You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર પ્રદેશ : ટ્રક ખીણમાં ખાબકતા 10 લોકોનાં મૃત્યુ, 40 ઈજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં એક ટ્રક 30 ફુટ ઊંડી ખીણમાં પડી જતાં 10 લોકોનાં મૃત્યુ થયાં છે અને 40 લોકોને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને ઇટાવાની જિલ્લા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઇટાવાના એસએસપી બ્રિજેશકુમાર સિંહે જણાવ્યું કે સાંજે 4 વાગ્યે બઢપુરા પોલીસ સ્ટેશનની હદમાં આ અકસ્માત થયો છે.
''ટ્રક આગરાથી ઇટાવાના લખાણા વિસ્તારમાં આવેલા કાલિકા દેવી મંદિર જઈ રહી હતી. ટ્રક ડાઇવરે કાબૂ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો છે.''
સિંહ કહ્યું કે આ ઘટનામાં 40 લોકો ઈજાગ્રસ્તા થયા છે, જેમાં 13 મહિલાઓ અને 13 બાળકો સામેલ છે.
ઉત્તર પ્રદેશ સરકારે અકસ્માતમાં મૃતકોનાં પરિવારજનોને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
કોરોના વાઇરસ : ગુજરાતમાં એક દિવસમાં 5 હજારથી વધુ નવા કેસ, 49નાં મૃત્યુ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના પાંચ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં કોરોના વાઇરસના છેલ્લા 24 કલાકમાં 5011 નવા કેસ નોંધાયા છે અને 49 લોકોનાં કોરોનાથી મૃત્યુ થયાં છે.
રાજ્યમાં સૌથી વધુ 15 મૃત્યુ સુરતમાં થયાં છે. તેમજ અમદાવાદમાં 14, રાજકોટમાં 8, વડોદરામાં 4નાં મૃત્યુ થયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમજ છેલ્લા એક દિવસમાં કુલ 2,87,617 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે.
અખબારીયાદી અનુસાર, રાજ્યમાં સાજા થવાનો દર 91.27 ટકા છે. ગુજરાતમાં 20 શહેરોમાં નાઇટ કર્ફ્યુ લદાયો છે.
બીજી તરફ મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા કેસનો આંકડો સતત 50 હજારને પાર જઈ રહ્યો છે. શનિવારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 55 હજાર 411 નવા કેસ સામે આવ્યા છે અને 309 મૃત્યુ નોંધાયા છે.
મહારાષ્ટ્રના અનેક શહેરોમાં શનિવાર અને રવિવારે કડક પ્રતિબંધો લદાયા છે. હાલ રાજ્યમાં કોરોના સંક્રમણના કુલ 33,43,951 કેસ છે અને અત્યાર સુધી રાજ્યમાં 57,638 મૃત્યુ નોંધાયા છે.
કોરોના વાઇરસના કેસ વધતા ગાંધીનગરમાં સામાન્ય ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રખાઈ
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ વધતા ગાંધીનગરમાં યોજાનારી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખી દેવામાં આવી છે.
રાજ્ય ચૂંટણીપંચે વિવિધ પાર્ટીઓના નેતાએ આપેલાં સૂચનોનો પણ તેમની પ્રેસ રિલીઝમાં ઉલ્લેખ કર્યો હતો, જેમાં કોરોનાના સમયમાં ચૂંટણી ન યોજવાની વાત કરવામાં આવી હતી.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મુદત તારીખ 05 મે 2021ના રોજ પૂર્ણ થઈ રહી છે.
તેના માટે આગામી 18 એપ્રિલ, 2021ના રોજ મતદાન અને 20 એપ્રિલ, 2021ના રોજ મતગણતરી થવાની હતી અને એનો કાર્યક્રમ પણ બહાર પડાયો હતો.
જોકે કોરોનાને કારણે હાલ પૂરતી આ ચૂંટણી સ્થગિત કરી દેવામાં આવી છે.
પશ્ચિમ બંગાળ ચૂંટણી : ચોથા તબક્કામાં 75 ટકા ઉપર મતદાન, કૂચબિહાર ફાયરિંગ મુદ્દે મમતા બેનરજીની તપાસની માગ
હિંસા અને રાજકીય આરોપ-પ્રત્યારોપ વચ્ચે પશ્ચિમ બંગાળમાં 44 વિધાનસભા બેઠકો માટે શનિવારે મતદાન થયું હતું.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર સાંજે 5.30 વાગ્યા સુધી રાજ્યમાં 75.93 ટકા મતદાન થયું છે.રાજ્યનાં હાવડા, હુગલી, અલીપુરદ્વાર, કુચબિહાર અને દક્ષિણ 24 પરગનામાં આવેલ વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. જોકે ત્રણ તબક્કાની જેમ ચોથા તબક્કાના મતદાનમાં હિંસા થઈ હતી.પશ્ચિમ બંગાળના કૂચબિહાર જિલ્લામાં મતદાન દરમિયાન સીઆઈએસએફ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે. આ ઘટના કૂચબિહારના શીતલકુચીમાં બની છે. ઘ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર સીઆઈએસએ જણાવ્યું કે અમુક લોકોએ શસ્ત્રો ઝૂંટવાનો પ્રયાસ કરતા ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.સીએપીએફના પ્રવક્તાને ટાંકતાં એહવાલ જણાવે છે કે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે 150 લોકોનું એક ટોળું બૂથ નંબર 186માં ધસી આવ્યું હતું અને એક હોમગાર્ડ જવાન અને આશા વર્કર સાથે મારપીટ કરી હતી.ટોળામાં સામેલ વ્યક્તિઓએ સીઆઈએસએફ જવાનોના શસ્ત્રો ઝૂંટવાનો પ્રયાસ કરતાં પહેલાં 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ટોળું કાબૂમાં ન આવતાં 7 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 5-6 લોકોના મૃત્યુ થયાં છે.
પશ્ચિમ બંગાળ ચૂંટણી : કૂચબિહારમાં સુરક્ષાદળોનો ગોળીબાર, ચારનાં મૃત્યુ, મમતા બેનરજીએ અમિત શાહનું રાજીનામું માગ્યું
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ શીતલકૂચીની ઘટના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માગ કરી છે.
તેમણે બનગામની પોતાની ચૂંટણીસભાનું એલાન કર્યું કે તેઓ કાલે શીતલકૂચી જશે.
તેમની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસે કહ્યું છે કે તેઓ રવિવારે શીતલકૂચીની ઘટનાના વિરોધમાં આખા રાજ્યમાં પ્રદર્શન કરશે, જેમાં લોકો કાળી પટ્ટી બાંધીને આવશે.
આ પહેલાં વડા પ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળની એક ચૂંટણીસભામાં શીતલકૂચીમાં થયેલી ઘટનાની ટીકા કરી.
તેમણે કહ્યું, "કૂચબિહારમાં જે થયું તે ખૂબ ખરાબ થયું. જે લોકો મૃત્યુ પામ્યાં છે, તેમના પરિવાર સાથે મારી સંવેદના છે."
મુખ્ય મંત્રી મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળના લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી છે.
તેમણે આરોપ મૂક્યો કે કેન્દ્રીય સુરક્ષાદળોએ વોટ નાખવા માટે શાંતિથી ઊભેલા લોકો પર ગોળીઓ ચલાવી.
આ ઘટના પછી ભારતના ચૂંટણીપંચે ચૂંટણી ઑબ્ઝર્વરના કાર્યકારી રિપોર્ટના આધારે બે મતદાનકેન્દ્ર પર વોટિંગ રદ્દ કરી દીધું છે.
અહેવાલ પ્રમાણે સુરક્ષાદળો પર હુમલો થયો હતો અને એ બાદ ગોળીબાર કરાયો હતો.
કોલકાતામાં હાજર બીબીસીના સહયોગી પત્રકાર પ્રભાકરમણિ તિવારી જણાવે છે કે "કેન્દ્રીય સુરક્ષાદળો દ્વારા કરાયેલા ફાયરિંગમાં અન્ય ચાર લોકોને પણ ઈજા થઈ છે."
"મતદાન દરમિયાન ટીએમસી અને ભાજપના સમર્થકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ જવાનોએ ફાયરિંગ કર્યું હતું."
કૂચબિહારમાં હાજર બીબીસી સંવાદદાતા ભૂમિકા રાય જણાવે છે, "શીલકુચી મતવિસ્તારના મતદાનમથક નંબર-126 પાસે ભાજપ કાર્યકર આનંદ બર્મનની હત્યા થઈ હતી."
"જે બાદ અહીં અશાંતિ વ્યાપી હતી અને એ પછી સુરક્ષાદળોના ફાયરિંગમાં ચાર લોકો માર્યા ગયા છે. ટીએમસીનો દાવો છે કે મૃતકો એમની પાર્ટીના કાર્યકર છે, જ્યારે ભાજપ આ વાતને નકારી કાઢે છે."
"કૂચબિહારમાં સુરક્ષાદળોના જવાન મોટી સંખ્યામાં તહેનાત છે અને અન્ય મોટાભાગનાં મતદાનમથકો પર શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો