You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદના કૃષ્ણનગરની અંકુર સ્કૂલમાં આગ, ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે - BBC TOP NEWS
અમદાવાદના કૃષ્ણનગરમાં આવેલી અંકુર સ્કૂલમાં ભીષણ આગ લાગી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.
બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે શાળામાં કલર કરવાનું કામ ચાલી રહ્યું હતું, એ વખતે આગ લાગી હતી.
તેઓ જણાવે છે કે શાળામાં કલરકામ કરી રહેલી ત્રણ વ્યક્તિઓ ફસાઈ હતી, જેમને બચાવી લેવાઈ છે.
ભાજપ પશ્ચિમ બંગાળમાં ઍન્ટિ-રોમિયા સ્ક્વૉડ બનાવશે - યોગી આદિત્યનાથ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે જો પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવશે તો ભાજપ 'ઍન્ટિ-રોમિયો સ્કવૉડ' બનાવશે.
હુગલીના ચંડીતાલા વિસ્તારમાં રેલી દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યું, "મહિલા અને બાળકીઓ બંગાળમાં સુરક્ષિત નથી. છોકરીઓ સ્કૂલે જતી હોય ત્યારે તેમની પર અશ્લીલ કૉમેન્ટ કરતા રોમિયોને તૃણમૂલનું સમર્થન છે."
"આ રોમિયોને સત્તાધારી પાર્ટી દ્વારા સમર્થન મળે છે. ભાજપ સરકાર ઍન્ટિ-રોમિયો સ્ક્વૉડ ઊભી કરશે અને આ રોમિયોને જેલની પાછળ મોકલશે."
ઉત્તર પ્રદેશની ઍન્ટિ-રોમિયો સ્કવૉડની ભારે ટીકાઓ થઈ છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બૅન્ચે પોલીસને કાયદા પ્રમાણે વર્તવાનો નિર્દેશ આપ્યો હતો.
છત્તીસગઢમાં માઓવાદીઓએ CRPF જવાનને મુક્ત કર્યા
એનડીટીવીના અહેવાલ અનુસાર છત્તીસગઢના હુમલા પછી બંદી બનાવાયેલા સીઆરપીએફ જવાનને અનેક ગામ લોકોની સામે મુક્ત કરી દેવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પદ્મશ્રી ધર્મપાલની હાજરીમાં માઓવાદીઓએ શરત વિના તથા જવાનને નુકસાન પહોંચાડ્યા વિના પરત કરી દીધા છે.
3 એપ્રિલે છત્તીસગઢના બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદ પર માઓવાદીઓએ સીઆરપીએફ પર હુમલો કર્યો હતો, જેમાં 22 સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. આ દરમિયાન સીઆરપીએફના કોબ્રા કમાન્ડો રાકેશ્વર સિંહ મિન્હાસને નક્સલીઓએ બંધી બનાવ્યા હતા.
સરકાર દ્વારા બનાવવામાં આવેલી મધ્યસ્થતા ટીમના સભ્ય પદ્મશ્રી ધર્મપાલ સૈની અને ગોંડવાના સમાજના અધ્યક્ષ તેલમ બોરેયા સહિત સેંકડો ગામ લોકોની હાજરીમાં જવાનને મુક્ત કરાયા હતા.
જવાનને મુક્ત કરાવવા માટે ગયેલી ટીમમાં સાત પત્રકારોની ટીમ પણ હતી.
ચૂંટણીપંચ 10 નોટિસ મોકલશે તો પણ ધર્મના આધારે વિભાજન કરવાનો વિરોધ કરીશ : મમતા બેનરજી
એનડીટીવીના અહેવાલ અનુસાર પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીની મુસ્લિમ મતદારોને એકજૂથ થવાની અપીલ પર ચૂંટણી પંચે નોટિસ આપી હતી, જેની પર હવે બેનરજીએ આકરી પ્રતિક્રિયા આપી છે.
મમતા બેનરજીએ ગુરુવારે કહ્યું કે તે ધર્મના આધારે મતદારોને વહેંચવા માટે થતા કોઈ પણ પ્રયાસની સામે તેઓ અવાજ ઉઠાવતા રહેશે અને ચૂંટણી પંચ ઇચ્છે તો તેમને 10 કારણદર્શક નોટિસ મોકલે, પરંતુ તેઓ આનાથી તેમનું વલણ નહીં બદલે.
મમતા બેનરજીએ કેટલાંક દિવસ પહેલાં મુસ્લિમ મતદારોને ટીએમસીના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી હતી. આ પછી ચૂંટણી પંચે બુધવારે મમતા બેનરજીને આચારસંહિતાના ઉલ્લંઘનની નોટિસ મોકલી હતી.
ટીએમસી પ્રમુખ મમતા બેનરજીએ પ્રચારમાં પૂછ્યું કે જ્યારે ભાજપના સ્ટાર પ્રચારક અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના નિવેદનમાં હિંદુ અને મુસ્લિમ વોટબૅન્કનો ઉલ્લેખ કરે છે, તો તેમની સામે ફરિયાદ કેમ નથી થતી.
તેમણે વધુમાં કહ્યું, "નંદીગ્રામમાં ચૂંટણી દરમિયાન જે લોકોએ 'મિનિ પાકિસ્તાન' શબ્દનો ઉપયોગ કર્યો, તેમની સામે કેટલી ફરિયાદ નોંધવામાં આવી."
કોરોનાને લીધે ગાંધીનગરની ચૂંટણી મોકૂફ રાખો, AAP અને કૉંગ્રેસની રજૂઆત
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગુજરાત કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ગુજરાત વિંગે રાજ્યના ચૂંટણી પંચને ગુરુવારે પત્ર લખીને ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીને મોકૂફ રાખવાની માગ કરી છે.
કોરોના વાઇરસના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને બંને પાર્ટીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી માટે 18 એપ્રિલના રોજ મતદાન છે.
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના કાર્યકારી પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યના ચૂંટણી પંચને લખ્યું છે, "ચૂંટણી પંચે ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી જાહેર કરી ત્યારબાદ ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે અને સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે."
તેમણે વધુમાં લખ્યું છે, "ગુજરાત હાઈકોર્ટે પણ લૉકડાઉનનાં પગલાં લેવાનો હુકમ કર્યો છે. જેના કારણે ગાંધીનગર સહિત 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કોરોના વાઇરસની સ્થિતિને ધ્યાનમાં રાખીએ તો ચૂંટણીના પ્રચાર દરમિયાન જનતા હેરાન થાય છે. ત્યારે કૉંગ્રેસ ચૂંટણીને મુલતવી રાખવા માગ કરે છે."
આમ આદમી પાર્ટીએ પણ પોતાની રજૂઆતમાં કહ્યું છે કે ત્રણ મહિના સુધી ચૂંટણીને મુલતવી રાખવાનો અધિકાર રાજ્ય ચૂંટણી પંચ પાસે હોય છે માટે તેમણે કાર્યવાહી કરવી જોઈએ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો