You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા અને ભાડૂતી સૈનિકોની કંપની વાગનર ગ્રૂપ વચ્ચે સમજૂતી વિશે બેલારુસના રાષ્ટ્રપતિ લુકાશેન્કોએ શું કહ્યું?
- લેેખક, સ્ટીવ રોઝનબર્ગ
- પદ, એડિટર, રશિયન સર્વિસ, મિન્સ્કથી
- પ્રકાશિત
અમને જે કહેવામાં આવ્યું તે પ્રમાણે રશિયન સેના સામે બળવો કરનાર ભાડૂતી સૈનિકોના જૂથ વાગનર ગ્રૂપ અને રશિયન સરકાર વચ્ચે સમજૂતી કરાવનાર બેલારુસના રાષ્ટ્રપતિ ઍલેક્ઝેન્ડર લુકાશેન્કો હતા.
યુક્રેન પર રશિયાના હુમલામાં બેલારુસ એ દેશ છે જેણે શરૂઆતથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો સાથ આપ્યો છે.
જોકે આ રશિયામાં વાગનર ગ્રૂપે કરેલા બળવા અને પછી તેને પાછો ખેચવામાં આવ્યો તેની કહાણી એટલી ધૂંધળી છે કે તેના પર વધુ પ્રકાશ જો કોઈ પાડી શકે તો એ પોતે બેલારુસના રાષ્ટ્રપતિ જ હોઈ શકે. અથવા એવી આશા તો કરી જ શકાય કે તેઓ પ્રકાશ પાડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, વાગનર ગ્રૂપે રશિયન સેનામાં બળવો કર્યો હતો. યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા રશિયાના સૈન્ય સામે રશિયન ભાડૂતી સૈનિકોના ગ્રૂપે દેશમાં જ મોરચો ખોલીને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન માટે મુશ્કેલી ઊભી કરી છે.
અમને લુકાશેન્કો સાથે મુલાકાત માટે આમંત્રણ મળ્યું હતું. મિન્સ્કમાં પૅલેસ ઑફ ઇન્ડિપૅન્ડન્સ ખાતે પત્રકારોના એક નાના જૂથને આનું આમંત્રણ મળ્યું હતું.
કેટલાક સપ્તાહ પહેલાં અટકળો હતી કે લુકાશેન્કોની તબિયત સારી નથી. પરંતુ તેમની સાથે ચાલેલી ચાર કલાકની બેઠકમાં તેઓ એકદમ તંદુરસ્ત જોવા મળ્યા.
જોકે તેમણે પ્રકાશ પાથરવાની જગ્યાએ રશિયન આર્મી સામે થયેલા બળવા વિશે જે કહ્યું તેનાથી જાણે અમારી સમજણને વધુ ધૂંધળી કરી દીધી.
વાગનર ગ્રૂપ અને ક્રેમલિન વચ્ચેના કરાર અનુસાર વાગનર ગ્રૂપના પ્રમુખ યેવગેની પ્રિગોઝિન બેલારુસ જવાના હતા અને તેમના કેટલાક ફાઇટરો પણ બેલારુસ જવાના હતા.પણ હજુ સુધી આવું થયું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લુકાશેન્કોએ કહ્યું, "આજ સવાર સુધી વાગનર ફાઇટરો જે ગંભીર છે, તેઓ હજુ પણ બાખમુટ કૅમ્પમાંથી બહાર નીકળવાના હતા તેઓ હજુ પણ ત્યાં જ છે."
"યેવગેની પ્રિગોઝિન સેન્ટ પિટર્ઝબર્ગમાં છે. અથવા કદાચ સવારે મૉસ્કો જશે. કદાચ કોઈ બીજી જગ્યાએ જશે. પણ તેઓ બેલારુસમાં નથી."
પરમાણુ હથિયારો વિશે શું વાત થઈ?
મેં લુકાશેન્કોને પૂછ્યું કે તો શું તેનો અર્થ કે સમજૂતી હવે સમાપ્ત થઈ ગઈ છે?
પણ તેઓ આ વાતને ફગાવી દે છે. લાગે છે કે હજુ પણ પડદા પાછળ વાટાઘાટો ચાલુ છે અને અમને એના વિશે નથી કહેવાયું.
જ્યારે બળવા વિશે વાતચીત થાય છે, ત્યારે મૉસ્કો અને મિન્સ્ક બંનેનું વલણ અલગ હોય છે.
ગયા સપ્તાહે રશિયાની સરકારી ટીવી ચૅનલે જાહેરાત કરી હતી કે આ નાટ્યાત્મક ઘટનામાં વ્લાદિમીર પુતિન એક હીરો તરીકે ઊપસી આવ્યા છે.
લુકાશેન્કોએ મને કહ્યું, "મને લાગે છે કે આમાંથી કોઈ પણ વ્યક્તિ હીરો તરીકે ન ઊપસી શકે."
"ન પુતિન, ન યેવગેની પ્રિગોઝિન, ન લુકાશેન્કો. એમાં કોઈ હીરો નથી. આમાંથી શું પાઠ મળ્યો?"
"જો આપણે આવી જ રીતે સશસ્ત્ર જૂથો ઊભા કરીશું, તો તેમના પર નજર રાખવી પડશે અને ગંભીરતાથી તેમની નિગરાની કરવી પડશે."
વાતચીત પરમાણુ હથિયારો વિશે પણ થઈ. એક રીતે રશિયાએ કહ્યું કે તે તેને બેલારુસ મોકલી રહ્યું છે.
લુકાશેન્કો આ વિશે તાજેતરમાં એક ટિપ્પણી કરી હતી જેમાં તેમણે કહ્યું હતું, "ઈશ્વર ન કરે કે મારે ક્યારેય તેને વાપરવાનો વારો આવે. પણ હું તેને વાપરવામાં ખચકાટ પણ નહીં અનુભવું."
મેં તેમને તેમની એ ટિપ્પણી યાદ કરાવી.
લુકાશેન્કોએ જવાબ આપ્યો કે, "જો બાઇડન અને ઋષિ સુનક પણ આવી જ વાત કહેશે. મારા મિત્ર શી જિનપિંગ અને મોટા ભાઈ પુતિન પણ.”
મેં તેમને કહ્યું કે, "પણ આપણે જે હથિયારોની વાત કરી રહ્યા છે, એ તમારા હથિયારોની નથી. તે રશિયાના છે. એટલે એના વપરાશનો નિર્ણય તમે ન લઈ શકો."
લુકાશેન્કો આ વિશે કહે છે, "યુક્રેનમાં લશ્કર વિદેશી હથિયારો સાથે લડી રહ્યું છે.નાટોનાં હથિયારો. તેમનાં હથિયાર ખતમ થવાં આવ્યાં એટલે તેઓ આવું કરે છે. તો હું બીજાંનાં હથિયારથી કેમ ન લડી શકું?"
પણ આપણે પરમાણુ હથિયારની વાત કરી રહ્યા છીએ. નહીં કે પિસ્તોલની.
લૂકાશેન્કોએ આનો જવાબ આપ્યો અને કહ્યું, "હા પરમાણુ હથિયારો. તે પણ હથિયારો જ છે. તે વ્યૂહાત્મક પરમાણુ હથિયારો છે."
તમે લુકાશેન્કોની પરમાણુ હથિયારો પરની ટિપ્પણી અને આવા જવાબોથી સમજી શકો છો કે તેઓ કેટલા વિવાદિત વ્યક્તિ છે.
અમેરિકા, યુરોપિયન સંઘ અને યુકે તેમને બેલારુસના સત્તાવાર પ્રમુખ તરીકે માન્યતા નથી આપતા.
2020માં બેલારુસમાં રસ્તાઓ પર પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા જેમાં તેમના પર દેશના રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ગેરરીતિ કરવાના આરોપો લાગ્યા હતા. પણ પ્રદર્શનો પર હિંસક દબાણ કરી તેને કચડી નાખવામાં આવ્યા હતા.
મેં તેમની સામે વિપક્ષના કાર્યકર્તા મારિયા કોલેન્સિકોવા વિશે વાત કરી.
મેં પૂછ્યું કે જેલમાં મારિયા સાથે તેમના પરિવાર અને વકીલને લાંબો સમય સુધી કેમ મળવા ન દેવાયા હતા?
તેમણે દાવો કર્યો, “હું આ વિશે કંઈ નથી જાણતો.”
મેં લુકાશેન્કોને યાદ કરાવ્યું કે છેલ્લે 2021માં મેં જ્યારે તેમને ઇન્ટરવ્યૂ લીધો હતો ત્યારે બેલારુસની જેલમાં 873 રાજકીય કેદીઓ હતા. હવે 1500 છે.
તેમણે આ વિશે જવાબમાં કહ્યું, "રાજકીય ગુનાઓ માટે અમારા કાયદામાં કોઈ આર્ટિકલ નથી."
મેં સામે પ્રશ્ન કર્યો કે, "આર્ટિકલ એટલે કે ગુનાની કલમ ન હોય એનો અર્થ એ નથી કે દેશમાં રાજકીય કેદીઓ નથી."
તેમણે કહ્યું, "કેદીઓ રાજકીય કેદી ન હોઈ શકે, જો રાજકીય ગુનાની કલમ જ ન હોય. એવું કેવું રીતે હોઈ શકે?"