You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસના નવા સ્ટ્રેનથી ભારતમાં 73 સંક્રમિત, કેટલો ખતરનાક છે નવો પ્રકાર?
સમાચાર સંસ્થા એએનઆઈ પ્રમાણે યુકેમાં મળી આવેલા કોરોના વાઇરસના નવા સ્ટ્રેનથી ભારતમાં 73 લોકો સંક્રમિત થયા છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયને ટાંકીને એએનઆઈએ આ અંગે માહિતી આપી છે.
શરૂઆતમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેનના સંક્રમણના કેસ યુકેથી પરત આવેલા મુસાફરોમાં નોંધાયા હતા, જે પછી યુકેથી આવકી ફ્લાઇટ્સ બંધ કરી દેવાઈ હતી.
સંક્રમિત લોકો સાથે મુસાફરી કરીને આવેલા અન્ય મુસાફરોને શોધવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.
સરકારનું કહેવું છે કે 25 નવેમ્બરથી 23 ડિસેમ્બર વચ્ચે બ્રિટનથી ભારત આવેલા લોકોને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. નવેમ્બરના અંતથી અત્યાર સુધીમાં અંદાજે 33 હજાર યાત્રીઓ ભારત આવી ચૂક્યા છે.
આ અગાઉ આરોગ્ય મંત્રાલયની પત્રકારપરિષદમાં નીતિ આયોગના ડૉક્ટર વી. કે. પૉલે કહ્યું, "વાઇરસને શરૂઆતમાં કાબૂ કરવો સરળ છે પણ એક વખત સંક્રમણ ફેલાઈ જાય પછી કાબૂ કરવું મુશ્કેલ બને છે."
નવો સ્ટ્રેન વધારે સંક્રામક છે અને દુનિયાના અનેક દેશો આ અંગે વિમાસણમાં છે. જેના પગલે અનેક દેશોએ બૉર્ડર સીલ કરી દીધી છે.
બ્રિટનથી આવતી ફ્લાઇટ્સ 7 જાન્યુઆરી સુધી રદ
કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે બ્રિટનથી આવતી ફ્લાઇટ્સ પર લાદવામાં આવેલો અસ્થાયી પ્રતિબંધ સાત જાન્યુઆરી સુધી લંબાવી દેવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગયા અઠવાડિયે બ્રિટનથી આવતી ફ્લાઇટ્સ પર ભારતે પ્રતિબંધ લાદ્યો હતો.
કેટલો ખતરનાક છે વાઇરસનો નવો પ્રકાર?
બ્રિટનના વૈજ્ઞાનિકોએ વાઇરસના નવા અને જૂના પ્રકારનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે અને કહ્યું છે કે નવો વાઇરસ જૂનાની તુલનામાં વધારે ગંભીર નથી.
પબ્લિક હેલ્થ ઇંગ્લૅન્ડ દ્વારા આ અધ્યયન કરાવવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાઇરસનો નવો પ્રકાર વધારે ઝડપથી ફેલાઈ શકે છે.
આ અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ 1700 એવા દર્દીઓને અભ્યાસ કર્યો જેઓ નવા પ્રકારના વાઇરસથી સંક્રમિત થયા છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાઇરસના પ્રકાર અને જૂના પ્રકારથી સંક્રમિત દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવાની સ્થિતિ લગભગ સરખી જોવા મળી છે.
એટલે નવા વાઇરસથી સંક્રમિત દર્દીઓમાં જૂના વાઇરસથી સંક્રમિત દર્દીઓ જેવાં જ ગંભીર લક્ષણો જોવા મળ્યાં હતાં.
જોકે વૈજ્ઞાનિકોએ અભ્યાસ પછી એવું પણ કહ્યું છે કે નવો પ્રકાર તુલનાત્મક રીતે વધારે ઝડપથી ફેલાઈ શકે છે, એટલે સંક્રમણના નયા કેસોમાં મોટો ઉછાળો નોંધાઈ શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો