ગુજરાત તરફ આગળ વધતું ચોમાસું નબળું કેમ પડી રહ્યું છે, હવામાન વિભાગનું શું કહેવું છે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાત રાજ્યમાં પાછલા કેટલાક દિવસથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા લોકોનો ઇંતેજાર દરેક પસાર થતા દિવસની સાથે જાણે વધુ લાંબો ખેંચાતો જઈ રહ્યો છે.

એક તરફ જૂન માસનો તડકો, તેમાં સાથે બફારાને કારણે સર્જાયેલી ઉકળાટની સ્થિતિથી રાજ્યમાં લોકો ગરમીથી રાહત મળે તે માટે રાહ જોઈ રહ્યા છે.

રાજ્યમાં કેટલાક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ચોમાસા પહેલાંની પ્રીમોન્સૂન ઍક્ટિવિટી જોવા નથી મળી રહી.

હવામાન વિભાગે 11 જૂનના રોજ જાહેર કરેલા પોતાના બુલેટિનમાં ફરી એક વખત રાજ્યમાં વરસાદની આગાહી અને ચોમાસાની સ્થિતિ અંગે અપડેટ જાહેર કરી છે.

રાજ્યમાં આગામી દિવસોમાં ક્યાં ક્યાં પડશે વરસાદ?

ભારતમાં ચોમાસાની આગેકૂચ અંગેની વાત કરીએ તો અરબી સમુદ્ર અને મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ મધ્ય અને ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી, પશ્ચિમ બંગાળના કેટલાક વધુ ભાગો અને બિહાર ઉપરાંત છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ ખાતે આગામી બે-ત્રણ દિવસ સુધી દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધે તે માટેની અનુકૂળ સ્થિતિ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 12 જૂનના રોજ સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત બાકીના જિલ્લામાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે.

13 જૂનના રોજ છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત બાકીના જિલ્લામાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે.

તેમજ આગાહી પ્રમાણે, 14 જૂનના રોજ પણ છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત બાકીના જિલ્લામાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે.

રાજ્યમાં ચોમાસું બેસતા પહેલાં કેમ જોઈએ એવો વરસાદ નથી પડી રહ્યો?

જૂન મહિનાના દસ દિવસો ઉપરાંતનો સમય વીતી ગયા છતાં હજુ સુધી રાજ્યમાં જોઈએ એવો વરસાદ નથી પડી રહ્યો.

સામાન્યપણે રાજ્યમાં ચોમાસું બેઠા પહેલાં જૂન માસના પ્રારંભમાં જ રાજ્યમાં સારો એવો વરસાદ પડવાની શરૂઆત થઈ જાય છે.

હાલની સ્થિતિ પ્રમાણે, ચોમાસાની અરબી સમુદ્રની બ્રાન્ચ હજુ પણ આગળ નથી વધી રહી.

મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગળ વધતાં ચોમાસાને ચાર-પાંચ દિવસ હજુ વધુ લાગશે. એટલે કે ચોમાસાની પ્રગતિ હવે ધીમી પડી ગઈ છે.

આનું કારણ છે ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી એટલે કે પાકિસ્તાન તરફથી શુષ્ક હવાઓ વધુ આવી રહી છે. આ હવાઓ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફથી આવતી ભેજવાળી હવાઓને આગળ વધતી રોકી રહી છે.

આ સિવાય અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં હાલ કોઈ સિસ્ટમ ન હોવાને કારણે ચોમાસાને હાલ કોઈ વેગ નથી મળી રહ્યો. આના કારણે આપણા ત્યાં ચોમાસું ઝડપથી આગળ નથી વધી રહ્યું.

આના કારણે ચોમાસા પહેલાં રાજ્યમાં પડતો વરસાદ વધ્યો નથી. આવનારા ત્રણ-ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધવાની કોઈ શક્યતા નથી. આગામી 18 જૂન સુધી વધુ વરસાદ પડવાની સંભાવના નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન