'કોઈ પણ પ્લેન ક્રૅશ થાય ત્યારે પાઇલટને જ દોષી ઠેરવાય છે કારણકે...', એક પિતાની પાઇલટ પુત્રની પ્રતિષ્ઠા બચાવવા માટેની લડાઈ

    • લેેખક, અર્ચના શુક્લ
    • પદ, મુંબઈ
    • લેેખક, નિકિતા યાદવ
    • પદ, દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ગયા વર્ષે ઍર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા એક પાઇલટના પિતાએ કહ્યું છે કે તેઓ તેમના પુત્રની પ્રતિષ્ઠાનો બચાવ કરવાનું ચાલુ રાખશે. આ વાત તેમણે તપાસકર્તાઓ દ્વારા રજૂ કરવામાં આવેલાં તારણોનો રિપોર્ટ જાહેર થાય તેના થોડા દિવસો પહેલાં કહી હતી.

પુષ્કરરાજ સભરવાલની ટિપ્પણીઓ બીબીસી પાસે મહિનાઓ પછી આવી, જ્યારે તેમણે કેટલાક મીડિયાના અહેવાલોને નકારી કાઢ્યા હતા, જેમાં એવો સંકેત આપવામાં આવ્યો હતો કે તપાસકર્તાઓનું ધ્યાન તેમના પુત્ર કૅપ્ટન સુમીત સભરવાલ તરફ વળી રહ્યું છે, જે કૉકપિટમાં વરિષ્ઠ પાઇલટ હતા.

"તે હવે નથી, પરંતુ મારે તેની પ્રતિષ્ઠાને બચાવવી પડશે," તેમણે કહ્યું.

12 જૂન 2025ના રોજ લંડન જતું એક બૉઇંગ 787 ડ્રીમલાઇનર પશ્ચિમ ભારતના અમદાવાદમાંથી ઉડાન ભર્યા પછી સેકન્ડોમાં જ ક્રૅશ થયું હતું, જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત ઓછામાં ઓછા 260 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

દુર્ઘટનાનું કારણ અજ્ઞાત છે.

ગયા વર્ષે જુલાઈમાં ભારતના ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રારંભિક અહેવાલમાં જાણવા મળ્યું હતું કે ટેક-ઑફ પછી તરત જ બંને ઍન્જિનની ફ્યૂઅલ કંટ્રોલ સ્વીચો 'રન' પોઝિશનમાંથી 'કટ-ઑફ' પોઝિશનમાં જતી રહી હતી, જેના કારણે ઍન્જિનને ઈંધણ મળતું બંધ થઈ ગયું હતું.

કૉકપીટના ઑડિયો રેકૉર્ડિંગમાં એક પાઇલટ બીજા પાઇલટને પૂછતો સંભળાય છે કે તેણે 'કટ-ઑફ' કેમ કર્યું, અને બીજાએ જવાબ આપ્યો કે તેણે નથી કર્યું. તપાસકર્તાઓએ ઓળખી શક્યા નથી કે કઈ વાત કયા પાઇલટે કરી હતી.

અમદાવાદ પ્લેન ક્રૅશનું રેકૉર્ડિંગ સામે આવતાં જાતભાતની અટકળો થવા લાગી

ઉડાન ભરતી વખતે કૅપ્ટન સભરવાલ દેખરેખ રાખી રહ્યા હતા અને કો-પાયલોટ ક્લાઇવ કુંડર વિમાન ઉડાડી રહ્યા હતા. તપાસકર્તાઓએ રિપોર્ટમાં ઉલ્લેખિત વાતચીત સાથે કોઈ પણ પાઇલટને જોડ્યા નથી, કે કોઈ પણ કાર્યવાહી ઇરાદાપૂર્વક કરવામાં આવી હોય તેવું પણ જાણવા મળ્યું નથી.

ગયા વર્ષે પ્રારંભિક અહેવાલ જાહેર થયાના થોડા દિવસો પછી 'ધ વૉલ સ્ટ્રીટ જર્નલ' અને 'રૉયટર્સ'એ અહેવાલ આપ્યો હતો કે તપાસમાં બહાર આવેલી નવી વિગતો અનુસાર કૉકપીટમાં રહેલા વરિષ્ઠ પાઇલટ કૅપ્ટન સભરવાલ તરફ ધ્યાન જઈ રહ્યું છે.

'રૉયટર્સ'ના અહેવાલમાં અજ્ઞાત સ્ત્રોતોને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે ગયા વર્ષે ક્રૅશ થયેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટની કૉકપીટમાં બે પાઇલટો વચ્ચે થેયલી વાતચીતનું રેકૉર્ડિંગ એ માન્યતાને સમર્થન આપે છે કે કૅપ્ટને વિમાનનાં ઍન્જિનોમાં ઈંધણનો પ્રવાહ બંધ કરી દીધો હતો."

આ મીડિયા અહેવાલોને કારણે ભારતમાં પાઇલટ ઍસોસિએશનો તરફથી જોરદાર વિરોધ થયો હતો. તેમણે આ કવરેજની ટીકા કરી હતી અને વરિષ્ઠ પાઇલટે અકસ્માત સર્જ્યો હોવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા.

AAIBએ પણ આંતરરાષ્ટ્રીય મીડિયાના કેટલાક વિભાગો દ્વારા કરવામાં આવેલા, તેના શબ્દોમાં કહીએ તો, "પસંદગીયુક્ત અને અપ્રમાણિત અહેવાલો"ની ટીકા કરી હતી. ગયા વર્ષે બહાર પાડવામાં આવેલા નિવેદનમાં તેમણે કહ્યું હતું કે તપાસ પૂર્ણ થાય તે પહેલાં કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવાના પ્રયાસો 'બેજવાબદારી' છે

બાદમાં કૅપ્ટન સભરવાલના પિતાએ ભારતની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને વિમાન ક્રૅશનાં તમામ સંભવિત કારણોની સ્વતંત્ર તપાસની માંગણી કરી હતી. ત્યારબાદ અદાલતે કહ્યું હતું કે, "કોઈ પણ વરિષ્ઠ પાઇલટને દોષી ઠેરવી શકે નહીં" અને "પ્રારંભિક અહેવાલમાં તેમની ભૂલનો કોઈ સંકેત નથી".

જોકે, આ દુર્ઘટના વિશેના મીડિયામાં આવેલા સમાચારો અને અટકળોનો સામનો કરવો પરિવાર માટે મુશ્કેલ બની ગયો છે.

અમદાવાદ પ્લેન ક્રૅશમાં મૃત્યુ પામેલા પાઇલટના પિતાએ કહ્યું, 'મારો દીકરો અનુભવી હતો'

નેવુંની ઉંમરે પહોંચેલા પુષ્કરરાજે બીબીસીને જણાવ્યું, "તમે જુઓ, જ્યારે પણ કોઈ અકસ્માત થાય, ત્યારે પાઇલટને જ દોષી ઠેરવવામાં આવે છે. કેમ? કારણ કે પ્રકરણ બંધ કરવાનો એ સૌથી સરળ રસ્તો છે. તે હવે આ દુનિયામાં નથી અને પોતાનો બચાવ પણ કરી શકે તેમ નથી."

કૅપ્ટન સભરવાલ એક અનુભવી પાઇલટ હતા જેમને ઍર ઇન્ડિયામાં ત્રણ દાયકાનો ઉડાનનો અનુભવ હતો. તેમણે 15,600 કલાકથી વધારે ઉડાનો ભરી હતી, જેમાં બૉઇંગ 787 ડ્રીમલાઇનર પરના 8,600 કલાકોનો પણ સમાવેશ થાય છે.

જ્યારે બીબીસીએ ગયા અઠવાડિયે તેમના પિતાની મુંબઈમાં તેમના ઘરે મુલાકાત લીધી, ત્યારે તેઓ એક દીવાલ નીચે બેઠા હતા. ત્યાં તેમનાં સ્વર્ગસ્થ પત્ની અને કૅપ્ટન સભરવાલના યુનિફૉર્મ પહેરેલા ફોટાઓ હતા.

નિવૃત્ત ઍવિએશન સેફ્ટી અધિકારી રહેલા પુષ્કરરાજે જણાવ્યું કે તેમના પુત્રે ટૂંક સમયમાં નિવૃત્તિ લેવાની યોજના બનાવી લીધી હતી, જેથી તે તેમની સંભાળ રાખી શકે અને ઘરે વધારે સમય વિતાવી શકે.

તેમણે યાદ કરતા કહ્યું, "તે દિવસે તેમની ડ્યુટી અમદાવાદથી ઉપડતી ફ્લાઇટમાં હતી. તેણે મને કહ્યું હતું, હું વિમાનમાં બેસી ગયો છું અને ગેટવિક પહોંચીને તમને ફોન કરીશ."

"અને થોડા જ સમય પછી આ બધું બની ગયું."

તેમણે પોતાના પુત્રને દયાળુ, મૃદુભાષી અને પોતાના પરિવાર પ્રત્યે અત્યંત સમર્પિત ગણાવ્યો.

તેમણે હિંદુ પુરાણોના પાત્ર શ્રવણ-જે તેમનાં માતાપિતાની અનન્ય ભક્તિ માટે જાણીતો હતો-નો ઉલ્લેખ કરતા કહ્યું, "તેની માતા કહેતાં હતાં કે તે તેનો શ્રવણ છે."

"તે ખૂબ વાચાળ નહોતો, પરંતુ તેના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું."

પ્લેન ક્રૅશ બાદનો આઘાત અને પાઇલટ દીકરાની યાદો

પુષ્કરરાજ યાદ કરે છે કે કામ માટે મુસાફરી દરમિયાન પણ કૅપ્ટન સભરવાલ તેમના પિતા સાથે સતત સંપર્કમાં રહેતા હતા.

"તે ગંતવ્ય સ્થાને પહોંચ્યા પછી મારી સાથે વાત કરતો, મને જાણ કરતો, અને જો તે હોટલમાં હોય તો ઘણી વાર ફોન કરતો, ચાર કે પાંચ વાર."

તેમણે કહ્યું, "આ એક અસહ્ય નુકસાન છે."

"પરંતુ મારે તે સહન કરવું પડશે. સદભાગ્યે, મારા પરિવારના બાકીના સભ્યો મારી સાથે છે, હું એકલો નથી."

તેમની પુત્રી અને પૌત્ર દિલ્હીથી મુંબઈ આવીને તેમની સાથે રહેવા લાગ્યા જેથી તેમની સંભાળ રાખી શકે.

તેમણે જણાવ્યું કે અકસ્માત પછીના દિવસોમાં પરિવારજનો, મિત્રો અને પડોશીઓ તેમની આસપાસ એકત્ર થયા હતા અને પુત્રના મૃત્યુ પછી ઊભી થયેલી ઉથલપાથલમાંથી બહાર આવવામાં તેમને મદદ કરી હતી.

આ દિવસોમાં તેમને રોજિંદાં કામોથી શાંતિ મળે છે.

ક્યારેક સવારે તેઓ ફરવા જાય છે, થોડા સમય નાટે ઘરની બહાર નીકળે છે, જોકે હવે તેમને સહાયની જરૂર પડે છે.

પુષ્કરરાજ કહે છે કે, ચાલવાથી તેમને તેમના પુત્રની યાદ આવે છે, કેમકે જ્યારે પણ તે મુંબઈમાં હોય ત્યારે તેમની સાથે જતો હતો.

દુર્ઘટનાને એક વર્ષ થયું છે, અને મૃત્યુ પામેલા લોકોના પરિવારો, ઉડ્ડયન નિષ્ણાતો તથા પાઇલટોનાં સગાંઓ તપાસકર્તાઓનાં આગામી તારણોની રાહ જોઈ રહ્યાં છે.

તેમને પૂછવામાં આવ્યું કે જો ભવિષ્યમાં તપાસનાં તારણો તેમના પુત્રના પક્ષમાં ન આવે તો તેઓ શું કરશે, ત્યારે જવાબ આપતા પહેલાં તેઓ થંભી ગયા.

તેમણે કહ્યું, "જો મારે જીવતા રહેવું હોય અને શાંતિથી રહેવું હોય તો મારે ભૂલવું પડશે, ભૂલવાનો પ્રયાસ કરવો પડશે, જે શક્ય નથી."

"આ જ મારી પરિસ્થિતિ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન