ફિફા વર્લ્ડકપ 2026 : મેદાનો પર ઘાસ ઉગાડવા માટે 47 કરોડ રૂપિયા શા માટે ખર્ચાયા, આ ઘાસમાં શું છે ખાસ?

પ્રકાશિત
વાંચવાનો સમય: 11 મિનિટ

2026ના ફિફા વર્લ્ડકપ ફૂટબૉલ ટુર્નામેન્ટ 11 જૂનથી શરૂ થઈ ગઈ છે. પહેલી વખત છે કે ફિફા વર્લ્ડકપ ફૂટબૉલનું આયોજન ત્રણ દેશ મળીને થઈ રહ્યું છે. 11 જૂનથી 19 જુલાઈ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટની યજમાની અમેરિકા, મૅક્સિકો અને કૅનેડા મળીને કરવામાં આવી છે.

ત્રણ દેશોનાં 16 શહેરોમાં 104 મૅચ બાદ દુનિયાને ખબર પડશે કે વર્લ્ડકપનો બાદશાહ કોણ છે. અમેરિકાનાં 13, મૅક્સિકોનાં ત્રણ અને કૅનેડાનાં બે શહેરોમાં આ મુકાબલા યોજાઈ રહ્યા છે.

પરંતુ તમને ખબર છે કે આ ટુર્નામેન્ટની 104 મૅચો જે ઘાસ પર રમાવાની છે તે વિશેષ છે. આ ઘાસ ઘણું મહત્ત્વપૂર્ણ હોવા છતાં ઘણીવાર લોકોને તેની અગત્યતા વિશે ખબર નથી. વૈજ્ઞાનિકોએ તેને વ્યવસ્થિત બનાવવા માટે ઘણી સારસંભાળ રાખી, તેને કાપ્યું અને મહેનતથી તેને સમથળ કર્યું.

આ ઘટનાની શરૂઆત એક મૅચ શરૂ થયાની આઠ મિનિટ બાદ થઈ હતી. ઍન્જલ ડી મારિયોએ કૅનેડાના એક ડિફેન્ડર પાસેથી બૉલ છીનવી લીધો અને વિરોધી ટીમના ગોલ તરફ દોટ મૂકી. આર્જેન્ટિનાના અત્યાર સુધીના સૌથી મહાન ફૂટબૉલરો પૈકીના એક મારિયો માટે, 2024 કૉપા અમેરિકા ફૂટબૉલ ટુર્નામેન્ટના ગ્રૂપ સ્ટેજની નિર્ણાયક ક્ષણ હતી. હવે તેમના માટે માત્ર ગોલકીપરને જ હરાવવો બાકી હતો. પરંતુ જેમ-જેમ તે બૉલને ગોલકીપર તરફ લઈ જઈ રહ્યા હતા, તેમ-તેમ તેને બૉલ પર કાબૂ રાખવામાં મુશ્કેલી પડી રહી હોય તેવું લાગતું હતું. પૅનલ્ટી એરિયાની બાજુએ કૅનેડિયન ગોલકીપર સામે આવતા ડી મારિયો માત્ર એક નબળો શૉટ જ મારી શખ્યા અને ગોલકીપરે તેને સરળતાથી અટકાવી દીધો.

મૅચ પછી આર્જેન્ટિનાના કોચ અને ખેલાડીઓએ જણાવ્યું કે ક્યાં ગરબડ થઈ હશે. વર્તમાન વર્લ્ડકપ ચૅમ્પિયન ટીમે એવો દાવો કર્યો હતો કે અમેરિકાના જ્યૉર્જિયા રાજ્યના ઍટલાન્ટામાં આવેલા મેદાનના ઘાસની ગુણવત્તાએ તેમનાં પ્રદર્શન પર અસર કરી હતી.

જે સ્ટેડિયમમાં મૅચ રમાઈ રહી હતી, સામાન્ય રીતે તે NFL ટીમ ઍટલાન્ટા ફાલ્કન્સ અને મૅજર લીગ સૉકર ટીમ ઍટલાન્ટા યુનાઇટેડની હોમ પીચ હતી, ત્યાં સામાન્ય રીતે કૃત્રિમ મેદાન હોય છે, પરંતુ ટુર્નામેન્ટના થોડા દિવસો પહેલાં જ તેને હટાવીને તેના સ્થાને એક ઘાસવાળી અસ્થાયી પીચ લગાવી દેવામાં આવી હતી.

ખેલાડીઓએ ફરિયાદ કરી હતી કે બૉલ 'સ્પ્રિંગબોર્ડ'ની જેમ કૂદકો મારતો હતો, તેમણે પીચને મહાઆફત જેવી ગણાવી હતી. અમેરિકાનાં અન્ય સ્ટેડિયમમાં મૅચો રમાઈ ત્યારે પણ પીચની ગુણવત્તા અંગેની ચિંતાઓ ટુર્નામેન્ટમાં સતત ચર્ચાનો વિષય રહી હતી.

2026નો વર્લ્ડકપમાં સહ-યજમાન અમેરિકા, કૅનેડા અને મૅક્સિકોએ આ પ્રકારની આલોચના ટાળવા અને હવે મેદાન બાબતે કોઈ ફરિયાદ ઊભી ન થાય તે માટે તેમણે એક ખાસ ટીમ તૈયાર કરી હતી.

છેલ્લાં આઠ વર્ષોમાં સંશોધકોએ ઘાસને યોગ્ય બનાવવા માટે અનેકવાર બૉલ ઉછાળ્યા છે, બૂટ પહેરીને જોરજોરથી પાટા માર્યા છે અને ઘાસવાળા દરેક ભાગને અલગ અલગ રીતે તપાસી જોયો છે. તેમણે ઘાસની અલગ અલગ પ્રજાતિઓને ખાતર-પાણી આપીને ખૂબ જ કાળજીથી ઊછેરી છે. જેથી અલગ અલગ સ્થિતિમાં તે કઈ રીતે ટકે છે તે જાણી શકાય. તેમણે ઘાસનાં દરેક તણખલાંને મિલીમીટર પ્રમાણે માપીને તેની યોગ્ય ઊંચાઈ નક્કી કરવાનો પણ પ્રયાસ કર્યો છે.

તેઓ સૂર્ય આથમવાની રાહ જુએ છે જેથી ઘાસ સુકાઈ જાય, પછી તેનો રૉલ વાળીને તેને રૅફ્રિજરેટેડ ટ્રકમાં લોડ કરે છે.

ટૅનેસી યુનિવર્સિટીના પ્રોફેસર જૉન સોરોચને-જેમને ફિફાએ તમામ 16 વર્લ્ડકપ સ્ટેડિયમમાં ઘાસની પીચોની વૃદ્ધિ, વ્યવસ્થા અને સંભાળની દેખરેખ માટે નિમ્યા છે, જેમાં ગુંબજથી ઢંકાયેલાં પાંચ સ્ટેડિયમનો પણ સમાવેશ થાય છે-જણાવ્યું, "આ ખૂબ જ ચિંતાવાળું કામ છે."

સોરોચને જણાવ્યું, "મને સૌથી વધુ ચિંતા એ જ સ્ટેડિયમોની છે. કારણ કે સૂર્ય ઉપર તો આવશે, પણ અંદર નહીં આવે. છોડને વધવા માટે પ્રકાશ જોઈએ, અને શ્રેષ્ઠ તો સૂર્યપ્રકાશ જ છે. "

વેલ્ક્રો અથવા કાર્પેટ

આ વિશ્વકપમાં સોરોચન અને તેમના સાથી સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા 170થી વધુ વિવિધ પ્રયોગોનાં સંચિત પરિણામની કસોટી થવાની છે. તેમણે રમતગમતનાં મેદાનોમાં ઘાસ ઉગાડવાં અને પાથરવાના વિજ્ઞાન પર દાયકાઓથી જે સંશોધન થઈ રહ્યું છે, તેને આગળ વધાર્યું છે.

અમેરિકા, કૅનેડા અને મૅક્સિકોનાં વિવિધ સ્ટેડિયમો માટે તેમણે વિકસાવેલાં ઘાસનાં મેદાનોમાં 104 મૅચો રમાશે, જેમાં દરેક રમતમાં 90 મિનિટ કરતા વધુ સમય એકસાથે 21 ખેલાડીઓ દોડશે, સરકશે, અથડાશે. દુનિયાભરના ટોચના ફૂટબૉલ ખેલાડીઓ અને દુનિયાભરના અબજો ચાહકોની મહત્ત્વાકાંક્ષાઓ તેના પર નિર્ભર છે કે આ ઘાસ કેટલું મજબૂતાઈથી ટકી રહે છે.

સોરોચને જણાવ્યું કે, ફક્ત પાંચ મિલીમીટરનો તફાવત પણ એ નક્કી કરી શકે છે કે કોઈ પીચ વેલ્ક્રો જેમ કામ કરશે કે એક નૈસર્ગિક કુદરતી કાર્પેટ જેમ, જે રોમાંચક રમતમાં જરૂરી બૉલને ઝડપથી પાસ કરવામાં મદદ કરે છે.

દરેક પીચમાં ઘાસ કેટલી ઊંચાઈએ કાપવું તે નક્કી કરવા માટે તેમને અને તેમની ટીમને કલાકો સુધી પ્રયોગો કરવા પડ્યા હતા. અમેરિકાના ટેનેસી રાજ્યના નૉક્સવિલમાં આવેલી તેમની સંશોધન સુવિધાઓમાં નાનાં કદનાં મેદાનો તૈયાર કરવામાં આવ્યાં હતાં, જ્યાં તેજ લાલ રંગનાં મશીનોમાંથી ફૂટબૉલને જોરથી ફેંકવામાં આવતો હતો. પછી બૉલ કેટલી ઝડપે દોડે છે, કેટલો ઊછળે છે તેનું ખૂબ જ ધ્યાનથી નિરીક્ષણ અને માપણી કરવામાં આવતી હતી. તેઓ ઘાસ પર એક ભારે, સ્ટીલથી બનેલું બૉક્સ જેવા આકારનું સાધન પણ ફેરવતા હતા, જેમાં એક ડંડા સાથે ફૂટબૉલનું બૂટ જોડાયેલું હતું. આ બૂટ વારંવાર ઘાસ પર અથડાતું જેથી મેદાન કેટલું નરમ, સ્થિતિસ્થાપક અને મજબૂત છે તેની ખાતરી થઈ શકે.

સંશોધકોએ બૉલ સપાટી સાથે કેવી ક્રિયા-પ્રતિક્રિયા કરે છે એટલું જ નહીં, પરંતુ ખેલાડીઓને ઘાસ પર કેટલી મજબૂત પકડ મળે છે, તેનું પણ પરીક્ષણ કર્યું. મૅચ દરમિયાન મેદાનમાં ખાડા ન પડે, ઘાસ ઉખડી ન જાય અને ક્યાંય ભીના ભાગો ન સર્જાય જે રમતની ગતિમાં વિક્ષેપ લાવી શકે, તે માટે પણ ઉપાયો શોધ્યા. સૌથી ખરાબ વાત એ છે કે નબળી સપાટી વિનાશક પરિણામો લાવી શકે છે, જેના કારણે લાખોની કિંમત ધરાવતા ખેલાડીઓને એવી ગંભીર ઈજાઓ થઈ શકે જે તેમની કારકિર્દીનો અંત લાવી દે.

વર્લ્ડકપનાં સ્ટેડિયમો અલગ અલગ ભૌગોલિક અને હવામાનવાળા વિસ્તારોમાં આવેલાં હોવાથી પણ પડકાર વધે છે. એક તરફ મૅક્સિકો સિટી અને માયામી જેવી ભેજભરી ગરમી છે, તો બીજી તરફ ટોરેન્ટો અને બૉસ્ટન જેવી ઠંડી હવામાનવાળી જગ્યાઓ.

આનો સામનો કરવા માટે સંશોધકોએ રુટ સિસ્ટમ્સ, સિંચાઈ પદ્ધતિઓ અને જાળવણીનાં સમયપત્રકો વિકસાવ્યાં છે, જે દરેક સ્થાન માટે વિશિષ્ટ છે. તેમણે દરેક પરિસ્થિતિઓ માટે આદર્શ પ્રકાર શોધવા માટે વિવિધ ઘાસની પ્રજાતિઓનું પણ પરીક્ષણ કર્યું. ગરમ વિસ્તારોમાં બર્મુડા ઘાસનો ઉપયોગ કરવામાં આવશે, જ્યારે ઠંડા વિસ્તારોમાં કૅન્ટકી બ્લૂગ્રાસ અને પેરેનિયલ રાઇગ્રાસનું મિશ્રણ વપરાશે.

સોરોચન અને તેમની ટીમે શોધી કાઢ્યું કે બર્મુડા ઘાસનાં મેદાનો થોડાં ટૂંકાં કાપવાં જોઈએ, કારણ કે તે વધારે ઘન હોય છે અને કૅન્ટકી બ્લૂગ્રાસ તથા બારમાસી રાયગ્રાસનાં મેદાનોની તુલનામાં ઝડપથી સૂકાઈ જાય છે.

પીચને વધુ સમતલ અને ટકાઉ બનાવવા માટે કૃત્રિમ ઘાસમાં વપરાતાં પ્લાસ્ટિકના રેસા જેવા જ પ્લાસ્ટિક રેસા પણ ગૂંથવામાં આવ્યા છે.

હજુ પણ યુરોપમાં રમતા ફૂટબૉલરો, જ્યાં પીચ પર સામાન્ય રીતે ઠંડી આબોહવાવાળું ઘાસ હોય છે, તેઓ માયામી અથવા કૅન્સાસ સિટીમાં બર્મુડા ઘાસવાળી પીચ પર ઉતરતી વખતે આશ્ચર્યચકિત થઈ શકે છે.

સોરોચને જણાવ્યું કે, " તેઓ આ મેદાન જોઈને કહેશે કે, 'જર્મનીમાં તો આવું નથી હોતું, આ તો જાણે ગોલ્ફના પટિંગ ગ્રીન જેવું લાગે છે.'" તેઓ સ્વીકારે છે કે દરેક પીચમાં થોડો ફરક રહેશે. પરંતુ પોતાના સંશોધનને કારણે તેમને વિશ્વાસ છે કે આ તફાવત ખૂબ જ ન્યૂનતમ રહેશે.

"એક જ સમયે આટલાં મોટા પાયે તાત્કાલિક મેદાનો તૈયાર કરવાનાં છે." આ વાત મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર ટ્રે રોજર્સ ત્રીજાને ચિંતિત કરે છે. તેઓ વર્લ્ડકપની તૈયારીમાં સોરોચનને મદદ કરી રહ્યા છે.

પીચો એકદમ સારી હોવી જોઈએ, લગભગ ચમત્કારિક. ફિફાએ સોરોચન અને રોજર્સ પર વિશ્વાસ મૂક્યો છે, જે ઘાસવિજ્ઞાનના બહુ ઓછા જાણીતા ક્ષેત્રના નિષ્ણાત છે. પરંતુ આ જોડીએ ક્યારેય 2026 વર્લ્ડકપ જેવા મોટા પડકારનો સામનો કર્યો નથી, અને દાવ બહુ મોટો છે.

જોકે ફૂટબૉલના સૌથી મોટા મંચ માટે મેદાન તૈયાર કરવાનો તેમનો આ પહેલો અનુભવ નથી.

'ઘાસના ગુરુ' અને તેમના શિષ્ય

રોજર્સ અમેરિકાના સાઉથમાં આવેલા ગોલ્ફ કોર્સ પર કામ કરતા ઘાસના પ્રેમમાં પડી ગયા હતા. પરંતુ ફૂટબૉલમાં તેમનું આગમન 1992માં થયું, જ્યારે ફિફા 1994ના વર્લ્ડકપ દરમિયાન મિશિગનમાં પૉન્ટિયાક સિલ્વરડોમ સ્ટેડિયમની અંદર ચાર મૅચો માટે ઘાસની પીચ તૈયાર કરવા માટે મદદ શોધી રહ્યું હતું. આ સ્ટેડિયમ NFL ટીમ, ડેટ્રોઇટ લાયન્સની હોમપીચ હતી, જે કૃત્રિમ મેદાન પર રમતા હતા.

ઘણા અમેરિકનોની જેમ રોજર્સને પણ પૃથ્વીની સૌથી મોટા રમતોત્સવ વિશે કંઈ ખબર નહોતી. રોજર્સે કહ્યું, "મેં એ પ્રસિદ્ધ શબ્દો ઉચ્ચાર્યા હતા જે લોકો મને આજ સુધી ભૂલવા દેતાં નથી, વર્લ્ડકપ શું છે?"

તેમ છતાં ફિફાએ રોજર્સને સ્ટેડિયમમાં ઘાસ ઉગાડવા અને પાથરવાની કામગીરી સોંપી. અનેક પ્રયોગો પછી MSU ખાતેની તેમની ટીમે રેતાળ જમીનમાં કૅન્ટકી બ્લૂગ્રાસ અને પેરેનિયલ રાયગ્રાસનું મિશ્રણ ઉગાડવાનું નક્કી કર્યું. રેતી પાણીને સરળતાથી બહાર કાઢવામાં મદદ કરતી, જ્યારે આ બંને પ્રકારનું ઘાસ ઠંડા વાતાવરણમાં, જ્યાં સૂર્યપ્રકાશ બહુ સીધો ન પડતો હોય, સરળતાથી ઊગી શકે તેમ હતું. રોજર્સ અને તેના સાથીઓએ ગુંબજની બહાર 1994 ષટકોણાકાર ટ્રેમાં બીજ વાવ્યાં. તેમાં હજારો કલાકની મહેનત લાગી, જેમાં મોટાભાગનું કામ હાથથી કરવામાં આવ્યું હતું.

સોરોચન તે સમયે આ પ્રોજેક્ટ પર વિદ્યાર્થી તરીકે કામ કરતા હતા. તેમણે જણાવ્યું, " ખરું કહું તો હું તો માત્ર રેતીને દબાવીને સમથળ કરનારો માણસ હતો."

ષટકોણાકાર મૉડ્યૂલો ટીમની સૌથી મોટી નવીનતાઓમાંની એક હતી. જ્યારે ઘાસના આ ભાગોને ગુંબજવાળા સ્ટેડિયમમાં ખસેડવામાં આવ્યાં ત્યારે ઘાસનાં મૂળિયા સલામત રહેતાં હતાં. ગુંબજવાળા સ્ટેડિયમમાં કૃત્રિમ પીચ પર કુદરતી ઘાસ પાથરવામાં આવ્યું હોય તેવી આ પ્રથમ ઘટના હતી.

જ્યારે રોજર્સે એક ટીમને તેમની પહેલી પ્રૅક્ટિસ માટે ડોમમાં પ્રવેશતી જોઈ, ત્યારે તેમણે પીચનું નિરીક્ષણ કર્યું નહીં. દેખીતી રીતે તેમને તે સામાન્ય લાગ્યું. નાનાં છોકરાંની જેમ તેમણે ફૂટબૉલને એટલી ઊંચી કીક મારવાનો પ્રયાસ કર્યો કે તે વિશાળ ડોમની છત સુધી પહોંચી જાય. રોજર્સે આ પ્રોજેક્ટને સફળ માન્યો. તેનાથી તેમને 'ઘાસના ગુરુ'નું ઉપનામ મળ્યું.

પરંતુ 1994ના વર્લ્ડકપના અંતે સોરોચન ગુંબજની ટોચ પર ચઢી ગયા અને ત્યાંથી પીચ તરફ નીચે જોયું.

સોરોચને જણાવ્યું, "ત્યાંથી મેદાન પર પડેલો ઘસારો સ્પષ્ટ દેખાતો હતો. મેં વિચાર્યું, વાહ, આને આપણે વધુ સારું કેવી રીતે બનાવી શકીએ?" સોરોચને પોતાનો બાકીનો સમય ગ્રૅજ્યુએટ વિદ્યાર્થી તરીકે ઘરની અંદર ઘાસ કેવી રીતે ઉગાડવું તેનાં સંશોધનમાં વિતાવ્યો.

અને જ્યારે 2018માં ફિફાએ 2026ના વર્લ્ડકપમાં મદદ માટે સોરોચનનો સંપર્ક કર્યો ત્યારે તેમણે રોજર્સ અને MSUને સાથે જોડાવા કહ્યું. તેમને જે કામ કરવાનું હતું, તેની સામે 1994માં સિલ્વરડોમમાં કરેલું કામ તેમને બાળકોના વિજ્ઞાનમેળાના પ્રોજેક્ટ જેવું લાગતું હતું.

દરિયાઈ શેવાળ અને સિલિકા

સામાન્ય રીતે ઘાસ બને ત્યાં સુધી ત્યાં જ ઉગાડવામાં આવે છે, જ્યાં તેને અનુકૂળ માટી હોય. કારણ કે ઘાસને કાપીને એક જગ્યાથી બીજી જગ્યાએ ખસેડવાની પ્રક્રિયા છોડ માટે ભારે તણાવપૂર્ણ બની શકે છે અને તેને ફરી સંપૂર્ણ સ્વસ્થ થવામાં ઘણાં અઠવાડિયાં લાગી જાય છે.

જોકે, વર્લ્ડકપમાં ઘણી બધી પીચો તેમની પહેલી મૅચના માત્ર 10 દિવસ પહેલાં જ બિછાવવામાં આવી રહી છે.

અમેરિકાના કૉલોરાડો રાજ્યના ડૅનવર શહેરની બહાર આવેલું જો વિલ્કિન્સ ત્રીજાનું વિશાળ ટર્ફ ફાર્મ ડલાસ, ઍટલાન્ટા અને હ્યુસ્ટનનાં વર્લ્ડકપ મેદાનો માટે ઘાસ તૈયાર કરી રહ્યું છે. આ ત્રણેય સ્ટેડિયમ મળીને આખી ટૂર્નામેન્ટની ચોથા ભાગથી વધુ મેચોની યજમાની કરવાનાં છે. આ તમામ સ્ટેડિયમ ગુંબજવાળાં છે, જ્યાં મેદાન પર સીધો સૂર્યપ્રકાશ પહોંચતો નથી.

વિલ્કિન્સ કહે છે, "આ જ સૌથી મોટા પડકારો છે." તેમના દાદાએ 1962માં ગ્રીન વેલી ટર્ફ કંપનીની સ્થાપના કરી હતી.

કંપનીના ફાર્મમાં સેંકડો એકર સુધી તેજ લીલું ઘાસ પથરાયેલું છે. ઘાસનું સ્તર તૈયાર કરવા માટે વિલ્કિન્સના કર્મચારીઓએ પાતળી પ્લાસ્ટિકની સપાટી ઉપર રેતમાં ઘાસનાં બીજ રોપ્યાં હતાં.

આનાથી ઘાસની કાપણી વખતે તેનાં મૂળને સલામત રાખવામાં અને છોડને થતા આંચકાને ઘટાડવામાં મદદ મળે છે.

પછીના અઠવાડિયામાં કામદારો ઘાસને કાળજીપૂર્વક પાણી આપે છે અને કાપે છે, સાથેસાથે તેમાં ફૂગનાશક, ખાતર, હ્યુમેટ્સ, દરિયાઈ શેવાળ અને સિલિકા પણ નાખે છે.

વિલ્કિન્સ કહે છે કે, "ઘાસ ક્યારેય એક દિવસ પણ રજા પાડતું નથી,"

સોરોચને છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક વખત ગ્રીન વેલી ટર્ફ કંપનીની મુલાકાત લીધી છે, અને વિલ્કિન્સે સોરોચનના પ્રયોગોમાં મદદ કરવા માટે ટેનેસી યુનિવર્સિટીમાં સોડ (ઘાસના તરણાં) મોકલ્યાં હતાં. ત્યાં ટીમે ગુંબજવાળા સ્ટેડિયમની અંદરની પરિસ્થિતિઓનું પુનરાવર્તન કરવા માટે એક અત્યાધુનિક શેડહાઉસ બનાવ્યું હતું. ત્યાં MSUએ સ્ટેડિયમના ફ્લોરને ઘાસ પાથરવા યોગ્ય બનાવવા માટે 2100 ચોરસ મીટર (23,000 ચોરસ ફૂટ) ડામર પેડનો ઉપયોગ કર્યો હતો.

આઉટડોર સ્ટેડિયમમાં ઘાસને સ્થિર રાખવા માટે રેતીના મજબૂત થર નીચે કાંકરીનો થર પાથરવામાં આવે છે. તેના પર ઘાસ પાથવામાં આવે છે. NFL ડોમમાં કૃત્રિમ પીચ પર પાથરવામાં આવતી કામચલાઉ પીચો માટે કાંકરીના થરને બદલે ઇન્ટરલૉકિંગ પ્લાસ્ટિક ગ્રીડ અને વણાયેલા પ્લાસ્ટિક શીટિંગનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી પાણીના નિકાસની યોગ્ય વ્યવસ્થા થઈ શકે.

વર્લ્ડકપ શરૂ થવાનાં થોડાં અઠવાડિયાંઓ પહેલાં વિલ્કિન્સ અને તેમનો સ્ટાફ ઘાસ કાપવાના અને તેને લપેટવાના મહેનતભર્યા કામમાં વળગ્યા હતા. વિલ્કિન્સ જેને 'વિશાળ પિઝા કટર' કહે છે, તેનો ઉપયોગ કરીને, તેઓ ઘાસને 1.2 મીટર (4 ફૂટ) પટ્ટાઓમાં કાપતા હતા. તેઓ સૂર્યાસ્ત થાય ત્યાં સુધી રાહ જોતા જેથી ઘાસ સુકાઈ જાય, પછી તેને ટ્રકમાં લોડ કરતા હતા.

તે જ સમયે ડઝનબંધ રૅફ્રિજરેટેડ ટ્રકો અમુક ગ્રામીણ ટર્ફ ફાર્મમાંથી ઉત્તર અમેરિકાના સ્ટેડિયમોમાં દસ લાખ ચોરસ ફૂટથી વધુ ઘાસ પહોંચાડી રહ્યાં છે.

ફીફાના સિનિયર પીચ મૅનેજમેન્ટ મૅનેજર ઍલન ફર્ગ્યુસને જણાવ્યું કે, "મેં મારી કારકિર્દીમાં ક્યારેય આટલું મોટું કામ કર્યું નથી."

આખરે તે ગુંબજવાળાં સ્ટેડિયમમાં જ્યારે ઘાસ પહોંચે છે, ત્યારે કદાચ તે છેલ્લી વખત સૂર્યપ્રકાશને સ્પર્શતું હશે. છતાં તેણે હજુ અનેક અઠવાડિયાં સુધી હર્યું ભર્યું રહેવું પડશે.

ઘાસને પોષણ

જ્યારે ઢંકાયેલા સ્ટેડિયમમાં ઘાસનું થર પાથરવામાં આવે, ત્યારે સમગ્ર મેદાન પર એક ઘાટા કિરમજી રંગની રોશની છવાઈ જાય છે. આ ઉપરનીચે થતી LED ગ્રો લાઇટ્સને જરૂર મુજબ યોગ્ય સ્થાને લાવી ખસેડી શકાય છે, જેથી ઘાસને ઊગવા માટે જરૂરી ઊર્જા મળી રહે. ઉદાહરણ તરીકે, ડલાસમાં, જે કાઉબોય્સ NFL ટીમની હોમપીચ છે, ત્યાં આ ગ્રો લાઇટ્સ સીધી છત પરથી નીચે ઊતરે છે.

સોરોચને જણાવ્યું, "તમે તેની નીચે કામ કરી હોવ, કાપણી કરી હોય, કે જે કંઈ કરવું જરૂરી હોય તે કરી રહ્યા હોવ, તે દરમિયાન ઘાસ સતત વધતું જ રહે છે."

પ્રકાશ ઉત્સર્જન કરનાર ડાયોડ (LED) ટૅક્નૉલૉજીમાં પ્રગતિને કારણે આજે સીધા સૂર્યપ્રકાશ વિના ઘાસ ઉગાડવાનું કામ 1994ના સિલ્વરડોમ કરતાં ઘણું સરળ થઈ ગયું છે.

સોરોચનને કૉપા અમેરિકામાં જે થયું હતું તેવું ફરી થવાની ચિંતા નથી. ઍટલાન્ટાના મર્સિડીઝ-બૅન્ઝ સ્ટેડિયમમાં, જ્યાં આર્જેન્ટિના અને કૅનેડાની મેચ રમાઈ હતી, ત્યાં કુદરતી ઘાસની પીચ અને તેની નીચે અમેરિકન ફૂટબૉલમાં વપરાતી કૃત્રિમ પીચ વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હતું. તેના લીધે ત્યાં એક પ્રકારની ટ્રેમ્પોલિન ઇફેક્ટ સર્જાઈ હતી, જે બાબતે રમતવીરોએ ફરિયાદ કરી હતી. ફિફાએ 2026માં બંને થર વચ્ચે થોડું વધારે જાડું અને સલામત અંતર રાખવાની માંગણી કરી છે.

2025નો ક્લબ વર્લ્ડકપ પણ એક રીતે આ સમગ્ર પ્રક્રિયાની આંશિક પૂર્વતૈયારી સાબિત થયો હતો. ટર્ફ સંશોધકોએ આ વર્ષે ઉપયોગમાં લેવાયેલ ઘણી સામગ્રી, તકનીકો અને કામદારોનો ફરી ઉપયોગ કર્યો હતો.

ફીફાના ફર્ગ્યુસને કહ્યું, "ક્લબ વર્લ્ડકપની ટુર્નામેન્ટ પોતે જ એક સંપૂર્ણ ટુર્નામેન્ટ હતી, પરંતુ સાથે સાથે તેણે અમને આ તમામ વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓની કસોટી કરવાની સ્વાભાવિક તક પણ આપી."

જોકે, ક્લબ ટૂર્નામેન્ટ દરમિયાન કેટલીક પીચોની ગુણવત્તા અંગે ખેલાડીઓ અને કોચોએ ફરી ફરિયાદો કરી હતી, પરંતુ ફિફાએ ભારપૂર્વક જણાવ્યું કે તે આંતરરાષ્ટ્રીય પરીક્ષણનાં ધોરણોમાં ખરાં ઊતરે છે.

ફર્ગ્યુસનના મતે ફિફાએ 2026 વર્લ્ડકપ માટે ઘાસ સંબંધિત સંશોધન પર $5 મિલિયન (£3.7 મિલિયન)થી વધુ ખર્ચ કર્યો છે. ફૂટબૉલની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ દરમિયાન લોકો સામાન્ય રીતે રમતના રોમાંચમાં એટલા ડૂબેલા હોય છે કે મેદાનનાં ઘાસ વિશે વિચારતા પણ નથી. માટે આ તેના માટે ખર્ચાયેલી બહુ મોટી રકમ છે.

રોજર્સને આશા છે કે લાંબા ગાળે તેમના અને સોરોચન દ્વારા કરવામાં આવેલા સંશોધનથી રમતમાં ઘાસના ઉપયોગમાં વિવિધ સ્તરે વ્યાપક સુધારા આવશે. તેમનું કહેવું છે કે કેટલીક અમેરિકન ફુટબૉલ ટીમો કૃત્રિમ ઘાસને બદલે કુદરતી ઘાસના ઉપયોગ તરફ વળી શકે છે, છેક ત્યાં સુધી કે ગુંબજવાળાં સ્ટેડિયમો પણ.

ઓબર્ન યુનિવર્સિટીના ટર્ફગ્રાસ મૅનેજમેન્ટના પ્રોફેસર ઍલિઝાબેથ ગુએર્ટલ, જે વર્લ્ડકપ પ્રોજેક્ટમાં સામેલ નથી, જણાવે છે કે, "તેઓ એવી તકનીકો અને વસ્તુઓ વિકસાવી રહ્યા છે કે જેમાંથી અમુક સ્થાનિક હાઇસ્કૂલમાં પણ લઈ જઈ શકાય તેમ છે."

આ દરમિયાન રોજર્સ અને સોરોચન સારી રીતે જાણે છે કે સારી રીતે ઉછેરવામાં આવેલું ઘાસ બાળકની જેમ કોમળ અને સ્થિતિસ્થાપક હોય છે. તે કોઈ સ્ટ્રાઇકરને ત્યારે મદદ કરી શકે, જ્યારે તે દડા સાથે ઝડપથી દિશા બદલતો હોય. કે પછી કોઈ ગોલકીપરને અદ્ભુત બચાવ કર્યા બાદ નીચે પડતી વખતે નરમ ગાદલા જેવો આરામ આપી શકે. તેમણે એ રોમાંચક રમતનું મેદાન તૈયાર કરી દીધું છે, જેનું પ્રદર્શન થવાનું છે.

હવે ખેલાડીઓ પર નિર્ભર છે કે કોનાં સપનાં સાકાર થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન