You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાંચી હિંસા : 'મારા એકમાત્ર દીકરાનો શો વાંક હતો, તેને ગોળી કેમ મારી?'
- લેેખક, રવિ પ્રકાશ
- પદ, બીબીસી હિંદી માટે, રાંચીથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
પયગંબર મહમદ પર વિવાદિત ટિપ્પણીની વિરુદ્ધ ઝારખંડની રાજધાની રાંચીમાં થયેલા પ્રદર્શન દરમિયાન ગોળી વાગવાથી 15 વર્ષીય મુદસ્સિર આલમ અને 24 વર્ષના સાહિલનું મૃત્યુ થયું હતું.
ગોળી વાગવાથી બધા ઇજાગ્રસ્ત લોકો સહિત આ બંનેને રાંચીના રાજેન્દ્ર આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં દાખલ કરવામાં આવ્યા હતા, સંસ્થાનનાં આધિકારિક સૂત્રોએ આ બંનેનાં મૃત્યુની પુષ્ટિ કરી છે.
ઝારખંડ પોલીસના પ્રવક્તા અમોલ વી હોમકરે બીબીસી સાથે આ મૃત્યુની પુષ્ટિ કરી છે.
તેમણે કહ્યું કે, "કાલે થયેલી હિંસા દરમિયાન અમને પ્રદર્શનકારીઓ તરફથી ફાયરિંગની જાણકારી મળી છે. ઉગ્ર લોકોને કાબૂ કરવા માટે પોલીસે પણ હવાઈ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન 12 પોલીસકર્મી અને પ્રદર્શનકારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. એમાં એક પોલીસકર્મી સહિત કેટલાક લોકોને બુલેટ ઇન્જરી થઈ હતી."
હોમકર અનુસાર હાલમાં 22 ઇજાગ્રસ્તોમાંથી કેટલાકની પરિસ્થિતિ ગંભીર છે. તેમણે કહ્યું કે આમાંથી બે-ત્રણ લોકોની હાલત ગંભીર છે. બાકી લોકોની સ્થિતિ ડૉક્ટરો અનુસાર સારી કહી શકાય.
15 વર્ષના મુદસ્સિર આલમના માથામાં ગોળી વાગી છે. તેઓ માતા-પિતાના એકમાત્ર પુત્ર હતા. જ્યારે તેમને હૉસ્પિટલ લવાયા ત્યારે કાળા રંગનો તેમનો અફઘાની કુરતો કેટલીક જગ્યાએ ફાટી ગયો હતો અને તેમના સફેદ રંગના પૅન્ટ પર લોહીના ધબ્બા હતા. તેમનાં માતા નિકહત પુત્રના મૃત્યુથી એકદમ ભાંગી પડ્યાં છે.
તેમનો પરિવાર હિંદપીઢી મોહલ્લામાં ભાડાના મકાનમાં રહે છે. મુદસ્સિરને જ્યારે ગોળી વાગી ત્યારે તેમના પિતા પરવેઝ આલમ સમિડેગામાં હતા. પુત્રના ઇજાગ્રસ્ત થવાના સમાચાર મળતા તેઓ દોડતા રાંચી પહોંચી ગયા હતા.
'મારો પુત્ર બહુ મિલનસાર હતો'
તેમણે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, "મુદસ્સિર મારો એકમાત્ર પુત્ર હતો. ગરીબીને કારણે અમે તેને સારી રીતે ભણાવી ન શક્યા. ઘર ચલાવવા માટે અમે બંને (પિતા-પુત્ર) કામ કરતા હતા. મારો પુત્ર ખૂબ મિલનસાર હતો. તેને કેમ ગોળી મારી અને તેનો શું વાંક હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુદસ્સિરના કાકા મહમદ શાહીદ અયૂબી અસદઉદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમના જિલ્લાધ્યક્ષ છે. તેમણે આરોપ લગાવ્યો કે તેમના ભત્રીજાને પોલીસે ગોળી મારી છે. તેના માટે ઝારખંડ સરકાર અને તેનું શાસન જવાબદાર છે.
શાહીદ અયૂબીએ બીબીસીને કહ્યું કે, "પોલીસના લોકો એકે-47 અને પિસ્તોલથી ગોળી ચલાવી રહ્યા હતા. તેમણે હવામાં ફાયરિંગ કરવું જોઈતું હતું. પરંતુ પોલીસે પ્રદર્શનકારીઓને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. આના કેટલાક વીડિયો પણ વાઇરલ થયા છે જેમાં પોલીસકર્મીઓને સામેથી ગોળીબાર કરતા જોઈ શકાય છે."
"મુદસ્સિર કે કોઈ પણ પ્રદર્શનકારી ન તો આતંકવાદી હતા, ન ઉગ્રવાદી. તેમના પર પોલીસે ગોળીઓ કેમ ચલાવી. આનો આદેશ કોણે આપ્યો. દેશની અંદર ઝેર ફેલાવી દેવામાં આવ્યું. સરકારી અધિકારીઓ પણ તેમની માનસિકતાના પ્રભાવમાં છે એટલે જ આવી ઘટનાઓ બની રહી છે."
24 વર્ષના સાહિલનું મૃત્યુ
આ ફાયરિંગમાં 24 વર્ષના સાહિલનું પણ મોત થયું છે. હૉસ્પિટલના પ્રબંધન અધિકારીઓ અનુસાર તેમની કિડનીમાં ગોળી વાગી છે. તેને કારણે તેમને બચાવી શકાયા નહોતા.
જોકે સાહિલના પરિવારના કોઈ પણ શખ્સ સાથે સંપર્ક નથી થઈ શક્યો. પ્રદર્શન દરમિયાન થયેલી ફાયરિંગમાં કેટલાય અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.
પ્રદર્શનમાં થયેલી હિંસા બાદ રાંચીમાં તણાવનો માહોલ છે. જોકે પોલીસે શુક્રવારે સાંજથી અલગઅલગ બેરિકેડ લગાવી દીધા છે.
મહાત્મા ગાંધી માર્ગ પર વાહનોના અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. અલ્બર્ટ એક્કા ચોક પર બેરિકેડ લગાવીને બેસેલા અધિકારીઓએ બીબીસીને કહ્યું કે આ કાર્યવાહી સુરક્ષાના કારણસર કરાઈ છે.
બધા વરિષ્ઠ અધિકારીઓ ઉપદ્રવી જગ્યાઓ પર કૅમ્પ કરી રહ્યા છે અને સ્થિતિ પૂરી નિયંત્રણમાં છે.
શુક્રવારે સાંજથી રાંચીમાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવાઈ છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો