ગુજરાત વાઇબ્રન્ટ સમિટ મોકૂફ, કોરોનાના વધી રહેલા કેસોના પગલે નિર્ણય લેવાયો

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

કોરોના વાઇરસના સતત વધી રહેલા કેસોને પગલે ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવી છે.

રાજ્યના મુખ્ય મંત્રીના કાર્યાલય દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે તકેદારીના ભાગરૂપે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ હતી.

જે બાદ 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

મુખ્ય મંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ સમિટમાં વિવિધ દેશોના વડા, મહાનુભાવો, ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળો તેમજ દેશભરના વેપાર-ઉદ્યોગ જગતે ઉત્સાહ દર્શાવ્યો હતો અને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ નં.1 ટેનિસ ખેલાડી નોવોક જોકોવિચના વિઝા રદ કર્યા

વર્લ્ડ નં.1 સર્બિયન ટેનિસસ્ટાર નોવોક જોકોવિચના ઑસ્ટ્રેલિયાના વિઝા રદ કરવામાં આવ્યા છે.

નોવોકને ઍરપૉર્ટ પર કેટલાક કલાકો સુધી રાખવામાં આવ્યા હતા, બાદમાં અધિકારીઓએ જાહેરાત કરી કે તેમણે પ્રવેશના નિયમોનું પાલન કર્યું નથી અને તેથી તેમને પરત મોકલી દેવામાં આવશે.

જે બાદ જોકોવિચને સરકારી અટકાયત માટેની કાર્લટનની એક હોટલમાં લઈ જવામાં આવ્યા હતા, નોવોકના વકીલોએ કોર્ટમાં તત્કાલ અપીલ કરી છે.

હોટલની બહાર જોકોવિચના સમર્થકોએ બીબીસીને કહ્યું કે તેઓ આ કાર્યવાહીથી નારાજ છે.

નોવોકે પોતાના રસીકરણની સ્થિતિ વિશે સ્પષ્ટતા કરી નથી, પરંતુ ગયા વર્ષે તેમણે કહ્યું હતું કે તેઓ 'રસીકરણનો વિરોધ કરે છે.'

ઑસ્ટ્રેલિયન બૉર્ડર ફોર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "જે બિનનાગરિકો પ્રવેશ પર માન્ય વિઝા ધરાવતા નથી અથવા જેમના વિઝા રદ કરવામાં આવ્યા હોય, તેમની અટકાયત કરવામાં આવે છે અને ઑસ્ટ્રેલિયાથી દેશનિકાલ કરવામાં આવે છે."

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને જોકોવિચને મુક્તિ આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ દેશના નિયમોથી ઉપર નથી.

ભારતમાં 24 કલાકમાં 90 હજાર કેસ

ભરતમાં કોરોના વાઇરસના સંક્રમણના 24 કલાકમાં 90,928 કેસ નોંધાયા છે.

કોરોના વાઇરસનો નવો ઓમિક્રૉન વૅરિયન્ટ આવ્યા બાદ દુનિયાના મોટાભાગના દેશોમાં કેસોની સંખ્યા વધી રહી છે.

ગુરુવારે ભારતમાં પણ નવા કેસોનો દૈનિક આંક 90 હજારનો આંક વટાવી ગયો હતો.

આ સાથે જ 24 કલાકમાં 19 હજારથી વધારે લોકો સારવાર બાદ સ્વસ્થ થયા હતા અને 325 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ભારતમાં હાલમાં ઍક્ટિવ કેસોની સંખ્યા બે લાખ 85 હજાર કરતાં વધારે છે અને કોરોનાના કુલ કેસનો આંક ત્રણ કરોડ 43 લાખથી ઉપર છે.

આ વલણને જોતાં આગામી 1-2 દિવસમાં જ કોવિડ-19ના દૈનિક સંક્રમણનો આંક 1 લાખને પાર જવાની શક્યતા છે.

દિલ્હીના ચાંદનીચોકમાં ભીષણ આગ

દિલ્હીના ચાંદનીચોકમાં આવેલા લાજપતરાય માર્કેટમાં ગુરુવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે 12 ફાયર-બ્રિગેડની ગાડીઓના પ્રયાસો બાદ આગને કાબૂમાં લઈ શકાઈ હતી.

દિલ્હીના ફાયરવિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો