You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉદ્ઘવ ઠાકેરની શિવસેના શું તૂટવાની છે, અત્યાર સુધી શું-શું થયું?
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી અને શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વાર પાર્ટીમાં વિભાજનનો સામનો કરવો પડી શકે છે.
સમાચાર છે કે શિવસેનાના નવમાંથી છથી સાત સાંસદ કાં તો ઉપમુખ્ય મંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થવાના છે અથવા તો અલગ જૂથ બનાવી શકે છે.
આ દરમિયાન શિવસેના (યુબીટી)ના દક્ષિણ મુંબઈના સાંસદ અરવિંદ સાવંતે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને એક પત્ર લખ્યો છે અને એવું મનાઈ રહ્યું છે કે આ પત્રથી 'સાંસદોમાં વિભાજન'ના સમાચારને બળ મળ્યું છે.
રાજ્યસભા સાંસદ અને શિવસેના (યુબીટી)ના પ્રવક્તા સંજય રાઉતે ઍક્સ પર જે પોસ્ટ કરી છે તેનાથી પણ એવી ખબર પડે છે કે પાર્ટીમાં વિભાજનના સમાચાર નિરાધાર નથી. એવા પણ સમાચાર છે કે શિવસેના (યુબીટી) સાંસદ અનિલ દેસાઈએ પાર્ટીના તમામ સાંસદોની દિલ્હીમાં બેઠક બોલાવી છે.
14 જૂન એટલે કે રવિવારના રોજ ઉદ્ધવ ઠાકરેએ પોતાના આવાસ 'માતોશ્રી' પર પાર્ટીના સાંસદોની બેઠક બોલાવી હતી. જોકે, આ બેઠકમાં પાંચ સાંસદ વ્યક્તિગતપણે હાજર નહોતા રહ્યા, તેમણે ઑનલાઇન હાજરી નોંધાવી હતી. ખરેખર તો એ સમયથી 'સાંસદોમાં વિભાજનની ચર્ચા' શરૂ થઈ ગઈ હતી.
તેમાં યવતમાલના સાંસદ સંજય દેશમુખ, પરભણીના સાંસદ સંજય જાધવ, હિંગોલીના સાંસદ નાગેશ પાટીલ, શિરડીના સાંસદ ભાઉસાહેબ વાકચૌરે અને ધારાશિવના સાંસદ ઓમરાજે નિંબાલકર વ્યક્તિગતપણે હાજર નહોતા રહ્યા.
તેમજ, દક્ષિણ મુંબઈના સાંસદ અરવિંદ સાવંત, દક્ષિણ-મધ્ય મુંબઈના સાંસદ અનિલ દેસાઈ, ઉત્તર-પૂર્વ મુંબઈના સાંસદ સંજય દીના પાટીલ અને નાસિકના સાંસદ રાજાભાઉ વાજે બેઠકમાં મોજૂદ હતા.
ઠાકરેની શિવસેનાએ તમામ સાંસદોની બેઠક બોલાવી
શિવસેના (યુબીટી)ના સાંસદ અનિલ દેસાઈએ પત્ર જાહેર કરીને પાર્ટીના તમામ સાંસદોની બેઠક બોલાવી છે. આ બેઠક આવતી કાલે એટલે કે 18 જૂનના રોજ સવારે 11 વાગ્યે સંસદ ભવનસ્થિત પાર્ટી કાર્યાલયમાં થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પત્ર મારફતે તમામ સાંસદોની હાજરી અનિવાર્ય ગણાવાઈ છે.
સંજય રાઉતની પોસ્ટ
ગઈ કાલે (16 જૂન)ના રોજ બપોર બાદ અચાનક શિવસેના (યુબીટી)ના સાંસદો તૂટવાના સમાચારે જોર પકડી લીધું. એ બાદ જાતભાતની ચર્ચા શરૂ થઈ. કેટલા સાંસદ તૂટશે, કોણ તૂટશે, એ પ્રકારના સમાચારો માધ્યમોમાં પ્રકાશિત થવા લાગ્યા.
એ બાદ રાત્રે લગભગ 11 વાગ્યે સાંસદ સંજય રાઉતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેનાથી આ સમાચારોને અમુક હદ સુધી વધુ બળ મળ્યું.
સંજય રાઉતે કહ્યું, "અપના સપના મની... મની! મહારાષ્ટ્રના સાંસદોને ખરીદવા માટે આજે રાત્રે દરેક સાંસદને 15 કરોડ રૂપિયા ઍડ્વાન્સ અપાઈ રહ્યા છે. આ જાણકારી ચોંકાવનારી અને ઘૃણાસ્પદ છે."
સંજય રાઉતની સોશિયલ મીડિયા પોસ્ટ પર તૃણમૂલનાં સાંસદ મહુઆ મોઇત્રાએ જવાબ આપતાં કહ્યું, "માત્ર 15 કરોડ? આટલી ઓછી કિંમતે કેમ જઈ રહ્યા છે? અમારી પાર્ટીના (બળવાખોર નેતાઓ)ને ચાર કરોડ મળ્યા હતા અને આગામી 36 મહિનાના કાર્યકાળમાં દર મહિને એક કરોડ રૂપિયા મળવાના છે. હની પ્લસ મની."
તૃણમૂલ કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા 28માંથી 20 સાંસદોએ હાલમાં જ બળવો કર્યો છે. મહુઆ મોઇત્રાએ આ જ સંદર્ભમાં આ ટ્વીટ કર્યું હતું.
મહુઆ મોઇત્રાના આ જવાબ અંગે સંજય રાઉતે આજે (17 જૂન)ની સવારે રિપ્લાય કર્યો. તેમાં તેમણે લખ્યું, "અપના સપના મની મની! મહુઆજી, સાંસદ દીઠ ન્યૂનતમ આધાર કિંમત 50 કરોડ રૂપિયા (50 ખોખા) નક્કી થઈ છે. 15 કરોડ રૂપિયા તો માત્ર ઍડ્વાન્સ છે."
તેમણે આગળ કહ્યું, "તેમની કિંમત વધી ગઈ છે, કારણ કે શિવસેના અને તૃણમૂલ કૉંગ્રેસ બ્રાન્ડ લેબલ છે."
અરવિંદ સાવંતનો લોકસભા અધ્યક્ષને પત્ર
શિવસેના (યુબીટી)એ લોકસભા અધ્યક્ષને આધિકારિક પત્ર સોંપ્યો છે. તેમાં પાર્ટીએ માગ કરી છે કે શિવસેના (યુબીટી)ને જ સંસદમાં એકમાત્ર આધિકારિક રાજકીય દળ તરીકે માન્યતા આપવામાં આવે.
માગ કરાઈ છે કે, કોઈ પણ અલગ જૂથ, બળવાખોર જૂથ કે સ્વતંત્ર સમૂહને કોઈ ઓળખ, દરજ્જો, સુવિધા કે વિશેષાધિકાર ન આપવામાં આવે.
પત્રમાં એવી પણ વિનંતી કરાઈ છે કે, એવી કોઈ પણ માગ પર નિર્ણય લેતા પહેલાં ઉદ્ધવ ઠાકરે જૂથને પોતાનો પક્ષ રાખવાની તક આપવામાં આવે.
પાર્ટીએ એ વાત અંગે પણ સ્પષ્ટતા કરી છે કે એ બંધારણની દસમી અનુસૂચિ (પક્ષપલટાવિરોધી કાયદો) અંતર્ગત ઉપલબ્ધ જોગવાઈઓનો ઉપયોગ કરવાનો અધિકાર સુરક્ષિત રાખે છે.
આ પત્ર શિવસેના (યુબીટી) સંસદીય દળના નેતા અને સાંસદ અરવિંદ સાવંતે મોકલ્યો છે.
આ પહેલાં, 16 જૂનની સવારે અરવિંદ સાવંતે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું, "ઑપરેશન કરવા માટે ટાઇગર પાસે દાંત તો હોવા જોઈએ."
"દેશની સામે મોજૂદ ઘણી સમસ્યાઓ પર વાત કરવાને સ્થાને ગોદી મીડિયા માત્ર દંતહીન કહેવાતા વાઘોની ચર્ચા કરી રહ્યું છે."
"લોકશાહી પર થઈ રહેલો હુમલો તેનાથી ખૂબ ગંભીર વિષય છે."
સુષમા અંધારેએ શું કહ્યું?
ઉદ્ધવ ઠાકરે જૂથનાં નેતા સુષમા અંધારેએ કહ્યું છે કે આ બળવો મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસના રસ્તામાં અવરોધ પેદા કરવા માટે કરાઈ રહ્યો છે.
તેમણે કહ્યું, "દેવેન્દ્ર ફડણવીસની દિલ્હી જવાની મહત્ત્વાકાંક્ષા કોઈનાથી છુપાયેલી નથી. દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી ન પહોંચે, તેના માટે ફડણવીસની જ પાર્ટીના નેતા સ્પીડબ્રેકર લગાવવાની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં ફડણવીસજી, તમે કેવી રીતે બચશો?"
"આ ઠાકરેના નેતૃત્વનો સવાલ નથી. ટીએમસી અને આપ પણ તૂટી ચૂક્યાં છે."
"આ તમામ પાર્ટીઓ સાથે થઈ રહ્યું છે, કારણ કે પરિસીમન બિલ બાદ ભાજપ બદલાની ભાવનાથી ભરાયેલો છે."
"એ ગમે એ હદ સુધી જવા માટે તૈયાર છે."
"આવી સ્થિતિમાં દેવેન્દ્રજી, તમારી મહત્ત્વાકાંક્ષાનું શું થશે? અમારી ચિંતા મૂકી દો. અમે પહેલાંથી જ સત્તા વિના રહેવાનો નિર્ણય કરી લીધો છે."
"અમે સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો અને નવા નામ અને નવા ચૂંટણિચિહ્ન સાથે નવ સાંસદ અને 20 ધારાસભ્યને ચૂંટાયા."
"અસલ ખેડૂતો તો વાવણી જ કરતો રહે છે, જેની પાસે કળા ન હોય એ જ ચોરી કરે છે. હવે તમે વિચારો કે તમારું શું થવાનું છે?"
શિંદેની શિવસેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ શું કહ્યું?
એકનાથ શિંદેની શિવસેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ કહ્યું, "ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ ઉદ્ધવ ઠાકરેથી નારાજ છે. માત્ર સાંસદ જ કેમ, તેમના ધારાસભ્ય અને નગરસેવકો પણ નારાજ છે."
"દરેક કાર્યકર નારાજ છે. બધા તેમને છોડીને જઈ રહ્યા છે. અમને આનું કારણ પૂછ્યા કરતાં તેમણે એ પોતે તપાસવું જોઈએ."
"તેમણે બાલાસાહેબના હિંદુત્વના વિચારોને છોડી દીધા. તેમણે કૉંગ્રેસ સાથે હાથ મિલાવ્યો."
"શિવસેનાની વિચારધારા હિંદુત્વની છે અને એ ક્યારેય કૉંગ્રેસની સાથે નહીં જાય."
"તેથી જો એકનાથ શિંદે હિંદુત્વની વિચારધારા પર કામ કરી રહ્યા છે, 24 કલાક કામ કરી રહ્યા છે."
"દરેક કાર્યકર માટે કામ કરી રહ્યા છે અને લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે, તો તેમાં અમારી શું ભૂલ છે?"
"ઑપરેશન ટાઇગર"
પાછલા અમુક દિવસોથી 'ઑપરેશન ટાઇગર' શબ્દ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલો છે. ચર્ચા છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નવ સાંસદમાંથી સાત પાર્ટી છોડી શકે છે. દાવો કરાઈ રહ્યો છે કે સાંસદ જલદી જ એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થશે.
આ અંગે સાંસદ સંજય રાઉતથી 'ઑપરેશન ટાઇગર' અંગે સવાલ પુછાયો. તેમણે પોતાના અંદાજમાં આ ચર્ચાને ખારિજ કરી દીધી હતી.
પરંતુ આગામી 48 કલાકમાં જ સાંસદ સંજય રાઉતના નિવેદનમાં પણ બદલાવ જોવા મળ્યો.
16 જૂનના રોજ દિલ્હી પ્રવાસે ગયેલા સંજય રાઉતને આ અંગે ફરી પ્રશ્ન પુછાયો.
તેમણે કહ્યું, "શિવસેનામાં પહેલાં પણ આવું થઈ ચૂક્યું છે. તેમ છતાં પાર્ટી ઊભી છે. અમારી પાર્ટીને સંઘર્ષનો બહોળો અનુભવે છે."
"ગત 60 વર્ષોમાં અમે આવા ઘણા ફટકા ખાધા છે. અમારી પાર્ટી માત્ર સાંસદો અને ધારાસભ્યોની પાર્ટી નથી."
"આ એક કૅડર આધારિત પાર્ટી છે. સાંસદ અને ધારાસભ્ય આવતા-જતા રહે છે. અમારી પાર્ટી કાર્યકરોની પાર્ટી છે."
શું સાત સાંસદ જઈ શકે છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું, "અમારી સામે આવી કોઈ જાણકારી કે ઘટનાક્રમ નથી આવ્યો. અમારા પણ દિવસો આવશે."
આ પહેલાં સંજય રાઉતે કહ્યું હતું કે કોઈ પણ સાંસદ ક્યાંય નથી જઈ રહ્યો. દિલ્હીમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે એવું પણ કહ્યું હતું કે પાર્ટીની બેઠકમાં સાંસદોએ શપથ સુધ્ધાં લીધા હતા.
તેમણે કહ્યું, "અમારી પાસે આવી કોઈ જાણકારી નથી. ઉદ્ધવ ઠાકરે દ્વારા બોલાવાયેલી બેઠકમાં તમામ સાંસદ સામેલ થયા હતા."
"કેટલાક સાંસદો ઑનલાઇન હાજર હતા. એ પૈકી કેટલાક સાંસદોએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કર્યો."
"કોઈ ભગવાનના સોગંધ ખાધા, કોઈએ સાઈબાબના તો કોઈએ પોતાના દીકરાના સોગંધ ખાધા અને અંત સુધી પાર્ટીની સાથે રહેવાની વાત કરી."
બેઠકમાં ઑનલાઇન સામેલ થયેલા કેટલાક સાંસદોનો બીબીસી મરાઠીએ સંપર્ક કરવાની ઘણી વાર કોશિશ કરી, પરંતુ તેમનો સંપર્ક નહોતો થઈ શક્યો. તેમની પ્રતિક્રિયા મળતા જ આ અહેવાલ અપડેટ કરાશે.
એકનાથ શિંદેની શિવસેનાની પ્રતિક્રિયા?
એકનાથ શિંદેની શિવસેનાના વરિષ્ઠ નેતા કૃપાલ તુમાનેએ દાવો કર્યો છે કે 'ઑપરેશન ટાઇગર' અંતિમ તબક્કામાં છે.
એટલું જ નહીં, તેમના દાવા પ્રમાણે 16 ધારાસભ્ય અને સાત સાંસદોના પક્ષાંતર અંગે અંતિમ વાતચીત પૂરી થઈ ચૂકી છે અને હવે માત્ર પાર્ટીમાં સામેલ થવાની તારીખ નક્કી થવાનું બાકી છે.
કૃપાલ તુમાનેએ એવું પણ કહ્યું કે ઉદ્ધવ ઠાકરે જૂથના 16 ધારાસભ્યોનું 'ઑપરેશન ટાઇગર' ચોમાસું સત્ર બાદ થશે.
જોકે, મંત્રી ઉદય સામંતે આવા કોઈ પણ બળવાના દાવા કે ઠાકરે જૂથના સાંસદોની એકનાથ શિંદે સાથે મુલાકાત થવાની વાતનો ઇનકાર કર્યો છે.
ઉદય સામંતે કહ્યું, "કેટલા સાંસદ બેઠકમાં હાજર હતા અને કેટલા નહીં, એ અમને મીડિયા મારફતે ખબર પડી. મને નથી લાગતું કે શિવસેનાને સાંસદ તોડવાની જરૂર છે."
"યુબીટીના સાંસદો મામલે અમારો કોઈની સાથે કોઈ સંપર્ક નથી થયો. 'ઑપરેશન ટાઇગર' અંગે જેવો માહોલ બનાવાઈ રહ્યો છે, તેવી યુબીટીના સાંસદો સાથે કોઈ બેઠક નથી થઈ."
"જ્યારે હું શિરડીમાં હતો, ત્યારે સાંસદ વાકચૌરે મારી પાસે હતા. મારી તેમની સાથે કોઈ મુલાકાત ન થઈ. એકનાથ શિંદેએ પણ યુબીટીના કોઈ સાંસદ સાથે મુલાકાત નથી કરી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન