ઇંગ્લિશ ચેનલ : હોડી ડૂબવાની જાણ કઈ રીતે થઈ? ગર્ભવતી, બાળકો સહિત 31નાં મૃત્યુ

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગ્ડમની વચ્ચે આવેલી ઇંગ્લિશ ચેનલને પાર કરી સામે પાર યુકેમાં આશરો મેળવવા માટે ફ્રાન્સના તટથી નીકળેલાં 31 રૅફ્યૂજીઓનાં મૃત્યુ થયાં છે.

ગઈકાલે બપોરે ફ્રાન્સના ઉત્તર કિનારે આવેલા કેલાઇસ ખાતેથી 34 શરણાર્થીઓ રબરની મોટી બોટમાં નીકળ્યા હતા.

જ્યારબાદ માછીમારોએ કેટલાક લોકોને દરિયામાં તણાતા જોયા અને સત્તાધીશોનું ધ્યાન દોર્યું હતું.

બચાવનારાઓએ જ્યારે શરણાર્થીઓ દ્વારા વાપરવામાં આવેલી બોટને શોધી તો તેમાંથી મોટાભાગની બોટની હવા નીકળી ગઈ હતી.

ઇંગ્લિશ ચેનલમાં 32 કિલોમીટરની આ સફર ખૂબ ભયાનક છે કારણ કે તે વિશ્વમાં શિપિંગ માટેના સૌથી વ્યસ્ત રૂટમાંથી એક છે.

ફ્રાન્સના સત્તાધીશો કહે છે કે 27 લોકોના ડૂબવાથી મોત થયાં છે. જેમાંથી 17 પુરુષો, એક ગર્ભવતી સહિત કુલ સાત મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.

ફ્રાન્સના ગૃહમંત્રી ગેરાલ્ડ ડારમેનિને અગાઉ કહ્યું હતું કે બોટમાં 34 લોકો સવાર હતા.

સમાચાર એજન્સી રૉયટર્સે સ્થાનિક માછીમારોને ટાંકીને લખ્યું હતું કે, બુધવારે શાંત દરિયાની સ્થિતિનો લાભ લઈ ચેનલ પાર કરવા માટે રૅફ્યૂજીઓના એક મોટા સમૂહે ફ્રાન્સના ઉત્તર ભાગથી ચેનલ પાર કરવાનું અભિયાન આદર્યું હતું.

ઇંગ્લિશ ચેનલ પાર કરવા પર નિયંત્રણની અરજ

વર્ષ 2016માં 'નો' કૅમ્પેન બાદ સરહદોનું નિયંત્રણ મેળવવા માટે ઝઝૂમી રહેલા બ્રિટને ફ્રાન્સને વિનંતી કરી છે કે ઇંગ્લિશ ચેનલ પાર કરવાના પ્રયાસોને નિયંત્રિત કરવામાં આવે.

ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ફૉર માઇગ્રેશને કહ્યું કે, વર્ષ 2014માં ડેટા એકઠો કરવાની શરૂઆત બાદથી આ ક્ષેત્રમાં થયેલી આ સૌથી મોટી દુર્ઘટના છે.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉનસને કહ્યું કે જે કંઈ થયું તેના કારણે તેઓ 'આશ્ચર્યચકિત' છે અને બ્રિટન આને રોકવાના પ્રયાસો કરશે.

ફ્રાન્સના પ્રમુખ અને યુકેના પીએમએ વાતચીત કરી

બ્રિટનના વડા પ્રધાન કાર્યાલયે વધુમાં જણાવ્યું કે, ઇંગ્લિશ ચેનલમાં 31 શરણાર્થીઓનાં મોત બાદ બંને દેશના નેતાઓ વચ્ચે આ ક્રિમિનલ ગૅન્ગને રોકવા માટે શક્ય તમામ કામગીરી કરવાની સહમતિ સધાઈ છે.

બૉરિસ જૉનસનના પ્રવક્તાના જણાવ્યા મુજબ, બ્રિટિશ અને ફ્રૅન્ચ નેતાઓ વચ્ચે બુધવારે સાંજે ટેલિફોનિક વાતચીત થઈ હતી.

બન્નેએ બૅલ્જિયમ, નૅધરલૅન્ડ્સ સહિતના યુરોપીય દેશો સાથે મળીને તાત્કાલિક ધોરણે કામગીરી કરવાની તૈયારી દર્શાવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો