માતાપિતાથી નારાજ થઈને ઘર છોડીને ગયેલાં બાળકો 13 વર્ષે પાછાં કેવી રીતે મળ્યાં?

    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી ન્યુઝ, દિલ્હી
  • પ્રકાશિત

પોતાનાં માતાપિતાની ફટકારથી નારાજ બે બાળકો જૂન 2010માં ઉનાળાની એક બપોરે ઘર છોડીને જતાં રહે છે.

સાત વર્ષનો બબલુ અને 11 વર્ષીય રાખીએ તેમના મામાના ઘરે જવાનો પ્લાન બનાવ્યો હતો, જે તેમના ઘરથી માત્ર એક કિલોમીટર દૂર હતું. તેમણે એક-બે ખોટા વળાંક લીધા અને ખોવાઈ ગયાં.

બન્નેને પોતાના ઘરે પાછા ફરવામાં અને તેમનાં માતા નીતુકુમારી સાથે મળવામાં 13 વર્ષનો લાંબો સમય લાગી ગયો. અને બન્ને બાળકોને તેમનાં માતા સાથે ફરી મેળવવામાં એક બાળ અધિકાર કાર્યકર્તાએ અથાક પ્રયત્નો કર્યા.

અનાથાલયમાં મોટા થયેલા બબલુએ મારી સાથે ફોન પર વાત કરતાં કહ્યું કે 'હું મારી માતાને રોજ યાદ કરતો હતો અને હું ખુશ છું કે હવે હું મારા પરિવાર સાથે છું.'

ડિસેમ્બરના અંતમાં તેમના પુન:મિલનનો એક વીડિયો સામે આવ્યો જેમાં માતા નીતુકુમારી બબલુને ઘરે આવકારે છે અને હરખથી ભેટી પડે છે અને કહે છે કે 'મને મારા દીકરા સાથે ફરી મળાવવા બદલ ઈશ્વરનો આભાર'.

બબલુ ત્યાર પછી રાખીને ભેટી પડે છે જે બે દિવસ પહેલાં જ ઘરે આવી છે. બન્ને ભાઈ-બહેનો થોડાં વર્ષો માટે એકબીજાના સંપર્કમાં હતાં, પરંતુ હવે તેઓ એક દાયકા પછી એકબીજાને મળ્યાં.

બાળકો છૂટાં કેવી રીતે પડ્યાં?

બબલુ અને રાખી ઉત્તર પ્રદેશના આગરામાં તેમનાં માતા-પિતા નીતુકુમારી અને સંતોષ સાથે રહેતાં હતાં. સંતોષ અને નીતુકુમારી બન્ને મજૂરી કરીને પોતાનું ઘર ચલાવે છે.

16 જૂન 2010ના રોજ નીતુને કશું કામ ન મળ્યું અને તેમણે પોતાની હતાશા રાખી પર ઉતારી અને એક ધાતુનાં વાસણ વડે તેને ફટકારી.

તે દિવસે જ્યારે તેમનાં માતા કોઈ કામ માટે ઘરેથી બહાર નીકળ્યાં ત્યારે પાછળથી બન્ને ભાઈ-બહેન ઘર છોડીને જતાં રહ્યાં.

બબલુએ કહ્યું, "મારા પિતા પણ જ્યારે હું બરાબર અભ્યાસ ન કરતો ત્યારે મને મારતા. જ્યારે રાખીએ મને કહ્યું કે ચાલ દાદી સાથે રહેવા જતાં રહીએ તો મેં હા પાડી દીધી."

બન્ને જ્યારે ખોવાઈ ગયાં ત્યારે એક રિક્ષાચાલકે રેલવે સ્ટેશન સુધી લિફ્ટ આપી.

બન્ને બાળકોએ ટ્રેન પકડી જેમાં બાળકોના અધિકાર માટે કામ કરતા એક કાર્યકર્તાની નજર તેમના પર પડી.

આ કાર્યકર્તા ટ્રેન મેરઠ પહોંચતાની સાથે જ આ બાળકોને ત્યાંની પોલીસના હવાલે કર્યાં, જ્યાંથી તેમને સરકારી અનાથાલયમાં મોકલી દેવામાં આવ્યાં.

બબલુએ કહ્યું, "અમે તેમને કહ્યું કે અમારે ઘરે જવું છે. અમે તેમને અમારાં માતા-પિતા વિશે વાત કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પોલીસ કે અનાથાલયના અધિકારીઓએ અમારા પરિવારનો સંપર્ક ન કર્યો."

એક વર્ષ પછી બન્ને ભાઈ-બહેનને એકબીજાથી અલગ કરી દેવામાં આવ્યાં. રાખીને દિલ્હીની નજીક એક એનજીઓ દ્વારા છોકરીઓ માટે ચાલતા એક આશ્રયસ્થાન પર મોકલવામાં આવ્યાં. બબલુને બે વર્ષ પછી લખનૌના એક સરકારી અનાથાલયમાં મોકલવામાં આવ્યા.

ભાઈ-બહેન ફરી કેવી રીતે મળ્યાં?

જ્યારે પણ કોઈ મોટા અધિકારી, સમાજસેવક અથવા પત્રકારો અનાથાલયની મુલાકાતે આવતા ત્યારે બબલુ રાખી સાથે મળવાની આશા સાથે પોતાની બહેન વિશે તેમને જણાવતો.

અંતે 2017માં અનાથાલયમાં આવેલાં નવાં કૅરટેકર બબલુ માટે આશાનું કિરણ સાબિય થયાં.

બબલુએ તેમને કહ્યું કે તેમની બહેનને દિલ્હીની નજીક મોટી ઉંમરની છોકરીઓ માટે ચાલતા અનાથાલયમાં મોકલવામાં આવી છે. કૅરટેકરે બબલુને મદદ કરવાનું નક્કી કર્યું.

બબલુએ કહ્યું,"તેમણે યુપીના નોઇડા અને ગ્રેટર નોઇડા વિસ્તારના દરેક અનાથાલયમાં તપાસ કરી કે રાખી નામની કોઈ છોકરી ત્યાં રહે છે અને અનેક કોશિશો પછી તેમણે રાખીને શોધી કાઢી."

બબલુએ કહ્યું કે, "હું સરકારને જણાવવા માગું છું કે ભાઈ-બહેનોને અલગ કરવા તે ખરેખર ક્રૂરતા છે. ભાઈ અને બહેનને નજીક-નજીકના અનાથાલયમાં રાખવાં જોઈએ. તેમને અલગ કરવાં યોગ્ય નથી."

બન્ને ભાઈ-બહેન એકબીજાં સાથે જોડાયાં પછી એક બીજા સાથે ફોન પર વાત કરતાં. જોકે, જ્યારે પણ વાત તેમના પરિવારને શોધવાની થતી ત્યારે રાખી એ વિશે શંકા વ્યક્ત કરતાં.

બબલુએ કહ્યું, "રાખીએ મને કહ્યું કે 13 વર્ષ કોઈ ટૂંકો સમય નથી અને મને ખૂબ જ ઓછી આશા છે કે હું મમ્મીને શોધી શકીશ."

જોકે, બબલુને આ વિશે કોઈ શંકા ન હતી. તેઓ કહે છે, "હું રાખીને મળવાથી ખૂબ જ ખુશ હતો અને મને આત્મવિશ્વાસ હતો કે હું મારી માતાને પણ શોધી લઈશ."

બબલુએ કહ્યું કે તેઓ જે અનાથ આશ્રમોમાં રોકાયા હતા તેમાંથી એક જગ્યાએ કૅરટેકર અને મોટા છોકરાઓ તેની સાથે મારપીટ કરતા. તેમણે કહ્યું, "મેં ત્યાથી બે વખત ભાગવાની કોશિશ કરી પરંતુ હું ડરી ગયો અને પાછો ફર્યો."

બીજી તરફ રાખીએ કહ્યું કે જે એનજીઓમાં તેઓ મોટાં થયાં ત્યાં તેમની સારી સંભાળ રાખવામાં આવી હતી.

મેં તેમને પૂછ્યું, "જો તેઓ ઘરે જ રહ્યાં હોત તો તેમનું જીવન અલગ હોત આ વિશે તેઓ શું વિચારે છે?"

તેમણે જવાબ આપતાં કહ્યું કે, "મારું માનવું છે કે જે કંઈ પણ થાય છે તે સારા માટે જ થાય છે અને કદાચ ઘરથી દૂર મારું જીવન સારું હતું."

તેમણે ઉમેર્યું, "હું તેમના પરિવારની સભ્ય ન હતી તેમ છતાં તેમને મારી સારી સંભાળ રાખી. કોઈએ ક્યારેય પણ મારા ઉપર હાથ ઉપાડ્યો નથી અને મને સારી રીતે રાખી. મેં એક સારી શાળામાં અભ્યાસ કર્યો. મને સારી સ્વાસ્થ્ય અને અન્ય તમામ સુવિધાઓ પણ મળી."

સામાજિક કાર્યકર્તા જેમણે ફરીથી પરિવારના સભ્યોને એકબીજા સાથે મેળવ્યાં

20 ડિસેમ્બરના રોજ આગરામાં રહેતા બાળ અધિકાર કાર્યકર્તા નરેશ પારસને બબલુ તરફથી એક ફોન આવ્યો. બબલુ હાલ બેંગલુરુમાં નોકરી કરે છે.

બબલુએ તેમને પૂછ્યું, "તમે ઘણા પરિવારોને એક-બીજા સાથે મળવ્યા છે, શું તમે મને મારા પરિવારને શોધવામાં મદદ કરશો?"

પારસ 2007થી બાળકો સાથે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ કોઈ સામાન્ય કેસ ન હતો.

બન્ને ભાઈ-બહેનોને તેમના પિતાનું નામ યાદ ન હતું. સરકાર દ્વારા જાહેર કરાયેલ બન્નેનાં આધારકાર્ડમાં પિતાનું નામ અલગ-અલગ હતું.

તેમને ખબર ન હતી કે તેઓ કયા રાજ્ય કે જિલ્લાનાં રહેવાસી છે અને અનાથાલયના રેકૉર્ડમાં જાણવા મળ્યું કે તેઓ છત્તીસગઢમાં આવેલા બિલાસપુરથી આવ્યાં છ. જોકે, પારસે બિલાસપુરમાં અનેક અનાથ આશ્રમોમાં ફોન કર્યો પણ કોઈ જાણકારી ન મળી.

પારસની તપાસમાં એક નવો વળાંક આવ્યો જ્યારે બબલુને યાદ આવ્યું કે જ્યાંથી તેમણે ટ્રેન પકડી હતી તે સ્ટેશનની બહાર એક ડમી રેલવે ઍન્જીન હતું.

પારસે કહ્યું, "મને અંદાજો હતો કે તે સ્ટેશન આગરા કેન્ટોનમેન્ટ સ્ટેશન હોવું જોઈએ."

શહેર પોલીસના રેકૉર્ડ તપાસતાં તેમણે જોયું કે જગદીશપુરા પોલીસ સ્ટેશનમાં ભાઈ-બહેનના પિતાએ જૂન 2010માં એક ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે તેમણે પરિવારને શોધવાની કોશિશ કરી ત્યારે પારસને જાણકારી મળી કે તેઓ ત્યાં ભાડે રહેતા હતા અને ત્યાંથી તેઓ જતાં રહ્યાં છે.

રાખીએ તેમને જણાવ્યું કે તેમણે તેમનાં માતાનું નામ "નીતુ" યાદ છે અને તેમના ગળા પર દાઝવાનું એક નિશાન છે.

પારસ પછી આગરાના મજૂર ચોકમાં ગયા જ્યાં રોજિંદા મજૂરો કામ શોધવાની આશામાં ભેગા થાય છે.

જોકે, તેઓ નીતુને ન શોધી શક્યા પરંતુ લોકોએ કહ્યું કે તેઓ નીતુને ઓળખે છે અને સંદેશો તેમનાં સુધી પહોંચાડી દેશે.

પોતાનાં બાળકોના મળી જવાના સમાચાર મળતાની સાથે જ નીતુકુમારી પોલીસ સ્ટેશને ગયાં જ્યાંથી તેમને નરેશ પારસનો કૉન્ટેક્ટ મળ્યો.

13 વર્ષ પછી ફરીથી મળ્યાં

પારસ જ્યારે નીતુને મળ્યા ત્યારે તેમણે પારસને બાળકોની તસવીરો અને પોલીસ ફરિયાદની એક કૉપી દેખાડી. ત્યાર પછી પારસે તેમને વીડિયો કૉલ થકી બબલુ અને રાખી સાથે વાત કરાવી અને બધા એકબીજાને ઓળખી ગયાં.

નીતુકુમારીએ પારસને બાળકોને શોધવા માટે કેટલા પ્રયત્નો કર્યો તે વિશે પણ જણાવ્યું અને કહ્યું કે રાખીને માર મારવાનો તેમને અફસોસ છે.

તેમણે કહ્યું, "જ્યારે મને સમાચાર મળ્યા કે મારાં બાળકો પટણાના રસ્તાઓ પર ભીખ માંગતા જોવાં મળ્યાં છે ત્યારે હું થોડા રૂપિયા ઉધાર માંગીને પટણા ગઈ. મેં મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ચર્ચમાં જઈને તેમના સુરક્ષિત પરત આવવા માટે પ્રાર્થનાઓ કરી."

નીતુકુમારીએ રાખી અને બબલુ સાથે ફરીથી મળ્યાં પછી ભાવવિભોર થતાં કહ્યું કે જાણે મને ફરીથી નવી જીંદગી મળી છે.

રાખીએ કહ્યું, "મને તો એવું લાગી રહ્યું હતું કે જાણે હું કોઈ ફિલ્મનો એક ભાગ છું. કારણ કે મને ક્યારેય આશા ન હતી કે હું ફરીથી મારી માતાને મળી શકીશ."

બબલુએ કહ્યું કે, "મને મિશ્ર લાગણીઓનો અનુભવ થયો."

તેમણે કહ્યું, "આ અદ્ભુત છે કે પારસજીએ માત્ર એક જ અઠવાડિયાની અંદર મારા પરિવારને શોધી કાઢયો. હું પોલીસ અને એનજીઓના કાર્યકર્તાથી ખૂબ જ નારાજ હતો કારણ કે સતત વિનંતી કરવા છતાં તે લોકોએ મારી મદદ ન કરી."

"જોકે, હું મારાં માતાને ફરી મળીને ખૂબ જ ખુશ છું. તેમણે રડતાં-રડતાં મને પૂછ્યું કે શું કામ તું મને છોડીને જતો રહ્યો. મેં કહ્યું કે મેં તમને ક્યારેય ન છોડ્યાં હોત. હું ખોવાઈ ગયો હતો."