You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં એક જ દિવસમાં 3,000 કરતાં વધારે કેસ, વૈજ્ઞાનિકોની ચેતવણી 'ઓમિક્રૉનથી મોટું જોખમ'
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના કેસોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. બુધવારે રાજ્યમાં કોરોનાના નવા 3,350 કેસ નોંધાયા છે.
નવા નોંધાયેલા કેસ પૈકી સૌથી વધારે 1,637 કેસ અમદાવાદમાં, 630 કેસ સુરતમાં, 150 કેસ વડોદરામાં અને 141 કેસ રાજકોટમાં નોંધાયા છે. ગુજરાતના આરોગ્ય અને પરીવારકલ્યાણ વિભાગે આ માહિતી આપી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 236 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે અને એક દર્દીનું મૃત્યુ નોંધાયું છે. આ સાથે ગુજરાતનો રિકવરી રેટ ઘટીને 97.49 ટકા પર પહોંચ્યો છે.
કોરોના વાઇરસના વૅરિયન્ટ ઓમિક્રૉનનાં કેસોની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રૉન વૅરિયન્ટના 50 નવા કેસ નોંધાયા છે અને 16 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે.
આ 50 કેસમાંથી 34 કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે. નવા નોંધાયેલા 50 કેસ સાથે ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસોની કુલ સંખ્યા 204 પર પહોંચી છે. જે પૈકી 112 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે.
આ પહેલાં મંગળવારે રાજ્યમાં કોરોનાના 2,265 નવા કેસ નોંધાયા હતા, જે છેલ્લા સાત મહિનામાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ હતા.
સોમવારે રાજ્યમાં કોરોનાના નવા 1,259 કેસ નોંધાયા હતા.
તો દેશમાં કોરોનાના કેસમાં એક જ દિવસમાં લગભગ 55 ટકા જેટલો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના 58,097 કેસ નોંધાયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સાથે જ દેશમાં ઓમિક્રૉનના વૅરિયન્ટના કેસ પ્રથમ વખત 2000ને પાર પહોંચી ગયા છે. ઓમિક્રૉનના સૌથી વધારે કેસો મહારાષ્ટ્ર અને દિલ્હીમાં છે.
દેશમાં શું સ્થિતિ?
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે કુલ 534 લોકોનાં મૃત્યુ થયાં છે અને હાલ દેશમાં કોરોનાના ઍક્ટિવ કેસની સંખ્યા 2,14,004 થઈ ગઈ છે.
દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં વધતા કેસને જોઈને વિવિધ પ્રકારના પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.
તામિલનાડુના સ્વાસ્થ્યમંત્રી એમએ સુબ્રમણિયમે જાહેરાત કરી કે આગામી રવિવારના દિવસે સમગ્ર રાજ્યમાં લૉકડાઉન લાદવામાં આવશે.
દેશભરમાં કોરોના વાઇરસના કેસો કૂદકેને ભૂસકે વધી રહ્યા છે, એક દિવસમાં કોરોનાના કેસમાં 55 ટકા જેટલો વધારો ચિંતાનો વિષય બની રહ્યો છે.
કોવિડ ટાસ્ક ફોર્સના વડા ડૉ. એન કે અરોરા કહ્યું છે કે 'દેશ ત્રીજી લહેરની ખૂબ જ નજીક છે.'
તેમણે NDTV ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, "ભારત સ્પષ્ટ રીતે કોવિડ -19ની ત્રીજી લહેરમાં છે, અને ઓમિક્રૉન વૅરિયન્ટના પગલે આ ત્રીજી લહેર આવી છે." તેમના મતે આગામી ચારથી પાંચ દિવસોમાં કોરોના કેસોની સંખ્યામાં તીવ્ર ઉછાળો આવશે.
ભારતમાં ત્રીજી લહેર શરૂ થઈ ચૂકી છે, દેશના આરોગ્ય નિષ્ણાતોએ આ વાતની પુષ્ટિ કરી દીધી છે.
આરોગ્ય નિષ્ણાતોને ચિંતા એ વાતની છે કે ત્રીજી લહેર દરમિયાન મોટા ભાગના કેસ ઓમિક્રૉન વૅરિયન્ટના હશે, જેને કારણે પ્રતિદિન કેસોની સંખ્યા ભયજનક સપાટી પહોંચી શકે છે.
યુરોપ, અમેરિકા સહિતના દેશોમાં કોરોનાના ઓમિક્રોન વૅરિયન્ટને કારણે એક દિવસમાં કોરોનાના લાખો કેસો આવ્યા હતા.
આરોગ્ય નિષ્ણાતોને હવે એ વાતની ચિંતા છે કે આવી જ સ્થિતિ જો ભારતની થઈ તો સ્વાસ્થય વ્યવસ્થા પર ખૂબ મોટું ભારણ આવશે.
'ઓમિક્રૉન નવા વૅરિએન્ટનું કારણ બની શકે છે : WHO
ઓમિક્રૉન વૅરિયન્ટને પગલે દુનિયાના અનેક દેશો ફરી એકવાર લૉકડાઉનની સ્થિતિમાં આવી ગયા છે.
દરમિયાન ડબલ્યૂએચઓ એટલે કે વિશ્વ આરોગ્ય સંગઠને ઓમિક્રૉન વૅરિએન્ટને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
ડબલ્યૂએચઓનું માનવું છે કે જો ઓમિક્રૉનનું સંક્રમણ આ જ રીતે વધતું રહ્યું તો, તે નજીકના ભવિષ્યમાં વધુ જોખમી વૅરિએન્ટનું કારણ બની શકે છે
એએફપી એજન્સી સાથે વાત કરતાં ડબલ્યૂએચઓના યુરોપનાં ઇમરજન્સી ઓફિસર કેથરિન સ્મૉલવૂડે કહ્યું, "જેટલો ઓમિક્રૉન વધુને વધુ ફેલાશે, એટલો જ તે ટ્રાન્સમિટ અને રેપ્લિકેટ થશે. અને એ જોતાં નવો વૅરિયન્ટ બની શકે છે."
"હવે ઓમિક્રૉન ઘાતક બની રહ્યો છે. તેનાથી મોત પણ થઈ શકે છે. ડેલ્ટાથી તે થોડો ઓછો ઘાતક છે, પરંતુ શક્ય છે કે તે નવા વૅરિયન્ટને જન્મ આપી શકે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો