You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જમ્મુના પુંછમાં ચરમપંથીઓ સાથે ભારતીય સેનાની અથડામણ, JCO સમેત પાંચ ભારતીય સૈનિકોનાં મોત
જમ્મુના પુંછ જિલ્લામાં નિયંત્રણરેખા નજીક ડેરા કી ગલી વિસ્તારમાં ભારતીય સેના અને ચરમપંથીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ છે અને તેમાં સેનાના એક જેસીઓ સમેત પાંચ સૈનિકો મૃત્યુ પામ્યાં છે.
આ વિસ્તારમાં ચરમપંથીઓની શોધખોળ હજી ચાલી રહી છે.
બીબીસીના સહયોગી મોહિત કંધારીને સેનાના પ્રવક્તા દેવેન્દ્ર આનંદે કહ્યું કે, અત્યાર સુધીની જાણકારી અનુસાર પુંછમાં સોમવારે સર્ચ ઑપરેશન દરમિયાન ચરમપંથીઓ સાથે અથડામણ થઈ છે અને એમાં જેસીઓ સહિત પાંચ સૈનિકો માર્યા ગયા છે."
દેવેન્દ્ર યાદવે કહ્યું કે આ ઓપરેશન એક ખૂફિયા માહિતી બાદ સુરનકોટ તાલુકામાં ડેરા કી ગલી વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું.
ભારતીય સેનાના પ્રવક્તાએ કહ્યું કે, ગંભીર રીતે ઘાયલ સૈનિકોને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમનું મૃત્યુ થઈ ગયું.
ચરમપંથીઓ સાથેની અથડામણમાં માર્યા જનાર જેસીઓ નાયબ સુબેદાર જસવિંદરસિંહ હતા જેઓ પંજાબના કપૂરથલાના નિવાસી હતા.
આ ઉપરાંત અન્ય બૈ સેનિકો પણ પંજાબના છે. નાયક મનદીપસિંહ ગુરદાસપુરના હતા અને સિપાહી ગજ્જનસિંહ રોપડ જિલ્લાના હતા. સિપાહી સરાજસિંહ ઉત્તરપ્રદેશના શાહજહાંપુરથી અને સિપાહી વૈશાખ એચ. કેરલના કોલ્લમ જિલ્લાના હતા.
પ્રવક્તાએ કહ્યું કે ઑપરેશન હજી પણ ચાલી રહ્યું છે અને સેનાએ આખો વિસ્તાર ઘેરી લીધો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લખીમપુર ખીરી કેસમાં મંત્રીપુત્ર આશિષ મિશ્ર ત્રણ દિવસ પોલીસ રિમાન્ડ પર
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોને કાર નીચે કચડી નાખવાના આરોપી કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રના પુત્ર આશિષ મિશ્રને સ્થાનિક અદાલતે ત્રણ દિવસ માટે પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે.
એસપીઓ એસપી યાદવે બીબીસીના સહયોગી અનંત ઝણાણેને કહ્યું કે, અદાલતે 12 ઑક્ટોબર સવારે 10 વાગ્યાથી 15 ઑક્ટોબર સવારે 10 વાગ્યા સુધી આરોપી આશિષના પોલીસ રિમાન્ડની મંજૂરી આપી છે.
જજ ચિંતારામે શરતો સાથે પોલીસ રિમાન્ડ મંજૂર કર્યાં છે. જેમાં આરોપીને સાથે વકીલ રાખવાની, રિમાન્ડ અગાઉ અને બાદમાં મેડિકલ ચેકઅપની અને સુરક્ષાની જવાબદારી પોલીસની રહેશે એમ કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે સોમવારે 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી પણ બચાવપક્ષે એનો વિરોધ કર્યો હતો. બેઉ પક્ષોની દલીલ બાદ અદાલતે પહેલાં હુકમ અનામત રાખ્યો અને પછી કલાક પછી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડને મંજૂરી આપી.
લખીમપુર ખીરીના તિકુનિયામાં ખેડૂતોને ગાડીથી કચડી નાખવાના મામલામાં ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્ર ટેનીના દીકરા આશિષ મિશ્રની લખીમપુર ખીરી પોલીસે ઘટનાના પાંચ દિવસ બાદ ધરપકડ કરી હતી.
આશિષ મિશ્ર લખીમપુર ખીરીમાં તિકુનિયામાં થયેલી ખેડૂતોની હત્યાના મામલે મુખ્ય આરોપી છે અને તેમની પર હત્યા, હત્યાનું ષડયંત્ર જેવા આરોપો સબબ મુકદ્દમો દાખલ કરાયો છે.
લખીમપુર જિલ્લા-વડામથકથી લગભગ 75 કિલોમીટર દૂર નેપાળ સરહદ પાસેના તિકુનિયા ગામમાં હિંસા અને આગચંપીની ઘટનામાં કુલ આઠ લોકોનાં મૃત્યુ થયાં હતાં. તેમાંથી ચાર ખેડૂત અને અન્ય લોકો પણ સામેલ છે.
અન્ય લોકોમાં બે ભાજપના કાર્યકરો અને બે ડ્રાઇવરોનો સમાવેશ થાય છે. એ સિવાય 12થી 15 લોકો પણ ઘાયલ થયા હતા.
મૃતક ખેડૂતોમાં દલજિતસિંહ (35), ગુરવેન્દ્રસિંહ (18), લવપ્રીતસિંહ (20) અને નક્ષત્રસિંહ (55) સામેલ છે.
તિકુનિયાની આ ઘટનામાં 'સાધના ન્યૂઝ ચૅનલ'ના નિઘાસન તાલુકાના સંવાદદાતા રતન કશ્યપનું પણ રિપોર્ટિંગ દરમિયાન મૃત્યુ થયું છે. ગાડીની ટક્કરના લીધે તેઓ રસ્તાના કિનારે પાણીમાં પડી ગયા હતા.
અમિત શાહે કહ્યું, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 'લોકતાંત્રિક નેતા', વિરોધીઓ છબિ ખરડે છે
ગૃહમંત્રી અમિત શાહે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને મોદીને 'લોકતાંત્રિક નેતા' પણ ગણાવ્યા હતા.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહે સંસદ ટીવી સાથેના ઇન્ટરવ્યૂમાં આ અંગે વાત કરી હતી.
અમિત શાહે રવિવારે કહ્યું હતું કે, "ભાજપની વિચારધારાના વિરોધીઓએ જાણીજોઈને નરેન્દ્ર મોદીની છબિને ખરડવાનો પ્રયાસ કર્યો છે અને તેમની આપખુદ વ્યક્તિ તરીકેની છાપ ઊભી કરી છે."
ગૃહમંત્રીએ કહ્યું કે "જ્યારે રાષ્ટ્રના હિતની વાત હોય ત્યારે મોદી રાજકીય જોખમ લેવામાં ખચકાતાં નથી, તેમણે ઘણી વખત રાષ્ટ્રના કલ્યાણ માટે કડવા લાગે એવા નિર્ણયો પણ લીધા છે."
મોંઘાવારી, ખેડૂતોની હત્યા, છતાં પણ વડા પ્રધાન મોદી મૌન છે - રાહુલ ગાંધી
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં કહ્યું કે તેઓ 'ખેડૂતોની હત્યા' અને 'ભાવવધારા' પર મૌન છે.
સાથે જ ગાંધીએ કહ્યું કે, "...પણ, જ્યારે તેમની કે તેમના સાથીઓની ટીકા કરવામાં આવે તો તેઓ 'ઉગ્ર' થઈ જાય છે."
સાથે જ રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું છે કે, "વડા પ્રધાન ચુપ છે, મોંઘવારી વધી રહી છે, પેટ્રોલની કિંમતો વધી રહી છે, બેરોજગારી છે, ભાજપ કાર્યકર્તા અને ખેડૂતોની હત્યા. પણ જ્યારે વડા પ્રધાનને કૅમેરો નથી દેખાતો કે ફોટો પડાવવાનો મોકો નથી મળતો ત્યારે તેઓ ઉત્તેજિત થઈ જાય છે."
રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પાર્ટીએ ચીન મુદ્દે અને ખેડૂતોના મુદ્દે કેન્દ્ર સરકાર અને વડા પ્રધાનની ટીકા કરી હતી.
રાહુલ ગાંધીએ સેનાના પ્રમુખ એમ. એમ. નરવણેના એ નિવેદનની પણ ટીકા કરી હતી, જેમાં નરવણેએ લદ્દાખ સરહદવિવાદ પર કહ્યું હતું કે 'ચીન અહીં રહેવા આવ્યું હતું.'
મહિલાઓએ નવરાત્રીમાં એકલાં ન જવું જોઈએ - વડોદરા ગ્રામ્ય પોલીસ
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે વડોદરા ગ્રામ્ય પોલીસે નવરાત્રી મહિલાઓએ પોતાની સુરક્ષા માટે એકલાં બહાર ન નીકળવું જોઈએ.
જે ગુજરાત મહિલાઓ માટે 'સુરક્ષિત રાજ્ય' હોવાનો દાવો કરાય છે, એ જ રાજ્યમાં પોલીસ દ્વારા આ પ્રકારનું સૂચન કરાતા વિવાદ વકર્યો છે.
અહેવાલ પ્રમાણે વડોદરા ગ્રામ્ય પોલીસે નવરાત્રીને ધ્યાને રાખીને તેમના ફેસબુક પેજ પર સુરક્ષા અંગે કેટલાક સૂચનો પોસ્ટ કર્યા હતા, જેમાંથી એક આ હતું.
આ અંગે વડોદરા ગ્રામ્ય પોલીસના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. સુધીર દેસાઈ કહ્યું છે કે, "હું સૂચનો અંગે તપાસ કરીશ અને જરૂરી સુધારો કરવામાં આવશે."
જર્મન ચાન્સેલર ઍંજેલા મર્કેલની ઘોષણા, 'ઇઝરાયલની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા'
16 વર્ષ સુધી જર્મનીમાં સત્તામાં રહેલાં ઍંજેલા મર્કેલ પોતાનું પદ છોડી રહ્યાં છે, પણ પદ છોડતાં પહેલાં તેઓ ચાન્સેલર તરીકે અંતિમ વિદેશપ્રવાસ પર ઇઝરાયલમાં છે.
રવિવારે તેમણે ઇઝરાયલના વડા પ્રધાન નેફ્ટાલી બેનેટ સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાત પછી પત્રકારપરિષદમાં તેમણે કહ્યું કે ઈરાનની સાથે ન્યુક્લિયર ડીલ મામલે થઈ રહેલી વાતચીત નિર્ણાયક તબક્કે પહોંચી છે.
તેમણે કહ્યું કે જેમ-જેમ ન્યુક્લિયર ડીલ માટે એક-એક દિવસ પસાર થઈ રહ્યો છે, તેમ-તેમ દરરોજ ઈરાન તેમનું યુરેનિયમ સંવર્ધન વધારી રહ્યું છે.
તેમણે કહ્યું કે, "હું રશિયા અને ચીન માટે આને એક મોટી જવાબદારી ગણું છું."
સાથે જ તેમણે કહ્યું કે, "જર્મનીની દરેક સરકારો માટે ઇઝરાયલની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો