You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં 'કાચના તાંતણે' કરોડો રૂપિયાનાં વહાણ કઈ રીતે બનાવાઈ રહ્યાં છે?
છેક હડ્ડપ્પા કાળ એટલે કે અંદાજે ચારેક હજાર વરસથી ગુજરામાં વહાણવટાનો ઉદ્યોગ ફુલતો-ફાલતો આવ્યો છે. આ લાંબા ઇતિહાસ દરમિયાન આ ઉદ્યોગમાં ચડતી-પડતી આવતી રહી છે. તેમાં સમયાંતરે ક્રાંતિકારી પરિવર્તનો પણ આવતાં રહ્યાં છે.
તેમાં પાટિયાંઓને જોડવા માટે દોરડાના બદલે લોખંડના ખીલા, વહાણોને સઢની મદદથી ચલાવવાને બદલે ડીઝલથી ચાલતાં એંજિન વગેરેનો સમાવેશ થાય છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ સલાયા બંદરમાં પણ આ તરહેનું કંઈક નવીન થઈ રહ્યું છે.
વહાણવટા અને લાકડાના વહાણના નિર્માણ માટે જાણીતા આ બંદરમાં હાલ ચાર વહાણ એવાં બની રહ્યાં છે જેમાં લાકડાના બદલે ગ્લાસ-ફાઈબર રિઇન્ફોર્સડ પ્લાસ્ટિક (ટૂંકમાં એફ.આર.પી.) વાપરવામાં આવી રહ્યું છે.
એફઆરપી શું છે?
ફાઇબર એટલે તાંતણા કે રેસા અને ગ્લાસ એ અંગ્રેજીમાં કાચ માટે વપરાતો શબ્દ છે. તેથી ફાઇબર ગ્લાસ એટલે તાંતણાવાળો કાચ. તે જ રીતે રિઇન્ફોર્સડ શબ્દનો અર્થ થાય છે મજબૂત બનાવાયેલ કે ટેકો આપેલ. તેથી, એફઆરપીનો અર્થ થાય છે કાચના તાંતણા દ્વારા જબૂત બનાવાયેલ પ્લાસ્ટિક.
એફઆરપી કાચ અને પોલિમર રેઝીનથી બને છે. ખાસ પ્રકારનો કાચ નરમ હોય છે અને તેના તાંતણા કાપડ રૂપે વણેણા હોય છે. પોલિમર રેઝિન પ્રવાહી કે અર્ધ પ્રવાહી સ્વરૂપે રહેલ પ્લાસ્ટિક છે.
કાચના આવા કાપડ પર જો પોલિમર રેઝિન ચોપડવામાં આવે અને પછી તેને તડકામાં સૂકાવા દેવામાં આવે કે ગરમી આપવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયા થતાં કાચનું કાપડ અને પોલિમર રેઝિન એક સખત આવરણમાં રૂપાંતર પામે છે. આ પડમાંથી પાણી કે હવા પસાર થઇ શકતા નથી અને તે ખૂબ જ મજબૂત બની જાય છે.
વળી, આવા એક પડ ઉપર બીજું પડ લગાડીને તેને વધારે મજબૂત કરી શકાય છે અને એક પડ સાથે બીજા પડનો સાંધો કરી શકાય છે. કાપડ સ્વરૂપે રહેલ કાચમાંથી નિર્માણ પ્રક્રિયા શરુ થતી હોવાથી આવા પડને સરળતાથી વિવિધ આકારો આપી શકાય છે કે આકારોમાં ઢાળી શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એફઆરપીથી વહાણ કઈ રીતે બનાવવમાં આવી રહ્યાં છે?
લાકડામાંથી વહાણ બનાવવા માટે લાકડાના પાટિયા કે લાકડાને ગરમ કરી તેને તેલ લગાડીને દબાણ આપી વિવિધ આકારોમાં વાળવા પડે છે.
જેના પર આખા વહાણનો વજન આવે છે તે પઠાણ કહેવાતું લાકડું વહાણના સૌથી નીચેના ભાગે હોય છે. આ પઠાણ સાથે પાંસળી આકારે સામાન્ય રીતે દેશી બાવળના લાકડા જોડીને વહાણનું હાડપિંજર એટલે કે એક પ્રકારનું મુખ્ય માળખું બનાવાય છે. આ હાડપિંજર તૈયાર થઇ ગયા બાદ તેને લાકડાના પાટિયાથી મઢવામાં આવે છે.
સલાયા ખાતે તૈયાર થઈ રહેલ એફઆરપી વહાણોમાં હાડપિંજર લાકડા અને લોખંડમાંથી બનાવવામાં આવી રહ્યાં છે અને તેને મઢવા માટે લાકડાનાં પાટિયાંના બદલે એફઆરપી વાપરવામાં આવી રહ્યું છે.
વહાણવટા સાથે સંકળાયેલ અને એફઆરપીનું એક વહાણ બનાવી રહેલ સુલતાન સુંભણિયા બીબીસી સાથે વાત કરતા જણાવે છે, "મારા વહાણનું કામ લગભગ 80 ટકા પૂરું થઇ ગયું છે. મેં તેના હાડપિંજરમાં લોખંડ અને લાકડું વાપર્યાં છે જયારે અન્ય બધી જગ્યાએ એફઆરપી વાપર્યું છે. આ વહાણ બનાવવાનું કામ 15 મહિના પહેલા ચાલુ કર્યું હતું અને હવે છથી આઠ મહિનામાં તે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે."
સુંભણિયા કહે છે, "હું પોતે વહાણનિર્માણની કળા જાણું છું અને લાકડાના આઠથી દસ વહાણ બનાવેલ છે. મારે પોતાને વહાણ હતાં. પરંતુ 2018થી 2025 દરમિયાન મારાં ચાર વહાણ દરિયાઈ સફરો દરમિયાન ડૂબી ગયાં."
"હું મારા પરિવારના સભ્યોને સાથે રાખીને વહાણવટું કરું છું. મને લાગ્યું કે તેમની સલામતી માટે કંઇક કરવું જોઈએ. તેથી, મેં લાકડાને બદલે એફઆરપીનું વહાણ બનાવવાનું વિચાર્યું."
એફઆરપીથી વહાણ બનાવવાના શું ફાયદા છે?
વહાણનિર્માણની વાસ્તુકલાના જાણકારોને સલાયાના લોકો ગઇધર કહે છે. ઓસમાણ ગજ્જણ સલાયાના આવા એક જાણીતા ગઇધર છે. બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે કે લાકડામાંથી બનાવવામાં આવતું દરેક વહાણ અનેરું હોય છે.
તેઓ કહે છે, "લાકડાનાં પરંપરાગત વહાણ બનાવની કામગીરી શરુ કરતા પહેલાં તેની કોઈ બ્લુ પ્રિન્ટ કે ડ્રોઈંગ તૈયાર કરતા નથી. એ બધું માત્ર ગઇધરના મગજમાં હોય છે. વળી, દરેક વહાણના નિર્માણ માટે એક સરખું લાકડું મળી શકતું નથી. તેથી, દરેક વહાણના આકાર અને કદમાં થોડા-ઘણા ફેરફાર રહે છે. આ રીતે, દરેક પરંપરાગત વહાણ અનેરું હોય છે. પરંતુ આ જ કારણસર તેને બનાવવામાં લાંબો સમય જાય છે."
તેઓ ઉમેરે છે કે એફઆરપી વાપરીને મોટે ભાગે એક સરખા લાગતાં કેટલાંય વહાણો બનાવી શકાય છે અને તેથી તે કામ ઝડપથી કરી શકાય છે.
તેઓ કહે છે, "એફઆરપીથી વહાણ બનાવવા માટે પહેલા વહાણનું એક બીબું તૈયાર કરવું પડે છે. અમે પ્લાયવુડ વાપરીને એવાં બીબાં તૈયાર કર્યાં છે અને તેના પર એફઆરપી લગાડી રહ્યા છીએ. એફઆરપીનું બીબું તૈયાર થઇ ગયા પછી અમે પ્લાયવુડનું બીબું તેમાંથી કાઢી લઈશું અને બીજા વહાણના નિર્માણ માટે તેને વાપરીશું. આમ, મોટા ભાગે એક સરખાં વહાણોનું નિર્માણ શક્ય બનશે અને કામમાં ઝડપ આવશે."
ઓસમાણ ગજ્જણ કહે છે કે લાકડાનાં વહાણ બનાવવા માટે ઓછાંમાં ઓછાં બેથી ત્રણ વરસનો સમય અને બેથી સાત કરોડ રુપિયાની જરૂરી રહે છે પરંતુ એફઆરપીના વહાણનું નિર્માણ તેના કરતાં અડધા સમય અને નાણાંમાં થઈ જશે.
"એફઆરપીનાં વહાણમાં સાંધા ન હોવાથી તેનું મેઇન્ટેનન્સ લાકડાના વહાણની સરખામણીએ બહુ ઓછું આવે છે. વળી, લાકડાના વહાણનું વજન 700થી 750 ટન હોય છે જયારે એફઆરપીના વહાણનું વજન તેનાથી અડધું જ હશે. તેથી, તેને ચલાવવા ઓછા ડીઝલની જરૂર પડશે," તેઓ ઉમેરે છે.
સુંભણિયા કહે છે કે સામાન્ય રીતે લાકડાનું વહાણ ચલાવવા માટે દરરોજ આશરે 2500થી 3000 લીટર ડીઝલની જરૂર પડે છે. "એફઆરપીનું વહાણ દૈનિક 1200થી 1500 લીટર ડીઝલ વાપરશે તેવી ધારણા છે. વજનમાં હલકું હોવા છતાં વહાણ લાકડાના વહાણ કરતાં મજબૂત હશે. મારા વહાણમાં એફઆરપીનું પડ 90 મીલીમીટર એટલે કે આશરે સાડા ત્રણ ઇંચ જાડું છે જે ખૂબ જ મજબૂત છે."
કેટલાક નિષ્ણાતોએ એમ પણ જણાવ્યું કે લાકડાના વહાણની તુલનામાં એફઆરપીના વહાણનું વજન ઓછું હોવાથી તે છીછરા પાણીમાં પણ તરી શકે છે તેથી તે જે બંદરોમાં પાણીની ઉંડાઈ ઓછી છે તેમાં પણ જઈ શકશે.
લાકડાનાં વહાણ બનાવવમાં કેમ લાંબો સમય લાગે છે?
ઓસમાણ ગજ્જણ કહે છે કે 2500 ટન માલનું વહન કરવાની ક્ષમતાવાળું વહાણ બનાવવા માટે સામાન્ય રીતે 12000થી 13000 ઘન ફૂટ લાકડાની જરૂર પડે છે.
આટલા લાકડાથી બારથી તેર ટ્રક ભરાઈ જાય. તે લાકડાને વેરી તેમાંથી પાટિયાં કરવા પડે છે, તેને આકાર આપવા પડે છે અને પછી તેને નટ-બૉલ્ટથી એક-બીજા સાથે જોડવા પડે.
બે પાટિયાંની વચ્ચે તિરાડો રહે છે. એ તિરાડોમાંથી પાણી વહાણની અંદર આવી ન જાય તે માટે તિરાડોને તેલમાં બોળેલ રૂની વાટોથી ભરી દેવાય છે. ત્યાર બાદ લાકડા પર કલર કરવામાં આવે છે. આ બધી પ્રક્રિયામાં મોટે ભાગે હાથથી કરવામાં આવે છે તેથી ખૂબ સમય લાગે છે તેમ ઓસમાણ ગજ્જણ કહે છે.
"લાકડું પાણીના સંપર્કમાં આવતાં થોડું ફૂલે છે. આમ થવાથી આખા વહાણનું માળખું જોખમાય છે. તેથી લાકડાને સીઝનિંગ કરવું બહુ જરૂરી છે. તે માટે તેને બે ચોમાસા પલળવા દેવું પડે અને બે શિયાળામાં સુકાવા દેવું પડે. આમ, આ પ્રક્રિયા માટે ટાઈમ જરૂરી છે. આ જ કારણસર લાકડાના વહાણનું નિર્માંણ કામ ઓછામાં ઓછું બેથી ત્રણ વરસ સુધી ચાલે છે," તેઓ ઉમેરે છે.
સુંભણિયા કહે છે કે લાકડાનું વહાણ બનાવવાના તેમ જ રિપેરીંગના મોટા ભાગના કામ હાથથી કરવા પડે છે અને દિવસે ને દિવસે આ કામ જાણતા કારીગરોની સંખ્યા ઘટતી જાય છે.
લાકડાના પરંપરાગત વહાણોને અંગ્રેજીમાં સેઈલિંગ વેસ્સેલ, કન્ટ્રી ક્રાફટ કે ધો કહેવાય છે.
ઇન્ડિયન સેઈલિંગ વેસેલ્સ ઍસોસિએશનના જનરલ સેક્રેટરી આદમ ભાયા કહે છે ગુજરાતમાં માછીમારી કરવા માટે વપરાતી ફિશિંગ ટ્રોલર એટલે કે માછીમારીની હોડીઓનું નિર્માણ છેલ્લા એક દાયકાથી મોટા પ્રમાણમાં એફઆરપીથી થઈ રહ્યું છે.
જુનાગઢનું માંગરોળ અને ગીર સોમનાથ જિલ્લાનું વેરાવળ બંદર આ પ્રકારની માછીમારીની હોડીઓ બનાવવના મોટા કેન્દ્રો બન્યાં છે.
આદમ ભાયા ઉમેરે છે, "આપણે ત્યાં કારીગર નથી. સલાયાના કારીગરો સુથારી કામના નિષ્ણાત છે પરંતુ તેમને એફઆરપીનું કામ ફાવતું નથી. માંગરોળના કારીગરો એફઆરપીના જાણકાર છે પરંતુ તેમને મોટાં વહાણો બનાવવા માટે જરુરી સુથારી કામ આવડતું નથી. તેથી સલાયાના ગઇધરોએ માંગરોળથી કેટલાક કારીગરોને સલાયા બોલાવી તેમની સાથે એક સંયુક્ત ટીમ બનાવી અને સલાયામાં એફઆરપી વહાણો બનાવવાનું કામ ચાલુ કર્યું છે."
એફઆરપીનાં વહાણોનું આયુષ્ય કેટલું?
સુંભણિયા કહે છે કે એફઆરપીથી બનેલ વહાણનું આયુષ્ય પચાસેક વરસ રહેશે.
"એમાં લાકડાનો બહુ ઓછો વપરાશ થશે. પરિણામે વહાણોના નિર્માણ માટેના લાકડાની માંગ ઘટશે. તેથી, સરવાળે પર્યાવરણને ફાયદો થશે કારણ કે અપણે જંગલોને બચાવી શકીશું," તેઓ ઉમેરે છે.
આદમ ભાયા પણ કહે છે કે એફઆરપીથી પ્રદૂષણને ઘટાડી શકાશે. તેઓ કહે છે, "એફઆરપીના વહાણની સપાટી સાંધા વગરની સળંગ હોવાથી પાણી સાથે તેનું ઘર્ષણ ઓછું રહે છે અને પરિણામે લાકડાના વહાણ કરતાં એફઆરપીનું વહાણ કલાકે એકાદ નોટિકલ માઇલ વધારે ચાલશે. તેથી, ડીઝલની બચત સાથે અને પર્યાવરણનું જતન થશે. એ ઉપરાંત જયારે જહાજનું આયુષ્ય પૂરું થશે ત્યારે તેનું લાકડું અને એફઆરપીની પટ્ટીઓને અન્ય કામોમાં વાપરી તેને રિસાયકલ કરી શકાશે."
જો કે આદમ ભાયા ઉમેરે છે કે એફઆરપીથી બનેલ વહાણોનું આયુષ્ય લાકડાના વહાણોની સરખામણીએ ઓછું રહેશે.
તેઓ કહે છે, "લાકડાના બનેલ વહાણનો એક પ્રકારે કાયમ માટે ચાલતા રહે છે. સલાયામાં 1939માં અને 1940ના દાયકામાં બનેલ વહાણો હજુ પણ હયાત છે. લાકડાના વહાણનો ફાયદો એ છે કે તેમાંનું કોઈ પાટિયું કે લાકડું ઘસાઈ જાય કે કોહવાઈ જાય તો તેની જગ્યાએ નવું લાકડું કે પાટિયું ફીટ કરી શકાય છે. તેથી આખેઆખું વહાણ ક્યારેય જૂનું થતું નથી. પરંતુ એફઆરપીમાંથી બનેલ વહાણોનું આયુષ્ય તેનાથી ટૂંકું રહેશે તેવી ધારણા છે."
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન