You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાથરસ કેસ : ચંદ્રશેખર આઝાદને અટકાવાયા બાદ પરવાનગી મળી
મૃત યુવતીના ગામમાં ભારે તણાવનો માહોલ છે. હાથરસમાં હાજર બીબીસીના સંવાદદાતા દિલનવાઝ પાશાએ જણાવ્યું છે કે રાષ્ટ્રીય લોક દળના કાર્યકરો પર લાઠીચાર્જ થયો છે. જોકે, દળના નેતા જયંત ચૌધરીએ પીડિત પરિવારની મુલાકાત કરી છે.
તેમણે કહ્યું કે જો એવું કહેવાઈ રહ્યું છે કે રાજકારણ રમાઈ રહ્યું છે તો તેઓ કહેશે કે રાજકારણ રમાવું જોઈએ. કેમ કે મહિલાઓ વિરુદ્ધ ગુનાના આંકડા બહુ વધી ગયા છે અને એટલે આના પર રાજકારણ રમાઈ રહ્યું છે તો એ સારું થઈ રહ્યું છે.
કેટલાંક સવર્ણ સંગઠનોએ પણ અહીં આરોપીઓના સમર્થનમાં વિરોધપ્રદર્શનો અને ભીમ આર્મી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે.
તેમણે આ મામલે સીબીઆઈ તપાસની માગ કરી છે. તેમનો દાવો છે કે ધરપકડ કરાયેલા યુવકો નિર્દોષ છે અને સીબીઆઈની તપાસમાં એ વાત સ્પષ્ટ થઈ જશે.
ન્યાયની માગ સાથે પીડિત પરિવાર ખાધા વગર બેઠો
હાથરસમાં હાજર બીબીસીનાં સહયોગી પત્રકાર ચિંકી સિન્હાએ જણાવ્યું છે કે પીડિત પરિવારના ઘરમાં શનિવારથી જ ભોજન નથી બન્યું.
મૃતક પીડિતાનાં ભાભીએ ગઈ કાલે પણ બાંધેલો લોટ ફેંકી દીધો હતો. ત્યાં કેટલાય લોકો તેમના માટે ખાવાનું બનાવવા માટે હાજર છે.
મૃતક યુવતીનાં ભાભી આજે પણ રસોડામાં લોટ બાંધવા માટે આવ્યાં હતાં.
ગઈ કાલે આખો દિવસ તેઓએ માત્ર બિસ્કુટ જ ખાધી હતી અને રાતે એક વાગ્યે તેમણે થોડું ખાધું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આજ સવારથી જ મીડિયાના લોકો આવવાનું શરૂ થઈ ગયું હતું. ત્યારથી તેઓ કંઈ પણ ખાધા વગર ન્યાયને આસ લગાવીને બેઠાં છે.
પ્રિયંકા ગાંધીની ડી.એ.ને હઠાવવાની માગ
હાથરસમાં પીડિત પરિવારને મળવ્યા બાદ કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીએ હાથરસના જિલ્લાઅધિકારીને હઠાવવાની અને સમગ્ર પ્રકરણમાં તેમની ભૂમિકાની તપાસ કરાવવાની માગ કરી છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે પરિવારે તેમને જણાવ્યું કે હાથરસના જિલ્લાઅધિકારીએ તેમની સાથે બહુ ખરાબ વર્તન કર્યું હતું. તેમણે એવો પણ સવાલ કર્યો છે કે એ અધિકારીને કોણ બચાવી રહ્યું છે?
પ્રિયંકાએ ટ્વીટ કરીને કહ્યું, "હાથરસના પીડિત પરિવાર અનુસાર સૌથી ખરાબ વર્તન ડી.એમ.નું હતું. તેને કોણ બચાવી રહ્યું છે?"
"તેમને વિલંબ કર્યા વગર બરખાસ્ત કરીને સમગ્ર કેસમાં એમની ભૂમિકાની તપાસ થાય. પરિવાર ન્યાયની માગ કરી રહ્યો છે ત્યારે કેમે સીબીઆઈ તપાસનો હોબાળો કરીને એસઆઈટીની તપાસ ચાલુ છે?"
"ઉત્તર પ્રદેશની સરકાર જો થોડી પણ ઊંઘમાં ઊઠી હોય તો એણે પરિવારની માગ સાંભળવી જોઈએ."
હાથરસ કેસ: ન્યાયિક તપાસ પર પરિવાર અડગ, ચંદ્રશેખર આઝાદ જશે મુલાકાતે
હાથરસ કેસમાં ઉત્તર પ્રદેશ સરકારે સીબીઆઈને તપાસ સોંપવાની વાત કરી છે ત્યારે દેશમાં ઘટનાને લઈ આકરો વિરોધ થઈ રહ્યો છે અને ઉત્તર પ્રદેશ સરકારની કામગીરી પર સવાલો થઈ રહ્યા છે.
ઉત્તર પ્રદેશમાં દલિત યુવતી પર કથિત ગૅંગરેપ અને મૃત્યુને મામલે દેશમાં વિરોધપ્રદર્શન સતત વધી રહ્યા છે. મૃતક યુવતીનો પરિવાર ન્યાયિક તપાસની માગ કરી રહ્યો છે અને ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર પણ પરિવારજનોની મુલાકાતે જઈ રહ્યા છે.
ચંદ્રશેખર આઝાદે શનિવારે ટ્વીટ કર્યું કે એમને શક છે કે સરકાર પીડિત પરિવારને જ દોષી બનાવવા માગે છે. તેમણે આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મૌનને લઈને પણ સવાલો કર્યા છે.
આ અગાઉ બીજી ઑક્ટોબરે એમણે અને એમની આઝાદ સમાજ પાર્ટીના લોકોએ દિલ્હીના જંતર-મંતર ખાતે દેખાવો કર્યા હતા.
ચંદ્રશેખર ઉપરાંત સમાજવાદી પાર્ટીના 11 નેતાઓનું એક પ્રતિનિધિમંડળ પણ આજે પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમના વડપણ હેઠળ પીડિત પરિવારની મુલાકાત કરશે. રાષ્ટ્રીય લોક દળના નેતા જયંત ચૌધરી પણ પીડિત પરિવારની મુલાકાત કરશે.
પરિવારનો અસ્થિ લેવાનો ઇન્કાર, કહ્યું તંત્રે કોનું શબ બાળ્યું એ જ નથી ખબર
હાથરસમાં કથિત ગૅંગરેપ અને હત્યાના કેસને લઈને વિરોધપ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે પરિવારે અસ્થિ લેવાનો ઇન્કાર કરી દીધો છે.
નવભારત ટાઇમ્સ મુજબ પરિવારનું કહેવું છે જે શબના રાતે અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા એ એમની જ દીકરી હતી કે અન્ય કોઈ એની એમને નથી ખબર અને એટલે તેઓ અસ્થિઓ નહીં સ્વીકારે અને વિસર્જિત પણ નહીં કરે.
પરિવારનો આરોપ છે તંત્રે ચહેરો દર્શાવ્યા વગર જ શબને બાળી દીધું હતું અને એ સંજોગોમાં તેઓ અસ્થિઓ નહીં સ્વીકારે.
ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્હીથી 160 કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના હાથરસમાં 14 સપ્ટેમ્બરે એક દલિત યુવતી સાથે કથિત રીતે ઠાકુર સમુદાયના ચાર લોકોએ બળાત્કાર કર્યો હોવાની ઘટના બની છે.
આ ઘટનાને લઈને દેશમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યા છે.
યોગી સરકારનો નિર્ણય, હવે સીબીઆઈ તપાસ થશે
હાથરસમાં થયેલા કથિત ગૅંગરેપ પર વધી રહેલા વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારે આ ઘટનાની સીબીઆઈ તપાસ માટે ભલામણ કરી છે.
આ પહેલાં પરિવારજનોને મળવા પહોંચેલા કૉંગ્રેસના પ્રતિનિધિમંડળે પણ ન્યાયિક તપાસની માગ કરી હતી.
મૃતકોના પરિવારે અત્યાર સુધીની તપાસ પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે પોલીસ મામલે ભીનું સંકેલવા પ્રયાસ કરી રહી છે.
આજે જ પરિવરજનોને મળવા આવેલા ઉત્તર પ્રદેશના અતિરિક્ત સચિવ અવનીશ અવસ્થિ અને ડીજીપી એચ.સી. અવસ્થિએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે પરિવારજનોએ ન્યાયની માગ કરી છે અને સરકાર નિષ્પક્ષ તપાસ સનુશ્ચિત કરશે.
હાથરસ કેસ : રાહુલ-પ્રિયંકા પીડિતાના પરિવારને મળ્યાં, માતાને ગળે લગાડ્યાં
હાથરસમાં કથિત ગૅંગરેપનો શિકાર થયેલાં દલિત પીડિતાના પરિવાર સાથે આજે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ મુલાકાત કરી.
તેમણે એક બંધ ઓરડીમાં પરિવારજનો સાથે વાત કરી. એ વખતે બહાર મીડિયાની ભારે ભીડ હતી. પ્રિયંકાએ પીડિતાનાં માતાને ગળે પણ લગાડ્યાં.
તેમણે ફેસબુક પર લાઇવ વીડિયો શૅર પણ કર્યો. આ દરમિયાન પીડિતાના ઘરમાં પત્રકારોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી.
પરિવારજનોએ પ્રિયંકા ગાંધીને જણાવ્યું કે સફદરજંગ હૉસ્પિટલમાં ભરતી વખતે પીડિતાની સ્થિતિ બરોબર હતી.
પરિવારજનોએ ચહેરો પણ બતાવ્યા વગર અંતિમ સંસ્કાર કરી દેવાની પીડા પણ વ્યક્ત કરી. આ દરમિયાન પ્રિયંકા ગાંધી પીડિતાનાં માતાને ગળે લગાડતાં રહ્યાં.
આ પહેલાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને હાથરસ કેસનાં પીડિતાના પરિવારને મળવા માટે ઉત્તર પ્રદેશના તંત્રે મંજૂરી આપી દીધી હતી.
આ પહેલાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દુનિયાની કોઈ તાકાત તેમને પીડિત પરિવાર સાથે મળતાં અટકાવી શકે નહીં. તેઓ પક્ષના મુખ્યાલયથી પોતાનાં બહેન અને પક્ષનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે હાથરસ જવા માટે નીકળ્યા છે.
જે વીડિયો સામે આવ્યો હતો તેમાં પ્રિયંકાને ગાડી ચલાવતાં જોઈ શકાય છે. જ્યારે રાહુલ ગાંધી બાજુમાં બેઠા હતા.
આ દરમિયાન યુપી પોલીસે દિલ્હી-નોઇડા સરહદ પર મોટા પ્રમાણમાં પોલીસદળ ગોઠવી દીધું હતું અને ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધનગર જિલ્લામાં કલમ-144 લગાવી દેવાઈ હતી.
નોઇડા પોલીસના વરિષ્ઠ અધિકારીઓ રણવિજય સિંહે કહ્યું હતું, "કોવિડ મહામારી દરમિયાન કૉંગ્રેસના નેતાઓએ કલમ-144નું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરવો ન જોઈએ. દિલ્હી-નોઇડા પર ગેરકાયદે જનસભાને નિયત્રિંત કરવા માટે પોલીસબળ તહેનાત છે. અમે સતત શાંતી જાળવી રાખવાની અપીલ કરી રહ્યા છીએ. મારો પૂરો પ્રયાસ છે કે તેઓ સમજી જાય અને પરત જતા રહે."
બન્ને નેતાઓ વચ્ચે મોટી સંખ્યામાં કૉંગ્રેસના કાર્યકરો જોડાયા હતા અને પોલીસે તેમને દિલ્હી-નોઇડા ફ્લાઇવે પર અટકાવી દીધા હતા.
માયાવતીએ સીબીઆઈ તપાસની માગ કરી, અઠાવલેનો રાજકારણ રમવાનો આરોપ
ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્ય મંત્રી માયાવતીએ હાથરસની ઘટનામાં સીબીઆઈ તપાસની માગ કરી છે. બીજી બાજુ, મહારાષ્ટ્રના દલિત નેતા રામદાસ અઠાવલેએ બસપા સુપ્રીમો માયાવતી પર આ મામલે તેમના પર રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો છે.
તેમણે એવું પણ કહ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીનું રાજીનામું માગવાનો તેમની પાસે કોઈ અધિકાર નથી.
રામદાસ અઠાવલેએ હાથરસ કેસને 'માનવતા પર કલંક' ગણાવ્યો છે અને ચારેય આરોપી માટે મૃત્યુદંડની માગ કરી છે.
તેમણે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં કહ્યું, "હાથરસ કેસ માનવતા પર કલંક છે. આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ. જેથી પીડિતાના પરિવારને ન્યાય મળી શકે."
માયાવતીએ આ પહેલાં ટ્વીટ કર્યું હતું, "હાથરસ જઘન્ય ગૅંગરેપ કાંડને લઈને દેશભરમાં ભારે આક્રોશ છે. આની પ્રારંભિક તપાસના રિપોર્ટથી જનતા સંતુષ્ઠ નથી લાગતી. આ મામલે સીબીઆઈ કે માનનીય સુપ્રીમ કોર્ટની દેરરેખ હેઠળ તપાસ થવી જોઈએ. બીએસપીની આ માગ છે."
'ઉત્તર પ્રદેશ પોલીસની SIT પર કેવી રીતે વિશ્વાસ મૂકવો?'
હાથરસ મામલામાં પીડિતાના પરિવારનું કહેવું છે કે, "જ્યાં સુધી તેમને તેમના પ્રશ્નોના જવાબ નથી મળી જતા, ત્યાં સુધી તેઓ ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા રચાયેલી SIT પર કેવી રીતે વિશ્વાસ મૂકશે?"
પીડિતાના પરિવારનો એક જ સવાલ છે કે, "આખરે પોલીસ તેમની પરવાનગી વગર તેમની દીકરીનો મૃત દેહ કઈ રીતે બાળી નાખ્યો?"
પીડિતાના ભાઈએ બીબીસી સંવાદદાતા અનંત પ્રકાશ સાથેની વાતચીતમાં જણાવ્યું, "SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિંગ ટીમ) ગામમાંથી પરત ફર્યા બાદ હાથરસના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ (D. M.) અમારા ઘરે આવ્યા. તેમણે આડીઅવળી વાતો કરી. તેમણે કહ્યું કે જો તમારી દીકરી કોરોનાથી મરી જાત તો શું તમને વળતર મળ્યું હોત? અમે તેમની પાસેથી જ તેમની આ વાતનો અર્થ જાણવા માગીએ છીએ."
પીડિતાના ભાઈએ જણાવ્યું, "D. M.એ અમારી સામે દલીલ મૂકી છે કે તમારી દીકરીનો મૃતદેહ જોવાલાયક સ્થિતિમાં નહોતો. અમે તેમને કહ્યું છે કે અમે તેને ગમે તેવી સ્થિતિમાં જોવા માટે તૈયાર હતા."
"પોસ્ટમૉર્ટમ બાદ પણ અમે તેને જોવા માટે તૈયાર હતા. અમે તેમની પાસેથી સવાર સુધીનો સમય માગ્યો હતો. પરંતુ પોલીસે રાત્રે જ પેટ્રોલ નાખીને ઘરથી થોડે દૂર મૃતદેહને આગ ચાંપી દીધી. અમને નથી ખબર કે તેમણે કોનો મૃત દેહ સળગાવ્યો છે. જો અમે અમારી બહેનના મૃતદેહને જોઈ લીધો હોત તો અમને ખાતરી થઈ ગઈ હોત."
તેમણે આરોપ મૂક્યો, "પાછલા બે દિવસથી સ્થાનિક પ્રશાસનના લોકોએ તેમના પિતા પાસેથી ન જાણે કેટલા કાગળ પર સહીઓ કરવાઈ છે જે વિશે તેમને કોઈ પ્રકારની માહિતી નથી અપાઈ."
ગુજરાતમાં વિરોધપ્રદર્શનો
ગુજરાતમાં વિરોધપ્રદર્શનનો દોર ચાલી રહ્યો છે. જેમાં કેન્દ્રની મોદી સરકારે લાવેલા કૃષિ બિલ, હાથરસ કથિત સામૂહિક બળાત્કાર કેસ અને સ્કૂલની ફી મુદ્દે વિરોધપ્રદર્શનો યોજાયા હતા.
ગઈ કાલે કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ શાળાઓની ફી મુદ્દે પ્રતીક ઉપવાસ સાથે વિરોધપ્રદર્શન કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી.
આ દરમિયાન દેશભરમાં હાથરસકાંડના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. દિલ્હીમાં આજે પ્રદર્શનોને ધ્યાને લઈ ઇન્ડિયા ગેટ પાસે કલમ 144 લાગુ કરી દેવાઈ છે.
અમદાવાદ, ખેડા, આણંદ સહિતના જિલ્લાઓ-શહેરોમાં વિપક્ષ અને અને કેટલાક નાગરિકો સંગઠનો દ્વારા પ્રદર્શનો થયા હતા.
બીજી તરફ વળી વાલીમંડળ દ્વારા પણ સતત કેટલાક દિવસથી સ્કૂલ ફી મુદ્દે પ્રદર્શનની ગતિવિધિઓ તેજ થઈ હોવાનું સ્થાનિક મીડિયામાં જોવા મળ્યું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો