You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'વીજળીના થાંભલાનું ક્યાં સુધી ચાલશે, વરસાદ આવશે તો મગફળીનું વાવેતર નહીં થાય', વિરોધમાં ગાંધીનગરમાં આજે ખેડૂતોની ટ્રૅક્ટર રેલી
તાજેતરમાં મોરબીના જેતપર ગામમાં તેમજ સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં ખેતરમાં ખાનગી કંપનીના વીજળીના થાંભલા નખાતા ખેડૂતો રોષે ભરાયા છે. છેલ્લા પખવાડિયાંમાં ખેડૂત અને પોલીસ ઘર્ષણની કેટલીક ઘટનાઓ પણ સામે આવી છે.
આ મામલે હવે ખેડૂતો, ખેડૂત આગેવાનો તેમજ કૉંગ્રેસના નેતાઓ મોરબીથી 200થી વધુ ટ્રૅક્ટરની રેલી લઇને નીકળ્યા છે અને સોમવારે ગાંધીનગર પહોંચવાના છે. આમ આદમી પાર્ટીએ પણ ખેડૂતોની આ રેલીને ટેકો જાહેર કર્યો છે.
ખેતરોમાં વીજ થાંભલા નખાવાને કારણે ખેડૂતોના મનમાં પેદા થયેલી ચિંતા મોરબીના ટંકારા તાલુકાના અમરાપુર ગામના ખેડૂત ગુલાબભાઈએ ઉઠાવેલા મુદ્દાઓમાં પ્રતિબિંબિત થાય છે.
તેઓ કહે છે,"અમારા ખેતરમાં પાંચ પાચ વીઘા જમીન છે. આટલી ઓછી જમીનમાં થાંભલા આવી જાય તો વાવવાલાયક શું રહે? અમારી જમીન બિનઉપજાઉ થઈ જાય પછી અમે બાગાયતી પાક ન લઈ શકીએ અને જમીનને બિનખેતી પણ ન કરી શકીએ."
"મોરબી કલેકટરને અમે પાંચ વખત રજૂઆત કરી છતાં તેઓ સાંભળતા નથી. તેથી અમે હવે રેલી કરીને ગાંધીનગર જઈ રહ્યા છીએ. ત્યાં જઈને સત્તાધીશોને અમે કહેવાના છીએ કે અમારા ખેતરમાંથી કાં વીજળીના થાંભલા હઠાવી દો અથવા તો પૂરેપુરું વળતર આપો."
'થાંભલાનું કામ કેટલા દિવસ ચાલશે એ ખબર નથી અને વરસાદ આવી ગયો તો વાવેતર નહીં થાય'
થાંભલા વિવાદને લીધે હવે ખેડૂતો વિમાસણમાં મૂકાયા છે.
મોરબીના સાપકડા ગામના ખેડૂત નારણભાઈ કેશાભાઈએ કહ્યું હતું કે, "અમારાં ખેતરો ખૂંદી નાખ્યાં છે. થાંભલા ઘણા આવ્યા છે. નુકસાન ઘણું છે."
સાપકડાના જ પ્રહલાદભાઈ ડાભીએ કહ્યું હતું કે, "અમારે વીઘે ચાલીસથી પચાસ હજારની મગફળીનું વાવેતર થાય છે, પણ અત્યારે તો એવી સ્થિતિ જ નથી. હજી આ થાંભલાનું કામ કેટલા દિવસ ચાલશે એ ખબર નથી અને વરસાદ આવી ગયો તો વાવેતર નહીં થાય, તેથી અમારે તો સ્થિતિ માઠી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સવિતાબહેન નારણભાઈએ કહ્યું હતું કે, "થાંભલા ખેતરમાં નંખાય તેનું અમને યોગ્ય વળતર નથી મળતું. અમને એવા જવાબ મળે છે કે આ તો સરકારી કામ છે એ તો કરવું જ પડે અને સરકારી છે એટલે એમાં વળતર એટલું ન મળે. અમે આગામી દિવસોમાં પરિવારમાં પ્રસંગો લેવાના હતા તે નંદવાઈ ગયા છે."
સાપકડાનાં જ ખેડૂત ચંદ્રિકાબહેને કહ્યું હતું કે, "અમે તેમને કહ્યું હતું કે થાંભલો ઊભો કરો તેનો વાંધો નથી, પણ યોગ્ય વળતર આપો. પરંતુ અમારું તો કોઈ સાંભળતું જ નથી."
ખેડૂતોના આ વિરોધના અવાજો વચ્ચે હળવદના પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરિયાએ બીબીસી ગુજરાતીના સહયોગી સચીન પીઠવાને જણાવ્યું હતું કે "ખેતીના પાક હતા અને ટ્રાન્સમિશનનું કામ થયું છે ત્યાં ચુકવણું થઈ ગયું છે. જે ખેડૂતોએ બાગાયતી પાક લીધા હતા તેમનું વળતર બાકી છે. ત્યાં વળતરનું ચુકવણું ન થાય ત્યાં સુધી કામ ન કરવા સૂચના અપાઈ છે."
'દેવામાં ડૂબેલા ખેડૂતના ખેતર પર હવે વીજળીના થાંભલા'
મોરબીથી જે રેલી નીકળી છે. તેમાં ખેડૂત આગેવાન તેમજ ગુજરાત કિસાન કૉંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા સહિતના લોકો જોડાયેલા છે. તેમણે જણાવ્યું હતું કે, "ગુજરાતનો ખેડૂત દેવામાં તો ડૂબેલો હતો જ. એમાં હવે ખાનગી વીજળી કંપનીઓ ખડૂતોની છાતી સમાન ખેતર પર થાંભલા નાખે છે. આ લડાઈ માત્ર વળતરની નથી."
પાલભાઈએ કહ્યું હતું કે, "જમીનમાં થાંભલા લાગી જવાથી જમીનનો ભાવ પચાસ ટકા જેટલો ઘટી જાય છે. ખેતરમાં થાંભલા આવે તો 2013ના જમીન સંપાદન કાયદામાં માર્કેટ ભાવ કરતાં ચાર ગણું વળતર આપવાની જોગવાઈ છે તો પછી શા માટે સરકાર જંત્રી ભાવના ચાર ગણા આપવાની વાત કરે છે?"
"રાજ્ય સરકારે જ્યાં ખેડૂતનું હિત છે તે તમામ કલમ પર બુલડોઝર ફેરવીને 2017, 2021,2023, 2024માં પરિપત્ર તૈયાર કર્યા છે, અને માર્કેટ ભાવને મારી નાખ્યા છે."
વડગામ ધારાસભ્ય અને ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશ મેવાણી પણ ખેડૂતોને મળ્યા હતા.
મેવાણીએ જણાવ્યું હતું કે, "ભાજપની સરકારે ખાનગી કંપનીઓને કહેવાનું હતું કે ખેડૂતો જે કહે તે વળતર આપો. તેને બદલે પોલીસને કહી રહી છે કે ખેડૂતોને દંડા મારો. મહિલા સહિત ખેડૂતો પર જે લાકડીના ફટકા પડ્યા. તેને લીધે ભાજપનો ખોટો સંદેશ રાજ્યમાં ગયો છે."
ખેતરમાં થાંભલા મૂકાય તો જમીનનો ભાવ ઘટવા ઉપરાંત બીજાં પણ જોખમો ઊભાં થાય છે, એવો પાલભાઈ આંબલિયાનો મત છે.
તેમણે કહ્યું હતું કે, "ગુજરાતમાં ક્યાંક શૉર્ટ સર્કિટ થવાના કારણે, ક્યાંક વીજળીના થાંભલા તૂટી પડવાના કારણે કે તાર તૂટી પડવાને લીધે દર વર્ષે સરેરાશ 20થી 25 ખેડૂતો મોતને ભેટે છે. તારમાંથી તણખા ઝરવાને કારણે ખેડૂતોનો પાક બળી ગયો હોય તેવા પણ બનાવો નોંધાયા છે. ખેડૂતોના જોખમ સામેની કોઈ પૉલીસી સરકાર પાસે નથી. તેથી અમારી સરકાર પાસે સ્પષ્ટ માગ છે કે પૉલીસી બનાવે."
રાજકોટના સાંસદ અને ભાજપના નેતા પરષોત્તમ રૂપાલાએ મીડિયાને જણાવ્યું હતું કે, "મેં કૃષિ મંત્રીને મળીને વિગતવાર ચર્ચા કરી છે. મુખ્ય મંત્રીના ધ્યાન પર આ વિષય છે જ. મારું માનવું છે કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતને નુકસાન ન થાય તેવી નીતિ બનાવવા જઈ રહી છે. સરકાર દ્વારા આનો સુખદ ઉકેલ લાવવામાં આવે તેવી અપીલ કરું છું."
'જમીન ખેડૂતની અને તેની અંદર ઊભેલો થાંભલો ખાનગી કંપનીનો?'
મોરબીથી ખેડૂતોની જે રેલી નીકળી છે તેને આમ આદમી પાર્ટી પણ સમર્થન આપ્યું છે.
વીસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, "સરકાર હાઇવે બનાવે કે રેલવે ટ્રૅક નાખે કે ડૅમ બનાવે તો ખેડૂતને યોગ્ય વળતર આપીને તેની પાસેથી જમીન લઈ લે છે. લાઇટના થાંભલામાં જમીન લઈ નથી લેતા. જમીન ખેડૂતની પણ થાંભલો તેમનો. આવું કેમ? સરકાર કેમ માર્કેટ કિંમતના ચાર ગણા રૂપિયા આપીને જમીન લઈ નથી લેતી? એક વાત એ સમજવાની જરૂર છે કે આ સરકારી કામ નથી. ખાનગી કંપનીનું કામ છે. કંપનીને કોઈ દેશસેવા કરવી નથી એને તો ધંધો કરવો છે."
નવ જૂને મોરબીના જેતપરમાં ખેડૂતો અને મહિલાઓ સાથે પોલીસ સંઘર્ષ થયો હતો.
જેમાં કેટલીક મહિલાઓ સાથે પણ ઘર્ષણ થયું હતું. પોલીસે તે વખતે મહિલાઓની પણ અટકાયત કરી હતી. તે પછી ખેડૂતોએ રેલી કાઢીને મોરબીના કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. તે વખતે મોરબીના કલૅક્ટર સ્વપ્નીલ ખરેએ જણાવ્યું હતું કે, "ટ્રાન્સમિશન બાબતે જેટલી પણ કાર્યવાહી ચાલી રહી છે તે કાયદાની જોગવાઈ અંતર્ગત ચાલી રહી છે. વળતર સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. વળતર અંગે કોઈને અસંતોષ હોય તો એની પણ જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે. જેમાં ટેલિગ્રાફ ઍક્ટની કલમ 16 – 3 અંતર્ગત ડ્રિસ્ટ્રિક્ટ જજ પાસે પણ અપીલ થઈ શકે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન