'અવકાશયાત્રી જોઈએ છે, અનુભવની જરૂર નથી' - અનાયાસે અવકાશયાત્રી બની જનારની અદ્ભુત કહાણી

    • લેેખક, ફિયોના મેકડોનાલ્ડ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

પ્રથમ બ્રિટિશ વ્યક્તિએ અવકાશમાં ઉડાન ભર્યાને 35 વર્ષ થઈ ગયાં છે. હેલેન શર્મન ત્યારે 27 વર્ષનાં ફૂડ સાયન્ટિસ્ટ હતાં, જ્યારે તેમણે એક નોકરીની જાહેરાત જોઈ.

આ જાહેરાત એક એંગ્લો-સોવિયેટ વ્યાપારી સાહસ 'પ્રોજેક્ટ જુનો'નો ભાગ બનવા માટેની હતી. શર્મને 1991માં બીબીસી ન્યૂઝને કહ્યું હતું, "પસંદગીની પ્રક્રિયા દરમિયાન મને ખરેખર ક્યારેય વિશ્વાસ નહોતો કે મારી પસંદગી થશે."

શીતયુદ્ધ દરમિયાનની અવકાશ સ્પર્ધા સાથે જોડાયેલી ઓછી જાણીતી ઘટનાઓમાંથી એક રશિયન અવકાશયાત્રી યુરી ગાગરીનની છે. 1961માં જ્યારે તેઓ અવકાશમાં જનાર પ્રથમ માનવ બનવા માટે લૉન્ચપેડ તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેમણે બસ રોકવાની વિનંતી કરી હતી અને છેલ્લી ઘડીએ શૌચાલય માટે વિરામ લીધો હતો.

ત્યારબાદ આ એક પરંપરા બની ગઈ. કઝાકિસ્તાનના બાયકોનુર કૉસ્મોડ્રોમથી ઊડતા તમામ અવકાશયાત્રીઓ ટેક-ઑફ પહેલાં આ પરંપરાનું પાલન કરવા લાગ્યા. આ વાતનો ઉલ્લેખ પ્રથમ બ્રિટિશ અવકાશયાત્રી હેલેન શર્મને 1993માં પ્રકાશિત થયેલી તેમની આત્મકથામાં કર્યો હતો. તેમણે લખ્યું છે, "આ એક એવી પરંપરા હતી, જેમાં હું સામેલ થઈશ એવી તેમને જરાય અપેક્ષા નહોતી."

છતાં શેફિલ્ડનાં આ ફૂડ સાયન્ટિસ્ટે 19 મે, 1991ના રોજ જ્યારે સોવિયેટ સોયુઝ TM-12 સ્પેસ કેપ્સ્યુલમાં બેસીને અવકાશ તરફ પ્રસ્થાન કર્યું, ત્યારે તેઓ અવકાશયાત્રીઓનાં પગલે જ ચાલી રહ્યાં હતાં. તેમણે મીર સ્પેસ સ્ટેશન પર આઠ દિવસ વિતાવવાના હતા અને સોવિયેટ સ્પેસ પ્રોગ્રામની મદદથી બ્રિટિશ ઇતિહાસ રચવાનો હતો. તે સમયે બ્રિટિશ સરકાર અવકાશ સંશોધનમાં સામેલ નહોતી, તેથી કોઈ પણ ઉડ્ડયનમાં સ્થાન મેળવવા માટેની એક માત્ર તરકીબ હતી - તેના માટે ચૂકવણી કરવી.

'એ ક્ષણ પછી મારા જૂના જીવનની કોઈ પણ વસ્તુ ફરી ક્યારેય પહેલાં જેવી ન રહી'

અવકાશમાં કેવો અનુભવ થયો?

અને તેઓ ફક્ત એક જાહેરાતને કારણે ત્યાં હતાં. પોતાનાં સંસ્મરણોમાં તેઓ લખે છે, "જૂન 1989ના અંતમાં એક સુખદ સાંજે હું સ્લાઉમાં માર્સ ફૅક્ટરીથી ઘરે જઈ રહી હતી અને કારમાં રેડિયો સાંભળી રહી હતી. જ્યારે હું ટ્રાફિક જામમાં બેઠી હતી, ત્યારે મેં સાંભળવા માટે કંઈક શોધવાનો પ્રયાસ કરવા રેડિયો સ્ટેશનો ફેરવવાનું શરૂ કર્યું."

તે કોઈ બહુ શુભ ક્ષણ નહોતી, પરંતુ તેમણે આગળ કહ્યું તેમ, જે ચેનલો તેઓ સાંભળી રહ્યાં હતાં, તેમાંથી એક ચેનલ પર આવેલી એક જાહેરાતે તેમનું ધ્યાન ખેંચ્યું. "અવકાશયાત્રી જોઈએ છે. કોઈ અનુભવની જરૂર નથી."

શર્મનને આ રીતે એક એવા પ્રોજેક્ટની જાહેરાત મળી ગઈ, જે શીત યુદ્ધ દરમિયાન બંને પક્ષો વચ્ચેના સંબંધોમાં આવી રહેલી નરમાશનું પ્રતીક હતો. 'જુનો મિશન' એક વ્યાવસાયિક સાહસ હતું, જેમાં ખાનગી સંઘના (કન્સોર્ટિયમના) ભંડોળથી એક બ્રિટિશ નાગરિકને સોવિયેટ અવકાશયાત્રી દળ સાથે મિર અવકાશ મથક પર મોકલવાનો કાર્યક્રમ હતો.

તેઓ લખે છે, "હવે પાછળ વળીને જોઉં છું ત્યારે મને સમજાય છે કે આ જાહેરાત સાંભળવામાં મેં જે એકાદ મિનિટ વિતાવી હતી, તે મારા જીવનની નિર્ણાયક અને વળાંક લાવનારી ક્ષણ હતી. એ ક્ષણ પછી મારા જૂના જીવનની કોઈ પણ વસ્તુ ફરી ક્યારેય પહેલાં જેવી ન રહી."

અવકાશયાત્રીઓને કેવી તાલિમ અપાતી?

તે ક્ષણે એવી પ્રક્રિયા શરૂ થઈ, જે શર્મને લંડનના ઉપનગરોથી રશિયાની સ્ટાર સિટી તરીકે ઓળખાતી જગ્યાએ લઈ ગઈ. તેમણે સર્બિટનમાં આવેલા પોતાના નાના સ્ટુડિયો ફ્લેટમાંથી રોજિંદી અવરજવર છોડીને 18 મહિનાની કઠોર તાલીમ શરૂ કરી. આ તાલીમ એવી સુવિધામાં આપવામાં આવતી હતી, જેને મૂળરૂપે માત્ર 'મિલિટરી યુનિટ 26266' તરીકે ઓળખવામાં આવતી હતી, અને તે જગ્યા 'બંધ લશ્કરી ટાઉનલેટ નંબર 1' તરીકે ઓળખાતી હતી.

સોવિયેટ યુગ દરમિયાન મૉસ્કોની બહાર આવેલું આ સ્થળ કડક સુરક્ષા હેઠળનું લશ્કરી મથક હતું, જ્યાં પ્રવેશ પર ભારે નિયંત્રણ હતું. 1998માં નાસાના અવકાશયાત્રી માઈકલ બેરેટે કહ્યું હતું: "સ્ટાર સિટી હંમેશાં પ્રતિબંધિત શહેર અથવા છુપાયેલા શહેર જેવું લાગતું હતું. તે ચોક્કસપણે કોઈ નકશા પર નહોતું. તે એક ગુપ્ત અવકાશયાત્રી તાલીમ કેન્દ્ર (આધાર) હતું. અલબત્ત, દરેકને ખબર હતી કે તે ક્યાં છે, પરંતુ તે એક બંધ અને સુરક્ષિત શહેર માનવામાં આવતું હતું."

પરંતુ 1990 સુધીમાં, સોવિયેટ સંઘના અંતિમ દિવસોમાં મિખાઈલ ગોર્બાચોવના સુધારાવાદી શાસનના પરિણામે થોડાક વિદેશીઓને ત્યાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. શૂન્ય ગુરુત્વાકર્ષણ (ઝીરો ગ્રેવિટી) માટેની તૈયારીરૂપ તાલીમ દરમિયાન શર્મન ત્યાં એક વિશાળ ઍપાર્ટમેન્ટમાં રહેતાં હતાં. તેમને ડ્રાઈવર સાથેની વોલ્ગા કારોની સુવિધા પણ ઉપલબ્ધ હતી, જોકે તેઓ પોતાની કાર રાખવાનું વધુ પસંદ કરતાં હતાં. તેથી તેમણે ફિનલૅન્ડથી એક ફોર્ડ ઍસ્કોર્ટ કાર મંગાવવાની વ્યવસ્થા કરી હતી.

13000 અરજદારોમાંથી આ 27 વર્ષીય યુવતીને પસંદ કરવામાં આવી હતી, જેમાંથી ફક્ત છેલ્લા ચાર જ સ્ટાર સિટી સુધી પહોંચી શક્યા હતા. તેમણે 1991માં સ્ટાર સિટીથી બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું, "પસંદગીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન મને ખરેખર ક્યારેય વિશ્વાસ નહોતો કે મારી પસંદગી થશે. તેઓ ખરેખર શું શોધી રહ્યા હતા તે મને ક્યારેય ચોક્કસપણે સમજાયું નહોતું. અને આજે પણ હું કહી શકતી નથી કે એવી કઈ બાબત હતી જે તેમને મારી અંદર દેખાઈ અને બીજા લોકોમાં ન દેખાઈ."

તેમના પિતા જ્હોને 1991માં બીબીસીના ગ્લોરિયા હનીફોર્ડ સાથેના ઇન્ટરવ્યુમાં એક સંભવિત કારણ આપ્યું હતું. તેમણે એક પ્રેસ કટિંગનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે બધા ક્રૂને વજનહીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે દરરોજ ટિલ્ટ ટેબલ પર તાલીમ લેવી પડતી હતી, પરંતુ હેલેનને અઠવાડિયામાં ફક્ત બે વાર જ એ તાલીમ લેવી પડતી હતી; કારણ કે હેલન વજનહીનતાને સંચાલિત કરવાની પદ્ધતિ ખૂબ જ ઝડપથી શીખી ગયાં હતાં.

તેમનાં સંસ્મરણોમાં શર્મન સ્ટાર સિટીમાં વિતાવેલા તેમના સમયને "મારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમયગાળો" દર્શાવ્યો છે. તેઓ લખે છે, "મારા દૃષ્ટિકોણ અને વિચારો પર તેની અસર, એક રીતે જોવામાં આવે તો, મેં અવકાશમાં વિતાવેલા સમય કરતાં પણ વધુ પ્રભાવશાળી રહી."

સ્પેશ સ્ટેશનમાં પ્રથમ રાત કેવી હોય?

બ્રિટિશ અવકાશ યાત્રામાં અગ્રણી ભૂમિકા ભજવવાની સાથોસાથ 'જુનો મિશન' પર શર્મને વિતાવેલો સમય એ વાત પર પણ પ્રકાશ પાડે છે કે અવકાશ કાર્યક્રમો રાષ્ટ્રીય સીમાઓની પાર કેવી રીતે જઈ શકે.

તેઓ પોતાના સાથી અવકાશયાત્રીઓ એનાટોલી ("ટોલ્યા") આર્ટેબાર્સ્કી અને સેર્ગેઈ ક્રિકાલ્યોવને "મારા જીવનના સૌથી નજીકના અને મહત્ત્વપૂર્ણ મિત્રો" તરીકે વર્ણવે છે. સ્ટાર સિટીમાં રહેતી વખતે તેઓ રશિયન અવકાશયાત્રાના કેટલાક અગ્રણીઓની પણ નજીક આવ્યાં હતાં. જેમાં અવકાશયાત્રી એલેક્સી લિયોનોવનો પણ સમાવેશ થાય છે, જે અવકાશમાં ચાલનારી પ્રથમ વ્યક્તિ હતા.

શર્મન તેમનાં સંસ્મરણોમાં લખે છે કે કેવી રીતે લિયોનોવ 18 મેના રોજ લોન્ચમાં ત્રણ અવકાશયાત્રીઓ સાથે ગયા હતા અને તેમણે તેમને એક ગુલાબી રંગનો સ્થિતિસ્થાપક શિફોનનો જમ્પસૂટ ભેટ આપ્યો હતો, જેમાં અદ્ભુત ઝાલરવાળો આગળનો ભાગ અને ફૂલેલી બાંય હતી. શર્મને તેને "સ્વપ્નવસ્ત્ર" એવું ઉપનામ આપ્યું હતું.

લિઓનોવે તેમને કહ્યું હતું, "જે દિવસે અવકાશ સ્ટેશન પર પહેલી રાત હોય ત્યારે બધા ક્રૂએ સાથે મળીને રાત્રિભોજન કરવાની પરંપરા છે. મને લાગ્યું કે તમને રાત્રિભોજનમાં સુંદર કપડાં પહેરવાનું ગમશે."

જ્યારે તેઓ મિર અવકાશમથક પર પહોંચ્યા, ત્યારે શર્મને ઉજવણીના ભોજન દરમિયાન એ વસ્ત્ર પહેર્યાં. સર્ગેઈએ ટાઈ પહેરી હતી, જે આખી સાંજ દરમિયાન હવામાં આડી તરતી રહી હતી.

"મને એવું લાગતું હતું જાણે હું મારા અવકાશ મિશન કરતાં પણ કોઈ મોટા કાર્યનો ભાગ બની રહી હોઉં." - હેલેન શર્મન

આજે તેઓ લિઓનોવને યાદ કરતાં બીબીસીને કહે છે કે તેઓ થોડા રમૂજી સ્વભાવના હતા અને લોકોને ભેગા કરવામાં કુશળ હતા - એક ઉત્તમ સામાજિક શિલ્પકાર હતા. તેઓ 'આંતરરાષ્ટ્રીય અવકાશયાત્રી' તરીકેની પોતાની ઓળખનો આનંદ માણતા હતા, કારણ કે તેઓ સોયુઝ-ઍપોલો ક્રૂનો ભાગ રહ્યા હતા. તેઓ અમેરિકામાં તાલીમ દરમિયાન શીખેલા અંગ્રેજીના થોડા શબ્દોનો ઉપયોગ પણ ક્યારેક કરતા હતા. જ્યારે પણ કોઈ અમેરિકન હાજર હોય ત્યારે તેમની અનૌપચારિક વાતોમાંની મને યાદ હોય તેવી વાત એ છે કે લિયોનોવ અમેરિકન મહેમાનને હંમેશાં 'ટોપ બનાના' કહીને બોલાવતા હતા. આ વાતથી હંમેશાં બધાને હસવું આવતું.

અવકાશયાત્રી પરત આવ્યો ત્યારે એનો દેશ ગાયબ થઈ ગયો

મે 1991માં શર્મનની મિર સ્પેસ સ્ટેશન પરની ક્રાંતિકારી ઉડાન શીતયુદ્ધના અંતિમ તબક્કામાં થઈ હતી અને તે સોવિયેત યુનિયનના વિસર્જનના થોડા મહિનાઓ પહેલાની હતી. ટોલ્યા પાંચ મહિના પછી પૃથ્વી પર પરત ફર્યા હતા, જ્યારે સર્ગેઈને ત્યાં જ રહેવાનું કહેવામાં આવ્યું હતું. તેઓ 310 દિવસ અવકાશમાં રહ્યા પછી પરત ફર્યા હતા. તેઓ "છેલ્લા સોવિયેત નાગરિક" તરીકે જાણીતા થયા, કારણ કે તેઓ જે દેશમાંથી પ્રસ્થાન કરી ગયા હતા તે દેશ પ્રસ્થાન સમયે અસ્તિત્વમાં હતો, પરંતુ પરત ફર્યા ત્યાં સુધીમાં અસ્તિત્વમાં રહ્યો નહોતો.

અને 'પ્રોજેક્ટ જુનો'ની પૃષ્ઠભૂમિ પેરેસ્ટ્રોઇકા (સોવિયેટ યુનિયનમાં સુધારા)ની હતી. અવકાશ કાર્યક્રમના ઊંચા ખર્ચ અંગે થતી ટીકાઓનો સામનો કરતાં, ગાગરીનની ઉડાનની 30મી વર્ષગાંઠે ગોર્બાચેવે કહ્યું હતું કે મૉસ્કોએ અવકાશમાં તેનું નેતૃત્વ જાળવી રાખવા માટે વિદેશી રોકાણની જરૂર છે.

'જુનો મિશન'ને ખાનગી સ્પોન્સરશિપ દ્વારા ભંડોળ પૂરું પાડવાનું હતું, જેથી બ્રિટન અને સોવિયેત યુનિયન વચ્ચે એક નવી વૈજ્ઞાનિક ભાગીદારી ઊભી થઈ શકે. પરંતુ તમામ પ્રચાર છતાં સ્પોન્સરશિપ નિષ્ફળ ગઈ, અને સોવિયેટ માલિકીની મૉસ્કો-નારોદની બૅન્કે મિશનનો ખર્ચ ઉપાડવાની જવાબદારી લેવી પડી.

1991માં બીબીસી સંવાદદાતા કેરોલ વોકરે કહ્યું હતું તેમ, "સોવિયેટ સંઘ તેના ધીમા પડી રહેલા અવકાશ કાર્યક્રમને ચાલુ રાખવા વિદેશી રોકાણ બાબતે અત્યંત ઉત્સુક છે, અને આગળના માર્ગ તરીકે વ્યાવસાયિક ઉડાનોને પ્રોત્સાહન આપવા માંગે છે. તેઓ ખૂબ જ પ્રસિદ્ધ 'જુનો મિશન'માંથી ખસીને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું જોખમ લઈ શકે નહીં."

1991ના બીજા એક અહેવાલમાં બીબીસી સંવાદદાતા માર્ટિન સિક્સસ્મિથે દલીલ કરી હતી કે, "ગાગરીન યુગના રોમેન્ટિક-વાદનું સ્થાન હવે પશ્ચિમી ચલણે લઈ લીધું છે."

ભંડોળ સંબંધિત સમસ્યાઓ હોવા છતાં શર્મનના અવકાશમાં વિતાવેલા આઠ દિવસ એંગ્લો-સોવિયેટ સંબંધો માટે એક મોટી છલાંગ સમાન હતા. યુકે સરકારે તેમને અભિનંદન આપતાં સંદેશ મોકલ્યો હતો કે, "આ મિશન રાષ્ટ્રો વચ્ચેના શાંતિપૂર્ણ વૈજ્ઞાનિક સહકારનું પ્રતીક છે."

અને સ્ટાર સિટીમાં વિતાવેલા સમયે શર્મનને અવકાશયાત્રા અંગેની એવી એક વૈકલ્પિક દૃષ્ટિ આપી, જે નાસા દ્વારા સ્થાપિત થયેલી માન્યતાઓથી અલગ હતી. મૉસ્કોના અવકાશ સંગ્રહાલયની પોતાની મુલાકાતને યાદ કરતાં - જે સંગ્રહાલયની જગ્યા એક વપરાયેલી કારોના વેચાણસ્થળમાં ફેરવાઈ ગઈ હતી - તેઓ બીબીસીને જણાવે છે, "તે એક શિક્ષણ સમાન અનુભવ હતો, કારણ કે યુકેમાં મારા શિક્ષણ દરમિયાન અને યુકેના અવકાશ સમાચારો પર નાસાના પ્રભુત્વને કારણે એવી ઘણી બાબતો હતી જેના વિશે મને ખબર નહોતી."

"એવું લાગ્યું કે મને મારા અવકાશ મિશન કરતાં ઘણી મોટી વસ્તુમાં સામેલ કરવામાં આવી રહી છે. અને હું મારી આસપાસના દરેક સોવિયેટ નાગરિકમાં તેમના અવકાશ કૌશલ્ય બાબતે ગર્વ અનુભવી શકું છું: અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી, પ્રથમ વ્યક્તિ, પ્રથમ મહિલા, પ્રથમ સ્પેસવોક. નાસાએ તે સિદ્ધિઓ વિશે વધુ વાત કરી નહોતી."

અવકાશ સંશોધનના ઇતિહાસને ઘણીવાર "સ્પર્ધા" તરીકે જોવામાં આવે છે - એક એવી સ્પર્ધા જે નાવીન્યને પ્રોત્સાહિત કરે. છતાં માનવોએ અવકાશમાં જેટલો પણ સમય વિતાવ્યો, તેમાંથી મોટાભાગનો સમય પરસ્પર સહયોગમાં વિત્યો છે.

અવકાશમાં વિતાવેલા તેમના સૌથી ખાસ સમયને યાદ કરતાં શર્મન જણાવે છે કે, "વજનહીન હોવાનો અનુભવ - જે કલ્પી ન શકાય તેવો સૌથી કુદરતી, આરામદાયક અનુભવ છે; મારા ક્રૂ સાથેનો ભાઈચારો - જે ખુલ્લાપણું અને વિશ્વાસમાંથી જન્મ્યો હતો; અને એ દૃશ્યો, જે અમે ઘણીવાર બારીની આસપાસ ભેગા થઈને માણ્યાં હતાં."

તેઓ માને છે કે અવકાશી કાર્યક્રમમાં પરસ્પર સહયોગ "રાજકારણ પરવાનગી આપે તો અવરોધોને તોડવાનો એક શ્રેષ્ઠ માર્ગ" બની શકે છે. "વિશ્વાસ વ્યક્તિગત સંબંધો પર નભે છે અને તે જીવનભર ટકી રહે છે".

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન