કોરોના વાઇરસ : ગુજરાતમાં કોરોનાનો કેર, કોરોનાના એક હજારથી વધુ નવા કેસ નોંધાયા - BBC Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના વધુ 1069 કેસ નોંધાયા છે.

સૌથી વધુ અમદાવાદ કૉર્પોરેશનમાં 559 કેસ નોંધાયા છે.

ગુજરાતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અખબારી યાદી અનુસાર, રાજ્યમાં કોરોના વાઇરસથી સાજા થવાનો દર 98.31 ટકા છે.

જ્યારે કોરોનાના વૅરિયન્ટ ઓમિક્રૉનના નવા 23 કેસ નોંધાયા છે.

આ સાથે જ ઓમિક્રૉનના કુલ કેસની સંખ્યા વધીને 136 પર પહોંચી છે.

કાપડ પર GST વધારવાનો નિર્ણય સ્થગિત, હડતાળ બાદ સરકાર ઝૂકી

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, જીએસટી કાઉન્સિલે શુક્રવારે કાપડ પરનો જીએસટી દર પાંચ ટકાથી વધારીને 12 ટકા કરવાનો નિર્ણય સ્થગિત કર્યો છે.

નવેમ્બરમાં, નાણા મંત્રાલયે માનવનિર્મિત ફાઇબર, કાપડ અને વસ્ત્રો માટે સમાન 12 ટકા જીએસટીનો દર નિર્ધારિત કર્યો હતો. દરમાં વધારો 1 જાન્યુઆરીથી અમલી બનાવવાની સૂચના આપવામાં આવી હતી.

હાલમાં માનવનિર્મિત ફાઇબર, યાર્ન અને કાપડ પર ટૅક્સનો દર અનુક્રમે 18 ટકા, 12 ટકા અને 5 ટકા છે.

શુક્રવારે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ટેક્સ્ટાઇલ માટેનો જીએસટીદર યથાવત્ રાખવામાં આવશે અને મંત્રીઓની પેનલ ફેબ્રુઆરી સુધીમાં દરના માળખાની સમીક્ષા કરશે.

નાણામંત્રીએ કહ્યુ હતું કે ગુજરાતના નાણામંત્રી સહિત દેશભરમાંથી રાજ્ય સરકારો અને ઉદ્યોગસંગઠનો તરફથી કાપડ પર જીએસટી નહીં વધારવાની રજૂઆત કરાતાં તત્કાલ જીએસટી કાઉન્સિલની બેઠક બોલાવવામાં આવી હતી.

ગત અઠવાડિયે, પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રીના મુખ્ય સલાહકાર અમિત મિત્રાએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને સૂચિત વધારો પાછો ખેંચવા વિનંતી કરી હતી.

તેમણે કહ્યું હતું કે નવા દરના માળખાને કારણે લગભગ 1 લાખ ટેક્સ્ટાઇલ યુનિટ બંધ થશે અને રાષ્ટ્રીય સ્તરે 15 લાખ નોકરીઓનું નુકસાન થશે.

તેલંગણાના ઉદ્યોગ પ્રધાન કેટી રામારાવે પણ કેન્દ્રને કાપડ પરના જીએસટી દરોમાં કરાયેલો વધારો પાછો ખેંચવા વિનંતી કરી હતી.

અમદાવાદમાં એક દિવસમાં સૌથી વધુ 10 માઇક્રો-કન્ટેન્ટમેન્ટ ઝોન

અમદાવાદ મહાનગરપાલિકાએ ગુરુવારે 10 નવા માઇક્રો-કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા હતા. નવેમ્બરમાં માઇક્રો-કન્ટેનમેન્ટની પ્રથા ફરી અમલી બનાવાઈ, ત્યારથી અત્યાર સુધીમાં એક દિવસમાં જાહેર કરાયેલા કન્ટેનમેન્ટ ઝોનની આ સૌથી મોટી સંખ્યા છે.

નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં શહેરના સેટેલાઇટ, વસ્ત્રાપુર, જોધપુર, મકરબા, પ્રેરણાતીર્થ, સોલા, નવરંગપુરા, નારણપુરા અને ચાંદખેડાનાં 164 ઘરોને આવરી લેવામાં આવ્યાં છે.

સાયન્સ સિટી વિસ્તારમાં 75 મકાનો અને મકરબામાં 28 મકાનોને માઇક્રો-કન્ટેનમેન્ટ ઝોન હેઠળ મૂકવામાં આવ્યાં છે.

અમદાવાદ મહાનગરપાલિકાએ ઇમારતોને માઇક્રો-કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવાની પ્રથા ગત વર્ષના મે મહિનામાં બંધ કરી હતી, પરંતુ અમદાવાદમાં કોવિડ-19ના કેસની સંખ્યામાં વધારાના પગલે નવેમ્બરમાં ફરી શરૂ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો