You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીર તણાવ અંગે પાકિસ્તાનના મીડિયામાં શું ચાલી રહ્યું છે?
કાશ્મીરમાં તણાવની પરિસ્થિતિ પર ભારત જ નહીં પાકિસ્તાનમાં પણ જોરદાર ચર્ચા છે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને રવિવારે આરોપ લગાવ્યો કે ભારત નિયંત્રણ રેખાને પાર નાગરિકોને નિશાન બનાવીને હુમલો કર્યો છે.
કાશ્મીરમાં અનેક મુખ્યધારાના નેતાઓને નજરકેદ, શ્રીનગર અને જમ્મુમાં ધારા 144 લાગુ થવા અને મોટાપાયે સંરક્ષણ બંદોબસ્તે ભારતમાં જોરદાર સસ્પેન્સ સર્જ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ શું કરવાના છે?
સોશિયલ મીડિયા પર સતત કાશ્મીર પર લોકો ચર્ચા કરી રહ્યા છે અને લોકો કેટલાક વિકલ્પો પર ચર્ચા કરી રહ્યા છે.
ત્યારે પાકિસ્તાનના મીડિયામાં પણ આ પરિસ્થિતિનું અલગ અલગ રીતે આકલન કરવામાં આવી રહ્યું છે.
'મોટી ભૂલ'
પાકિસ્તાનના ડૉન અખબારે સંપાદકીય લેખમાં કહ્યું છે કે શું કાશ્મીરમાં ચિંતાજનક પરિસ્થિતિ ભારતના કબ્જાવાળા વિસ્તારને લઈને સંઘ પરિવારના ઇરાદાનું પ્રતિબિંબ છે?
શું વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના વૈચારિક મૂળ સંઘના ઍજેન્ડાને પૂરો કરવા અને પોતાની વોટ બૅન્કને ખુશ કરવા માટે બધી લોકતાંત્રિક પરંપરાઓને લઈને આંખ આડા કાન કરશે? આ વાતના કેટલાક સંકેત મળી રહ્યા છે.
અખબાર આગળ લખે છે કે આર્ટિકલ 35Aને ખતમ કરીને ભારતના કબજાવાળા કાશ્મીરની વસ્તીમાં ધરખમ ફેરફારો માટે દરવાજા ખૂલી જશે, કારણ કે સ્થાનિક પ્રજા સામે મોટા પાયે બહારથી આવેલા લોકોનો ધસારો વધશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો દિલ્હીમાં બેઠા કટ્ટરવાદીઓ વિચારી રહ્યા હોય કે કાશ્મીર પર વિજય મેળવવા માટે આ માસ્ટરસ્ટ્રોક સાબિત થશે તો આ તેમની ભૂલ છે.
આવાં કોઈ પણ પગલાંથી કાશ્મીરીઓનો અણગમો એક નવા સ્તરે પહોંચી જશે, કબ્જે કરેલી ખીણમાં પહેલેથી આઝાદીની માગ ઊઠી રહી છે.
અફઘાન કનેક્શન?
ડેઇલી જંગ અખબારમાં પાકિસ્તાનના જાણીતા પત્રકાર હામિદ મીરે લખ્યું છે કે બહુમતી દ્વારા બંદૂક મારફતે લઘુમતીના દમનને કારણે અનેક દેશોએ પડતીનો સામનો કરવો પડ્યો છે. એનું સૌથી મોટું ઉદાહરણ સોવિયત યુનિયન.
તેઓ આગળ લખે છે કે સોવિયત યુનિયનની પડતીથી અન્ય દેશોએ કોઈ પાઠ નહોતો શિખ્યો. જેમ કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં એ જ ભૂલ કરી હતી જે સોવિયત યુનિયને કરી હતી. સોવિયત યુનિયનની પડતીએ સ્વતંત્રતા માટે કેટલાક આંદોલનોને જન્મ આપ્યો હતો જેમાંથી એક કાશ્મીરની લડત પણ હતી.
લેખ પ્રમાણે 1989માં પાકિસ્તાને અફઘાનિસ્તાનમાંથી સોવિયત સેનાને હટાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી તેવી જ રીતે 2019માં અમેરિકા અને અફઘાન તાલિબાન વચ્ચે વાટાઘાટો માટે લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સતત આની નોંધ લીધી છે.
તેમણે આગળ કહ્યું છે કે જ્યારથી ટ્રમ્પે પાકિસ્તાન અને ભારત વચ્ચે કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થી બનવાની વાત કહી છે, નવી દિલ્હીના સત્તાવાળાઓમાં ભારે બેચેની જોવા મળે છે. તેમને ડર છે કે જો અફઘાન તાલિબાન સાથે સફળ થઈ જશે તો ભારત પર કાશ્મીર મુદ્દાનું સમાધાન શોધવાનો વૈશ્વિક દબાણ વધી જશે. અફઘાન સંઘર્ષનું સમાધાન ભારતના જિદ્દી સત્તાધારકોના હિતમાં નથી.
ધી ટ્રિબ્યૂન ઍક્સપ્રેસે લખ્યું છે કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ક્લસ્ટર બૉમ્બ વાપરવા બદલ ભારતની ટીકા કરી હતી અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને આ બાબતે નોંધ લેવા માટે અરજી કરી છે.
આગળ કહેવામાં આવ્યું છે કે આઈએસપીઆરના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે નીલમ વેલીમાં ક્લસ્ટર એમ્યુનિશન મારફતે ભારતીય સેનાએ 30/31 જુલાઈની રાત્રે નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા હતા, જેમાં મહિલાઓ અને બાળકો પણ હતાં. જેને પગલે બે નાગરિકો શહીદ થયા હતા જેમાં એક ચાર વર્ષીય બાળક પણ હતું, અને 11 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
પાકિસ્તાન ઑબ્ઝર્વરે લખ્યું છે કે રવિવારે પાકિસ્તાનની રાષ્ટ્રીય સંરક્ષણ કમિટીની બેઠકમાં સરકારી અને સૈન્ય અધિકારીઓએ પાકિસ્તાન વિરુદ્ધ ભારતના કોઈ પણ પગલાંનો જવાબ આપવાનો નિર્ધાર કર્યો.
આગળ લખવામાં આવ્યું છે કે આ કમિટીએ કબ્જા વાળા જમ્મુ અને કાશ્મીરમાં ભારતના અત્યાચારને વખોડી કાઢ્યો છે.
આ લેખ પ્રમાણે આઝાદ જમ્મુ કાશ્મીર ( પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)ના વડા પ્રધાન રાજા ફારૂક હૈદરે કહ્યું કે લાઇન ઑફ કંટ્રોલની બંને બાજુના લોકો ભારતના અત્યાચારનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે અને તેમને ભરોસો કરે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં પાકિસ્તાન તેમનો સાથ દેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો