સાઉદી અરેબિયા: જેદ્દાહમાં 'બૉમ્બ બ્લાસ્ટ', અનેક ઘાયલ થયા હોવાની આશંકા

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

ફ્રાન્સના આંતરિક મંત્રાલયનું કહેવું છે કે સાઉદી અરબના જેદ્દાહ શહેરમાં બિનમુસ્લિમ અંતિમક્રિયા સ્થળે એક બૉમ્બ બ્લાસ્ટ થયો હોવાના અને તેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

વિશ્વયુદ્ધના અંતની સ્મૃતિમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન આ બૉમ્બ બ્લાસ્ટ હુમલો થયો છે.

આ કાર્યક્રમમાં અનેક દૂતાવાસના લોકો સામેલ હતા.

મંત્રાલયનું કહેવું છે કે બિન-મુસ્લિમના એક કબ્રસ્તાનમાં અનેક લોકો ઘાયલ થયા છે. જોકે, આ બાબતે સાઉદી અરેબિયા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

સાઉદી અરેબિયામાં હાજર ફ્રાન્સના એક પત્રકારે હુમલાની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, આ તસવીરોમાં દરેક બાજુ લોહી જોઈ શકાય છે.

ફ્રાન્સનાં ક્લૅરેન્સ રોડ્રિગ્યુઝે ફોટો ટ્વીટ કરીને બુધવારે લખ્યું, "જેદ્દાહમાં બિનમુસ્લિમ કબ્રસ્તાનમાં હુમલો કરવામાં આવ્યો છે. 11 નવેમ્બરની સેરેમની દરમિયાન. ફ્રાન્સ, આયર્લેન્ડ અને બ્રિટનના કાઉન્સિલ જનરલની હાજરીમાં હુમલો કરવામાં આવ્યો."

તેમણે એમ પણ લખ્યું કે "ત્યાં અનેક ઘાયલ...13 દિવસ પહેલાં ચપ્પુથી કાઉન્સલેટની બહાર કરાયેલાં હુમલા પછી, ફ્રાન્સને ફરીથી ટાર્ગેટ કરવામાં આવ્યું છે."

જોકે, આ ઘટનાને લઈને સાઉદી અરબિયા તરફથી કોઈ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ જેદ્દાહ શહેરમાં તણાવ છે. 12 દિવસ પહેલાં જેદ્દાહસ્થિત ફ્રાન્સના વાણિજ્ય દૂતાવાસમાં એક ગાર્ડને ચપ્પુ મારવામાં આવ્યું હતું.

તાજેતરમાં ફ્રાન્સમાં પેંગબર મોહમ્મદના કાર્ટૂન અને તેને પગલે શિક્ષકની હત્યાની ઘટના પણ બની હતી.

આમાં વધારે વિગતો ઉમેરાઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો