You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
GST : નોટિસ પિરિયડ પૂર્ણ કર્યા વગર નોકરી છોડવા પર 18 ટકા જીએસટી લાગશે
નોટિસ પિરિયડ પૂર્ણ કર્યા વગર નોકરી છોડવા પર 18 ટકા GST લાગશે
જો કોઈ કર્મચારી નોટિસનો સમયગાળો પૂર્ણ કર્યા વગર નોકરી છોડીને જાય છે તો નોટિસ પિરિયડ માટે કંપનીને જે પૈસા આપવવા પડે છે તેમાં 18 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) આપવો પડશે એમ ધ ઇકોનોમિક ટાઇમ્સનો એક અહેવાલ કહે છે.
ચુકાદો આપનાર ગુજરાત ઑથોરિટી ઑફ એડવાન્સડ રૂલિંગે જણાવ્યું કે, અમે માનીએ છીએ કે અન્યત્ર વર્ગીકૃત થયેલ ન હોય તે સેવાની એન્ટ્રી અંતર્ગત અરજદાર 18 ટકાના દરે એ રકમ પર જીએસટી ચૂકવવા માટે જવાબદાર છે, જે નોટિસ પિરિયડ પૂર્ણ ન કરતા કર્મચારીઓ પાસે નોટિસ પેના નામે વસૂલવામાં આવે છે.
અહેવાલ અનુસાર અમદાવાદસ્થિત એક્સપોર્ટ ઓરિયન્ટેડ યુનિટ (ઈઓયુ) અમનિલ ફાર્માસ્યુટિકલના કેસમાં આ ચુકાદો આપવામાં આવ્યો છે.
કંપનીના એક કર્મચારીએ આગોતરા ચુકાદા માટે અરજી કરી હતી, જેમાં ત્રણ મહિનાના નોટિસ પિરિયડનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ઑથોરિટીએ જણાવ્યું કે નક્કી કરેલ નોટિસ પિરિયડ પૂર્ણ ન કરવા બદલ કર્મચારી પાસે રકમની વસૂલાત ઍમ્પલૉયરના કિસ્સામાં સહન કરી શકાય તેવી હરકત ગણી શકાય અને તે જીએસટી પાત્ર છે.
ઑથોરિટી મુજબ આ ટ્રાન્ઝેક્શનને જીએસટી અધિનિયમ હેઠળ ઍમ્પલૉયર - ઍમ્પલૉઈ સંબંધ અંતર્ગત જે છૂટ આપવામાં આવે છે તેમાં સમાવેશ કરી શકાય નહીં.
ઑસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટરોને જાતે ટૉયલેટ સાફ કરવા પડશે
દૈનિક જાગરણના એક અહેવાલ અનુસાર ઑસ્ટ્રેલિયાની સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયા બ્રિસબેન તો પહોંચી ગઈ છે, પણ તેમને જે હોટલમાં રોકાણ આપ્યું છે, તેમાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાદમાં બીસીસીઆઈના ઉચ્ચ અધિકારીઓએ દખલ દેવી પડી હતી.
અખબારે બોર્ડના એક વરિષ્ઠ સૂત્રના હવાલાથી લખ્યું છે કે "હોટલમાં રૂમ સર્વિસ કે હાઉસકીપિંગ છે જ નહીં. જિમ પણ આંતરરાષ્ટ્રીયસ્તરનું નથી અને સ્વિમિંગ-પૂલમાં પણ જઈ શકાતું નથી. તેઓએ ચેક-ઇન સમયે આ બધી સુવિધાઓનો વાયદો કર્યો હતો."
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ 15 જાન્યુઆરીએ રમાવાની છે.
ત્યાં કોરોના વાઇરસના કેસ વધતા અને ન્યૂ સાઉથ વેલ્સની સીમા પર લૉકડાઉનને કારણે હોટલમાં કડક નિયમો લાગુ છે.
અખબાર અનુસાર, ભારતીય ખેલાડીઓને રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા છે. તેઓએ તેમની પથારી જાતે સ્વચ્છ રાખવી પડે છે અને પોતાનાં ટૉયલેટ પણ જાતે જ સાફ કરવા પડે છે.
હોટલ મૅનેજરનું કહેવું છે કે બંને ટીમો માટે સરખા નિયમો લાગુ કર્યા છે.
તો બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહે ફરિયાદ મળ્યા બાદ ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના અધિકારીઓનો સંપર્ક કર્યો છે.
તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે ભારતીય ટીમને ત્યાં કોઈ પરેશાન નહીં થાય.
દેશમાં કોરોના વાઇરસની રસી વચ્ચે એવિયન ઇન્ફુએન્ઝાનો ભય ફેલાયો છે.
દેશમાં અલગઅલગ રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી પક્ષીઓનાં મોતના સમાચાર વધ્યા છે.
ઇન્ડિયા ટુડેના એક અહેવાલ અનુસાર, ઉત્તર પ્રદેશના કાનપુરમાં છેલ્લા 24 કલાકમાં 74 પક્ષીઓનાં મૃત હાલતમાં મળી આવ્યાં છે, જેમાં 51 કાગડા અને 9 કબૂતરનો સમાવેશ થાય છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર કાનપુરના જુદાજુદા 13 વિસ્તારોમાં પક્ષીઓનાં મોત થયાં છે.
તેઓએ જણાવ્યું કે બર્ડ ફ્લૂના ડરને પગલે રચાયેલી પાંચ ટીમોએ સ્થળની મુલાકાત લીધી હતી.
તેમજ પક્ષીઓના નમૂના એકત્ર કર્યા હતા અને મૃત પક્ષીઓનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત ભારતનાં 10 રાજ્યો બર્ડફ્લૂની ઝપેટમાં આવી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટનો આદેશ છતાં 'ટ્રેક્ટર પરેડ' કાઢશે ખેડૂતો
નરેન્દ્ર મોદી સરકારે પાસ કરેલા નવા ત્રણ કૃષિકાયદાઓ સામે 28 નવેમ્બરથી ખેડૂતોનું આંદોલન ચાલી છે.
અને હવે સુપ્રીમ કોર્ટના હંગામી સ્ટે અને સમિતિના આદેશ બાદ એમાં નવો જ વળાંક આવ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિકાયદા પર સુપ્રીમ કોર્ટે આગલા આદેશ સુધી સ્ટે આપ્યો છે.
જોકે દિલ્હીની બૉર્ડર પર આંદોલન કરતા ખેડૂતોનું કહેવું છે કે તેઓ સુપ્રીમ કોર્ટની પહેલને સ્વાગત કરે છે, પણ તેમનો આરોપ છે કે ખેડૂતોની માગને લઈને જે સમિતિ બનાવાઈ છે એ 'સરકારના પક્ષમાં' જ કામ કરશે.
ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ અને ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે બીબીસીને કહ્યું કે જે ચાર લોકોની સમિતિ બનાવી છે તેના પર ખેડૂતોને ભરોસો નથી, કેમ કે તેમાંથી કેટલાકે કૃષિબિલનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું.
ખેડૂતોએ કહ્યું કે તેઓ તેમનું આંદોલન ચાલુ રાખશે અને આંદોલનનું સ્થળ પણ નહીં બદલે.
ઉલ્લેખનીય છે કે સુપીમ કોર્ટે ચાર સભ્યોની એક સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે જે કૃષિકાયદાઓ મામલે ખેડૂતોની સમસ્યાનો અભ્યાસ કરશે અને તેનો અહેવાલ સર્વોચ્ચ અદાલતને બે મહિનામાં આપશે.
ગુજરાતમાં નવી ટૂરિઝમ પૉલિસી 2021-25ની જાહેરાત
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં પર્યટનના વિકાસ માટે 'નવી પર્યટન નીતિ 2021-25'ની જાહેરાત કરી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, વિજય રૂપાણીએ કહ્યું, "અમે આ વખતે વિશ્વકક્ષાના પર્યટનને વધુ મહત્ત્વ આપવા માગીએ છીએ. મને વિશ્વાસ છે કે આ નીતિથી પર્યટન માટે ગુજરાતની વૈશ્વિક રીતે પસંદગી થશે."
રૂપાણીએ જણાવ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે ડિઝનીલૅન્ડ જેવા મનોરંજન પાર્ક પણ ગુજરાતમાં આવે.
રાજ્યમાં નવી પર્યટન નીતિ 1 જાન્યુઆરી, 2021થી 31 માર્ચ, 2025 સુધી અમલમાં રહેશે.
નવી નીતિ શરૂ કરતી વખતે મુખ્ય મંત્રીએ કહ્યું કે આ નવી આ પ્રવાસન નીતિ 'આત્મનિર્ભર ભારત'ના મિશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેથી સ્થાનિક રોજગારને વેગ મળે.
નવી પૉલીસી હેઠળ રાજ્યમાં અલગઅલગ 25 જિલ્લાઓમાં ટૂરિઝમ સેન્ટર પસંદ કરીને ત્યાં પ્રોજેક્ટને લાગુ કરાશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો