You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
PFI સામે અઠવાડિયામાં બીજી વખત કાર્યવાહી, પાંચ રાજ્યોમાં દરોડા - પ્રેસ રિવ્યૂ
એક અઠવાડિયામાં વધુ એક વખત એનઆઈએએ સ્થાનિક પોલીસને સાથે રાખીને પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાની સામે કાર્યવાહી હાથ ધરી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ મહારાષ્ટ્ર પોલીસને ટાંકતા જણાવ્યું છે કે ઔરંગાબાદ, મુંબઈ, થાણે, સોલાપુર, અમરાવતી અને પુણેમાંથી પીએફઆઈ સાથે સંકળાયેલા 40 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે.
દેશની રાજધાની નવી દિલ્હીમાં પણ પીએફઆઈ સાથે સંકળાયેલા લોકોની અટકાયત કરવામાં આવી છે. દિલ્હીના પોલીસ કમિશનર સંજય અરોરા મંગળવારે બપોરે પત્રકારો સાથે વાત કરશે તથા પોલીસની કાર્યવાહી તથા જપ્તી વિશે માહિતી આપશે.
કર્ણાટકના એડીજીપીના (લો ઍન્ડ ઑર્ડર) નિવેદન પ્રમાણે, પીએફઆઈ તથા એસડીપીઆઈ સાથે જોડાયેલા 80 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે અને વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી હતી. આ શખ્સો કોમી હિંસા ફેલાવીને કાયદો અને વ્યવસ્થાને ખોરવવા માગતા હોવાનો પોલીસનો દાવો છે.
મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાના કહેવા પ્રમાણે, રાજ્યના આઠ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએથી પીએફઆઈ સાથે સંકળાયેલા 21 લોકોને પકડવામાં આવ્યા છે. ગત સપ્તાહે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પકડાયેલા લોકોની સાથે તેમના સંબંધ વિશે તપાસ હાથ ધરવામાં આવી છે.
આસામના મુખ્ય મંત્રી હેમંતા બિશ્વા શર્માએ પીએફઆઈ સાથે સંકળાયેલા 25 લોકોને રાજ્યમાંથી ઉઠાવવામાં આવ્યા હોવાની વાત કહી હતી.
આ કાર્યવાહી એનઆઈએને અગાઉની રેડ દરમિયાન મળેલા દસ્તાવેજોના આધારે કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ પહેલાં એનઆઈએ તથા ઍન્ફૉર્સમૅન્ટ ડાયરેક્ટ્રેટે મળીને દેશના 15 રાજ્યમાં 100થી વધુ ઠેકાણાં પર રેડ કરી હતી અને સંગઠનના અધ્યક્ષ ઓએમએ સાલમ સહિત 100થી વધુ કાર્યકર-પદાધિકારીની ધરપકડ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીએફઆઈની ઉપર 'યુવાનોને કટ્ટરવાદ તરફ ધકેલવાનો, તેમને પ્રતિબંધિત સંગઠનોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાનો', 'હથિયારની તાલીમ' આપવાનો તથા 'ત્રાસવાદી પ્રવૃત્તિઓ' માટે ફંડ પૂરું પાડવાના આરોપ છે.
પીએફઆઈએ નિવેદન બહાર પાડીને આ કાર્યવાહીને વખોડી કાઢી હતી અને તેને સનસનાટી ફેલાવવા માટે કરવામાં આવેલું કૃત્ય ઠેરવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2006માં દક્ષિણભારતની ત્રણ મુસ્લિમ સંસ્થાઓના વિલીનીકરણથી પીએફઆઈ અસ્તિત્વમાં આવ્યું હતું. બાબરી મસ્જિદના ધ્વંસ પછી અસ્તિત્વમાં આવેલા નેશનલ ડેવલ્પમૅન્ટ ફ્રન્ટ ઑફ કેરળ, કર્ણાટક ફૉરમ ફૉર ડિગ્નિટી તથા મનિથા નીથિ (નીતિ નહીં) પસારીના ભળવાથી આ સંસ્થા અસ્તિત્વમાં આવી હતી.
વડા પ્રધાન મોદીની તસવીરો પર સુપ્રીમ કોર્ટે કેમ નોટિસ ફટકારી?
કોલકાતાથી પ્રકાશિત અંગ્રેજી અખબારના એક રિપોર્ટ અનુસાર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિજ્ઞાપનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરના વધુ પડતા ઉપયોગ અંગે એક અરજી પર નોટિસ પાઠવી છે.
ટેલિગ્રાફ અખબાર અનુસાર સુપ્રીમ કોર્ટે સોમવારના કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી છે. આ નોટિસ પીઆઈએલ અંગે ફટકારવામાં આવી છે જેમાં ભાજપ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરનો સરકારી વિજ્ઞાપનમાં અત્યધિક ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
અરજીમાં કોવિડ વૅક્સિન સર્ટિફિકેટ, રૅશનકાર્ડ અને સરકાર તરફથી મળતા અનાજની ગૂણ પર વડા પ્રધાનની તસવીર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
'કૉમન કૉઝ' નામના એક એનજીઓએ પોતાની અરજીમાં કહ્યું છે કે સરકારી એડવરટોરિયલને સમાચારની જેમ રજૂ કરવામાં આવી રહ્યાં છે.
એનજીઓ તરફથી વકીલાત કરતા વરિષ્ઠ ઍડ્વોકેટ પ્રશાંત કિશોરે કહ્યું કે સરકાર સુપ્રીમ કોર્ટના વર્ષ 2015માં જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશનું ઉલ્લંઘન કરી રહી છે જે એનજીઓ કૉમન કૉઝની અરજી પર આપવામાં આવ્યા હતા.
વર્ષ 2015માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સરકારી વિજ્ઞાપનોમાં ટૅક્સ ભરનાર લોકોના પૈસા વાપરીને રાજનેતાઓને પર્સનાલિટી કલ્ટ બનાવવા ન દઈ શકાય. કોર્ટે કહ્યું હતું કે સરકારી જાહેરાતોમાં રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ માત્ર આ ત્રણ બંધારણીય પદો પર બેઠા લોકોની જ તસવીરો વાપરી શકાય છે.
વર્ષ 2016માં સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં ફેરફાર કરતા રાજ્યપાલ, મુખ્ય મંત્રી અને અન્ય કેન્દ્રીય મંત્રીઓની તસવીરો પણ સરકારી જાહેરાતોમાં વાપરવાની મંજૂરી આપી હતી.
પરંતુ આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, " એ જોવામાં આવ્યું છે કે આ પદાધિકારીઓની તસવીરોનો ઉપયોગ સરકારી વિજ્ઞાપનમાં પર્સનાલિટી પ્રોજેક્શન માટે સહેલાઈથી કરાઈ રહ્યો છે".
"આ બેચેન કરવાવાળી વાત છે કે જે અનાજ લોકોમાં વહેંચવામાં આવે છે તેની ગૂણ પર પણ વડા પ્રધાનની તસવીર છે. લોકોને આપવામાં આવેલા વૅક્સિન સર્ટિફિકેટ પર વડા પ્રધાનની તસવીર હોય છે. રાજ્યોના મુખ્ય મંત્રી પણ તેમને મળેલી છૂટનો દુરુપયોગ કરી રહ્યા છે. "
એનજીઓનો આરોપ છે કે રાજ્ય સરકારો એવી જાહેરાતો છપાવી રહી છે જે તેમના કાર્યક્ષેત્રની બહાર છે અને એવું માત્ર એટલે કરાઈ રહ્યું છે જેથી નેતાઓના વ્યક્તિત્વને સ્થાપિત કરી શકાય.
ફરિયાદમાં પણ કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પહેલાં સરકારી જાહેરાતોને પ્રકાશિત કરવામાં આવી રહી છે, તેના દુરુપયોગની સંભાવના છે અને અન્ય પાર્ટીઓ માટે આ એક અસમાન મેદન છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટોક્યો પહોંચ્યા
જાપાનના પૂર્વ વડા પ્રધાન શિન્ઝો એબેની અંતિમ વિદાય પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટોક્યો પહોંચ્યા છે.
પીએમ મોદી સિવાય વિશ્વના ઘણા નેતાઓ જાપાનમાં છે.
એબેના અંતિમસંસ્કાર માટે સો દેશના પ્રતિનિધિઓ ટોક્યોમાં છે. જેમાં 20 દેશના રાષ્ટ્રાધ્યક્ષો પણ સામેલ છે. જોકે જાપાનમાં અંતિમ વિદાય પર થઈ રહેલા ખર્ચ કારણે વિરોધ થઈ રહ્યો છે.
ગઈ કાલે પણ હજારો લોકોએ ટોક્યોના રસ્તાઓ પર વિરોધપ્રદર્શન કર્યું હતું.
શિન્ઝો એબેને ભારતના મિત્ર તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનની વિદેશનીતિની દિશા બદલવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
જાપાનના લોકપ્રિય પૂર્વ વડા પ્રધાનને 8 જુલાઈના રોજ ચૂંટણીપ્રચાર દરમિયાન એક વ્યક્તિએ ગોળી મારી હતી.
ભારતે 9 જુલાઈના રોજ તેમના મૃત્યુ પર એક દિવસનો રાષ્ટ્રીય શોક પાળ્યો હતો.
બાંગ્લાદેશમાં બોટ ડૂબી જવાથી મૃત્યુઆંક વધીને 43 થયો
રવિવારે ઉત્તર બાંગ્લાદેશમાં હિંદુ શ્રદ્ધાળુઓને લઈ જતી એક બોટ ડૂબી જતાં મૃત્યુઆંક વધીને 43 થઈ ગયો છે, જેમાં કેટલાય લોકો હજુ પણ ગુમ છે.
મહાલયના અવસરે હિંદુ શ્રદ્ધાળુઓ બોટમાં મંદિરે જઈ રહ્યા હતા.
ગુમ થયેલા લોકોના પરિવારજનો નદીકિનારે એકઠા થયા હતા અને બચાવ ટીમો મૃતદેહોની શોધ કરી રહી છે.
પંચગઢ જિલ્લા પ્રશાસક ઝહરુલ ઇસ્લામે જણાવ્યું કે અત્યાર સુધીમાં 40 મૃતદેહ મળી આવ્યા છે. જેમાં 22 મહિલા, 9 પુરુષ અને 12 બાળકનો સમાવેશ થાય છે.
ઝહરુલ ઇસ્લામે જણાવ્યું કે પાંચ સભ્યોની ટીમ આ ઘટનાની તપાસ કરી રહી છે, પરંતુ પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે બૉટનું ક્ષમતા કરતાં લગભગ ત્રણ ગણું વજન હતું.
બીબીસી બાંગ્લા સેવા અનુસાર, બોટમાં 100થી વધુ લોકો સવાર હતા.
ઍડવર્ડ સ્નોડેનને રશિયાની નાગરિકતા મળી, અમેરિકાના જાસૂસી દસ્તાવેજો લીક કરવાનો આરોપ હતો
ઍડવર્ડ સ્નોડેનને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના દેશની નાગરિકતા આપવાનો આદેશ કર્યો છે.
સ્નોડેન પર અમેરિકાના અનેક જાસૂસી દસ્તાવેજો કથિત રીતે લીક કરવાનો આરોપ છે.
ઍડવર્ડ સ્નોડેને વર્ષ 2013માં સિક્રેટ ફાઇલો લીક કરી દીધી હતી. આ ફાઇલોમાં જણાવાયું હતું કે કેવી રીતે અમેરિકન જાસૂસી એજન્સીઓ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સ્તરે નિરીક્ષણ કરી રહી છે.
2020માં રશિયાએ સ્નોડેનને સ્થાયી નિવાસનો અધિકાર આપ્યો હતો, જે બાદ તેમના માટે રશિયન નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થયો હતો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો