વૈષ્ણોદેવી મંદિર : નાસભાગ કઈ રીતે મચી? પ્રત્યક્ષદર્શીઓએ કરી બીબીસી સાથે વાત

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

શનિવારે નવા વર્ષ 2022ની વહેલી સવારે વૈષ્ણોદેવી મંદિરના પ્રાંગણમાં નાસભાગ થઈ હતી, જેમાં 12 દર્શનાર્થીઓનાં મૃત્યુ થયાં છે અને 26ને ઈજા થઈ છે.

બચાવકામગીરી ચાલી રહી છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મૃતકોમાં દિલ્હી, હરિયાણા, પંજાબના શ્રદ્ધાળુઓ હોવાનું જાણવા મળ્યું છે અને એક વ્યક્તિ જમ્મુ કાશ્મીરની હતી.

નાસભાગ ટ્રિકુલા હિલ પર મંદિરની બહાર થઈ હતી. કટરાના વૈષ્ણોદેવી મંદિરને દર્શનાર્થીઓ માટે 24 કલાક ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

જમ્મુ કાશ્મીરના પોલીસ વડા દિલબાગસિંહે કહ્યું હતું કે દર્શનાર્થીઓ વચ્ચે ઝઘડો થવાથી ધક્કામુકી થઈ અને પરિણામે નાસભાગ મચી હતી.

વર્ષ 2022ના પ્રથમ દિવસે જ ઘટેલી આ દુર્ઘટના બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોકની લાગણી વ્યક્ત કરી હતી અને દરેક મૃતકના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.

તપાસ સમિતિની રચના

આ ઘટના અંગે શોક વ્યક્ત કરતાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ ટ્વીટ કર્યું, "માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગને લીધે થયેલાં મૃત્યુથી ખૂબ જ દુખી છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના, ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું."

મનોજ સિંહાના કાર્યાલયે ટ્વીટ કર્યું છે કે ઉપરાજ્યપાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે અને તેમને ઘટના વિશે માહિતી આપી છે અને તેમણે મદદનું આશ્વાસન આપ્યું છે.

સિંહાએ કહ્યું છે કે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને બે-બે લાખ રૂપિયા આપવામાં આવશે.

સિંહાએ કહ્યું છે કે તેમણે નાસભાગની ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે અને તપાસ સમિતિનું નેતૃત્વ ગૃહવિભાગના મુખ્ય સચિવ કરશે. સમિતિમાં અધિક પોલીસ મહાનિદેશક પણ હશે.

પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું?

બીબીસીના સહયોગી પત્રકાર મોહિત કંધારીએ જણાવ્યું છે કે ગાઝિયાબાદના એક શ્રદ્ધાળુએ આ ઘટનાની માહિતી આપતાં જણાવ્યું હતું કે રાતે એક વાગ્યાની આસપાસ અનિયંત્રિત ભીડ થઈ ગઈ હતી, જેથી આ ઘટના ઘટી.

તેમણે કહ્યું, "મંદિરના પરિસરમાં વધુ ભીડ એકઠી થઈ રહી હોવાની જો અધિકારીઓને ખબર હતી, તો તેમણે યાત્રા કેમ રોકી નહીં, જો યાત્રા સમયસર રોકાઈ ગઈ હોત તો આ દુર્ઘટના ન સર્જાઈ હોત."

તેમણે જણાવ્યું કે આ ઘટના પહેલાં પણ એક વખત ભીડ બેકાબૂ બની ગઈ હતી, પરંતુ તે સમયે કોઈ નાસભાગ મચી ન હતી, સાંકડા રસ્તાને કારણે ભક્તો બંને બાજુથી જવા માગતા હતા, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

ગોરખપુરથી આવેલા શ્રદ્ધાળુએ મોહિતને જણાવ્યું હતું કે તે તેમના પરિવાર અને મિત્રો સાથે તેઓ દર્શન માટે આવ્યા હતા. આ શ્રદ્ધાળુ સાથે આવેલા તેમના મિત્રનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.

તેમના કહેવા પ્રમાણે, જ્યારે આ ઘટના ઘટી ત્યારે તે ઇમારતમાં કૅન્ટીન પાસે બેઠા હતા. નાસભાગ બાદ જ્યારે તેમણે શોધખોળ કરી તો તેમની સાથે આવેલા મિત્રનો કોઈ પત્તો ન લાગ્યો.

શ્રદ્ધાળુએ કહ્યું, "અમે તેને બે વાગ્યાથી છ વાગ્યા સુધી શોધતાં રહ્યા પણ અમને ભાળ ન મળી. એ પછી અમે અહીં હૉસ્પિટલ આવ્યા અને ખબર પડી કે તેનું મૃત્યુ થયું છે."

વ્યવસાયે ડૉક્ટર એવા તેમના સાથી ભૂલથી હાથમાં સ્માર્ટ ઘડિયાળ પહેરીને દર્શને જઈ રહ્યા હતા. સુરક્ષાકર્મચારીઓએ તેમને પરત મોકલ્યા, તે સમયથી તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો