You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હિંદ મહાસાગરમાં વ્હેલનું 50 લાખ વર્ષ જુનું કબ્રસ્તાન કઈ રીતે મળી આવ્યું?
દક્ષિણ-પૂર્વ હિંદ મહાસાગરમાં લગભગ 1,200 કિમી (745 માઇલ) લાંબું એક વિશાળ વ્હેલનું કબ્રસ્તાન મળી આવ્યું છે.
આ સ્થળ, જે 7 કિમી (ચાર માઇલ) ઊંડું છે, તે ડાયમેન્ટીના ફ્રેક્ચર ઝોનમાં મળી આવ્યું છે, જે દરિયાના તળિયે આવેલી પહાડીઓ અને અને ખાઈઓની એક શ્રેણી છે.
પરંતુ તે અવશેષોની ઉંમરે વૈજ્ઞાનિક સમુદાયમાં ભારે ઉત્તેજના જગાવી છે, કેમકે તેમાંથી કેટલાંક તો 53 લાખ વર્ષ જૂના છે.
'નૅચર' મેગેઝિનના જણાવ્યા અનુસાર ચીન, ઇટાલી અને ન્યુઝીલૅન્ડના સંશોધકોની એક ટીમ દ્વારા શોધાયેલા પાણીની અંદરના આ કબ્રસ્તાનમાં એવાં એવાં જીવો અને પ્રજાતિઓ હયાત છે, જે કદાચ વિજ્ઞાન માટે સાવ નવાં હશે.
આ સંશોધન કરી રહેલા લેખકોમાંના એક, ચાઇનીઝ ઍકેડેમી ઑફ સાયન્સના ઝિયાઓટોંગ પેંગે જણાવ્યુંઃ "આટલા મોટા કદના કબ્રસ્તાનની શોધ સંપૂર્ણપણે અણધારી હતી."
"તેનો વિસ્તાર, ઊંડાઈ અને સમયસીમા અમારી કલ્પના કરતાં અનેકગણા વધારે હતા."
આ જગાએ 32 વાર ડૂબકીઓ મારી, તે દરમિયાન સંશોધકોએ વ્હેલના અવશેષોવાળાં 485 સ્થળો અને સક્રિય વ્હેલ ફોલ્સ (સમુદ્રના તળિયે પડેલા વહેલનાં સક્રિય શબ)માંથી નમૂનાઓ એકત્રિત કર્યા હતા. તેમને ત્યાં અવશેષોનો એક મોટો ખજાનો મળ્યો હતો, જેમાં એક લુપ્ત થઈ ગયેલી વ્હેલનું હાડપિંજર પણ હતું.
53 લાખ વર્ષ જૂનો એક અવશેષ પણ મળ્યો
આ કબ્રસ્તાનમાંથી મળી આવેલા અવશેષોની ખોપડીમાંથી એક ચાંચવાળી ટેરોસેટ્સ બેંગુએલી હતી, જે 53 લાખ વર્ષ જૂની હોવાનું જાણવા મળ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાંચ મીટર લાંબી ઍન્ટાર્કટિક મિંક વ્હેલનું હાડપિંજર સૌથી મોટી શોધ હતી.
એક નવી પ્રજાતિ વિશે પણ ખબર પડી, જેનું નામ ટીમે એ સ્થળના નામ પરથી 'ટેરોસેટસ ડાયમેન્ટિ' આપ્યું.
હાડપિંજરોના આટલા વિશાળ ભંડાર પર નિર્ભર જીવોમાં જેલીફિશ, કૃૃમિઓ અને કવચધારી જળચરોનો સમાવેશ થાય છે.
કેલ્વર્ટ મરીન મ્યુઝિયમના સ્ટીફન જે. ગોડફ્રેએ 'નેચર'માં લખ્યું, "પેંગ અને તેમના સાથીદારોને મળેલું આ વિશાળ અવશેષોનું કબ્રસ્તાન ખરેખર એક અદ્ભુત શોધ છે."
"જોકે આ સ્થળ સુધી પહોંચવાની સુવિધાઓ મર્યાદિત છે, છતાં એવું લાગે છે કે અહીં ઘણી અન્ય રોમાંચક શોધો પણ છુપાયેલી હોઈ શકે છે. તેમાં કોઈ શંકા નથી કે આ પ્રકારનો માહોલ પાણીની નીચે જઈ શકતાં વાહનો દ્વારા સંશોધન કરવાની પ્રેરણા આપશે.
"પેંગ અને તેમના સાથીદારોના રીસર્ચ પેપરે મને મહાફિલ્મોની શ્રેણીની પ્રથમ ફિલ્મના ટ્રેલરની યાદ અપાવી દીધી. મને આશા છે કે ભવિષ્યમાં આવી અનેક બ્લૉકબસ્ટર શોધો થશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન