You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુંબઈ : જૈનોએ જાહેર રસ્તા પર સફેદ પટ્ટા દોરતાં મરાઠી લોકોનો વિરોધ, આખો મામલો શું છે?
- લેેખક, દીપાલી જગતાપ
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
દેશની આર્થિક રાજધાની મુંબઈ એક કૉસ્મોપોલિટન મહાનગર છે. મુંબઈમાં કેટલાક એવા વિસ્તારો પણ છે, જેને 'મીની ઈન્ડિયા' કહેવામાં આવે છે, પરંતુ આવી સ્થિતિમાં, ખાસ કરીને ધ્રુવીકરણનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે ત્યારે સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિમાં બે સમુદાયો કેટલાક મુદ્દાઓ પર એકમેકની સામે ઊભેલા જોવા મળે છે.
મરાઠી વિરુદ્ધ બિનમરાઠી ભાષાકીય અસ્મિતાનું રાજકારણ મુંબઈ તથા મુંબઈવાસીઓ માટે નવું નથી. હકીકતમાં પ્રાદેશિક પક્ષ શિવસેનાનો જન્મ જ મરાઠી ઓળખના મુદ્દે થયો હતો.
એ પછી શિવસેનાનું મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) અને શિવસેના એમ બે જૂથોમાં વિભાજન થયું હતું. શિવસેના જેવા રાજકીય પક્ષો રાજકીય મુદ્દાઓ પર આક્રમક વલણ અપનાવતા જોવા મળે છે.
જોકે, હવે મુંબઈમાં આ મુદ્દો ફક્ત ભાષાકીય ઓળખ પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ જાહેર નિયમો, કાયદો તથા વ્યવસ્થા, નિયમો તથા આદેશોના પાલન અને સ્થાનિક લોકોએ શું ખાવું જોઈએ ત્યાં સુધી પહોંચી ગયો છે.
મુંબઈમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી માંસ ખાવા વિરુદ્ધ શાકાહાર, શાકાહારીઓને ઘર ભાડે આપવા કે વેચવા અને ચિકન-મટનની દુકાનો બંધ કરવી કે નહીં વગેરે જેવા વિવાદો વારંવાર થઈ રહ્યા છે.
કબૂતરખાનાનો વિવાદ પૂર્ણ થઈ ગયો છે એવું લાગતું હતું ત્યાં હવે મુંબઈમાં વિવિધ સ્થળોએ માર્ગો પર દોરવામાં આવેલા સફેદ પટ્ટાઓનો એક નવો વિવાદ શરૂ થયો છે.
વાસ્તવિક મુદ્દો શું છે?
મુંબઈના ઘાટકોપર-વિદ્યાવિહાર વિસ્તારની એક સોસાયટીમાં ફૂટપાથ પર શ્વેત રંગના પટ્ટાઓને કારણે સોશિયલ મીડિયા પર વિવાદ ફાટી નીકળ્યો હતો.
એક સ્થાનિક રહેવાસીએ શ્વેત પટ્ટાઓ દોરવાનો વિરોધ કર્યો હતો અને તેના વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જૈન સમુદાયના ધર્મગુરુ અથવા જૈન મુનીઓ માટે આ શ્વેત પટ્ટા રંગવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. તેનું નિરાકરણ થઈ ગયું હોવાની સ્પષ્ટતા બાદમાં કરવામાં આવી હતી, પરંતુ એ વિવાદનો અંત આવે ત્યાં સુધીમાં દાદર, લાલબાગ અને ગિરગાંવ વિસ્તારોમાં થોડા મીટર્સના અંતરે રસ્તાઓ તથા ફૂટપાથો પર શ્વેત રંગના સમાન પટ્ટાઓ બનાવવામાં આવી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું.
મનસેના નેતા સંદીપ દેશપાંડે તથા ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે દાદરના એ વિસ્તારની મુલાકાત લીધી હતી અને આ કૃત્ય સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. સ્થાનિક લોકોએ પણ તેનો વિરોધ કર્યો હતો.
સંદીપ દેશપાંડેના જણાવ્યા મુજબ, કોઈ પણ પરવાનગી વિના જાહેર સ્થળોએ આવા પટ્ટા દોરવા અયોગ્ય છે.
ત્યાં ઉપસ્થિત જૈન મુનીને મીડિયાએ સવાલ કર્યો ત્યારે વિવાદ સર્જાયાનો વીડિયો બહાર આવ્યો હતો.
મીડિયા સાથે વાત કરતાં દાદરના રહેવાસીઓએ કહ્યું હતું કે "શ્વેત પટ્ટાઓ શા માટે બનાવવા જોઈએ? આ રીતે તો બધા ધર્મોના લોકો પોતપોતાના રંગના પટ્ટા બનાવશે. આ ખોટું છે અને તે અટકાવવું જોઈએ."
"આજે તેમણે શ્વેત પટ્ટાઓ બનાવ્યા છે. કાલે કંઈક બીજું થશે. કંઈક ને કંઈક સતત થતું જ રહે છે. નિયમો છે ત્યારે આવું કેમ થાય છે? આની સામે કેસ નોંધવાની માંગણી અમે કરીએ છીએ."
એ પછી ગિરગાંવના ચોપાટી અને માંગળવાડી વિસ્તારોમાં પણ સફેદ પટ્ટાઓ દોરવામાં આવ્યા હોવાનો વીડિયો બહાર આવ્યો હતો. આ કિસ્સામાં 'આમ્હી ગિરગાંવકર' નામના સંગઠને વાંધો લીધો હતો અને કાર્યવાહીની માંગ કરી હતી.
મહાનગરપાલિકાનો પોલીસને પત્ર
આ પ્રકરણ સંબંધે મુંબઈ મહાનગરપાલિકાના જી-નોર્થ વિભાગ દ્વારા દાદર, શિવાજી પાર્ક અને માહીમ પોલીસ સ્ટેશનમાં એક પત્ર પાઠવવામાં આવ્યો હતો.
એ પત્રમાં જણાવ્યા મુજબ, "જી-નોર્થ વિભાગના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર અજાણ્યા નાગરિકો દ્વારા શ્વેત પટ્ટાઓ દોરવામાં આવ્યા છે. આ બાબતે સ્થાનિક નાગરિકો તરફથી મૌખિક ફરિયાદો મળી છે."
"આ પટ્ટાઓ દોરવા માટે વિભાગ દ્વારા કોઈ પરવાનગી આપવામાં આવી નથી. નાગરિકોમાં અસંતોષ સર્જાવાની શક્યતાને નકારી શકાય નહીં. આ કૃત્યને કારણે સાર્વજનિક મિલકતને નુકસાન થતું હોવાથી કાયદો તથા વ્યવસ્થાની સમસ્યા સર્જાઈ શકે છે. આ સંદર્ભે તમારા વિભાગે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેમજ એ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવું જોઈએ."
વાંધો શું છે?
દાદરમાં મનસેના નેતા સંદીપ દેશપાંડે અને ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે સંબંધિત વિસ્તારની મુલાકાત લીધી હતી. સ્થાનિક લોકોએ શ્વેત પટ્ટાઓ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
મીડિયા સાથે વાત કરતાં સંદીપ દેશપાંડેએ કહ્યું હતું કે "દાદરના સહિષ્ણુ વિસ્તારમાં શ્વેત પટ્ટાઓ દોરનારા લોકોને અમે વિનંતી કરીએ છીએ કે તમારે મુંબ્રા વિસ્તારમાં આવું કરી દેખાડવું જોઈએ. આવી સલાહ અને આહ્વાન આપવાનું જૈન મુનીઓને શોભતું નથી. ધર્મના નામે શું કરવું અને શું ન કરવું તેની તેમને ખબર નથી. પ્રત્યેકનો ધર્મ શેરીઓમાં નહીં, પરંતુ ઘરની ચાર દિવાલો વચ્ચે હોવો જોઈએ. હું માછલી ખાતો નથી એટલે મારા ઘર સામે મચ્છી માર્કેટ ન હોવી જોઈએ એવો આગ્રહ સાંસ્કૃતિક આતંકવાદ છે. પર્યુષણના સમયગાળા દરમિયાન માછલી તથા ચિકન નહીં ખાવાનું કહેવું અથવા એ માટે દબાણ કરવું એ પણ સાંસ્કૃતિક આતંકવાદ છે. અમે ચાલવા દઈશું નહીં."
"અમને ગમે છે એટલે કબૂતરોને ચણ નાખીશું. સાંસ્કૃતિક આતંકવાદ માત્ર શ્વેત પટ્ટાઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ આચરણ સંબંધિત છે. અમે જૈન ધર્મના વિદ્વાનોને અપીલ કરીએ છીએ કે કોઈ પરંપરા અનિચ્છનીય હોય તો તેને બદલવામાં કશું ખોટું નથી. તમે જે દેશમાં કે શહેરમાં રહેતા હો ત્યાંની વ્યવસ્થા, કાયદા અને નિયમોનું પાલન કરવું એ દરેક વ્યક્તિની ફરજ છે," એમ પણ તેમણે કહ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે "મૂળભૂત રીતે કાયદો કહે છે કે રસ્તો એ જાહેર મિલકત છે. તેને ખરાબ કરવામાં આવે તો રૂ. 20,000 સુધીનો દંડ ફટકારવો જોઈએ. આ દંડ મહાનગરપાલિકાએ વસૂલવો જોઈએ. તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરો એવો પત્ર મહાનગરપાલિકાએ મોકલવો જોઈએ. રસ્તા ખરાબ કરવાનો અધિકાર કોઈને પણ નથી. અમે નિયમાનુસાર કાર્યવાહીની માંગ કરી રહ્યા છીએ. કાયદાથી ઉપર કોઈ નથી."
બીબીસી મરાઠી સાથે વાત કરતાં ગિરવાંવ સંગઠનના પ્રમુખ ગૌરવ સાગવેકરે કહ્યું હતું કે "આ વિશે ખબર પડી ત્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અમે બે જગ્યાએ તેના વિરોધમાં આંદોલન કર્યું હતું. આવું પહેલાં ક્યારેય બન્યું નથી. મરાઠી લોકોની ચાલનો પુનર્વિકાસ કરીને આ જ લોકો તેમને ઘર આપવાનો ઈનકાર કરે છે. કેટલીક ઈમારતોમાં માંસાહારનો વિરોધ કરવામાં આવે છે. તેનાથી મરાઠી અને જૈન લોકો વચ્ચે તિરાડ પડે છે. મુંબઈ કે ગિરગાંવમાં છેલ્લાં ઘણાં વર્ષોથી આવા શ્વેત પટ્ટાઓ દોરવામાં આવ્યા નથી તો હવે આવું બધું કેમ કરવામાં આવી રહ્યુ છે? મુંબઈ મહાનગરપાલિકામાં સત્તા પર આવ્યા એટલે આવું બધું વધ્યું છે?"
જૈન સમુદાયની ભૂમિકા શું છે?
આ સંદર્ભે વાત કરતાં જૈન મુની નિલેશચંદ્રએ કહ્યુ હતું કે "સંદીપ દેશપાંડે જૈન ધર્મને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. તેઓ ભીંડી બજાર, મુંબ્રા અને પાયધુની ક્યારે જશે?" આવો વળતો સવાલ નિલેશચંદ્રએ સંદીપ દેશપાંડેને પૂછ્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે "જૈન સમુદાય ડરતો નથી. ઝૂકશે પણ નહીં. મહારાષ્ટ્ર છત્રપતિ શિવાજી મહારાજનું છે. મહારાષ્ટ્ર લોકોમાં ભાગલા પડાવતા રાજકારણીઓનું નથી."
અખીલ ભારતીય જૈન લઘુમતી ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ લલિત ગાંધીએ આ બાબતે વિગતવાર વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે "જૈન સમુદાયે શ્વેત પટ્ટાઓ દોર્યા એટલે વિવાદ શરૂ કરવામાં આવ્યો છે. શ્વેત પટ્ટાથી કોને નુકસાન થાય છે? આ બાબતને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. જે પક્ષ સમાજમાં બે સમુદાયો વચ્ચે સંઘર્ષ પેદા કરવાનું કામ કાયમ કરતો રહ્યો છે તે જૈન સમુદાય વિશે કંઈ પણ બોલી રહ્યો છે."
"શ્વેત રંગ શાંતિનું પ્રતીક છે. જૈન સમાજ કાયમ શાંતિપ્રિય રહ્યો છે. જૈન સમાજના સંદેશનું વહન સાધુ-સાધ્વીઓ કરતાં હોય છે. તેઓ પગપાળા પ્રવાસ કરતાં હોય છે. વધતા તાપમાનને કારણે તેમને ઉઘાડા પગે ચાલવામાં ત્રાસ થાય છે. શ્વેત પટ્ટાઓ દોરવાનું તેમણે ક્યારેય કહ્યું નથી, પરંતુ શ્રાવકોને લાગે છે કે સાધુ-સાધ્વીઓ 40 ડિગ્રી તાપમાનમાં ભીક્ષા લેવા માટે આવતા હોય તો તેમને રસ્તા પર ચાલવામાં સુવિધા હોવી જોઈએ."
"ચાતુર્માસ દરમિયાન, રસ્તાઓ પર નાનાં જીવજંતુઓ હોય તો પણ તે શ્વેત પટ્ટાઓ દેખાય. જીવજંતુઓ સાધુ-સાધ્વીઓના ચાલવાથી મરી ન જાય એટલા માટે શ્વેત પટ્ટાઓ દોરવામાં આવ્યા છે. જૈન સમુદાય શાંતિથી જીવી રહ્યો છે, પરંતુ જૈન સમાજ વિરુદ્ધ કંઈ પણ બોલવું એ જૈન સમાજનું અપમાન છે. આ રાજકારણનો વિષય નથી. અમારા સાધુઓ ત્યાગી હોય છે."
તેમણે ઉમેર્યું હતું કે "આવું કશું કરવા માટે મુંબઈમાં પરવાનગી લેવી પડે છે તેનો અમે ખ્યાલ ન હતો. અમે ટૂંક સમયમાં મેયરને મળીશું અને મહાનગરપાલિકા પાસેથી પરવાનગી મેળવીશું અથવા તેમને આવા શ્વેત પટ્ટાઓ દોરવા વિનંતી કરીશું, પરંતુ અમારી લાગણીને ઠેસ મારવાનું કામ કરશો નહીં."
મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
મીડિયાના સવાલના જવાબમાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ હતું કે "સૌથી પહેલાં તો મને એવું લાગે છે કે કોઈએ કોઈ પણ સમાજને એકમેકની સામે ઊભા કરવો યોગ્ય નથી. સમાજમાં તિરાડ સર્જવી યોગ્ય નથી."
"કોઈ સમાજની એકાદી પરંપરા હોય તો તે પરંપરા જાળવી રાખવી જોઈએ અને અન્ય સમાજના લોકોએ પણ તેનો આદર કરવો જોઈએ. આપણી સંસ્કૃતિમાં એકમેકનો આદર કરવો જરૂરી છે. તેમાં રાજકારણ ભેળવવાથી ક્યારેય ફાયદો થતો નથી. તેનાથી મત પણ મળતા નથી."
આ કૃત્યને "સાંસ્કૃતિક આતંકવાદ" કહેવામાં આવે છે, એ સંદર્ભે મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે "ઘણી વખત ચર્ચામાં રહેવા માટે લોકો જાતજાતની વાતો કરતા હોય છે. મારે મુખ્ય મંત્રી તરીકે આવી બધી બાબતો વિશે પ્રતિભાવ આપવો જોઈએ, એવું મને લાગતું નથી," એમ તેમણે ઉમેર્યું હતું.
કબૂતરખાના બંધ કરવા વિશેનો વિવાદ
મુંબઈમાં કુલ 51 કબૂતરખાનાં છે. મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંતે બધાં કબૂતરખાનાં તત્કાળ બંધ કરવાનો આદેશ ગયા વર્ષે વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન આપ્યો હતો.
એ પછી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ 2025ની બીજી ઑગસ્ટે દાદર ખાતેનું કબૂતરખાનું બંધ કર્યું હતું. એ માટે સંપૂર્ણ કબૂતરખાનાને તાલપત્રી વડે ઢાંકી દેવામાં આવ્યું હતું. તેની સામે સ્થાનિક લોકો વાંધો લેતા જોવા મળ્યા હતા. એ ઉપરાંત પક્ષીપ્રેમીઓ અને જૈન સમાજે ત્રીજી ઑગસ્ટે દક્ષિણ મુંબઈમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમાં જૈન સાધુઓએ પણ ભાગ લીધો હતો.
એ વખતે મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે "આખો સમાજ અત્યાર સુધી ઊંઘી રહ્યો છે. મુંબઈ મહાનગરપાલિકાનો આ નિર્ણય ખોટો છે. તે અમારા ધર્મના વિરોધમાં છે. સાતમી તારીખે મુંબઈ હાઈકોર્ટ શું નિર્ણય કરે છે તે અમે જોઈશું. આજે અમે કબૂતરો માટે સર્વશક્તિમાનને પ્રાર્થના કરી રહ્યા છીએ."
જૈન મુનીએ ઉમેર્યું હતું કે "સાતમી તારીખ સુધીમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે રાજ્યવ્યાપી આંદોલન કરીશું. લાખો કબૂતરો તેમના પ્રાણ ગુમાવી રહ્યાં છે. તેમને ખોરાક કે પાણી મળતું નથી. અમે મુંબઈ મહાનગરપાલિકાનો વિરોધ કરીએ છીએ."
મહત્ત્વની વાત એ છે કે કબૂતરખાનાં આરોગ્યના કારણોસર બંધ કરવામાં આવ્યાં હતાં, પરંતુ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ આ મુદ્દે પણ મરાઠીઓ તથા જૈન સમુદાય વચ્ચે વિવાદ સર્જાયો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન