You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પયગંબર મહમદ ટિપ્પણી મામલો : રાંચીમાં હિંસામાં બે લોકોનાં મૃત્યુ, યુપીમાં 109 લોકોની ધરપકડ
પયગંબર મહમદ વિશે ભાજપ પ્રવક્તાના નિવેદનના વિરોધમાં શક્રવારના ઝારખંડની રાજધાની રાંચીમાં હિંસામાં બે લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર રાંચીસ્થિત સિમ્સ હૉસ્પિટલના અધિકારીઓએ આ વાત પર પુષ્ટિ કરી હતી કે હૉસ્પિટલમાં લાવવામાં આવેલા ઈજાગ્રસ્ત લોકોમાંથી બે લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે.
પયગંબર મહમદ પર વિવાદિત ટિપ્પણી વિરુદ્ધ શુક્રવારના દેશના અલગઅલગ ભાગોમાં વિરોધ પ્રદર્શન થયાં હતાં. કેટલાંક શહેરોમાં નારેબાજી થઈ અને ભાજપનાં નેતા નુપુર શર્મા અને નવીન જિંદલની ધરપકડની માગ કરાઈ હતી.
પયગંબર મહમદ પર વિવાદિત ટિપ્પણી વિરુદ્ધ દિલ્હી, યુપી, પશ્ચિમ બંગાળ બંગાળ અને રાંચી માં શુક્રવારે બપોર પછી થયેલ વિરોધપ્રદર્શનમાં અચાનક હિંસા ફાટી નીકળી. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.
રાંચી શહેરની જુદી જુદી હૉસ્પિટલોમાં લોકોનો ઇલાજ ચાલુ છે. પોલીસ-પ્રશાસનની ઘણી ટીમો હિંસાગ્રસ્ત વિસ્તારોમાં તહેનાત કરાઈ છે. જે બાદ સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
રાંચી શહેર સિવાય અનેક શહેરોમાં પણ પોલીસકર્મીઓ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.
- રાંચીમાં ગોળીબારમાં બે લોકોનાં મૃત્યુ થયાં હોવાની પુષ્ટિ હૉસ્ટિપલના અધિકારીઓ કરી હતી.
- યુપીમાં અલગ-અલગ સ્થળોએ વિરોધ પ્રદર્શન અને હિંસા બાદ 109 લોકોની ધરપકડ કરાઈ હતી.
- પશ્ચિમ બંગાળના હાવડામાં સેંકડો લોકોએ વિરોધપ્રદર્શન કર્યું હતું.
- વાંધાજનક ટિપ્પણી કરનારા ભાજપના નેતાઓનાં પૂતળાં બાળવામાં આવ્યાં હતાં.
- મુંબઈમાં સેંકડોની સંખ્યામાં મહિલાઓએ પયગંબર મહમદ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ભાજપના નેતાઓ વિરુદ્ધ રેલી કાઢી હતી.
- સોલાપુરમાં પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
- ઉત્તર પ્રદેશનાં વિવિધ શહેરોમાં સેંકડો લોકોએ વિરોધપ્રદર્શન કર્યું અને પયગંબર મહમદ પર વાંધાજનક ટિપ્પણી કરનારાઓની ધરપકડની માંગ કરી હતી. અનેક જગ્યાએથી આગચંપી અને પથ્થરમારાના અહેવાલો પણ મળ્યા છે.
રાંચીમાં વિરોધ પ્રદર્શનમાં હિંસા - સ્થાનિક પત્રકારનો અહેવાલ
રાંચીથી બીબીસીના સહયોગી પત્રકાર રવિ પ્રકાશે માહિતી આપી હતી કે અહીં શુક્રવારની નમાજ બાદ થઈ રહેલા પ્રદર્શનમાં હિંસા થઈ હતી. દુકાનો બંધ કરવી પડી હતી, પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો હતો અને આગચંપી પણ કરાઈ હતી.
રાંચીના મુસ્લિમ બહુમતી ડેલી માર્કેટના દુકાનદારોએ નૂપુર શર્માની ધરપકડની માગને લઈને શુક્રવારની સવારથી જ પોતાની દુકાનો બંધ રાખી હતી. શુક્રવારની નમાજ પછી મહાત્મા ગાંધી માર્ગ (મેઇન રોડ) ખાતે આવેલી મસ્જિદની સામે વિરોધ પ્રદર્શન થયાં હતાં. ત્યારે જ અચાનક એકઠા થઈ ગયેલા સેંકડો લોકોની ભીડ રસ્તા પર આગળ વધવા લાગી. તેમાંથી કેટલાક લોકોના હાથમાં કાળા ઝંડા હતા. રાંચીમાં પથ્થરમારાની ઘટના થઈ અને કેટલાંક વાહનોને આગ લગાડવામાં આવી હતી અને તોડફોડની ઘટનાઓ થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાંચીમાં શુક્રવાર સાંજ સાત વાગ્યાથી શનિવાર સવાર છ વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા નિલંબિત કરવામાં આવી હતી.
રાંચીના ડીઆઈજી અનીશ ગુપ્તાએ એએનઆઈને જણાવ્યું કે થોડા તણાવ પછી સ્થિતિ હવે નિયંત્રણમાં છે.
ઉત્તર પ્રદેશમાં પથ્થરમારો અને આગચંપી
લખનૌમાં ટીલે વાલી મસ્જિદ બહાર મુસ્લિમોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. યુપીના સહારનપુરમાં ભીડ મસ્જિદની બહાર સૂત્રોચ્ચાર કરતી જોવા મળી હતી. પ્રયાગરાજમાં પ્રદર્શન દરમિયાન કેટલાક સ્ટૉલને આગ ચાંપવામાં આવી હતી અને પથ્થરમારો થયો હતો.
દરમિયાન સુરક્ષાકર્મીઓ અને પ્રદર્શનકારીઓ વચ્ચે પથ્થરમારો પણ થયો હતો. પોલીસે ભીડને કાબૂમાં લેવા ટિયરગેસના શેલ પણ છોડ્યા હતા.
યુપીના એડીજી લૉ ઍન્ડ ઑર્ડર પ્રશાંત કુમારે એક નિવેદનમાં કહ્યું કે પયગંબર મહમદ પર વિવાદિત ટિપ્પણીને લઈને થયેલાં વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધી 109 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે કેટલાક લોકોએ જાણી જોઈને શાંતિ-વ્યવસ્થા ભંગ કરવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાર બાદ પ્રશાસને ત્વરિત કાર્યવાહી કરતા અલગ-અલગ જગ્યાએથી સાંજે સાડા સાત વાગ્યા સુધી 109 લોકોની ધરપકડ કરી છે. આ ધરપકડ મુરાદાબાદ, સહારનપુર, આંબેડકરનગર, પ્રયાગરાજ અને ફિરોઝાબાદમાં થઈ છે."
"તોડફોડ કરનારા લોકોની ઓળખ કરાઈ છે અને તેમની વિરુદ્ધ ગંભીર ધારાઓમાં કેસ દાખલ કરાયા છે. જે પણ સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન થયું છે તેની વસૂલી તોફાન કરનારા લોકો પાસે કરાશે."
"આ લોકો સામે ગૅંગસ્ટર ઍક્ટ હેઠળ કેસ દાખલ કરાશે અને તેમની સંપત્તિ પણ કબજે કરાશે."
અગાઉ લખનૌના ડીજીપી ડી. કે. ઠાકુરે કહ્યું, "જ્યાં મુખ્ય મસ્જિદ છે, ત્યાં મોટી સંખ્યામાં લોકો આવે છે. અમે ત્યાં પૂરતી વ્યવસ્થા કરી છે. અમે ધાર્મિક નેતાઓ, મૌલવીઓ અને મૌલાના સાથે પણ સતત વાતચીત કરી રહ્યા છીએ. તેઓએ કહ્યું છે કે તેઓ તેમના ભાષણમાં શાંતિની વાત કરશે. આ વિષય કોર્ટને આધીન છે. લોકોને કોઈ પણ બાબતે ઉશ્કેરવાની જરૂર નથી. પોલીસે સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી છે અને ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે."
અધિક મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થીએ વિરોધ અંગે જણાવ્યું હતું કે, "જે કોઈ પણ વ્યક્તિ બિનજરૂરી રીતે શાંતિ અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હું યુપીના લોકોને સૌહાર્દ જાળવી રાખવાની અપીલ કરું છું. કેટલાક લોકોએ પ્રયાગરાજમાં અશાંતિ ફેલાવી છે. પોલીસ દ્વારા અત્યંત તકેદારી સાથે તોફાન કરનારાને વિખેરવામાં આવ્યા હતા. અમે યુવાનોને બિનજરૂરી રીતે રસ્તા પર ન આવવા અપીલ કરીએ છીએ."
ભીડને દૂર કરવા માટે, રેપિડ ઍક્શન ફોર્સને ટીયરગેસના શેલનો ઉપયોગ કરવો પડ્યો હતો. લોકોએ રસ્તા પર પાર્ક કરેલી ઘણી રિક્ષાઓને આગ ચાંપી હતી.
કાનપુરમાં 3 જૂને થયેલી સાંપ્રદાયિક હિંસાને ધ્યાનમાં રાખીને, પોલીસ ડ્રોનથી નજર રાખી રહી છે. સુરક્ષા દળોએ આ વિસ્તારમાં ફ્લેગ માર્ચ હાથ ધરી છે. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે પીએસી કંપનીઓને પણ તહેનાત કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પોલીસને પથ્થરમારો કરનારા સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
દેવબંદમાં પોલીસ કડકાઈને પગલે પ્રદર્શનને મંજૂરી આપવામાં આવી ન હતી. તે જ સમયે, સહારનપુરમાં રસ્તાઓ પર વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે. કેટલાક લોકોએ હાથમાં તિરંગા સાથેનાં બૅનરો પણ પકડ્યાં છે.
લખનૌની મસ્જિદોમાં પણ લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. લખનૌની માઉન્ડ મસ્જિદની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ ડ્રોન દ્વારા પણ નજર રાખી રહી છે.
નૂપુર શર્માના નિવેદનને લઈને જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પણ વિરોધપ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. નૂપુર શર્મા વિરુદ્ધ 'સર કલમ' કરવાના નારા પણ લગાવવામાં આવ્યા હતા.
કર્ણાટકના કલબુર્ગીમાં રઝા અકાદમીએ વિરોધપ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર કર્યા.
આ સિવાય પંજાબના લુધિયાણા, તેલંગાણાના હૈદરાબાદ અને છત્તીસગઢના રાંચીમાં પણ મુસ્લિમો એકત્ર થયા હતા.
પોલીસે ભીડને હટાવવા માટે લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.
અહીં સ્થાનિક પ્રશાસને કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી છે અને લોકોને તેમનાં ઘરોમાં રહેવાની અપીલ કરી છે.
હૈદરાબાદમાં મક્કા મસ્જિદની બહાર વિરોધપ્રદર્શન કરી રહેલા લોકોને વિખેરવા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા સીઆરપીએફ તહેનાત કરવામાં આવી છે.
દિલ્હીમાં પ્રદર્શન
રાજધાની દિલ્હીમાં જામા મસ્જિદની બહાર લોકોએ હાથમાં પોસ્ટર અને બૅનરો લઈને નારા લગાવ્યા હતા.
પ્રદર્શન અંગે મસ્જિદના શાહી ઇમામે એએનઆઈને જણાવ્યું કે મસ્જિદ કમિટી તરફથી વિરોધનો કોઈ કાર્યક્રમ જાહેર કરાયો નથી. ગઈ કાલે જ્યારે લોકો વિરોધપ્રદર્શન યોજવાની વાત કરી રહ્યા હતા ત્યારે તેમને જણાવવામાં આવ્યું હતું કે મસ્જિદ તરફથી તેનું કોઈ આયોજન નથી.
તેમણે વધુમાં કહ્યું કે, "અમને ખ્યાલ નથી કે આ લોકો કોણ છે. મને લાગે છે કે તેઓ એઆઈએમઆઈએમ અથવા તો ઓવૈસીના માણસો છે. અમે એક વાતની ચોખવટ કરી હતી કે જો તમને વિરોધ કરવો હોય તો કરો પણ અમારો કોઈ સહકાર નહીં હોય."
દિલ્હી પોલીસ પ્રમાણે જામા મસ્જિદ બહાર એકઠા થયેલા લોકોને વિખેરી દેવાયા છે અને હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે.
દિલ્હીમાં ડીસીપી સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ શ્વેતા ચૌહાણે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, "લગભગ 1,500 લોકો જામા મસ્જિદમાં શુક્રવારની નમાજ માટે એકઠા થયા હતા. નમાજ પછી લગભગ ત્રણસો લોકો બહાર આવ્યા અને નૂપુર શર્મા અને નવીન જિંદલનાં વિવાદાસ્પદ નિવેદનો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. અમે લગભગ 10 થી 15 મિનિટમાં પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી દીધી. આ લોકો પરવાનગી વિના રસ્તા પર વિરોધ કરી રહ્યા હતા, તેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."
બાંગ્લાદેશમાં પ્રદર્શન
પયંગબર મહમદને લઈને આપત્તિજનક ટિપ્પણી મામલે શુક્રવારે બાંગ્લાદેશના પાટનગર ઢાકા સહિત દેશના ઘણા જિલ્લામાં શુક્રવારની નમાજ બાદ વિરોધપ્રદર્શન કરવામાં આવ્યાં.
અહીં અલગ-અલગ સ્થળોએ સેંકડોની સંખ્યામાં લોકોએ હાથમાં પોસ્ટર લઈને નૂપુર શર્મા વિરુદ્ધ નારા લગાવ્યા હતા.
બાંગ્લાદેશના અખબાર ધ ડેઇલી સ્ટાર પ્રમાણે પ્રદર્શનકારીઓએ પાટનગર ઢાકાના સાવર બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઢાકા-અરિચા હાઈવે પર વાહનવ્યવહાર અટકાવી દીધો હતો.
આ સાથે જ પ્રદર્શનકારીઓના અન્ય એક સમૂહે બિપૈલ વિસ્તારમાં નબીનગર-ચંદ્રા હાઈવેને જામ કરીને નારાબાજી કરી હતી.
બીજી તરફ નારાયણગંજમાં, નારાયણગંજ ઉલેમા પરિષદના બૅનર હેઠળ પ્રદર્શનકારીઓએ શહેરમાં ડીઆઈટી રેલવે મસ્જિદના પરિસરમાં પયગંબર મહમદને લઈને નૂપુર શર્માની ટિપ્પણીના વિરોધમાં જુલૂસ કાઢ્યું.
પ્રદર્શનકારીઓએ પયગંબર મહમદને લઈને આપત્તિજનક ટિપ્પણી કરનારની ધરપકડ કરાય તેવી માગ કરી હતી.
અખબાર પ્રમાણે પાબના જિલ્લામાં ઇસ્લામી આંદોલન બાંગ્લાદેશે વિરોધપ્રદર્શનનું આયોજન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ ભારતીય સામાનનો બહિષ્કાર કરવાનું આહ્વાન પણ કર્યું હતું.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો