You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાથરસ કેસ : ભાજપ IT સેલના વડા અમિત માલવીયએ શૅર કર્યો વીડિયો, થઈ શકે છે કાર્યવાહી
ભાજપના આઈટી હેડ અમિત માલવીય પાછલા કેટલાક દિવસોથી સતત હાથરસ મામલે ટ્વિટ કરી રહ્યા છે પણ હવે એમની ટ્વિટને લઈને એમના પર કાર્યવાહી થઈ શકે છે.
ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ રાષ્ટ્રીય મહિલા આયોગે કહ્યું છે કે તેઓ ભાજપના આઈટી હેડ અમિત માલવીયની એ ટ્વિટની નોંધ લેશે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે હાથરસની પીડિત યુવતીનું નિવેદન છે.
આ વીડિયોને ટ્વિટ કરીને અમિત માલવીયએ લખ્યું કે, હાથરસની પીડિતા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની બહાર એક પત્રકારને કહી રહી છે કે એમનું ગળુ દબાવવાની કોશિશ થઈ.
આ વીડિયોમાં મૃતક યુવતીનો ચહેરો સ્પષ્ટ દેખાય છે. ભારતના કાયદા મુજબ યૌન હિંસાના કેસમાં પીડિતાની ઓળખ જાહેર કરી શકાતી નથી. એટલું જ નહી, યૌન હિંસા કે બળાત્કારનો શક હોય તો પણ પીડિતાની ઓળખ જાહેર કરી શકાતી નથી.
અમિત માલવીયએ લખ્યું કે, આનો મતલબ એ નથી કે અપરાધને ઓછો આંકવામાં આવી રહ્યો છે પરંતુ એક ગંભીર અપરાધને બીજા કોઈ ગંભીર અપરાધનો રંગ આપવો ઉચિત નથી.
અમિત માલવીયએ 2 ઑક્ટોબરે આ ટ્વિટ કર્યું હતું જેમાં ભોગ બનનાર યુવતીનો ચહેરો સાફ દેખાતો હતો.
શું છે આ અપરાધની સજા
અમિત માલવીયએ વીડિયો શૅર કર્યો એ પછી એના પર વિવાદ થયો પરંતુ વિરોધ છતાં તેમણે આ સમાચાર લખાય છે ત્યાં સુધી ટ્વિટ હઠાવી નહોતી.
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે 'જો એ બળાત્કાર પીડિતા છે તો તેમને વીડિયો શૅર કરવો દુર્ભાગ્યપૂર્ણ છે અને ગેરકાયદે છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તર પ્રદેશ મહિલા આયોગના અધ્યક્ષ વિમલા બાથમે કહ્યું કે એમણે વીડિયો જોયો નથી પરંતુ જો એમાં મહિલાની ઓળખ છતી થઈ રહી હોય તો તે વાંધાજનક છે અને પંચ તેની નોંધ લઈ નોટિસ મોકલશે.
ભારતીય દંડસંહિતા મુજબ જો કોઈ યૌન હિંસા પીડિતા કે સંભવિત પીડિતાની ઓળખ ઉજાગર કરે છે તો તેને બે વર્ષની જેલ થઈ શકે છે.
વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે આઈપીસીની કલમ 228એ(2)નો અર્થ ફક્ત પીડિતાનું નામ ઉજાગર કરવા સાથે નથી પરંતુ મીડિયા છપાયેલી કોઈ પણ જાણકારીથી ઓળખ છતી થવી ન જોઈએ.
સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે મૃત્યુ પછી પણ પીડિતાનાં પરિવારે પરવાનગી આપી હોય તો પણ તેની ઓળખ ઉજાગર ન કરી શકાય.
અમિત માલવીય સતત કરી રહ્યાં છે આવા ટ્વિટ
અમિત માલવીય પોતાના ટ્વિટ્સ દ્વારા એ દર્શાવવા કોશિશ કરી રહ્યાં છે કે આ યૌન હિંસાનો મામલો છે જ નહીં.
હાથરસ કેસને લઈને અમિત માલવીયએ અનેક ટ્વિટ કર્યા છે.
એક ટ્વિટમાં તેઓ ઇશારો કરે છે કે 19 સપ્ટેમ્બરે કૉંગ્રેસ નેતા શ્યૌરાજ જીવનની મુલાકાત પછી 22 સપ્ટેમ્બરે ગૅંગરેપનો આરોપ મૂકવામાં આવ્યો.
એમણે 2 ઑક્ટોબરે એક વીડિયો ટ્વીટ કર્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે આ યુવતીની માએ ઘટના પછીનું તરત આપેલું નિવેદન છે.
આ વીડિયોમાં મહિલા એક જ આરોપી સંદીપનું નામ લે છે અને પીડિત યુવતી જમીન પર પડેલી સ્થિતિમાં રડી રહી છે. આ વીડિયોમાં યુવતીનાં માતાનો ચહેરો સાફ દેખાય છે.
અમિત માલવીય આ તમામ ટ્વીટથી એ દર્શાવવા કોશિશ કરે છે કે 'ઉત્તર પ્રદેશને બદનામ કરવાની સાજિશ' રચવામાં આવી છે.
ભાજપ ધારાસભ્યનું આપત્તિજનક નિવેદન
હાથરસની જ ઘટનાને લઈને ભાજપના ધારાસભ્યનું એક આપત્તિજનક નિવેદન સામે આવ્યું છે. સમાચાર એજન્સી એએનઆઈએ આ વીડિયો શૅર કર્યો છે.
વીડિયોમાં બલિયાથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંઘ હાથરસની ઘટનાને લઈને કહે છે કે ''આવી ઘટનાઓને સંસ્કારોથી જ રોકી શકાશે. આ શાસન અને તલવારથી ન રોકાઈ શકે. મા-બાપે પોતાની જવાન દીકરીઓને સંસ્કારપૂર્ણ વાતાવરણની રહેણી-કરણીની અને શાલીન વહેવારની રીત શિખવવી જોઈએ. સરકારનો પણ ધર્મ છે અને પરિવારનો પણ ધર્મ છે.''
ભાજપના આ ધારાસભ્યના નિવેદનની પણ ટીકા થઈ રહી છે.
હાથરસ મામલે શનિવારે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે સીબીઆઈ તપાસ કરાવવાની ભલામણ કરી છે. જોકે, સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ એસઆઈટીના સભ્યોનું કહેવું છે કે તેઓ પણ એમની તપાસ ચાલુ રાખશે.
શનિવારે ઉત્તર પ્રદેશના ઉચ્ચ અધિકારીઓએ હાથરસની મુલાકાત લીધી હતી. ગૃહ સચિવ અવનીશ અવસ્થી અને ડીજીપી એચ. સી. અવસ્થીએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. આ પછી કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ પરિવારની મુલાકાત લીધી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો