You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓમાન કિનારે અમેરિકાએ ભારતના 24 ક્રૂ-મેમ્બર્સ ધરાવતાં બે જહાજો પર હુમલો કેમ કર્યો?
બુધવારે 10મી જૂને ઓમાનના દરિયાકાંઠે અમેરિકાની નેવીએ ઑઇલ ટૅન્કર સેટેબેલો પર હુમલો કર્યો હતો, જેમાં બે ભારતીય ખલાસીઓનાં મોત થઈ ગયાં છે જ્યારે એક હજુ પણ લાપતા છે.
ફૉરવર્ડ સીમૅન યુનિયન ઑફ ઈન્ડિયાના જનરલ સેક્રેટરી મનોજ યાદવના જણાવ્યા અનુસાર, "મૃતકોની ઓળખ ડૅક કૅડેટ આદિત્ય શર્મા અને ઍન્જિન ફિટર શિવાનંદ ચૌરસિયા તરીકે થઈ છે."
ચીફ એન્જિનિયર પટનાલા સુરેશ હજુ પણ ગુમ છે. ભારત સરકારે અગાઉ ત્રણેય ગુમ થયાની જાણ કરી હતી. ભારતના વિદેશ મંત્રાલયે હુમલાની નિંદા કરી હતી પરંતુ તેના નિવેદનમાં અમેરિકાનું નામ લીધું નથી.
જોકે, સોમવારે પલાઉના ધ્વજવાળા ઑઇલ ટૅન્કર એમટી મૅરીવેક્સ પર અમેરિકાના હુમલાથી વિપરીત, ભારતે બુધવારે આ હુમલાની ખુલ્લેઆમ નિંદા કરી હતી.
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર કઝાકિસ્તાનની મુલાકાતે હતા, તેથી અમેરિકાના દૂતાવાસના કાર્યકારી વડાને બોલાવવામાં આવ્યા હતા.
મેરીવેક્સ પરના 24 ભારતીય ખલાસીઓને પણ ઓમાની સૈન્ય દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. અમેરિકાએ આ જહાજ પર પહેલેથી જ પ્રતિબંધ મૂકેલો હતો.
ભારતે સખત વિરોધ નોંધાવ્યો
સેટેબેલો જહાજ પર સવાર 21 ભારતીય ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. આ જહાજ અમેરિકન સૈન્ય દ્વારા ગોળીબાર કરાયેલા 'પ્રિસિઝન મ્યૂનિશન્સ' (ચોક્સાઈથી છોડવામાં આવેલા દારૂગોળા)નો ભોગ બન્યું હતું.
યુએસ સેન્ટ્રલ કમાન્ડે દાવો કર્યો હતો કે પલાઉ-ધ્વજવાળા ઑઇલ ટૅન્કર સેટેબેલોએ ઈરાનથી તેલ લઈ જતી વખતે નાકાબંધીનું ઉલ્લંઘન કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુએસ સેન્ટ્રલ કમાન્ડે ઍક્સ પર જાહેર કરેલાં એક નિવેદનમાં કહ્યું હતું કે, " અમેરિકન દળો તરફથી વારંવાર ચેતવણીઓ આપવા છતાં, જહાજના ક્રૂએ તેમને અવગણ્યા. ત્યારબાદ એક અમેરિકી વિમાને જહાજને નિશાન બનાવ્યું અને સટીક હથિયારોથી હુમલો કર્યો હતો."
યુએસ આર્મીએ આ કાર્યવાહીનો એક વીડિયો પણ જાહેર કર્યો છે .
આ ઘટનાએ ફરી એકવાર મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને દરિયાઈ વેપાર માર્ગોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ખાસ કરીને આ હુમલામાં ભારતીય ખલાસીઓએ જીવ ગુમાવ્યા બાદ આ સવાલો ફરી ઉઠ્યા છે.
સેટેબેલો ઑઇલ ટૅન્કર પર થયેલા હુમલા બાદ ભારતે અમેરિકા સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો છે.
ભારત સરકારે નવી દિલ્હીમાં અમેરિકાના દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઑફ સ્ટાફ જેસન મિક્સને બોલાવ્યા અને આ ઘટનાનો વિરોધ કર્યો.
ઓમાનના દરિયાકાંઠે અમેરિકાના સુરક્ષાદળોએ બીજા એક ઑઇલ ટૅન્કર મેરીવેક્સને નિશાન બનાવ્યાના બે દિવસ પછી જ આ હુમલો થયો છે, જેમાંથી 24 ભારતીય ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા.
ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારની ઘટનાની નિંદા કરતા કહ્યું કે, "ઓમાનમાં ભારતીય દૂતાવાસ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને રાહત-બચાવ કામગીરી માટે ઓમાની અધિકારીઓ સાથે સક્રિય રીતે સંકલન કરી રહ્યું છે."
મેરીટાઇમ ઇન્ટેલિજન્સ વેબસાઇટ લૉયડ્સ લિસ્ટ અનુસાર, "સેટેબેલો તાજેતરના દિવસોમાં ઓમાનના દુક્મ બંદર નજીક ડૉક કરાયેલાં અનેક જહાજો પૈકી એક હતું અને અહેવાલ મુજબ અમેરિકાની નેવીની દેખરેખ હેઠળ હતું."
અગાઉ, યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રૅડ ઑપરેશન્સે એક ચેતવણી જાહેર કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ઓમાનના સોહરથી લગભગ 20 નોટિકલ માઇલ ઉત્તર-પૂર્વમાં એક ટૅન્કરના એન્જિન રૂમમાં આગ લાગી છે અને સ્થાનિક અધિકારીઓ ક્રૂને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે.
ચેતવણી મુજબ, વહાણમાં સવાર એક વ્યક્તિનું મોત થયું હતું અને બે અન્ય લોકો ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે.
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ ક્ષેત્રમાં વેપારી જહાજો પર સતત હુમલાઓ ખૂબ જ ચિંતાનો વિષય છે.
ભારતે ભાર મૂક્યો હતો કે આ ક્ષેત્રમાં વેપારી જહાજો અને સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર દરિયાઈ માર્ગો દ્વારા મુક્ત અને અવરોધ વિનાનું નેવિગેશન શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવું જોઈએ.
ઈરાન અને અમેરિકા વચ્ચે લશ્કરી સંઘર્ષનો ભય વધ્યો
શિપ ટ્રેકિંગ વેબસાઇટ્સ અનુસાર, સેટેબેલો પહેલા પણ ચીન ગયું હતું. તેણે માર્ચ અને એપ્રિલમાં બે વાર ચીનની યાત્રા કરી હતી.
તેણે એપ્રિલના અંતથી મે મહિનાની શરૂઆતમાં લિયાન્યુંગાંગ બંદર પર કાર્ગો ઉતાર્યો અને 12 મેના રોજ સિંગાપોરથી રવાના થયું હતું.
ઈરાને હોર્મુઝ સામુદ્રધુની દ્વારા શિપિંગ પરનાં નિયંત્રણો અને પ્રતિબંધો કડક કર્યા પછી 13 એપ્રિલે અમેરિકાએ ઈરાની બંદરોની નાકાબંધી શરૂ કરી હતી.
આ ઘટનાએ મધ્યપૂર્વમાં વધતા લશ્કરી તણાવ, દરિયાઈ વેપારની સુરક્ષા અને વિદેશી સંઘર્ષોમાં ફસાયેલા ભારતીય ખલાસીઓની સુરક્ષા અંગે નવી ચિંતાઓ ઊભી કરી છે.
દરમિયાન, ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ઓછો થવાના કોઈ સંકેત દેખાતા નથી. અમેરિકાએ ઈરાન પર વધુ એક હુમલો કર્યો છે.
ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે ઈરાન શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં 'ખૂબ જ સમય' લઈ રહ્યું છે અને 'અમેરિકાને મૂર્ખ બનાવી રહ્યું છે.'
આ યુદ્ધ 28 ફેબ્રુઆરીએ શરૂ થયું હતું, જ્યારે અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર લશ્કરી હુમલા શરૂ કર્યા હતા, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈનું મોત થયું હતું.
જવાબમાં, ઈરાને ઈઝરાયલ અને અમેરિકા-મિત્ર ગલ્ફ દેશો પર મિસાઇલ અને ડ્રૉન હુમલા કર્યા.
ટૂંક સમયમાં જ આ સંઘર્ષ સમગ્ર પ્રદેશમાં ઝડપથી ફેલાઈ ગયો અને માર્ચમાં લેબેનોન પણ પ્રભાવિત થયું.
એપ્રિલમાં, અમેરિકા અને ઈરાન યુદ્ધવિરામ પર સહમત થયાં હતાં, જે શરૂઆતમાં બે અઠવાડિયાં માટે લાગુ કરવામાં આવ્યો હતો.
જોકે, સતત આરોપ-પ્રત્યારોપ, નવા હુમલાઓ અને વધતા અવિશ્વાસને કારણે યુદ્ધવિરામ અત્યંત નાજુક સ્થિતિમાં છે, જેના કારણે આ પ્રદેશમાં મોટા લશ્કરી સંઘર્ષની શક્યતા વધી ગઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન