You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીન કોરોનાની રસીના નામે વિશ્વમાં પોતાની પકડ મજબૂત કરવા માગે છે?
- લેેખક, સુરભિ કૌલ
- પદ, બીબીસી મૉનિટરિંગ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ચીનનું સરકારી નિયંત્રણ હેઠળનું મીડિયા તેની વૅક્સિન (રસી)ને 'ગ્લોબલ પબ્લિક પ્રોડક્ટ' તરીકે રજૂ કરવા માંગે છે, જેનો હેતુ 'રોગચાળાનો સામનો કરવામાં બીજા વિકાસશીલ દેશોને મદદ કરવાનો' છે.
ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તા વેંગ વેનબિને જણાવ્યું કે, "જુદાંજુદાં દેશોમાં હજુ રસી વિકસાવવામાં આવી રહી છે. તેની કિંમત કેટલી રાખવામાં આવશે તે હજુ સુધી નક્કી નથી."
"પરંતુ ચીન માટે એક વાત નિશ્ચિત છે. અમે વૈશ્વિક જનકલ્યાણ માટે દુનિયાને અમારી રસી યોગ્ય અને વાજબી ભાવે પૂરી પાડીશું."
સરકારી મીડિયાએ અમેરિકા પર આરોપ મૂક્યો છે કે તે આ રોગનો ફેલાવો અસરકારક રીતે અટકાવવાના બદલે માત્ર પોતાનાં આર્થિક હિતોની ચિંતા કરે છે.
ચાઇના ગ્લોબલ ટેલિવિઝન નેટવર્ક (CGTN) જેવાં મીડિયા જૂથે અમેરિકન સરકાર અને મીડિયા પર આરોપ મૂક્યો છે કે તેઓ ચીનની રસી વિરુદ્ધ મોટા પાયે ગેરમાહિતી ફેલાવવાનું અભિયાન ચલાવે છે.
મૉસ્કોસ્થિત અમેરિકન ઍનાલિસ્ટ ઍન્ડ્રુ કૉરિબ્કોએ CGTN માટે એક લેખમાં દલીલ કરી હતી, "અમેરિકા પાસે બડાશ મારી શકાય તેવું પોતાનું કંઈ નથી, તેથી તે જેને પોતાનું મુખ્ય હરીફ સમજે છે, તેને ઉતારી પાડવામાં વ્યસ્ત છે."
"તે (અમેરિકા) માને છે કે તે બીજા લોકોને ડરાવીને ચાઇનીઝ રસીથી દૂર ધકેલી શકશે."
આફ્રિકાને મદદ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આફ્રિકાના દેશોનો સંપર્ક કર્યો છે અને તેમને વચન આપ્યું છે કે કોરોના વાઇરસની રસીના ઉપયોગ માટે લાઈસન્સ મળે ત્યારે આફ્રિકાના દેશોને તેના ઉપયોગમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાથોસાથ સરકારી મીડિયાએ ચીન-આફ્રિકાના સંબંધોને 'અડગ' અને 'મજબૂત' ગણાવ્યા છે તથા નિષ્ણાતોને ટાંક્યા છે જેઓ કહે છે કે ચીને આફ્રિકાને કરેલી મદદ 'નક્કર અને ઉપયોગી' છે.
સરકારી મીડિયાના અહેવાલ પ્રમાણે 'જૂન મહિનામાં ચીન-આફ્રિકા મંત્રણા દરમિયાન જિનપિંગે જણાવ્યું હતું કે ચીન એડિસ અબાબા ખાતે આફ્રિકન સૅન્ટર્સ ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (CDC)હેડક્વાર્ટર્સનું બાંધકામ શિડ્યુલથી વહેલું શરૂ કરશે.'
તેમણે કહ્યું કે 'ચીન FOCAC (ફોરમ ઓન ચાઇના-આફ્રિકા કૉઑપરેશન) બીજિંગ સમિટ ખાતે અપનાવાયેલી હેલ્થ કૅર પહેલ લાગુ કરવા આફ્રિકા સાથે કામ કરશે અને ચાઇના-આફ્રિકા ફ્રેન્ડશિપ હૉસ્પિટલના બાંધકામ તથા ચાઇનીઝ અને આફ્રિકન હૉસ્પિટલો વચ્ચેનો સહકાર વધારવામાં ઝડપ લાવશે.'
રાષ્ટ્રપતિ જિનપિંગે એ બાબતનો ફરીથી ઉલ્લેખ કર્યો હતો કે ચીનમાં કોવિડ-19 રસી વિકસાવવાનું અને ઉપયોગ કરવાનું કામ પૂર્ણ થાય ત્યાર પછી "તેનો લાભ મેળવવામાં આફ્રિકન દેશો અગ્રેસર હશે."
એશિયાના દેશોને વચન
સરકારી મીડિયાએ જણાવ્યું કે રસીના સંશોધન તથા વિકાસ, ઉત્પાદન અને ઉપયોગ માટે ચીન ઇન્ડોનેશિયાની સાથે કામ કરવા ઇચ્છુક છે.
વિદેશમંત્રી વાંગ યીએ ગયા મહિને જણાવ્યું હતું કે, "રસીના સંશોધન, ઉત્પાદન અને વિતરણ મુદ્દે ચીન
ઇન્ડોનેશિયાની સાથે કામ કરવા માગે છે."
"સમગ્ર પ્રદેશ તથા વિશ્વમાં પરવડે તેવા દરે રસી ઉપલબ્ધ થાય તે માટે અમે સંબંધિત વિભાગો અને મેડિકલ સંસ્થાઓ વચ્ચે માહિતીનું આદાનપ્રદાન કરવા માગીએ છીએ."
વાંગે એમ પણ કહ્યું કે, "ચીનના મિત્ર અને પડોશી દેશ ફિલિપાઈન્સની રસીની વિનંતીને પ્રાથમિકતા આપવામાં આવશે."
રાષ્ટ્રપતિ રૉડ્રીગો ડ્યુટેર્ટે ચીનના રાષ્ટ્રપતિને વિનંતી કરી હતી કે તેઓ કોવિડની રસીનો પ્રથમ ઉપયોગ કરવામાં ફિલિપાઇન્સને સામેલ કરે.
ડ્યુટેર્ટે વચન આપ્યું હતું કે સાઉથ ચાઈના સમુદ્રના વિવાદમાં તેઓ ચીનનો વિરોધ નહીં કરે.
તેમણે પોતાના દેશમાં અમેરિકાને સૈન્યથાણું સ્થાપવા દેવાની વિનંતી પણ ફગાવી દીધી હતી જે બદલ ચીને તેમને બિરદાવ્યા હતા.
કમ્બોડિયા જેવા 'આપખુદશાસન ધરાવતા' ચીનના મિત્રોએ ચીનને કોવિડ-19ની રસી એક 'ગિફ્ટ' તરીકે આપવા વિનંતી કરી છે.
ચીનના નેતાઓ અને સરકારી મીડિયા જેને પોતાનું 'મિત્ર' તરીકે ગણાવે છે તથા ચીન જ્યાં વ્યૂહાત્મક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સ્થાપી રહ્યું છે તે મ્યાનમારને આ રસી પ્રાથમિકતાના ધોરણે આપવાની ચીને ખાતરી આપી છે.
જોકે, બાંગ્લાદેશમાં ચીનની રસીના પરીક્ષણની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી જેમાં હવે અનિશ્ચિતતા પેદા થઈ છે.
ચીનની સિનોવેક બાયૉટેકે કૉ-ફાઇનાન્સિંગની માગણી કરી જેનો સ્થાનિક સ્તરે વિરોધ થયો છે.
પ્રારંભિક વિરોધનો સામનો
ચીન પોતાની રસીને પ્રમોટ કરવા અને જુદાજુદા દેશોમાં તેનાં ક્લિનિકલ પરીક્ષણો માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે.
તેના માટે વિવિધ કારણો આપી શકાય. ચીને શરૂઆતમાં કોવિડ મામલે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ટ્રમ્પ વહીવટી તંત્રે કોવિડ-19 રોગચાળા અંગે ચીનની ટીકા કરી હતી.
વાંગે ચાલુ વર્ષના પ્રારંભમાં યુરોપના પાંચ દેશોની મુલાકાત લીધી તેને નિષ્ણાતો તણાવ ઘટાડવાના પ્રયાસ તરીકે જુએ છે. કોવિડ-19 ફેલાયો ત્યારે શરૂઆતમાં ચીને જે રીતે કામગીરી કરી તેનાથી તણાવ પેદા થયો હતો.
રસી અંગે વચનો આપીને ચીન વૈશ્વિક લીડર અને વિજ્ઞાન તથા ટેકનૉલૉજીના ક્ષેત્રે ઇનોવેટર તરીકે પોતાનો દરજ્જો મજબૂત બનાવવા માગતું હોય તેમ પણ લાગે છે.
ચીન જે પ્રદેશોમાં પોતાનો પ્રભાવ ફેલાવવા માંગે છે ત્યાંના દેશોને પોતાના તરફ આકર્ષવા પ્રયત્નશીલ છે.
સરકારી મીડિયાએ વૈશ્વિક વૅક્સિન ગઠબંધન 'કોવેક્સ'માં ચીનની હિસ્સેદારીનો પણ પોતાના 'સદભાવનાપૂર્ણ' પ્રયત્નો દેખાડવાની તક તરીકે ઉપયોગ કર્યો હતો.
ઑક્ટોબરમાં CGTNની એક કૉમેન્ટરીમાં જણાવાયું હતું કે, "ચાઈનીઝ સરકારે અનેક વખત દાવો કર્યો છે કે તે વૅક્સિનની યોજનાને ટેકો આપે છે અને તેણે WHO તથા અન્ય સ્પોન્સર્સ સાથે તેની હિસ્સેદારી માટે વાટાઘાટ કરી છે. પરંતુ પશ્ચિમી નિષ્ણાતો જાણી જોઈને તેના પ્રત્યે દુર્લક્ષ્ય સેવે છે."
"તેમના માટે કોવેક્સની યાદીમાંથી ચીનની ગેરહાજરી એ વાતનો મજબૂત 'પૂરાવો' છે કે વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર આ રસીનો ઉપયોગ જિયૉપોલિટિકલ ફાયદા માટે કરવા માંગે છે....કોવિડ-19 સામે ચીનની લડાઈ માત્ર વિજ્ઞાનનો વિષય છે. તેને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી," તેમ આ લેખમાં જણાવાયું હતું.
ટાઇમલાઈન
- 16 માર્ચ- ચીનની બાયૉફાર્માસ્યુટિકલ કંપની કૅનસિનો બાયૉલૉજિક્સ દ્વારા પ્રથમ તબક્કાનાં ક્લિનિકલ પરીક્ષણો શરૂ
- 12 એપ્રિલ - કેનસિનોની રસી માટે બીજા તબક્કાનાં ક્લિનિકલ પરીક્ષણો શરૂ
- 13 એપ્રિલ - ચાઇનીઝ દવા ઉત્પાદક સિનોવેકની રસીને ક્લિનિકલ પરીક્ષણો માટે મંજૂરી મળી
- 16 એપ્રિલ - સિનોવેકના પ્રથમ અને બીજા તબક્કાનાં પરીક્ષણો શરૂ
- 25 જૂન - કેનસિનોની રસીના સૈન્ય ઉપયોગ માટે મંજૂરી
- 22 જુલાઈ - સિનોવેકની રસીને ઇમરજન્સીમાં ઉપયોગ માટે મંજૂરી
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો