You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા યુક્રેનને એ બૉમ્બ આપશે, જેના પર 100 દેશોએ પ્રતિબંધ મૂક્યો છે
- લેેખક, મેડલિન હલપર્ટ અને ફ્રેંક ગાર્ડનર
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
અમેરિકાએ યુક્રેનને ક્લસ્ટર હથિયાર આપવાનો નિર્ણય કર્યો છે. આ હથિયારો યુક્રેન માટે રશિયા વિરુદ્ધ પ્રતિક્રિયા સ્વરૂપે કરાઈ રહેલ કાર્યવાહીને વધુ ગતિ આપવામાં મદદરૂપ સાબિત થશે.
વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે ક્લસ્ટર હથિયારો વડે નાગરિકોને થતા ઘાતક નુકસાનના જોખમને જોતાં તેમણે અત્યાર સુધી આ બૉમ્બ મોકલ્યા નહોતા. સામેની બાજુએ યુક્રેન સતત હથિયાર પૂરાં પાડવાની માગ કરી રહ્યું હતું.
ક્લસ્ટર હથિયારો અત્યંત ખતરનાક હોય છે, મોટા વિસ્તારોમાં સેંકડો-હજારો બૉમ્બ ફેલાવી દેનારા આ હથિયારોની ભયાનકતાને જોતાં વિશ્વના 100 કરતાં વધુ દેશોએ આ હથિયારો પર પ્રતિબંધ લાદેલો છે.
આ એવાં હથિયાર છે, જેમાં એક સાથે ઘણા બૉમ્બ હોય છે. આ બૉમ્બ રૉકેટ, મિસાઇલ કે તોપ વડે છોડવામાં આવે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને એક ટીવી ઇન્ટરવ્યૂમાં આ નિર્ણયનો ઉલ્લેખ કરતાં કહ્યું, “મારા માટે આ અત્યંત મુશ્કેલ નિર્ણય છે. અમે અમારા સહયોગી દેશો સાથે આ મુદ્દે વાતચીત કરી. આ વાતચીત કૅપિટલ હિલમાં થઈ હતી.”
બાઇડને કહ્યું કે યુક્રેનિયનો પાસેનાં હથિયાર ખતમ થઈ રહ્યાં છે અને તેથી તેમણે ક્લસ્ટર હથિયાર મોકલવાનો નિર્ણય કર્યો છે.
જોકે આવતા અઠવાડિયે લિથુઆનિયામાં યોજાઈ રહેલી નેટોની બેઠકમાં તેમણે આ મામલે સહયોગી દેશોના સવાલોનો સામનો કરવો પડી શકે છે.
‘યુક્રેન માત્ર પોતાના રક્ષણ માટે આનો ઉપયોગ કરશે’
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૅક સુલિવને શુક્રવારે વ્હાઇટ હાઉસની નિયમિત બ્રીફિંગમાં આ યોજના પર પુછાયેલા સવાલોના જવાબમાં કહ્યું કે, “અમને એ વાતની ખબર છે કે આ પ્રકારનાં હથિયારોથી નાગરિકોને નુકસાન થઈ શકે છે. આ બૉમ્બ ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે. એ આની સાથે સંકળાયેલ એક મોટો ખતરો છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“આ કારણે જ અમે શક્ય હોય ત્યાં સુધી આનો ઉપયોગ ટાળ્યો.”
તેમણે કહ્યું, “યુક્રેન આ બૉમ્બનો ઉપયોગ વિદેશની ધરતી પર નહીં કરે. તેનો ઉપયોગ માત્ર એ પોતાના રક્ષણ માટે જ કરશે.”
તેમણે કહ્યું કે યુક્રેન પાસેનાં હથિયારો ખતમ થઈ રહ્યાં છે. આ કમીની ભરપાઈ કરવાની જરૂરિયાત છે. અમેરિકા આ હેતુને ધ્યાને રાખીને હથિયારોનું ઉત્પાદન પણ વધારી રહ્યું છે.
તેમણે કહ્યું, “અમે આ સંઘર્ષ દરમિયા યુક્રેનને હથિયારવિહોણી અવસ્થામાં તરછોડી ન શકીએ.”
ક્લસ્ટર હથિયાર ખૂબ વિવાદિત રહ્યાં છે. આ હથિયારો મારફતે ફેંકાતા બૉમ્બ અંતિમ સમયે બ્લાસ્ટ થતા નથી. ફાયર કર્યા બાદ આ બૉમ્બ વર્ષો સુધી નિષ્ક્રિય અવસ્થામાં પડ્યા રહે છે અને બાદમાં બ્લાસ્ટ થાય છે.
સુલિવન અનુસાર અમેરિકા જે ક્લસ્ટર હથિયાર યુક્રેનને મોકલશે તેની નિષ્ફળ રહેવાની શક્યતા 2.5 ટકા છે.
તેમજ રશિયાનાં ક્લસ્ટર હથિયાર નિષ્ફળ રહેવાની શક્યતા આશરે 30થી 40 ટકા છે.
આ મામલે બીજી ન્યૂઝ બ્રીફિંગમાં પેંટાગને એ દેશ યુક્રેનને કેટલાં હથિયાર મોકલવાનો છે એ વાત અંગે કોઈ સ્પષ્ટતા કરી નહોતી. જોકે, એટલું જરૂર જણાવાયું હતું કે હજારો હથિયાર તૈયાર છે.
અમેરિકાના કાયદા અનુસાર એ જેમાં બૉમ્બ બ્લાસ્ટ થવાની શક્યતા એક ટકા કરતાં વધુ હોય એવાં હથિયાર મોકલી ન શકે.
પરંતુ અમેરિકન રાષ્ટ્રપતિ આ કાયદાને નજરઅંદાજ કરી શકે છે.
જોકે સંયુક્ત રાષ્ટ્રની તપાસ પરથી એ વાતની ખબર પડી છે કે આ લડાઈમાં યુક્રેને કદાચ ક્લસ્ટર બૉમ્બોનો ઉપયોગ કર્યો છે. જોકે યુક્રેને આ વાતથી ઇનકાર કર્યો છે.
અમેરિકન મીડિયા રિપોર્ટમાં કહેવાયું હતું કે સૈન્ય અધિકારીઓ યુક્રેનને તોપ વડે ફાયર કરી શકાતાં હથિયાર મોકલવાની તૈયારી કરી રહ્યા છે.
દરેક બૉમ્બની અંદર અલગ-અલગ 88 નાના બૉમ્બ હોય છે. આ બૉમ્બ અગાઉથી તહેનાત કરાયેલ હોવિત્ઝર તોપ વડે છોડવામાં આવશે.
અમેરિકાએ હાલમાં યુક્રેનને 80 કરોડ ડૉલરનાં હથિયાર મોકલ્યાં છે. તેમાં બ્રેડલી, સ્ટ્રાઇકર ફાઇટર વિહિકલ, ઍર ડિફેન્સ મિસાઇલો અને દારૂગોળાવાળી સુરંગોને નષ્ટ કરનારાં હથિયાર સામેલ છે.
આ દરમિયાન માનવાધિકાર સંગઠનોએ રશિયા અને યુક્રેન બંનેને ક્લસ્ટર હથિયારોનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે.
સંયુક્ત રાષ્ટ્રના હ્યુમન રાઇટ્સ કમિશનરે શુક્રવારે આ દેશોને જણાવ્યું કે આ હથિયાર અત્યંત ખતરનાક છે, તેનો ઉપયોગ ન કરશો.
ક્લસ્ટર હથિયારો સાથે સંકળાયેલ આંતરરાષ્ટ્રીય સમજૂતીમાં 120 કરતાં વધુ દેશોએ આનાં ઉપયોગ, ઉત્પાદન ન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ દેશોએ કહ્યું છે કે તેઓ અન્ય દેશોને પણ આ હથિયારો પૂરાં નહીં પાડે.
- અમેરિકા યુક્રેનને ક્લસ્ટર હથિયાર મોકલી શકે છે
- ક્લસ્ટર હથિયાર અત્યંત ખતરનાક હોય છે
- ક્લસ્ટર બૉમ્બ ઘણા સમય સુધી બ્લાસ્ટ થયા વગર પડ્યા રહે છે
- આ બૉમ્બ ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે, નાગરિકો માટે એ અત્યંત ખતરનાક છે
- વિશ્વના 100 કરતાં વધુ દેશોમાં પ્રતિબંધિત છે આ બૉમ્બ
- અમેરિકાના ક્લસ્ટર હથિયારોની નિષ્ફળ રહેવાની શક્યતા નહિવત્
- યુક્રેન અને રશિયા બંને યુદ્ધની શરૂઆતથી ક્લસ્ટર બૉમ્બનો ઉપયોગ કરી રહ્યાં છે
- અમેરિકાના આ નિર્ણયથી સહયોગી દેશો નારાજ થઈ શકે છે
શું છે ક્લસ્ટર હથિયાર?
ક્લસ્ટર હથિયાર એક એવી સિસ્ટમ છે, જેમાં રૉકેટ, મિસાઇલ કે તોપો પડે અમુક ક્ષેત્રમાં ભારે સંખ્યામાં નાના-નાના બૉમ્બ ફેલાવી દેવાય છે. આવું આકાશમાં હોય ત્યારે જ કરાય છે.
આ બૉમ્બ મોટા વિસ્ફોટ કરવાના ઇરાદે દાગવામાં આવે છે પરંતુ આ બૉમ્બો પૈકી ઘણા બૉમ્બ બ્લાસ્ટ થતા નથી. આવું ખાસ કરીને ત્યારે થાય છે જ્યારે આ બૉમ્બ ભેજવાળી કે નરમ જમીન પર પડે છે.
આ બૉમ્બ દૂર કરાતી વખતે પણ બ્લાસ્ટ થઈ શકે છે. આ કારણે આ કામ કરનારાનું મૃત્યુ થઈ શકે છે અથવા તેઓ વિકલાંગ બની શકે છે.
આ બૉમ્બ એ સમયે વધુ ઘાતક બની જાય છે જ્યારે તેનો ઉપયોગ અમુક સ્થળે તહેનાત કરાયેલ પાયદળ વિરુદ્ધ કરાય છે.
ખાસ કરીને બંકરોમાં પૉઝિશન લઈને બેઠેલા કે કવર લઈને બેઠેલા સૈનિકો માટે આ બૉમ્બ અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. ક્લસ્ટર બૉમ્બના કારણે સૈનિકોને આગળ વધવામાં ખૂબ મુશ્કેલી પડે છે કારણ કે બૉમ્બ બ્લાસ્ટ થવાનો ઘણો ખતરો સૈનિકો પર તોળાતો રહે છે.
કેમ પ્રતિબંધિત છે આ હથિયાર?
બ્રિટન, ફ્રાન્સ અને જર્મની સહતિ 100 કરતાં વધુ દેશોએ એક આંતરરાષ્ટ્રીય સમજૂતી પર સહી કરી છે.
આનાં ઘાતક પરિણામોને જોતાં સમજૂતી અંતર્ગત આનાં ઉપયોગ અને ભંડાર કરવાની પ્રવૃત્તિ પ્રતિબંધિત છે.
ખાસ કરીને બાળકો પર તેનો ખતરો હોય છે, કારણ કે અમુક ખેતર કે મેદાનમાં પડેલા આ બૉમ્બ નાનાં રમકડાં જેવા દેખાય છે.
માનવાધિકાર સંગઠનોએ આ બૉમ્બ વડે થતા હુમલાને યુદ્ધ અપરાધ ગણાવ્યા છે.
ખતરનાક હોવા છતાં આનો ઉપયોગ કોણ કરે છે?
રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદથી જ બંને પક્ષો દ્વારા તેનો ઉપયોગ કરાઈ રહ્યો છે. અહીં નોંધનીય છે કે બંને પૈકી કોઈ પણ દેશે ક્લસ્ટર હથિયારો સંબંધિત સમજૂતી પર સહી નથી કરી.
અમેરિકાએ પણ આ સમજૂતી પર સહી નથી કરી. પરંતુ તેણે રશિયા દ્વારા આ હથિયારોનો ઉપયોગ કરાયાની વાતની નિંદા કરી છે. એવું મનાય છે કે રશિયન ક્લસ્ટર બૉમ્બની બ્લાસ્ટ ન થવાની શક્યતા 40 ટકા હોય છે.
યુક્રેન કેમ ક્લસ્ટર હથિયારની માગ કરી રહ્યું છે?
યુક્રેનિયન સૈન્ય પાસે હથિયારો ખૂટતાં જઈ રહ્યાં છે. કારણ કે રશિયન સૈન્યની માફક યુક્રેનનું સૈન્ય પણ તેનો બેફામ ઉપયોગ કરી રહ્યું છે.
જેટલી ઝડપથી યુક્રેન પાસેનાં હથિયારો ખતમ થતાં જઈ રહ્યાં છે એટલી ઝડપથી તેના સહયોગી દેશો હથિયાર સપ્લાય નથી કરી શકી રહ્યા.
યુક્રેનિયન સૈન્ય માટે હવે 1,000 કિલોમીટરમાં ફેલાયેલા યુદ્ધ ક્ષેત્રમાં રહેલાં રશિયન સૈનિકોને પાછા ધકેલવાનું કામ અત્યંત જરૂરી બની ગયું છે.
યુક્રેન પાસે રહેલાં હથિયારો ઘટતા જઈ રહેલા પુરવઠાને જોતાં તેણે અમેરિકાને ઝડપથી ક્લસ્ટર હથિયારો પૂરાં પાડવાની માગ કરી છે.
અમેરિકાના નિર્ણયની શી અસર થશે?
આ નિર્ણયથી અમેરિકાની નૈતિક અસર ઘટશે. કારણ કે આ લડાઈમાં એ અત્યાર સુધી ક્લસ્ટર બૉમ્બોનો વિરોધ કરી રહ્યું હતું.
રશિયા દ્વારા આચરાયેલા ઘણા યુદ્ધ અપરાધોના પુરાવા મળ્યા છે. પરંતુ હવે અમેરિકા પર પણ દ્વિમુખી વલણ અખત્યાર કરવાનો આરોપ લાગી શકે છે.
ક્લસ્ટર હથિયાર એ છૂપા અને છૂટાછવાયા વેરી શકાય એવા બૉમ્બ હોય છે. મોટા ભાગના દેશોમાં તેના પર પ્રતિબંધ છે.
આ બૉમ્બોના ઉપયોગના નિર્ણયને લઈને અમેરિકાના સહયોગી ગણાતા પશ્ચિમના દેશો બે સમૂહમાં વહેચાઈ શકે છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે આ એક સારી તક હોઈ શકે છે. આ નિર્ણય પશ્ચિમના દેશો વચ્ચે મતભેદ પેદા કરવાના તેમના હેતુને સફળ બનાવશે.