You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ પ્લેન ક્રૅશનો વીડિયો ઉતારનાર આર્યન હવે પ્લેનના વીડિયો નથી બનાવતો, આ આપ્યું કારણ
17 વર્ષીય આર્યન હાલમાં સાબરકાંઠાના પોતાના ગામમાં રહે છે. 12 જૂન, 2025ના રોજ તેઓ અમદાવાદ આવ્યા જ હતા અને તેમણે એક પ્લેનને ઊડતું જોયું. તેમણે તેનું શૂટિંગ કર્યું અને થોડી જ સેકન્ડોમાં એ પ્લેન તૂટી પડ્યું.
આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકો સહિત કુલ 260 લોકોનાં મોત થયાં હતાં.
આ વીડિયો તે દુર્ઘટનાનો એકમાત્ર મહત્ત્વનો પુરાવો બની ગયો હતો, જે આર્યને પોતાના મોબાઇલ ફોનમાં શૂટ કર્યો હતો. 13 જૂન, 2025ના રોજ બીબીસી ગુજરાતીએ આર્યને શોધી કાઢ્યો હતો અને તેમનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. હવે, એક વર્ષ બાદ આર્યન પોતાના ગામમાં રહે છે અને પ્લેનના વીડિયો બનાવતાં ડરે છે.
સાબરકાંઠાના ખાનપુર ગામમાં આર્યન તેમનાં માતાપિતા અને એક બહેન સાથે રહે છે. તેમણે હાલમાં જ 12મા ધોરણની પરીક્ષા પાસ કરી છે અને હવે તેઓ કૉલેજમાં અભ્યાસ કરવા માટે તૈયાર છે.
બીબીસી ગુજરાતી સાથેની ખાસ વાતચીત દરમિયાન તેમણે છેલ્લા એક વર્ષમાં પોતાના બદલાયેલા જીવનની અનેક વાતો કરી, જેમાં ખાસ કરીને પોતાના વિસ્તારમાં તેમને નવું નામ મળ્યું છે. આજકાલ તેમને તેમના મિત્રો અને આસપાસના લોકો 'વીડિયોવાળો છોકરો' તરીકે ઓળખે છે.
કોઈ લગ્નપ્રસંગ હોય કે પછી કૉલેજની કોઈ ઇવેન્ટ હોય, લોકો તેને જોતાં જ પહેલો સવાલ કરે છે કે – તેમણે વીડિયો કેવી રીતે બનાવ્યો અને તેમણે ખરેખર શું જોયું હતું?
આર્યન ખૂબ જ શાંત સ્વભાવવાળો અને ઓછું બોલે છે. તેને મોબાઇલમાં વિવિધ વીડિયો લેવાનો શોખ છે. તેઓ ઘરેથી બહાર નીકળે તો તેમના મોબાઇલમાં અનેક નાના-મોટા પ્રસંગો વગેરેનું શૂટિંગ કરતા હોય છે. કદાચ આ આદતને કારણે જ તેમણે AI-171ના ક્રૅશનો વીડિયો રેકૉર્ડ કરી લીધો હતો.
પ્લેનનો વીડિયો કેવી રીતે શૂટ કર્યો હતો? આર્યને શું કહ્યું?
બીબીસી ગુજરાતી સાથેની વાતચીત દરમિયાન આર્યને જણાવ્યું હતું કે તેઓ મેઘાણીનગરના પોતાના ઘરે ધાબા પર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"હું અને મારી બહેન ગામડેથી બસમાં બેસીને આવ્યાં જ હતાં. હું બહાર ધાબા પર ઊભો હતો અને મારી બહેન ધાબા પરના જ એક રૂમની અંદર હતી. પપ્પા તે સમયે નોકરી પર ગયા હતા. અમે સવારે નીકળેલા અને બપોરે અહીં આવી ગયાં હતાં. હું આસપાસનાં મકાનો શૂટ કરી રહ્યો હતો."
આર્યનનું આ મકાન ઍરપૉર્ટના રન-વેથી બિલકુલ નજીક આવેલું છે. તેમના મકાનની પાછળની એક તરફ ઍરપૉર્ટનું રન-વે છે તો બીજી બાજુ આઇજી કૅમ્પસ છે, જ્યાં AI-171 ક્રૅશ થયું હતું.
તેઓ વધુમાં કહે છે કે, "મેં જોયું કે એક વિમાન રન-વેથી ઊડ્યું. મેં મારા કુતૂહલ માટે તેનું શૂટિંગ કરવાનું શરૂ કર્યું. તે વિમાન થોડે ઉપર ચઢીને પાછું નીચે ગયું, પછી એક વખત ઉપર થયું અને પછી આગળ જઈને તે પડી ગયું. તુરંત જ ત્યાં આગ લાગી અને થોડી જ ક્ષણોમાં ધુમાડો જોવા મળ્યો હતો. આ જોઈને હું ખૂબ ગભરાઈ ગયો હતો."
જોકે ત્યાર બાદ તેઓ તુરંત જ પોતાનાં બહેન નીલમ અસારી પાસે ગયા હતા અને તેમણે કહ્યું હતું કે પ્લેન તૂટી પડ્યું છે. તેમનાં બહેને જોયું તો સામે ધુમાડો જ ધુમાડો હતો.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં નીલમ કહે છે કે, "મેં તુરંત જ મારા પપ્પાને ફોન કર્યો. તે થોડી વારમાં ઘરે આવી ગયા હતા. અમને સાંત્વના આપી અને કહ્યું કે આમાં અમારે ડરવાની વાત નથી."
આર્યનને હવે બધા 'વીડિયોવાળો છોકરો' કહે છે
જોકે વીડિયો બાદ આર્યનનો બીબીસી ગુજરાતીએ સૌપ્રથમ સંપર્ક કર્યો હતો. તેઓ કહે છે કે, "વીડિયો બાદ પહેલા ઍરપૉર્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાના અમુક લોકો આવ્યા હતા. તેમણે એ વીડિયો વિશે મારાથી માહિતી માગી હતી અને ત્યાર બાદ બીબીસી ગુજરાતીની ટીમે મારો સંપર્ક કર્યો હતો."
ત્યાર બાદ આર્યનનો એ વીડિયો વાઇરલ થયો હતો અને આર્યન રાતોરાત મીડિયા ધ્યાને આવી ગયા હતા.
તેમના પિતા મગનભાઈ અસારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "મીડિયાનું એટલું બધું ધ્યાન તેની પર હતું કે અમારે તેને અમદાવાદથી પાછો સાબરકાંઠામાં અમારા ગામડે મોકલી દેવો પડ્યો હતો. મીડિયાના લોકો સાથે વાત કરીને તે થાકી જતો હતો અને તેને કોઈની સાથે વાત કરવાનું ગમતું ન હતું, એટલે અમે તેને ગામડે લઈ આવ્યા હતા."
જોકે ગામડામાં પણ આર્યન ખૂબ પ્રખ્યાત થઈ ગયા હતા. નીલમ કહે છે કે, "બધા તેને કહેતા કે 'વીડિયોવાળો છોકરો' આવ્યો."
આર્યન હવે ઊડતાં પ્લેનનો વીડિયો કેમ નથી બનાવતા?
આર્યને કહ્યું, "બધા મને કહેતા કે – તું તો ફેમસ થઈ ગયો છે. મારા શિક્ષકોએ મને કહ્યું કે મેં ખૂબ સારું કામ કર્યું છે, મીડિયાની મદદ કરી છે. તે લોકો આ ઘટનાની તપાસ કરી રહ્યા છે, તેમની મદદ કરી રહ્યો છું. આ બધું સાંભળીને મને સારું લાગતું હતું, પરંતુ તેની સાથે સાથે આ ઘટના માટે દુઃખ પણ થતું હતું."
આ ઘટના બાદ તેમણે એક પણ પ્લેનનો વીડિયો લીધો નથી. તેઓ કહે છે કે, "મને બીક લાગે છે કે જો હું આ પ્લેનનો વીડિયો લઈશ તો તે ફરીથી તૂટી જશે અને ફરીથી લોકોના જાન જશે, એટલે હું હવે પ્લેનના વીડિયો નથી ઉતારતો."
જોકે આર્યન દરેક પ્રસંગના વીડિયો સતત ઉતારતા હોય છે.
તેમના ફોનમાં તેનો છેલ્લો વીડિયો તેમની અમદાવાદથી પોતાના ગામડે પરત ફરવાની યાત્રાનો છે. તેમણે હાઈવેની આસપાસની હરિયાળી અને વાહનોના વીડિયો લીધા હતા.
તેઓ કહે છે કે, "હાલમાં જ હું એક લગ્ન પ્રસંગમાં એક જાનમાં ગયો હતો અને ત્યાં બધા લોકોએ મને ઘેરી લીધો હતો. બધા મને મારા વીડિયો વિશે સવાલો કરતા હતા, કહેતા હતા કે હું તો ખૂબ પ્રખ્યાત થઈ ગયો છું. આ બધું સાંભળીને મને સારું લાગે છે કે મેં કંઈક એવું કામ કર્યું છે કે જે કોઈ બીજી વ્યક્તિએ નથી કર્યું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન