ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતાં નિયંત્રણો હળવાં, લગ્નપ્રસંગમાં કેટલી છૂટ? - પ્રેસ રિવ્યૂ

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ત્રીજી લહેરમાં રેકૉર્ડ ગતિએ કેસો નોંધાયા બાદ આખરે ગુજરાતમાં કોવિડ-19ના નવા કેસ ઘટતાં રાજ્ય સરકારે કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં લાગુ નિયંત્રણોમાં કેટલીક છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે.

નવા નિર્ણય અનુસાર 11 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી રાજ્યનાં આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રિના 12 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.

જે અગાઉ રાત્રિના દસથી છ વાગ્યા સુધી અમલમાં રહેતો હતો.

આ સિવાય મહાનગરોમાં તમામ વેપારી પ્રવૃત્તિઓ રાત્રિના 11 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.

તેમજ હોટલ અને રેસ્ટોરાં પણ રાત્રિના 11 વાગ્યા સુધી ચાલુ રાખવાની પરવાનગી અપાઈ છે.

લગ્નપ્રસંગે ખુલ્લા સ્થળે 300 લોકો અને બંધ સ્થળે 150ની મર્યાદામાં જગ્યાની ઉચ્ચતમ મર્યાદાના 50 ટકા લોકોને સામેલ કરી શકાશે.

તેમજ સાંસ્કૃતિક અને સામાજિક કાર્યોમાં ખુલ્લામાં 150 લોકો જ્યારે બંધ સ્થળોએ જગ્યાની મર્યાદાના 50 ટકા લોકો 150 મર્યાદામાં ભેગા થઈ શકશે.

આ સિવાય પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ખાનગી બસ સેવા અંગેના નિયમો પણ જારી કરાયા છે. જે મુજબ નૉન-એસી બસોમાં ઉચ્ચતમ મર્યાદાના 75 ટકા મુસાફરોને બેસવાની અનુમતિ હશે. તેમજ એસી બસોમાં પણ 75 ટકા મુસાફરોને બેસાડી શકાશે.

શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પડાયેલ સૂચનાઓ અનુસાર આગળ પણ ચાલુ રાખવાનું સૂચન કરાયું છે.

તેમજ કોચિંગ ક્લાસ માટે ધોરણ નવથી પોસ્ટ ગ્રૅજ્યુએશન સુધી કોચિંગ કરાવતી સંસ્થાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી સંસ્થાઓ વધુમાં વધુ સ્થળની મહત્તમ ક્ષમતાના 50 ટકા વિદ્યાર્થીઓ સાથે પોતાની સેવા ચાલુ રાખી શકશે.

લખીમપુર હિંસા મામલે મુખ્ય આરોપી આશિષ મિશ્રાને મળ્યા જામીન

લખીમપુર હિંસા મામલાના મુખ્ય આરોપી અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાને અલાહબાદ હાઈકોર્ટની લખનઉ બૅન્ચ દ્વારા જામીન આપવામાં આવ્યા છે.

ત્રણ ઑક્ટોબરના રોજ લખીમપુર ખીરીમાં કારના કાફલા નીચે કચડાઈ જવાથી ચાર ખેડૂતોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. તેમાં આશિષ મિશ્રાની કાર પણ હતી.

ઉત્તર પ્રદેશ પોલીસની એસઆઈટી આ મામલે તપાસ કરી રહી છે અને ગયા મહિને આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

પાંચ હજાર પાનાંની ચાર્જશીટને સ્ટીલના તાળાબંધ ખોખામાં લખીમપુરની કચેરી પરિસરમાં લાવવામાં આવી હતી અને તેને સીજેએમ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

આ મામલામાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીના પુત્ર આશિષ મિશ્ર મુખ્ય આરોપી છે. સાથે જે પૂર્વ કેન્દ્રીયમંત્રી અખિલેશ દાસના ભત્રીજા અંદિત દાસ સિવાય અન્ય 12 સહઆરોપીઓ પણ છે.

પાકિસ્તાને 60 જેટલા ગુજરાતી માછીમારોને પકડી લીધા

પાકિસ્તાનની જેલમાં ગુજરાતના 600થી વધુ માછીમારો સજા ભોગવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ફરી એક વખત પાકિસ્તાને 60 જેટલા ગુજરાતી માછીમારોને પકડી લીધા છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, પાકિસ્તાન મૅરિટાઇમ સિક્યૉરિટી એજન્સીએ અંદાજિત 10 બોટમાંથી 60 જેટલા ગુજરાતી માછીમારોને આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી પકડ્યા છે.

પોરબંદરસ્થિત મરીન ફિશરીઝ કૉ-ઑપરેટિવ સોસાયટીના વડા મનીષ લોઠારીએ અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું, "દરિયો ખેડી રહેલા માછીમારોએ અમને મંગળવારે જાણ કરી હતી કે પાકિસ્તાને દસેક બોટ સાથે ગુજરાતના 60 જેટલા માછીમારોને પકડ્યા છે."

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે આ તમામ માછીમારો આઠ દિવસ પહેલાં પોરબંદર, ઓખા અને માંગરોળથી દરિયો ખેડવા નીકળ્યા હતા.

માછીમારોની ચોક્કસ સંખ્યા તેઓને પાકિસ્તાન લઈ જવાશે એ બાદ ખબર પડશે.

નોંધનીય છે કે આ અઠવાડિયામાં આ બીજો બનાવ છે. બે-ત્રણ દિવસ પહેલાં બે ભારતીય બોટમાં માછલીઓ પકડવા ગયેલા ગુજરાતના 13 માછીમારોને પાકિસ્તાને પકડી લીધા હતા.

આઈઆઈટીમાં 40 ટકાથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી

અંગ્રેજી અખબાર ધ હિન્દુના અહેવાલ પ્રમાણે, કેન્દ્રીય શિક્ષણમંત્રાલયે લોકસભામાં કૉંગ્રેસના સાંસદ શશી થરૂરના પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે દેશનાં તમામ 23 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (આઈઆઈટી)માં 40 ટકાથી વધુ ટીચિંગ પોસ્ટ ખાલી છે.

આંકડા પ્રમાણે, કુલ 23 આઈઆઈટીમાં હાલ 6,511 પ્રોફેસર ભણાવી રહ્યા છે, પરંતુ 4,360 પદ હજુ પણ ખાલી છે.

આંકડા જણાવે છે કે આઈઆઈટીમાં ભણાવી રહેલા 6,511 શૈક્ષણિક સ્ટાફમાંથી માત્ર 12 ટકા જ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ અથવા તો આર્થિક રીતે પછાત વર્ગના છે.

અનામતની નીતિ અનુસાર, એસસી, એસટી, ઓબીસી અને ઈડબલ્યૂએસ શ્રેણીમાં આવતા લોકોને ક્રમશઃ 7.5 ટકા, 15 ટકા, 27 ટકા અને 10 ટકા આરક્ષણ મળવું જોઈએ. તેનો અર્થ થયો કે આદર્શ સ્થિતિમાં કુલ ભણાવનારા કર્મચારીઓમાં આરક્ષિત વર્ગના 59.5 ટકા લોકો હોવા જોઈએ.

આઈઆઈટી ધનબાદમાં 57. ટકા પદ ખાલી છે અને આઈઆઈટી ખડગપુરમાં 53.4 ટકા તથા આઈઆઈટી દિલ્હીમાં 9.4 ટકા પદ ખાલી છે.

ગુજરાત રમખાણોનાં 20 વર્ષ બાદ યુકેના સાંસદે કહ્યું - નાગરિકોનાં અસ્થિ પાછાં લાવવામાં આવે

ગુજરાતમાં 2002માં થયેલાં રમખાણોને 20 વર્ષ પૂર્ણ થતાં યુકેની સંસદમાં તેને લગતો મુદ્દો ગૂંજ્યો હતો.

ન્યૂઝ વેબસાઇટ સ્ક્રોલના અહેવાલ પ્રમાણે,બુધવારે યુકેની સંસદમાં લેબર પાર્ટીના સાંસદ કિમ લીડબીટરે કહ્યું હતું કે આ રમખાણોમાં મૃત્યુ પામનારા ત્રણ બ્રિટિશ નાગરિકોનાં અસ્થિ ભારતે પાછાં આપવા જોઈએ.

આ બ્રિટિશ નાગરિકોનાં મૃત્યુ ક્યાં કારણોસર અને કેવી રીતે થયાં હતાં, તેની તપાસ માટે યુકેને તક પણ આપવી જોઈએ, એવું પણ તેમણે કહ્યું.

અહેવાલમાં સત્તાવાર આંકડાને ટાંકીને લખવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી અને માર્ચ 2002માં થયેલાં રમખાણોમાં 790 મુસ્લિમ અને 254 હિંદુનાં મૃત્યુ થયાં હતાં.

તે સમયે ભારતના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા.

લેબર પાર્ટીના સાંસદ કિમ લીડબીટરે પોતાની માગ રમખાણોને 20 વર્ષ પૂરાં થતાં વેસ્ટમિન્સટર કમિટી રૂમ ખાતે યોજાયેલ એક વાર્તાલાપ દરમિયાન મૂકી હતી.

રમખાણોમાં મૃત્યુ પામનારા બ્રિટિશ નાગરિકોનાં અસ્થિ પાછા લાવવાની સાથોસાથ લીડબિટરે યુનાઇટેડ કિંગ્ડમની ફૉરેન્સિક ટીમ દ્વારા તેમનાં મૃત્યુનું કારણ જાણવા તપાસની પણ માગ મૂકી હતી.

રમખાણોમાં મૃત્યુ પામેલા ત્રણેય બ્રિટિશ નાગરિકો લેબર પાર્ટીના સાંસદ કિમ લીડબીટરના મતક્ષેત્રના જ હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો