન સાથે શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ, મારી પહેલાંના બધા નિષ્ફળ રહ્યા. વિસ્તારમાં નેતાઓને પ્રથમ વખત એવો રાષ્ટ્રપતિ મળ્યો છે જે સાચી શાંતિ લાવી શકે છે."

"શુક્રવારે હસ્તાક્ષર થતા જ હોર્મુઝ માર્ગ ખુલ્લો થઈ જશે અને સમુદ્રી સુરંગો દૂર કરવામાં આવશે અને ત્યાર બાદ વિસ્તાર અને સમગ્ર વિશ્વમાં ઑઇલની અવરજવર ફરી શરૂ થશે."

ઈરાની સરકારી મીડિયાએ કરાર વિશે શું કહ્યું?

ઈરાનના ઉપવિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ સરકારી ટેલિવિઝનને ફોન પર પુષ્ટિ કરી કે અમેરિકા સાથે કરાર થઈ ગયો છે અને શુક્રવારે સ્વિટ્ઝર્લૅન્ડમાં સત્તાવાર રીતે હસ્તાક્ષર કરવામાં આવશે.

ઈરાની સરકારી મીડિયાએ અમેરિકા અને ઈરાન વચ્ચે 14 મુદ્દાઓવાળા એક સમજૂતી પત્ર (MOU)ના ડ્રાફ્ટની વિગતો પ્રકાશિત કરવાનો દાવો કર્યો છે.

જોકે, આ મુદ્દાઓની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી કોઈ પણ દેશ દ્વારા કરવામાં આવી નથી.

અર્ધ-સરકારી સમાચાર એજન્સી 'મેહર' અનુસાર, ડ્રાફ્ટમાં સામેલ મુદ્દાઓમાં આ મુખ્ય બાબતોનો સમાવેશ થાય છે-

  • લેબનોન સહિત તમામ મોરચાઓ પર સ્થાયી યુદ્ધવિરામ.
  • અમેરિકાની તરફથી ઈરાનના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ નહીં કરવાનું વચન.
  • 30 દિવસમાં અમેરિકાની સમુદ્રી નાકેબંધી દૂર કરવી.
  • ઈરાનમાંથી અમેરિકન સૈનિકો પાછા ખેંચવા.
  • 30 દિવસની અંદર "ઈરાની વ્યવસ્થાઓ હેઠળ" હોર્મુઝ સ્ટ્રેટને ફરી ખોલવું.
  • અમેરિકા અને તેના સહયોગીઓ તરફથી ઈરાનના પુનર્નિર્માણ માટે ઓછામાં ઓછા 300 અબજ ડૉલરની યોજના.
  • ઈરાની ઑઇલ અને ઊર્જા ઉત્પાદનો પર લાગેલ પ્રતિબંધો દૂર કરવા.
  • પરમાણુ હથિયારો ન બનાવવાનો ઈરાનનો સંકલ્પ.
  • અમેરિકાની તરફથી વિસ્તારમાં પોતાની સૈનિક હાજરી ન વધારવા અને નવા પ્રતિબંધો ન લગાવવાની ખાતરી.

'મેહરે' આ પણ જણાવ્યું, "અંતિમ વાતચીત ત્યાં સુધી શરૂ નહીં થાય જ્યાં સુધી ઈરાનની ફ્રીઝ થયેલી સંપત્તિનો ઓછામાં ઓછો અડધો ભાગ રિલીઝ નહીં થાય, ઈરાની ઑઇલ પરના પ્રતિબંધોને સ્થગિત ન કરાય અને સમુદ્રી નાકેબંધી પૂર્ણપણે દૂર નહીં થાય."

અહેવાલમાં જણાવ્યું છે કે અંતિમ કરારને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ દ્વારા મંજૂરી આપવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન