You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાએ ઈરાન પર ફરી હુમલો કર્યો, જવાબમાં ઈરાને હોર્મુઝ સામુદ્રધુની બંધ કરવાની કરી જાહેરાત
- લેેખક, હૅરી સેકુલિચ
- લેેખક, ટૉબી મૅન
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
અમેરિકી સેનાની તરફથી નવા હુમલાઓના જવાબમાં ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો કર્યો છે.
ઈરાનના ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ્સ કૉર્પ્સ (આઈઆરજીસી)નું કહવું છે કે તેણે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોને નિશાન બનાવ્યાં છે.
અમેરિકાના હાલના હુમલા એવા સમયે થયા છે, જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન પર 'કઠોર પ્રકારે' હુમલો કરવામાં આવશે અને તહેરાને યુદ્ધ સમાપ્ત કરવા માટે 'સમજૂતી કરવામાં ખૂબ મોડું કર્યું છે.'
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ)એ કહ્યું કે તેણે બુધવારે 'આત્મરક્ષા માટે હુમલા' શરૂ કર્યા, જે 'ઈરાનની બિનજરૂરી અને સતત ચાલતી આક્રમકતા ના જવાબ'માં કરવામાં આવ્યા.
તે પછી ઈરાની સરકારી મીડિયાએ જણાવ્યું કે આઈઆરજીસીએ હોર્મુઝ સ્ટ્રેટમાં બે જહાજો પર હુમલો કર્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોમાં ઈરાન અને અમેરિકાએ એકબીજાનાં સૈન્ય અને સંરક્ષણ સ્થાનોને નિશાન બનાવ્યાં છે.
આ જવાબી હુમલાઓની વધતી શૃંખલાનો ભાગ છે અને આ વધતા હુમલાને કારણે એપ્રિલમાં થયેલા એક નાજુક યુદ્ધવિરામ પર ફરી સંકટ છવાઈ ગયું છે.
હોર્મુઝ સામુદ્રધુની સંપૂર્ણપણે બંધ - ઈરાન
ફારસની ખાડીમાં આવેલા ઈરાનના કેશમ દ્વિપ પર પણ વિસ્ફોટોના અવાજો સંભળાયા છે. ઉપરાંત બંદર અબ્બાસ અને સીરિક સહિત અનેક અન્ય શહેરોમાં પણ વિસ્ફોટોની માહિતી મળી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકી હુમલાના જવાબમાં ઈરાની સરકારી મીડિયાએ જણાવ્યું કે હોર્મુઝ સામુદ્રધુનીને 'દરેક પ્રકારનાં જહાજ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે.'
જોકે, સેન્ટકૉમે કહ્યું કે "વેપારી જહાજો હજુ પણ હોર્મુઝ સ્ટ્રેટમાંથી અંદર અને બહાર જઈ રહ્યાં છે."
હાલમાં અમેરિકી હુમલા શરૂ થવાના થોડા કલાક પહેલાં ટ્રમ્પે ચેતવણી આપી હતી, "અમે કાલે તેમના પર કઠોર હુમલો કર્યો હતો અને આજે પણ અમે તેમના પર તે જ પ્રકારે હુમલો કરવા જઈ રહ્યા છીએ."
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે ઈરાની નેતાઓએ 'સમજૂતી પર ચર્ચા કરવા માટે ખૂબ વધુ સમય લીધો છે', જ્યારે ઈરાનના વિદેશ મંત્રાલયે આરોપ લગાવ્યો કે અમેરિકા 'તેના વિવાદાસ્પદ સંદેશાઓ દ્વારા કૂટનીતિક પ્રક્રિયાને નુકસાન પહોંચાડી રહ્યું છે.'
ટ્રમ્પની ટિપ્પણીઓના જવાબમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનએ કહ્યું કે ઈરાન 'કોઈપણ દબાણ અથવા ધમકી સામે ડટીને ઊભું રહેશે.'
તે પછી અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હૅગસથે કહ્યું કે ઈરાનનાં 'મહત્ત્વનાં સ્થાનો પર બૉમ્બ વરસાવવામાં આવશે.'
હૅગસથે કહ્યું કે ઈરાનને સમજૂતી કરવાની તક આપવામાં આવી હતી, પરંતુ તેણે તેનો લાભ લીધો નહોતો.
તેમણે કહ્યું કે ટ્રમ્પ પહેલાંથી જ કહી ચૂક્યા છે કે જો શાંતિ સમજૂતી નહીં થાય તો ઈરાન પર ફરી હુમલો કરવામાં આવશે.
સંયુક્ત રાષ્ટ્રસંઘની ચેતવણી
એપ્રિલમાં અમેરિકા અને ઈરાને એક યુદ્ધવિરામ પર સહમતિ વ્યક્ત કરી હતી, જે શરૂઆતમાં બે અઠવાડિયાં સુધી લાગુ રહેવાનું હતું.
તે પછીથી બંને પક્ષોએ વચ્ચે-વચ્ચે એકબીજા પર છૂટાછવાયા હુમલા કર્યા છે, પરંતુ પરિસ્થિતિ ફરી સંપૂર્ણ યુદ્ધ સુધી પહોંચી નથી.
જોકે, વૉશિંગ્ટન અને તહેરાન વચ્ચે વાતચીત કરાવવાની તાજેતરની કોશિશો અટકી ગઈ છે અને હુમલાઓની ગતિ વધી ગઈ છે.
મંગળવારે એક અમેરિકન હેલિકૉપ્ટરને તોડી પાડવામાં આવ્યું હતું. અમેરિકાએ તેના માટે ઈરાન પર આરોપ મૂક્યો હતો.
તે પછી અમેરિકાએ ઈરાનનાં કેટલાંક સ્થળો પર હુમલો કર્યો, જેના જવાબમાં આઈઆરજીસીએ મધ્ય પૂર્વમાં હાજર અમેરિકન સ્થળોને નિશાન બનાવ્યાં.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ઍન્ટોનિયો ગુટેરેસે ઍક્સ પર જારી કરેલા નિવેદનમાં કહ્યું કે મધ્ય પૂર્વ 'વધુ ઊંડા સંકટ તરફ ખેંચાઈ રહ્યું છે' અને તાજેતરના હુમલાઓનો અર્થ છે કે 'યુદ્ધવિરામ હવે યુદ્ધવિરામ કરતાં વધુ એક મર્યાદિત સંઘર્ષ જેવું લાગી રહ્યું છે.'
તેમણે નિવેદનમાં કહ્યું, "અમે આ જોખમને ઓછું આંકવું જોઈએ નહીં. અને મર્યાદિત સંઘર્ષ સંપૂર્ણ સંઘર્ષમાં બદલાઈ શકે છે. બધા પક્ષોએ કૂટનીતિક ઉકેલ તરફ કામ કરવું જોઈએ. હવે વધુ હુમલા નહીં. હવે વધુ બહાના નહીં."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન