You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં લૉકડાઉન લાગી શકે છે? રૂપાણી સરકારને હાઈકોર્ટે સૂચન આપ્યું
ગુજરાતમાં ફરીથી કોરોના વાઇરસના સંક્રમણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે ફરીથી લૉકડાઉન લાદવાની આશંકા ઊભી થઈ છે.
ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું છે કે રાજ્યમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે અને રાજ્ય સરકારને સપ્તાહાંતે કર્ફ્યુનો નિર્ણય લેવા નિર્દેશ આપ્યો છે.
સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર રાજ્યમાં લૉકડાઉનની જરૂર હોવાનું ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું છે.
આ મામલે મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ તથા જસ્ટિસ ભાર્ગવ કારિયાની ખંડપીઠે કોરોનાના કેસોની વધતી જતી સંખ્યા ઉપર ચિંતા પ્રગટ કરી હતી.
અત્રે એ નોંધવું ઘટે કે લૉકડાઉન અંગે ખંડપીઠનું 'અવલોકન' માત્ર છે, તે 'આદેશ' કે 'નિર્દેશ' નથી. માટે તે રાજ્યની વિજય રૂપાણીની સરકાર માટે બંધનકર્તા નથી.
ઉલ્લેખનીય છે કે અગાઉથી જ ગુજરાતનાં ચાર મહાનગરો (અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત)માં રાત્રે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનો કર્ફ્યુ લાગુ છે.
મોરબીમાં સિરામિક અને ટાઇલ્સઉદ્યોગ, સુરતમાં હીરાબજાર, ટેક્સ્ટાઇલ માર્કેટ તથા કાપડઉદ્યોગ અને આ સિવાય જામનગર, આણંદ, વગેરે જેવાં શહેરોમાં તથા અનેક ગામડાંમાં નાગરિકો દ્વારા 'સ્વયંભૂ નિષેધાત્મક આદેશો' લાગું કરાયા છે.
નોંધનીય છે કે ભારતમાં ફરી કોરોના વાઇરસના કેસની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. છ એપ્રિલે કોરોના વાઇરસના નવા 97 હજાર કેસ નોંધાયા બાદ દેશમાં કુલ ચેપગ્રસ્તનો આંકડો 1.26 કરોડ થઈ ગયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં એક દિવસમાં 3 હજારથી વધુ કેસ, 15નાં મોત
ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના કુલ 3160 નવા કેસ નોંધાયા છે.
તેમજ રાજ્યમાં કોરોનાને લીધે 15 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.
તો છેલ્લા 24 કલાકમાં કુલ 2028 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.52 ટકા છે.
રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4581 પર પહોંચ્યો છે અને હાલમાં કેસ 16252 સક્રિય છે.
દિલ્હીમાં પણ રાત્રી કર્ફ્યુ
કોરોના વાઇરસના સંક્રમણના વધી રહેલા કેસને ધ્યાને લેતા રાજધાની દિલ્હીમાં તત્કાલ પ્રભાવથી રાતના દસ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવાયો છે.
દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર આ રાત્રી કર્ફ્યુનો 30 એપ્રિલ સુધી અમલ કરવામાં આવશે.
આ પહેલાં દિલ્હી સરકારે કોરોનાના રસીકરણ માટે સરકારી હૉસ્પિટલો 24 કલાક ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો હતો.
મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જેટલા વધુ લોકોને રસી આપવામાં આવશે, કોરોના વાઇરસના ફેલાવાની ઝડપ એટલી જ ઓછી થશે.
તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોરોનાના રસીકરણ માટે લગાવાયેલી ઉંમરની મર્યાદા ખતમ કરવા પણ ભલામણ કરી હતી.
ભારત કોરોના સંક્રમણનું 'હૉટસ્પોટ', સાત દિવસના કેસની સરેરાશ વિશ્વમાં સૌથી વધારે
ભારતમાં આ સપ્તાહે કોરોના વાઇરસના જે હદે નવા કેસ નોંધાયા છે, એ જોતાં ભારતને વિશ્વમાં 'કોરોના સંક્રમણનું વર્તમાન હૉટસ્પોટ' ગણવું ખોટું નહીં ગણાય.
જો કોરોના સંક્રમણના નવા કેસની દૈનિક સંખ્યાને આધાર માનવામાં આવે તો શુક્રવાર બાદ ભારતે અમેરિકા અને બ્રાઝિલને પણ પાછળ છોડી દીધા છે.
શુક્રવાર પહેલાં માત્ર બ્રાઝિલ ભારતની પાછળ હતું. એ દિવસે ભારતમાં કોરોનાના લગભગ 69 હજાર કેસની પુષ્ટિ થઈ હતી અને બ્રાઝિલમાં લગભગ 72 હજાર નવા કેસ નોંધાયા હતા.
જોકે, શનિવારે ભારતે કોરોના વાઇરસના સંક્રમણના નવા કેસનો મામલે બન્ને દેશોને પાછળ છોડી દીધા.
શનિવારે ભારતમાં કોરોના વાઇરસના 93 હજાર નવા કેસ નોંધાયા અને 500થી વધુ દરદીનાં કોરોના વાઇરસના સંક્રમણને પગલે મૃત્યુ થયાં. આ આંકડો સમગ્ર વિશ્વમાં સૌથી વધુ છે.
ભારતમાં કોરોના સંક્રમણના નવા કેસમાં સાત દિવસની જે સરેરાશ નીકળે છે, એ દુનિયામાં સૌથી વધારે છે.
કેન્દ્રીય આરોગ્યમંત્રાલયના મતે ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 90 હજારથી વધુ કેસ સપ્ટેમ્બરમાં નોંધાઈ રહ્યા હતા. જોકે, દેશમાં ફરી એક વાર કોરોના એ જ વેગથી આગળ વધી રહ્યો છે.
દેશમાં કોરના થકી થનારા મૃત્યુનો આંક નવેમ્બર-ડિસેમ્બર 2020ના સ્તરે પહોંચી ગયો છે. એ વખતે દેશમાં દૈનિક ધોરણે 500થી વધુ લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં હતાં.
ભારતમાં ત્યાર સુધી કોરોનાના સંક્રમણને લીધે 64 હજાર 110 લોકોનાં મૃત્યુ થયાં છે.
કોરોના વાઇરસના સંક્રમણના કુલ કેસને જોતાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો