ભારત અને UK વચ્ચે વિમાનસેવા 8 જાન્યુઆરીથી ફરી શરૂ થશે

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ ટ્વીટ કર્યું કે ભારત અને બ્રિટન વચ્ચે 8 જાન્યુઆરી 2021થી વિમાનસેવા શરૂ થઈ જશે.

તેમણે જણાવ્યું કે 23 જાન્યુઆરી સુધી માત્ર સપ્તાહમાં 15 ફ્લાઇટ બ્રિટનથી દિલ્હી, મુંબઈ, બૅંગ્લુરુ અને હૈદરાબાદ વચ્ચે ચલાવવામાં આવશે અને ડીજીસીએ આ મામલે તમામ માહિતી ટૂંક સમયમાં જાહેર કરશે.

અત્રે નોંધવું કે બ્રિટનમાં કોરોના વાઇરસનો નવો પ્રકાર મળી આવ્યા બાદ બંને દેશો વચ્ચેની વિમાનસેવા પર અસ્થાયી રોક લગાવી દેવાઈ હતી.

કેરળમાં ભાજપના ધારાસભ્યે કૃષિકાયદાના વિરોધ પ્રસ્તાવનું સમર્થન કર્યું

કેરળની વિધાનસભાએ ગુરુવારે સર્વસંમતિથી વિવાદિત કૃષિકાયદાઓ વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કર્યો હતો જેને લઈને વિવાદ થઈ રહ્યો છે.

આ ખાસ સત્રમાં કેરળમાં ભાજપના એકમાત્ર ધારાસભ્ય રાજગોપાલે પ્રસ્તાવનો વિરોધ ન કર્યો અને તેને લીધે ભાજપના નેતૃત્વ માટે અજીબોગરીબ સ્થિતિ સર્જાઈ.

ઉલ્લેખનીય છે કે મહિનાથી વધારે સમયથી દિલ્હીની સરહદો પર ખેડૂતો મોદી સરકારે પસાર કરેલા કૃષિકાયદાઓનો વિરોધ કરી રહ્યા છે અને આગામી વાતચીતમાં ઉકેલ ન આવે આંદોલન તેજ કરવાની જાહેરાત કરી છે. ખેડૂતોની માગ છે કે સરકાર ખાસ સત્ર બોલાવી ત્રણે કૃષિકાયદાઓ પરત લે.

ભાજપના ધારાસભ્ય ઓ રાજગોપાલે સત્ર પછી મીડિયાને કહ્યું એમણે પ્રસ્તાવનું સમર્થન કર્યું છે અને લોકશાહીની ભાવના માટે સહુની સહમતીને સાથ આપ્યો છે.

એ પછી એમણે સ્પષ્ટીકરણ પણ આપ્યું કે તેઓ કૃષિકાયદાઓ અને કેન્દ્ર સરકારની વિરોધમાં નથી.

આ સત્રમાં એમણે પ્રસ્તાવ પર મત ન આપ્યો અને સ્પીકરે પ્રસ્તાવને સર્વસંમતિથી પસાર થયો હોવાની ઘોષણા કરી.

જ્યારે એમને પૂછવામાં આવ્યું કે શું તેઓ આ પ્રસ્તાવનું સમર્થન કરે છે તો એમણે કહ્યું કે, પ્રસ્તાવની કેટલીક બાબતોને લઈને એમને જે ચિંતાઓ હતી એ એમણે પોતાના ભાષણમાં વ્યક્ત કરી છે.

એમણે કહ્યું, "મેં મારો મત આપ્યો છે પણ એ સહમતી નથી. હું નથી માનતો. શું આ લોકશાહીની ભાવના નથી?"

એમનું કહેવું છે કે "એમણે ભાજપ માટે કોઈ સમસ્યા નથી ઊભી કરી."

એમણે કહ્યું, "મારા મતે આ લોકશાહીની ભાવના છે."

વિપક્ષ યુડીએફએ પ્રસ્તાવનું સમર્થન કર્યું. જોકે, એમણે એની ટીકામાં એમ પણ કહ્યું કે આ પ્રસ્તાવ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે આકરો નથી.

યુડીએફએ કહ્યું કે રાજ્ય કેન્દ્ર સરકારના કાયદાઓ કાઉન્ટર કરવા માટે પોતાના કાયદાઓ ઘડવામાં મોડું કરે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો