પેટીએમ ફાસ્ટટેગ 15 માર્ચ પછી બંધ થઈ જશે : એમાં બાકી રહેલા રૂપિયા આ રીતે કાઢી લો

પ્રકાશિત

કેટલાંક વર્ષ અગાઉ એક જાહેરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરનો ઉપયોગ કરી વિવાદોમાં ઘેરાયેલી પેટીએમ કંપની ફરી એકવાર મુશ્કેલીમાં છે.

જો તમે પેટીએમનો ઉપયોગ કરો છો તો તમારે પેટીએમ પર લાગેલા પ્રતિબંધના સમાચાર જરૂર જાણવા જોઈએ. જો તમે તમારી કાર પર પેટીએમનું ફાસ્ટટેગ લગાવી રાખ્યું છે તો હવે તે ડિએક્ટિવેટ થઈ જશે.

15 માર્ચ પછી તમે તેમાં રિચાર્જ કે ટોપઅપ નહીં કરાવી શકો. તો હવે પેટીએમ ફાસ્ટટેગ યુઝર્સે શું કરવું જોઈએ?

એ ફાસ્ટટેગમાં જે રૂપિયા બાકી છે તેનું શું કરવું? આ સાથે જ જાણીએ કે પેટીએમ ફાસ્ટટેગ સાથે સંકળાયેલા મહત્ત્વના સવાલોના જવાબો.

હવે પેટીએમ ફાસ્ટટેગનું શું થશે?

ભારતીય રિઝર્વ બૅન્કના નવા નિર્દેશો અનુસાર 15 માર્ચ, 2024 પછી પેટીએમ પેમેન્ટ્સ બૅન્ક ફાસ્ટટેગ્સ બંધ કરી દેવાશે.

તો જેમની પાસે આવા ફાસ્ટટેગ્સ છે તેમણે તેને નિષ્ક્રિય કરવાં પડશે અને પછી એક નવું ફાસ્ટટેગ ખરીદવું પડશે.

આરબીઆઈએ 29 ફેબ્રુઆરી, 2024 પછી પેટીએમ પેમેન્ટ્સ બૅન્ક ખાતાઓ, પેટીએમ વૉલેટ અને ફાસ્ટટેગમાં રૂપિયા જમા કરાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

આ પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણે પેટીએમને સત્તાવાર રીતે ફાસ્ટટેગ આપનારાઓની યાદીમાંથી હટાવી દીધું છે. જોકે આરબીઆઈએ બાદમાં આ સમયસીમાને 15 માર્ચ, 2024 સુધી લંબાવી હતી.

હકીકતમાં જ્યારે ફાસ્ટટેગ સુવિધા શરૂ થઈ ત્યારે લાખો વાહન માલિકોએ પેટીએમ ફાસ્ટટેગ પર પસંદગી ઉતારી. હતી પણ હવે આ બધાએ 15 માર્ચ સુધીમાં તેમનાં વાહનોનાં એ ફાસ્ટટેગ નિષ્ક્રિય કરવાં પડશે.

હાલ તમે તેનો ઉપયોગ કરી રહ્યા હોય તો હાલ તે બંધ નહીં થાય પણ 15 માર્ચ પછી તે કોઈ કામના પણ નહીં રહે.

પેટીએમ ફાસ્ટટેગમાંથી રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે?

કેન્દ્ર સરકારે ‘એક વાહન એક ફાસ્ટટેગ’ યોજના શરૂ કરી છે. મતલબ એક ફાસ્ટટેગનો ઉપયોગ અલગ અલગ વાહનો પર નહીં કરી શકાય કે પછી અલગ અલગ ફાસ્ટટેગનો ઉપયોગ એક જ વાહન પર નહીં કરી શકાય.

નવા ફાસ્ટટેગ માટે કેવાયસી (નૉ યોર કસ્ટમર) પ્રક્રિયા જૂનું ફાસ્ટટેગ નિષ્ક્રિય થાય પછી જ કરી શકાશે.

આરબીઆઈએ પેટીએમ ગ્રાહકો માટે કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રશ્નો અને તેના જવાબો પ્રકાશિત કર્યા છે. તેમાં તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે ફાસ્ટટેગ પર હાજર રકમને બીજી બૅન્કના ફાસ્ટટેગમાં ટ્રાન્સફર નહીં કરી શકાય

આથી પેટીએમ પેમેન્ટ્સ બૅન્કના ગ્રાહકોએ પોતાના ફાસ્ટટેગને નિષ્ક્રિય કરવું પડશે અને આગળની પ્રક્રિયા સાથે આગળ વધવુ પડશે.

જો તમારી પાસે પેટીએમ ફાસ્ટટેગમાં રૂપિયા જમા છે તો તમારે તેને 15 માર્ચ પહેલાં ખર્ચ કરવા પડશે અથવા પેટીએમ પેમેન્ટ્સ બૅન્ક પાસે રિફંડ માગવું પડશે.

પેટીએમ ફાસ્ટટેગને કેવી રીતે નિષ્ક્રિય કરશો?

જો તમારી પાસે પેટીએમ ફાસ્ટટેગ છે અને તમે પેટીએમ ઍપનો ઉપયોગ નથી કરતા તો તમારે સૌથી પહેલા પોતાના મોબાઇલમાં ઍપ ડાઉનલોડ કરવી પડશે. અને આ પ્રક્રિયાને અનુસરવી પડશે.

  • પેટીએમ ઍપ ડાઉનલોડ કર્યા પછી પેટીએમ ઍકાઉન્ટમાં લૉગઇન કરો. જો તમારી પાસે પહેલેથી કોઈ ખાતું ના હોય તો તમે તમારો મોબાઇલ નંબર નોંધીને તાત્કાલિક એક ખાતું બનાવી શકો છો.
  • પછી ત્યાં સર્ચ બૉક્સમાં ફાસ્ટટેગ સર્ચ કરો. એ પછી મૅનેજ ફાસ્ટટેગના વિકલ્પ પર ક્લિક કરો
  • ‘Help & Support’ પર ક્લિક કરો
  • ‘Need help with on-order related queries?’નો પર્યાય પસંદ કરો
  • તે પછી ‘Queries related to updating the FASTag profile’ના પર્યાય પર ક્લિક કરો
  • આ પછી ‘I want to close my FASTag’ તે પર્યાય પસંદ કરો. પછી સ્ક્રીન પર અપાયેલાં નિર્દેશોનું પાલન કરો. તમારો ફાસ્ટટેગ નિષ્ક્રિય કરી દેવાશે.

આવું કરતી વખતે એક વાત ધ્યાનમાં રાખો કે એકવાર ફાસ્ટટેગ ડિએક્ટિવેટ થઈ ગયા પછી તમે તેનો ઉપયોગ નહીં કરી શકો.

જો ફાસ્ટટેગને નિષ્ક્રિય કરો તે અગાઉ તેમાં કોઈ રકમ જમા હોય તો પેટીએમ પેમેન્ટ બૅન્ક પાસેથી રિફંડ મેળવી શકાય છે. આ માટે તમારે પેટીએમ ઍપથી રિકવેસ્ટ કરવી પડશે. અથવા ટોલફ્રી નંબર 1800-12-04210 પર જઈને કૉલ કરી તમે રિફંડ મેળવી શકો છો.

નવું ફાસ્ટટેગ કેવી રીતે મેળવશો?

ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણે (નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા) કુલ 32 બૅન્કોને ફાસ્ટટેગના સત્તાવાર વિતરકના સ્વરૂપમાં મંજૂરી આપી છે. તો તમે એનએચએઆઈની વેબસાઇટ પર કે સંબંધિત બૅન્કની વેબસાઇટ પર જઈ નવું ફાસ્ટ ટેગ ખરીદી શકો છો.

મોટા ભાગની રાષ્ટ્રીયકૃત બૅન્કો અથવા મોટી ખાનગી બૅન્કો ફાસ્ટટેગ આપવાની ઑફર કરે છે. તમે એમાંથી તમારી સુવિધા અનુસાર વિશ્વાસપાત્ર ફાસ્ટટેગ પસંદ કરી શકો છો.