You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર પ્રદેશ ચૂંટણી : પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, અંદાજે 59 ટકા મતદાન
ગુરુવારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં રાજ્યના 11 જિલ્લાની 58 વિધાનસભા બેઠકો પર વોટિંગ થયું હતું.
મુઝફ્ફરનગર, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, શામલી, હાપુડ, ગૌતમબુદ્ધનગર, બુલંદશહર, અલીગઢ અને મથુરા વગેરે જિલ્લાઓમાં મતદાન થયું હતું.
સાંજના છ વાગ્યા સુધીમાં આશરે 59 ટકા મતદાન થયું છે.
પ્રથમ તબક્કામાં 623 ઉમેદવારો મેદાનમાં હતા અને આ તબક્કામાં લગભગ 2.28 કરોડ લોકો મતદાતા હતા.
પ્રથમ તબક્કાના મતદાનમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશની જે બેઠકો પર મતદાન થયું તેને જાટ બૅલ્ટ અથવા તો ગન્ના બૅલ્ટ કહેવામાં આવે છે. અહીં ભાજપે 17 જાટ ઉમેદવારોને ટિકિટ આપી છે. જ્યારે સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળે અનુક્રમે 12 અને 6 જાટ ઉમેદવારો મેદાને ઉતાર્યા છે.
આ ચૂંટણી આરએલડી અને સમાજવાદી પાર્ટી ગઠબંધન બનાવીને લડી રહી છે. જેના કારણે મતદાનનાં આ તબક્કા પર તમામ લોકોની નજર છે.
ગત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 2017માં ભાજપને આ વિસ્તારની 58માંથી 53 બેઠકો પ્રાપ્ત થઈ હતી.
વડા પ્રધાન મોદી યુપીમાં ચૂંટણીપ્રચાર માટે પહોંચ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં યુપી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક ચૂંટણી રેલીમાં તેમણે કહ્યું કે, "પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં કેટલીક વિધાનસભા બેઠકોમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. શિયાળાની સવારે મોટી સંખ્યામાં લોકો મતદાન કરી રહ્યા છે એનો મને આનંદ છે. યુપી ભાજપનો ચૂંટણી ઢંઢેરોમાં લોકકલ્યાણની વાત છે."
વડા પ્રધાન મોદીએ કહ્યું 'ભાજપ સરકાર દરેક પીડિત મુસ્લિમ મહિલા સાથે છે, વિપક્ષ તેમની પ્રગતિને આડે આવે છે'
કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓના હિજાબ પહેરવાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે, "યોગી આદિત્યનાથની સરકારે મુસ્લિમ મહિલાઓની સુરક્ષા માટે સતત કામ કર્યું છે. વિપક્ષ મુસ્લિમ મહિલાઓની પ્રગતિમાં આડે આવતો રહ્યો છે."
ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર યુપીના સહારનપુરમાં એક ચૂંટણી સભામાં તેમણે કહ્યું કે, "ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકીને ભાજપ સરકારે મુસ્લિમ મહિલાઓ માટે ન્યાય સુનિશ્ચિત કર્યો છે. પરંતુ વિપક્ષે મુસ્લિમ બહેનોને મોદીના વખાણ કરતાં જોયાં તો તેમને થયું કે તેમને રોકવી પડશે."
"તેમને રોકવા માટે, તેમના અધિકારો અને આશાઓને આડે આવવા માટે વિપક્ષનાં દળો અલગ- અલગ રસ્તા શોધી રહ્યાં છે."
તેમણે કહ્યું કે ભાજપ સરકાર દરેક પીડિત મુસ્લિમ મહિલા સાથે ઊભી છે જે પીડિત છે. પાર્ટીના દગાખોરો તેમને ગેરમાર્ગે દોરે છે.
આગળ તેમણે કહ્યું કે, "2013માં મુઝફ્ફરનગર રમખાણો અને 2017માં સહારનપુરમાં થયેલી હિંસા એ વાતનો પુરાવો છે કે રાજકીય આશ્રય હેઠળ કેવી રીતે લોકોને નિશાન બનાવવામાં આવે છે."
ઉત્તરાખંડ ચૂંટણીપ્રચારમાં વડા પ્રધાન મોદીએ કહ્યું 'કૉંગ્રેસે જનરલ બિપિન રાવતનું અપમાન કર્યું'
ઉત્તરાખંડમાં ચૂંટણીપ્રચાર કરવા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ સીડીએસ બિપિન રાવતની ચર્ચા કરી અને કૉંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા.
તેમણે ઉત્તરાખંડના શ્રીનગરમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે,"નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ લોકોએ જનરલ રાવતને દેશના પ્રથમ સીડીએસ બનાવવા પર ખૂબ રાજનીતિ કરી."
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "આ કૉંગ્રેસ પાર્ટીના નેતા બિપિન રાવતને રસ્તાનો ગુંડો સુધી કહેતા હતા. આ છે દેશના સૈનિકો માટે આ લોકોની નફરત. આજે વોટ માટે આ લોકો જનરલ બિપિન રાવતનો રાજકારણમાં ઉપયોગ કરવા માગે છે, તેમને જવાબ આપવાની જવાબદારી ઉત્તરાખંના લોકોની છે."
ગત વર્ષે આઠ ડિસેમ્બરે તામિલનાડુના કુન્નૂરમાં એક હેલિકૉપ્ટર ક્રૅશમાં દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટનામાં જનરલ રાવતનાં પત્ની મધુલિકા રાવત અને હેલિકૉપ્ટરમાં સવાર 12 અન્ય લોકોનાં પણ મૃત્યુ થયાં હતાં.
ગુજરાત ભાજપ પ્રવાસી મજૂરોને યુપી લઈ ગઈ?
ગુજરાત ભાજપના ભાષા ભાષી સેલ દ્વારા રાજ્યમાં પ્રવાસી શ્રમિકોને ઉત્તર પ્રદેશ જઈને ભાજપના ઉમેદવારોને વોટ આપવા માટે મનાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ભાષા ભાષી સેલના રાજ્ય કન્વીનર રોહિત શર્માએ દાવો કર્યો કે "પ્રવાસીઓ પોતાની ઇચ્છાથી પોતાના ગૃહરાજ્ય જઈ રહ્યા છે. મંગળવારે યુપી જવા માટે ચાર બસો નીકળી હતી."
ભાષા ભાષી સેલ ગુજરાતમાં અનેક બેઠકો કરી રહી છે જેથી પ્રવાસીઓને યુપી જઈને ભાજપના ઉમેદવારોને વોટ આપવા માટે મનાવી શકાય. આ સેલે જામનગર, ભાવનગર, પોરબંદર અને અમદાવાદની મુલાકાત લેવાઈ છે અને મંગળવારથી દક્ષિણ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે.
ભાજપના મોરચાઓમાંથી એક ભાષા ભાષી સેલના 24 સભ્યો છે જેમાં એ કન્વીનર, બે કો-કન્વીનર અને 21 સભ્યો છે.
રોહિત શર્માએ જણાવ્યું કે, "આ સેલમાં ગુજરાતમાં રહેતા અન્ય રાજ્યોના લોકો સામેલ છે. જિલ્લા સ્તરે આ સેલમાં એક કન્વીનર અને સાત સભ્યો છે. અમે યુપીની ચૂંટણીમાં ગુજરાતથી બે લાખ લોકોને મોકલવાની યોજના બનાવી છે."
આ સેલ દ્વારા નવસારી, ડાંગ, વાપી, તાપી, સુરત, નર્મદા જિલ્લામાં બેઠકો યોજવામાં આવી હતી.
રોહિત શર્માએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, " વાપીની ફેકટરીઓમાં મોટી સંખ્યામાં યુપીના પ્રવાસી શ્રમિકો કામ કરે છે. મંગળવારે ચાર બસો વાપીથી નીકળી છે અને આવનારા દિવસોમાં વધુ લોકો યુપી જશે."
તેઓ આગળ કહે છે કે, "નવસારી, વ્યારા, ડાંગમાં યોજાયેલી બેઠકોમાં સેંકડો લોકો સામેલ થયા છે. જે લોકો જવા માગે છે તે ભાષા ભાષી સેલમાં નામ નોંધાવી રહ્યા છે. લોકો પોતે પૈસા ખર્ચીને જઈ રહ્યા છે."
તેઓ કહે છે કે, "આવનારા દિવસોમાં અમે સુરતમાં બેઠકો કરશું જ્યાં મોટી સંખ્યામાં યુપીના લોકો રહે છે."
અખિલેશ યાદવની 'ઈવીએમ ખરાબ થવા અને જાણીને ધીમું મતદાન કરાવતાં' મતદાનમથકો પર કાર્યવાહીની માગ
ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કાના મતદાનમાં કેટલાંક સ્થળોએ મતદાન ધીમું તેમજ ઓછું થઈ રહ્યું હોવાની ફરિયાદો આવતાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કેન્દ્રીય ચૂંટણીપંચને સંબોધીને ટ્વીટ કર્યું હતું કે, "ચૂંટણીપંચને અપીલ છે કે જ્યાં પણ ઈવીએમ ખરાબ હોવાથી કે પછી જાણી જોઈને મતદાન ધીમું કરાવવાનાં આરોપ લાગ્યા છે, તે મતદાનકેન્દ્રો પર તેઓ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરે. 'સુચારું અને નિષ્પક્ષ મતદાન' ચૂંટણીપંચની સૌથી મોટી જવાબદારી છે."
'લાગે છે, ખેડૂતો અને યુવાનો ગુસ્સામાં બટન દબાવી રહ્યા છે'
રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંતસિંહે આ મતદાન દરમિયાન ઠેરઠેરથી ઈવીએમ બગડ્યા હોવાની ફરિયાદો સામે આવી રહ્યા હોવાનો દાવો કર્યો છે.
આ ફરિયાદોને અનુલક્ષીને રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત સિંહે ટ્વીટ કરીને કહ્યું કે, "ઈવીએમ ખરાબ થવાની ફરિયાદો આવી રહી છે. લાગે છે યુવાનો અને ખેડૂતો ગુસ્સામાં બટન દબાવી રહ્યા છે. આપ સૌને નિવેદન છે કે જોરથી નહીં, ગઠબંધનની તરફેણમાં પ્રેમથી બટન દબાવો."
ઉત્તર પ્રદેશમાં ગુરુવારના વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોઓને વિનંતી કરી જેમાં તેમણે કહ્યું પહેલાં મતદાન કરો અને પછી જલપાન કરો.
તેમણે ટ્વીટ કરીને કહ્યું, "ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. બધા મતદાતાઓને મારો આગ્રહ છે કે કોવિડ નિયમોનું પાલન કરતાં લોકતંત્રના મહાપર્વમાં આગળ વધીને ભાગ લે. યાદ રાખજો - પહેલાં મતદાન, પછી જલપાન!'
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકોને વિનંતી કરતાં ટ્વીટ કર્યું કે, "દેશને ડરથી આઝાદ કરો, બહાર આવો, વોટ કરો."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો