ખેડૂતોના ટેકામાં મહારાષ્ટ્ર બંધ : દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, બંધનું એલાન 'સ્ટેટ સ્પૉન્સર્ડ આતંકવાદ' જેવું

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

લખીમપુર ખીરીમાં ખેડૂતોના વિરોધપ્રદર્શન દરમિયાન થયેલી હિંસાના વિરોધના ભાગરૂપે મહારાષ્ટ્રની એનસીપી-શિવસેના-કૉંગ્રેસની યુતિવાળી સરકારે રાજ્યમાં બંધનું એલાન આપ્યું છે તો વિપક્ષ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે આને 'દંભની પરાકાષ્ઠા' ગણાવી છે.

દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે "આજનું મહારાષ્ટ્ર બંધનું એલાન દંભની પરાકાષ્ઠા છે."

એમણે આરોપ મૂક્યો કે "રાજ્ય સરકાર વહીવટીતંત્રનો સહકાર લઈને લોકોને ધમકાવીને બંધ પાળવા માટે મજબૂર કરી રહી છે."

એમણે કહ્યું કે, "લખીમપુરની ઘટના ગંભીર છે અને ત્યાંની સરકાર કાર્યવાહી કરી રહી છે પણ અહીંની મહારાષ્ટ્રની સરકારમાં એ નૈતિકતા પણ છે કે એ આ પ્રકારનું કામ કરે? અહીં રોજ ખેડૂતો રોજ મરી રહ્યા છે પણ એના પર સરકાર કંઈ નથી કરતી. રાજસ્થાનમાં ખેડૂતો મરે છે પણ એના પર સરકાર નથી બોલતી. પોલીસ અને તંત્રનો ઉપયોગ કરીને રાજ્યઆધારિત આતંકવાદની જેમ બંધ રાખવામાં આવ્યો છે. જો સરકારમાં સહેજ પણ શરમ હોય તો મહારાષ્ટ્રમાં પૂરગ્રસ્ત ખેડૂતોને મદદ કરવી જોઈએ અને પછી આ કામ કરવું જોઈએ."

એમણે એમ પણ કહ્યું કે "આ એ જ લોકો છે જેમણે પુણેના માવળમાં પાણી માગનાર ખેડૂતો પર ગોળીઓ ચલાવી હતી. એ જલિયાંવાલા બાગ જેવી ઘટના હતી અને જલિયાંવાલા બાગની યાદ અપાવનાર એ ભૂલી ગયા છે કે એમણે શું કર્યું હતું, આ ઢોંગી સરકાર છે અને ખેડૂતોની સાથે નથી."

મહારાષ્ટ્ર બંધ વચ્ચે બસોમાં તોડફોડ, ગુજરાતમાં કૉંગ્રેસનાં મૌન ધરણાં

લખીમપુર ખીરીમાં ખેડૂતોના વિરોધપ્રદર્શન દરમિયાન થયેલી હિંસાના વિરોધના ભાગરૂપે મહારાષ્ટ્રની એનસીપી-શિવસેના-કૉંગ્રેસની યુતિવાળી સરકારે રાજ્યમાં બંધનો કોલ આપ્યો છે.

મહારાષ્ટ્રમાં સત્તારૂઢ મહાવિકાસ અઘાડીના પક્ષો કૉંગ્રેસ, એનસીપી અને શિવસેનાએ એક દિવસ માટે 'મહારાષ્ટ્ર બંધ'નું આહ્વાન કર્યું છે. બંધની પૂર્વરાત્રીથી જ મહારાષ્ટ્રમાં તોડફોડની ઘટનાઓ નોંધાઈ હતી.

રવિવાર રાતથી સોમવારે વહેલી સવાર સુધીમાં મુંબઈમાં બેસ્ટની બસોમાં તોડફોડની એકથી વધારે ઘટના નોંધાઈ હતી; જે બાદ બેસ્ટ બસના મૅનેજમૅન્ટે પોલીસસુરક્ષા માગી હતી.

એનસીપીના કાર્યકરો દ્વારા મહારાષ્ટ્રનાં કોલ્હાપુર અને કાગલમાં ચક્કાજામ અને પ્રદર્શન જેવાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, એનસીપીના કેટલાક કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત પણ કરાઈ હતી.

સોમવારે મહારાષ્ટ્રમાં બંધ પાળવામાં આવશે. જોકે આવશ્યક સેવાઓ ચાલુ રહેશે તેવી પણ સ્પષ્ટતા કરાઈ છે.

લખીમપુરમાં ખેડૂત આંદોલન દરમિયાન થયેલી હિંસામાં ખેડૂતો સહિત આઠનાં મૃત્યુ થયા બાદ ખેડૂત સંગઠનોએ સરકાર સામેના આંદોલનને વધારે ઉગ્ર બનાવવાનો નિર્ણય લીધો છે.

લખીમપુર ખીરી ઉપરાંત ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિતનાં રાજ્યોમાં ઠેર-ઠેર ખેડૂતોના સમર્થનમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

એ વચ્ચે ગુજરાત કૉંગ્રેસ દ્વારા અમદાવાદમાં મૌન ધરણાંનું આયોજન કરવાની જાહેરાત કરાઈ છે.

કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અમિત ચાવડાએ આ અંગે ટ્વીટ કર્યું હતું, જેમાં લખ્યું છે કે "લખીમપુર ખાતે ખેડૂતોના નરસંહાર તથા લોકશાહીની હત્યાના વિરોધમાં ધરણાં."

મંગળવારે અંતિમવિધિ

જેના ભાગરૂપે આગામી દિવસોમાં સંખ્યાબંધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવશે. 12 ઑક્ટોબરે લખીમપુરમાં માર્યા ગયેલા ખેડૂતોની અંતિમવિધિ કરવામાં આવશે.

એ પછી લખીમપુરથી યુપીનાં દરેક શહેર અને ભારતનાં દરેક રાજ્યમાં મૃત ખેડૂતોનાં અસ્થિ સાથે કળશયાત્રાનુ આયોજન કરવામાં આવશે.

આ ઉપરાંત 15 ઑક્ટોબરે દશેરાના દિવસે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન કરવામાં આવશે. 18 ઑક્ટોબરે રેલરોકો આંદોલન થશે અને 26 ઑક્ટોબરે લખનૌમાં મહાપંચાયતનુ આયોજન કરવામાં આવશે.

ખેડૂતનેતા જોગિંદરસિંહ ઉગરાહાએ આરોપ લગાવ્યો કે સરકારે પ્રદર્શનકારી ખેડૂતો વિરુદ્ધ હિંસક વલણ અપનાવ્યું છે.

'સ્વરાજ અભિયાન'ના નેતા યોગેન્દ્ર યાદવે જણાવ્યું છે કે 15 ઑક્ટોબરના રોજ દશેરાના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહનાં પૂતળાંનું દહન કરાશે.

ખેડૂતનેતાઓએ જણાવ્યું કે લખીમપુર ખીરી ઘટના પૂર્વાયોજિત કાવતરું હતું.

તેમણે (હુમલાખોરો) ખેડૂતોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. ખેડૂતનેતા દર્શન પાલે જણાવ્યું કે આ વલણ વિરુદ્ધ કિસાન મોરચો આગામી 26 ઑક્ટોબરના રોજ લખનૌમાં મહાપંચાયતનું આયોજન કરશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે લખીમપુર ખીરીના તિકુનિયામાં ખેડૂતોને ગાડીથી કચડી નાખવાના મામલામાં ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશિષ મિશ્રાની લખીમપુર ખીરી પોલીસે ધરપકડ કરી લીધી હતી.

આશિષ મિશ્રા લખીમપુર ખીરીમાં તિકુનિયામાં થયેલી ખેડૂતોની હત્યાના મામલે મુખ્ય આરોપી છે અને તેમની પર હત્યા, હત્યાનું ષડયંત્ર જેવા આરોપો સબબ મુકદ્દમો દાખલ કરાયો છે.

લખીમપુરમાં શું થયું હતું?

તાજેતરમાં જ લખીમપુર જિલ્લા-વડામથકથી લગભગ 75 કિલોમીટર દૂર નેપાળ સરહદ પાસેના તિકુનિયા ગામમાં હિંસા અને આગચંપીની ઘટનામાં કુલ આઠ લોકોનાં મૃત્યુ થયાં હતાં. તેમાંથી ચાર ખેડૂત અને અન્ય લોકો પણ સામેલ છે.

અન્ય લોકોમાં બે ભાજપના કાર્યકરો અને બે ડ્રાઇવરોનો સમાવેશ થાય છે. એ સિવાય 12થી 15 લોકો પણ ઘાયલ થયા હતા.

મૃતક ખેડૂતોમાં દલજિતસિંહ (35), ગુરવેન્દ્રસિંહ (18), લવપ્રીતસિંહ (20) અને નક્ષત્રસિંહ (55) સામેલ છે.

તિકુનિયાની આ ઘટનામાં 'સાધના ન્યૂઝ ચૅનલ'ના નિઘાસન તાલુકાના સંવાદદાતા રતન કશ્યપનું પણ રિપોર્ટિંગ દરમિયાન મૃત્યુ થયું છે. ગાડીની ટક્કરના લીધે તેઓ રસ્તાના કિનારે પાણીમાં પડી ગયા હતા.

3 ઑક્ટોબરે ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી કેશવપ્રસાદ મોર્ય પહેલાંથી નિર્ધારિત કાર્યક્રમ મુજબ લખીમપુર ખીરીના પ્રવાસે હતા. જ્યાં વંદન ગાર્ડનમાં તેમણે સરકારી યોજનાઓનો શિલાન્યાસ કરવાનો હતો.

આ કાર્યક્રમ માટે પહેલાં તેઓ હૅલિકૉપ્ટરથી આવવાના હતા, પરંતુ શનિવારે સવારે પ્રૉટોકોલ બદલાયો અને તેઓ માર્ગવાટે લખીમપુર પહોંચ્યા.

સંયુક્ત કિસાન મોરચા દ્વારા ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મોર્ય તથા કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રાના વિરોધ અને કાફલાના ઘેરાવનો કોલ આપવામાં આવ્યો હતો, જેમાં લખીમપુર અને ઉત્તર પ્રદેશના મેદાની વિસ્તારોના અન્ય જિલ્લામાંથી ખેડૂતોને સામેલ થવાનું આહ્વાન કરાયું હતું.

અજય મિશ્રાને કેન્દ્રીય મંત્રી બનાવાયા બાદ તેમના સન્માનમાં આ વખતે મોટો અને ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આથી ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્ય તેમના મુખ્ય મહેમાન હતા.

જોકે, આ દરમિયાન સ્થાનિક ખેડૂતોએ મંત્રી અજય મિશ્રાનો વિરોધ કરવાનું નક્કી કરી રાખ્યું હતું.

રવિવાર સવારે જ સંખ્યાબંધ ખેડૂતો તિકુનિયાના મહારાજા અગ્રસેન ઇન્ટર કૉલેજ પહોંચ્યા અને સ્કૂલમાં બનેલા હૅલિપૅડને ઘેરી લીધું.

બાદમાં જ્યારે ખબર ફેલાઈ કે મંત્રી રોડ મારફતે ગામ પહોંચી રહ્યા છે તો ખેડૂત તિકુનિયાથી બનવીરપુરની સરહદ પર ગાડીઓથી રસ્તો રોકીને બેસી ગયા.

લગભગ દોઢથી અઢી કલાકમાં ત્રણ ગાડીઓનો એક નાનો કાફલો તિકુનિયા પહોંચ્યો.

જોકે, સંયુક્ત કિસાન મોરચાના નેતાઓનો આરોપ છે કે ખેડૂતોની ભીડ પર પૂરપાટ ઝડપે ગાડીઓ હંકારી દેવાઈ હતી, જેમાં ચાર ખેડૂત કચડાઈને માર્યા ગયા જ્યારે લગભગ 12ને ઈજા પહોંચી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો