You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'અમે ઘરે તાળું મારીને બહાર ગયા હતા, પાછા આવીને જોયું તો માત્ર કાટમાળ હતો', સુરતમાં ડિમોલિશનનો વિવાદ
ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ સહિત ઘણાં શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી સત્તાવાળાઓ દ્વારા કથિત ગેરકાયદે મકાનો તોડવાની કાર્યવાહી થતી રહે છે, પરંતુ સુરતમાં મે મહિનાના અંતે થયેલી એક ડિમોલિશન કામગીરીના કારણે ભારે વિવાદ થયો છે.
સુરતના વેડ દરવાજા વિસ્તારમાં નાસીરનગર ઝૂંપડપટ્ટીમાં 30 મેએ લગભગ 100થી વધારે કાચાં-પાકાં મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં.
કહેવાય છે કે, આ કાર્યવાહી વખતે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ કથિત રીતે 'હાજર' હતા અને મકાનો તોડનાર ટીમને 'પોલીસ રક્ષણ' પણ આપવામાં આવ્યું હતું.
પરંતુ આ ઘટનાના થોડા દિવસો પછી સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને આ ડિમોલિશનમાં 'પોતાની કોઈ પણ ભૂમિકા હોવાનો ઇન્કાર' કર્યો છે. તેના કારણે સવાલ પેદા થયો છે કે મકાનો કોના આદેશથી તોડવામાં આવ્યાં હતાં.
શહેરના મ્યુનિસિપલ કમિશનરે ઘટનાની તપાસ કરવા એક સમિતિ રચી છે, જ્યારે જેમનાં ઘર તોડી પાડવામાં આવ્યાં તે લોકો ન્યાયની માંગણી કરી રહ્યા છે.
ઘર તોડી પાડવાની કાર્યવાહીના લગભગ 10 દિવસ પછી પણ એ વાતનો જવાબ નથી મળ્યો કે ડિમોલિશનના આદેશ કોણે આપ્યા હતા?
સુરતના મ્યુનિસિપલ કમિશનર એન. નાગરાજને સોમવારે મીડિયાને જણાવ્યું હતું કે "અમે કોઈ ડિમોલિશન કર્યું નથી. અમારા અધિકારીઓ માત્ર લાઇન માર્ક કરવા માટે ગયા હતા. અમારી ટીમ એક પ્રાઇવેટ પાર્ટીના રોડના ડિમાર્કેશન માટે ગઈ હતી. અમે સૌથી પહેલા જમીનનું માર્કિંગ કરીએ છીએ અને ત્યાર પછી થોડા દિવસો બાદ ડિમોલિશન કરવામાં આવતું હોય છે. આ ડિમોલિશન અમે નથી કર્યું."
સુરતમાં આ મામલો હજુ પણ ગરમ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
9મી જૂને નાસીરનગરના સેંકડો રહેવાસીઓ સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો જેના કારણે અધિકારીઓએ થોડા સમય માટે પરિસર બંધ કરી દીધું હતું. ત્યાર પછી મ્યુનિસિપલ કમિશનરના નિવાસસ્થાન બહાર લોકોએ ભેગા થઈને વિરોધપ્રદર્શન કર્યાં હતાં.
પોલીસે તેમાંથી કેટલાક લોકોની અટકાયત કરી હતી.
આ વિવાદ વકર્યા પછી મ્યુનિસિપલ કમિશનર દ્વારા છ સભ્યોની એક તપાસ સમિતિ રચવામાં આવી છે જેમાં બે ડેપ્યુટી કમિશનર છે જ્યારે બાકીના એન્જિનિયરો છે.
ડિમોલિશનના આદેશ કોણે આપ્યા તેના વિશે સ્પષ્ટતા નથી થઈ ત્યારે જેમનાં ઘર તોડી પાડવામાં આવ્યાં તે લોકોની હાલત કફોડી છે.
નાસીરનગરના નિવાસી એક મહિલાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "અમારી પાસે ઘર હતાં. હવે અમે રસ્તા પર આવી ગયા છીએ. અમે ઘરથી બહાર ગયાં હતાં અને ઘરને તાળાં માર્યાં હતાં. પરત આવીને જોયું તો ઘર તૂટી ગયાં હતાં. હવે શાળાઓ ખુલી ગઈ છે અને અમારાં બાળકો શાળાએ જઈ શકતા નથી."
અન્ય એક મહિલાએ જણાવ્યું કે "અમારાં ઘર ગેરકાયદે તોડી પાડવામાં આવ્યાં અને અમને સામાન લેવાનો સમય પણ અપાયો ન હતો. અમે અગાઉ ઝૂંપડામાં રહેતાં હતાં અને બહુ મહેનત કરીને ઘર બનાવ્યું હતું. મોઢા પર રૂમાલ બાંધીને લોકો આવ્યા હતા અને પોલીસ પણ તેની સાથે હતી. માત્ર 15 મિનિટમાં અમારું ઘર તોડીને જતા રહ્યા."
ભાજપના જ ધારાસભ્ય વિનુ મોરડિયાએ આ ઘટના વિશે સવાલ ઉઠાવ્યા ત્યાર પછી વિવાદ વકર્યો છે.
મોરડિયાનું કહેવું છે કે "મ્યુનિસિપલ કૉર્પોરેશનની ટીમ માત્ર લાઇન દોરવા અને ત્યાંથી નીકળતા રોડના માર્જિનનું માપ લેવા ગઈ હતી. ડિમોલિશનના કોઈ આદેશ ન હતા. કોઈ સત્તાવાર કાર્યવાહીની મંજૂરી ન હતી અને મ્યુનિસિપલ કૉર્પોરેશનની ફાઇલમાં પણ આવી કોઈ કાર્યવાહીનો રેકૉર્ડ નથી."
સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન રાજન પટેલે પણ આ ડિમોલિશનમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની ભૂમિકા હોવાનો ઇન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે "અમે આ ઘટનાની તપાસ કરવા વરિષ્ઠ અધિકારીઓને આદેશ આપ્યો છે."
દરમિયાન ભૂતપૂર્વ મંત્રી અને હાલમાં કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિ સામે જ સવાલ ઉઠાવ્યા છે.
મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે "આ ઘટનામાં જે અધિકારીઓ જવાબદાર છે તે જ કેવી રીતે તપાસ કરશે? તે સવાલ છે."
તેમણે આરોપ મૂક્યો કે "આ તપાસ સમિતિમાં સમકક્ષ અધિકારીઓ નથી અને આ ઘટનાની સચિવ કક્ષાના અધિકારીઓ દ્વારા તપાસ થવી જોઈએ."
સમિતિના એક સભ્ય ડેપ્યુટી કમિશનર મીના ગજ્જરે આ વિશે જણાવ્યું કે "છ અધિકારીઓની સમિતિ દ્વારા વિવિધ પાસાની તપાસ કરીને એક અહેવાલ તૈયાર કરવામાં આવશે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે આ અહેવાલ કેટલા સમયમાં સોંપવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા કરી ન હતી."
જોકે, નાસીરનગર વિસ્તારમાં રહેતા લોકોને આ જવાબથી સંતોષ નથી.
તેમનું કહેવું છે કે જ્યારે બુલડોઝરો દ્વારા મકાનો તોડવામાં આવતાં હતાં ત્યારે મહિલાઓ અને બાળકો રડતાં હતાં અને પોલીસ કર્મચારીઓ ત્યાં હાજર હતા.
કેટલાક લોકોએ બીબીસી ગુજરાતીને એમ પણ કહ્યું કે ડિમોલિશન માટે આવનારી ટીમ લોકોને લઈ જવા માટે વૅન પણ લાવી હતી. તેથી અધિકારીઓની જાણ બહાર આ કાર્યવાહી થઈ હોય તેવું માનવા તેઓ તૈયાર નથી. તેઓ કહે છે કે અમને ન્યાય જોઈએ છે અને તેમને તોડી પડાયેલાં ઘરની જગ્યાએ ઘર મળવાં જોઈએ.
આ મામલે નાસીરનગર સ્લમ વિસ્તારના એક રહેવાસી હુસૈન અઝીઝ શેખ હવે ગુજરાત હાઇકોર્ટમાં ગયા છે. તેમનું ઘર તોડવામાં નથી આવ્યું, પરંતુ ઘણા લોકોને બીક છે કે હવે તેમનાં ઘર પણ તોડવામાં આવી શકે છે.
તેમના વકીલ ઝમીર શેખે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "અમે હાઇકોર્ટમાં એક સિવિલ ઍપ્લિકેશન દાખલ કરી છે જેમાં ગુજરાત સરકાર, સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન, સુરત પોલીસ કમિશનર, ડેપ્યુટી કમિશનર અને સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે."
ઝમીર શેખે કહ્યું કે "કોઈ પણ લોકોનાં ઘર તોડતાં પહેલાં કાયદા પ્રમાણે તેમને નોટિસ મળવી જોઈએ અને રહેવાસીઓને સમય આપવો જોઈએ. આ કિસ્સામાં આવું કંઈ થયું નથી. અહીં વસતા મોટા ભાગના લોકો બહુ ગરીબ છે અને મજૂરી કરીને ગુજરાન ચલાવે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન