You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
35 વર્ષ પછીની વયે ગર્ભવતી થતી મહિલાઓને ડૉક્ટરો આ ખાસ ટેસ્ટ કરવાની સલાહ આપે, જાણો કારણ
- લેેખક, ચરણજિતકોર
- પદ, બીબીસી પત્રકાર
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
બોલીવૂડનાં અભિનેત્રીઓ કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ કે ફરાહ ખાન હોય કે પછી અમેરિકન અભિનેત્રી હેલ બેરી હોય, એવાં ઘણાં ઉદાહરણો છે, જેમાં મહિલાઓએ 40 વર્ષની વય વટાવ્યા પછી તેમના પ્રથમ સંતાનને જન્મ આપ્યો હોય.
વર્તમાન યુગમાં ઘણી મહિલાઓ ઉંમરની ચાળીસીમાં કે તે પછી માતા બનવાનો નિર્ણય કરે છે. તાજેતરમાં જ ભારતીય ટીવી અને ફિલ્મ કલાકાર તનાઝ ઈરાને ઉંમરની ત્રીસી અને ચાળીસીમાં માતા બનવાનાં જોખમો વિશે વાત કરી હતી.
એક પૉડકાસ્ટમાં તેમણે કહ્યું હતું, "મારું બીજું બાળક ઉંમરની ચાળીસીમાં જન્મ્યું હતું અને મારે એમ્નિઓસેન્ટેસિસ ટેસ્ટ કરાવવો પડ્યો હતો."
"આ ટેસ્ટ એ જાણવા માટે કરાવાયો હતો કે, બાળકને ડાઉન સિન્ડ્રોમ કે પછી કરોડરજ્જુની અન્ય કોઈ બીમારી છે કે કેમ, કારણ કે 40 વર્ષની વય પછી બાળક થવાનું જોખમ સામાન્ય કરતાં ઊંચું રહે છે."
તેમણે જે એમ્નિઓસેન્ટેસિસ ટેસ્ટ વિશે વાત કરી, તે ટેસ્ટ શું છે, તે ક્યારે અને કેવી રીતે કરવામાં આવે છે? શું આ ટેસ્ટની ગર્ભવતી મહિલા પર કોઈ આડઅસર થાય છે કે કેમ અને તેના માટે કયા નિયમો અનુસરવાના રહે છે?
ડાઉન સિન્ડ્રોમ અને આનુવંશિક બીમારીઓની તપાસ કરવા માટે શું કોઈ અન્ય ટેસ્ટ હોય છે? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે અમે પ્રસૂતિ વિજ્ઞાનીઓ અને સ્ત્રીરોગ નિષ્ણાતો સાથે વાત કરી હતી.
એમ્નિઓસેન્ટેસિસ ટેસ્ટ એટલે શું?
એમ્નિઓસેન્ટેસિસ એવો ટેસ્ટ છે, જે ગર્ભાવસ્થા દરમિયાન કરાવી શકાય છે. બાળકને આનુવંશિક બીમારી જેવી કોઈ ચોક્કસ આરોગ્યલક્ષી સમસ્યા છે કે કેમ, તે જાણવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. આનુવંશિકતા એ એવી સ્થિતિ કે બીમારી છે, જે બાળકને માતા કે પિતા તરફથી વારસામાં મળે છે.
અલ્ટ્રાસાઉન્ડ ઇમેજિંગની મદદથી ગર્ભાશયની અંદર એક પાતળી સોય દાખલ કરવામાં આવે છે અને પછી ત્યાંથી પ્રવાહી લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પ્રક્રિયા સમજાવતાં લુધિયાણાની સીએમસી હૉસ્પિટલ ખાતે ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલૉજીનાં હેડ અને પ્રોફેસર ડૉક્ટર તપસ્યા ધર કહે છે, "એમ્નિઓસેન્ટેસિસ દરમિયાન, વિકાસ પામી રહેલા શિશુની ફરતેથી એક પાતળી સોયની મદદથી પ્રવાહીનો નમૂનો મેળવવામાં આવે છે."
"બાળકનાં અંગો કે અન્ય મહત્ત્વના ભાગો સાથે સંપર્કમાં ન હોય, તેવી જગ્યાએથી અલ્ટ્રાસાઉન્ડ-ગાઇડેડ સોય વડે પ્રવાહીનો નાનો નમૂનો લેવામાં આવે છે. આ પ્રવાહીમાં એવા કોષો રહેલા હોય છે, જેનું આનુવંશિક, ક્રોમોસોમલ (રંગસૂત્રોનું) પરીક્ષણ કરીને જાણી શકાય છે કે, કોઈ ખામી છે કે કેમ. આ સૅમ્પલ પરીક્ષણ માટે લૅબોરેટરીમાં મોકલવામાં આવે છે."
"આ ટેસ્ટ સામાન્યપણે 15થી 20 સપ્તાહની વચ્ચે કરાવવામાં આવતો હોય છે, પણ તે તેની પહેલાં પણ કરાવી શકાય છે. જોકે, વહેલા કરાવવામાં આવેલો ટેસ્ટ કોરિઓનિક વિલસ સૅમ્પલિંગ કહેવાય છે. આ ટેસ્ટ 11 અને 13 અઠવાડિયાંની વચ્ચે થાય છે."
એમ્નિઓસેન્ટેસિસ ટેસ્ટ શા માટે કરાવાય છે?
બ્રિટિશ હેલ્થ વેબસાઇટ એનએચએસ અનુસાર, બાળકને ડાઉન સિન્ડ્રોમ, એડવર્ડ સિન્ડ્રો, સિસ્ટિક ફાઇબ્રોસિસ જેવા કોઈ આનુવંશિક વિકાર છે કે નહીં, તે નક્કી કરવા માટે એમ્નિઓસેન્ટેસિસ ટેસ્ટ કરવામાં આવે છે.
ડાઉન સિન્ડ્રોમ એક આનુવંશિક સ્થિતિ છે, જેના કારણે શારીરિક અને માનસિક વિકાસ ધીમો થઈ જાય છે.
એડવર્ડ્ઝ સિન્ડ્રોમ એ દુર્લભ આનુવંશિક સ્થિતિ છે, જેનો કોઈ ઇલાજ નથી. તેનો ભોગ બનનારાં બાળકોનું આયુષ્ય ઘણું ટૂંકું હોય છે.
આ વિશે વધુ માહિતી પૂરી પાડતાં ડૉક્ટર તપસ્યાએ કહ્યું હતું કે, આનુવંશિક વિકારો ઉપરાંત બાળકોમાં થેલેસેમિયા, કરોડરજ્જુની બીમારી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી (આ દુર્લભ સ્થિતિ છે, જેમાં સ્નાયુઓ કમજોર પડતા જાય છે) અને અન્ય કેટલાક રક્ત વિકારો પારખવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે.
વધુમાં તેમણે કહ્યું હતું, "આ ટેસ્ટ કયા રંગસૂત્રમાં ખામી છે, તે પણ બતાવે છે. ઉદાહરણ તરીકે, જો ડાઉન સિન્ડ્રોમ હોય, તો પછી 21મા રંગસૂત્રમાં ખામી હોય છે. એ જ રીતે, જુદી-જુદી બીમારીઓ માટે અલગ-અલગ નંબર હોય છે. જો આ ટેસ્ટ નોર્મલ આવે, તો બાળક તંદુરસ્ત હોવાની 99 ટકા શક્યતા રહે છે."
તેમણે ઉમેર્યું હતું, "જો જનીનમાં ફેરફાર થાય અથવા તો જો કોઈ વધુ ગંભીર સમસ્યા હોય, તો તેના માટે વધુ ઍડવાન્સ ટેસ્ટ પણ છે."
'30 વર્ષ અને 40 વર્ષની વય પછીની ગર્ભાવસ્થાઓ દરમિયાન ઊંચી માગ'
જો બાળકના આરોગ્ય અને વિકાસને પ્રભાવિત કરે, તેવી ચોક્કસ બીમારીઓ થવાનું ઊંચું જોખમ રહેલું હોય, તો ગર્ભવતી મહિલાને એમ્નિઓસેન્ટેસિસ ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે.
એનએચએસ અનુસાર, જો ગર્ભાવસ્થા દરમિયાન કરાવવામાં આવતા સ્ક્રીનિંગ ટેસ્ટના આધારે એવું માલૂમ પડે કે, બાળકને એવી કોઈ બીમારી હોઈ શકે છે, જેનું પરીક્ષણ એમ્નિઓસેન્ટેસિસ દ્વારા થઈ શકે છે, તો પછી આ ટેસ્ટ કરાવવાની ભલામણ કરવામાં આવે છે.
તે સિવાય, ડૉક્ટરોના જણાવ્યા મુજબ, જ્યારે મોટી વયની મહિલા ગર્ભવતી થાય, ત્યારે આવો ટેસ્ટ કરવાની જરૂરિયાત વધી જાય છે.
ડૉક્ટર તપસ્યા કહે છે, "વર્તમાન સમયમાં ઘણી મહિલાઓ 35 વર્ષની વય પછી ગર્ભવતી થાય છે. કેટલીક મહિલાઓ 40 વર્ષે આઇવીએફ થકી ગર્ભવતી થાય છે."
"ડાઉન સિન્ડ્રોમ જેવી આનુવંશિક બીમારીઓનું જોખમ વય સાથે વધે છે. આથી જ અમે આ ટેસ્ટ કરીએ છીએ."
વધુમાં તેમણે કહ્યું હતું, "પ્રથમ અમે અલ્ટ્રાસાઉન્ડ કરીએ છીએ, જો તે દરમિયાન બાળકને આનુવંશિક બીમારી હોવાનો કોઈ સંકેત મળે, તો પછી અમે વધુ એક સ્ક્રીનિંગ ટેસ્ટ કરીએ છીએ. જો તેમાં પણ સમસ્યા જણાય, તો પછી અમે એમ્નિઓસેન્ટેસિસ કરીએ છીએ. જો અગાઉના ટેસ્ટ નોર્મલ હોય, તો પછી આ ટેસ્ટની જરૂર પડતી નથી."
ગાયનેકોલૉજિસ્ટ ડૉક્ટર યુક્તા શર્માના જણાવ્યા પ્રમાણે, આ ટેસ્ટ કરાવવાની ભલામણ દરેક દર્દીને આપવામાં આવતી નથી. તેની પહેલાં ઘણા ટેસ્ટ થાય છે, જેમ કે, ડ્યુઅલ માર્કર ટેસ્ટ. 11થી 13 અઠવાડિયાં દરમિયાન, અમે લેવલ વન અલ્ટ્રાસાઉન્ડ કરીએ છીએ, જે એનટી સ્કૅન તરીકે પણ ઓળખાય છે. ડ્યુઅલ માર્કર ટેસ્ટ ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિના દરમિયાન બ્લડ સ્ક્રીનિંગના ભાગરૂપે કરવામાં આવે છે.
તેઓ આગળ કહે છે, "જો આ દરમિયાન કોઈ અસામાન્ય બાબત જણાય, તો અમે નૉન-ઇન્વેઝિવ પ્રિનેટલ ટેસ્ટ કરી શકીએ છીએ. એનઆઇપીટીનો અર્થ થાય છે નૉન-ઇન્વેઝિવ પ્રિનેટલ ટેસ્ટિંગ ટેસ્ટ (તે પણ બ્લડ સ્ક્રીનિંગ ટેસ્ટ છે). જો આ ટેસ્ટમાં કોઈ અસાધારણ બાબત જોવા મળે, તો જ એમ્નિઓસેન્ટેસિસ ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવે છે."
"આ ટેસ્ટ ફક્ત ત્યારે જ કરાય છે, જ્યારે ગર્ભવતી મહિલાને અનિયંત્રિત ડાયાબિટીસ હોય, તેઓ મોટી વયનાં હોય અને અગાઉના ટેસ્ટ સંકેત આપતા હોય કે, બાળક ઉપર ગંભીર જોખમ હોઈ શકે છે."
ડૉક્ટર તપસ્યા સમજાવે છે, "એક દાયકા પહેલાં આ ટેસ્ટ દુર્લભ હતા. અગાઉ, તે માત્ર દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ જેવાં પસંદગીનાં શહેરોમાં જ ઉપલબ્ધ હતા અને તે ટેસ્ટ્સ મોંઘા પણ હતા. પણ હવે, આ ટેસ્ટ ઘણી લૅબોરેટરીમાં નીચા દરે કરાવી શકાય છે."
"બીજી એક વાત એ પણ છે કે, હવે ભારતમાં ઊંચું જોખમ ધરાવતી ગર્ભાવસ્થાનું પ્રમાણ પણ સારું એવું વધી ગયું છે. ભૂતકાળમાં ઘણા કિસ્સાઓમાં જે મહિલાઓનાં બાળકો અગાઉ સ્વસ્થ ન જન્મ્યાં હોય, તે મહિલાઓ ચિંતિત રહેતી અને તે સમયે આવા ટેસ્ટ કરાવવા માટે તેમણે દેશ બહાર જવું પડતું. પણ હવે એવું નથી."
ડૉક્ટર તપસ્યા કહે છે કે, આ ટેસ્ટનો ખર્ચ સામાન્યપણે 20,000 અને 25,000 રૂપિયાની વચ્ચે રહેતો હોય છે. જોકે, કેટલીક હૉસ્પિટલો તેના કરતાં થોડો ઊંચો ચાર્જ વસૂલે છે અને અમુક જગ્યાએ કિંમત આના કરતાં થોડી ઓછી પણ હોય છે.
આ ટેસ્ટનાં સંભવિત જોખમો કયાં છે?
એનએચએસ અનુસાર, એમ્નિઓસેન્ટેસિસ કરાવ્યા બાદ ગર્ભપાત થઈ જવાનું જોખમ રહેતું હોય છે. દર 200 ગર્ભાવસ્થાએ એક કસૂવાવડ થઈ જવાનું જોખમ રહે છે. જો મહિલાના ગર્ભમાં જોડિયાં કે તેથી વધુ શિશુ હોય, તો કસૂવાવડ થવાનું જોખમ વધી જાય છે.
જો ગર્ભવતી મહિલા એચઆઇવી પૉઝિટિવ હોય અથવા તો તેને હિપેટાઇટિસ બી કે હિપેટાઇટિસ સી હોય, તો એમ્નિઓસેન્ટેસિસ કરાવવાથી બાળકને આ ચેપ લાગાવનું જોખમ વધી શકે છે. હેલ્થકેર પ્રોવાઇડર કે સ્પેશિયાલિસ્ટ ટીમ ગર્ભવતી મહિલા સાથે આ જોખમ વિશે ચર્ચા કરી શકે છે.
ડૉક્ટર તપસ્યા આ ટેસ્ટનાં જોખમો વિશે જણાવે છે કે, માતાના પેટમાં સોય દાખલ કરીને પ્રવાહી લેવામાં આવતું હોવાથી ઘણા કિસ્સાઓમાં કસૂવાવડ થવાનું અને સંક્રમણ લાગવાનું એક ટકા જોખમ રહેલું હોય છે. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે, કેટલાક કિસ્સાઓમાં ટેસ્ટ કરાવ્યા બાદ દર્દીને દુખાવો પણ થઈ શકે છે.
ડૉક્ટર યુક્તા કહે છે કે, આ રૂટિન પ્રક્રિયા નથી, કારણ કે આ ટેસ્ટ કરાવવા સાથે કસૂવાવડ થવાનું જોખમ જોડાયેલું છે.
પરિણામ નૅગેટિવ (ખામીયુક્ત) આવે, ત્યારે શું કરવામાં આવે છે?
જો પરિણામ દર્શાવે કે બાળકને બીમારી છે, તો ડૉક્ટરો બાળક પર તેની શું અસર પડી શકે, તે વિશે ચર્ચા કરશે.
આ માટેની સલાહ અને સહાય પણ પૂરાં પાડવામાં આવે છે, જેથી માતા નક્કી કરી શકે કે, ગર્ભાવસ્થા ચાલુ રાખવી કે પછી ગર્ભપાત કરાવી લેવો.
ડૉક્ટર તપસ્યા કહે છે, "જો બાળકના ભવિષ્ય સામે ગંભીર જોખમ હોય, તો ભારત સરકારે ગાયનેકોલૉજિસ્ટ્સને 24 સપ્તાહ સુધી ગર્ભપાત કરવાની છૂટ આપી છે."
"ઉદાહરણ તરીકે, અમે પટિયાલા રાજિન્દ્ર હૉસ્પિટલ ખાતે આવા એક કેસની જાણ કરીએ છીએ અને પછી તે શિશુને જન્મ આપવો કે નહીં, તે નિર્ણય કરવા માટે એક પેનલ બનાવવામાં આવે છે."
"જોકે, આ માટે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી અમેન્ડમેન્ટ ઍક્ટની જોગવાઈઓ પણ ધ્યાનમાં લેવાની રહે છે."
તેઓ કહે છે, "જો કોઈ ગર્ભપાત કરાવવા માગતું હોય, તો તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. જો કોઈને માનસિક આરોગ્ય સંબંધિત મદદ જોઈતી હોય, તો આવા કિસ્સામાં તે પણ ઉપલબ્ધ હોય છે."
સાથે જ તેમણે કહ્યું હતું, "જો કોઈ આ પ્રકારના વિકાર છતાં ગર્ભાવસ્થા ચાલુ રાખવા માગે, તો અમે એવા લખાણ પર તેમની સહી લઈએ છીએ કે, અમે તેમને અસરો વિશેની તમામ માહિતી આપી છે અને તેઓ ગર્ભાવસ્થા ચાલુ રાખવા માગે છે."
આ ટેસ્ટ કરાવતાં પહેલાં કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે?
ડૉક્ટર તપસ્યા સમજાવે છે કે, "આ ટેસ્ટ પીસી-પીએનડીટી (પ્રિ કન્સેપ્શન ઍન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ) ઍક્ટ હેઠળ આવે છે. તે અંતર્ગત તમે આ ટેસ્ટ કરી શકો છો, પણ તમે શિશુની જાતિ શું છે, તે કહી શકતા નથી. નહીંતર, બાળકની જાતિ જાણવા માટે તેનો દુરુપયોગ થઈ શક્યો હોત, આથી નિયમો અનુસરવા જરૂરી છે."
"આથી જ માત્ર માન્યતાપ્રાપ્ત સેન્ટર ખાતે જ ટેસ્ટિંગની પરવાનગી આપવામાં આવે છે. તેમણે દર્દીનાં સરનામાં, ઓળખ, કયા ડૉક્ટરે ટેસ્ટની ભલામણ કરી છે તે સહિતની અન્ય ઘણી વિગતોની નોંધ રાખવી પડે છે, જેથી કયા દર્દીનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને શા માટે કરાયો હતો, તે જાણી શકાય."
"આ ટેસ્ટ અલ્ટ્રાસાઉન્ડ દ્વારા કે ફેટલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ ટેસ્ટ ડૉક્ટરની પરવાનગી વિના થઈ શકતો નથી. ડૉક્ટરો પણ ટેસ્ટ કરતાં પહેલાં એક ફૉર્મ ભરે છે, જેમાં તેમનું નામ, નંબર નોંધીને સ્ટેમ્પ લગાવે છે. ડૉક્ટરની ભલામણ વિના અલ્ટ્રાસાઉન્ડ કે ફેટલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ આ ટેસ્ટ કરી શકતા નથી."
"ટેસ્ટ કરતાં પહેલાં દર્દી પાસેથી પણ સંમતિ મેળવવામાં આવે છે અને પતિ-પત્નીની સહી લેવામાં આવે છે. આ પ્રકારના ટેસ્ટની પ્રક્રિયા શું હોય છે અને અમુક કિસ્સામાં કસૂવાવડ થવાની શક્યતા પણ રહે છે, તે તેમને સમજાવવું પડે છે."
ડૉક્ટર તપસ્યા જણાવે છે, "આ ટેસ્ટ કરવા માટે દર્દીને માત્ર ફેટલ મેડિસિનમાં તાલીમ મેળવેલા પ્રમાણિત નિષ્ણાત પાસે જ મોકલવામાં આવે છે."
પ્રિ-કન્સેપ્શનલ ઍન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિટ ટેકનિક્સ (પ્રોહિબિશન ઑફ સેક્સ સિલેક્શન) ઍક્ટ 1994 અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન શિશુનું જાતિ પરીક્ષણ કરવું ગેરકાયદેસર છે. આ કાયદાનો આશય સ્ત્રીભ્રૂણ હત્યાને ડામવાનો છે અને તેમાં કાયદાનો ભંગ કરનારાઓ માટે સજાની જોગવાઈ છે.
ડૉક્ટર શર્મા કહે છે કે, ભારતમાં પીએનડીટી ઍક્ટ છે, જેના કારણે કોઈ વ્યક્તિ અલ્ટ્રાસાઉન્ડ દરમિયાન કે એમ્નિઓસેન્ટેસિસ દરમિયાન બાળક છોકરો છે કે છોકરી, તે જણાવી શકતી નથી.
વધુમાં તેઓ કહે છે, "એમ્નિઓસેન્ટેસિસ દરમિયાન, અમે માત્ર બાળકની આનુવંશિક સંરચના જ જોઈએ છીએ કે, તેનાં જનીન સામાન્ય છે કે નહીં."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન