રૅશનકાર્ડ વિનાના 36 લાખ લોકો બિહારમાં લૉકડાઉનમાં, ત્રણ દિવસમાં બનાવવાનો મંત્રીનો દાવો -Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ન્યૂઝ 18ના અહેવાલ અનુસાર બિહારમાં લૉકડાઉન દરમિયાન ફસાયેલાં 36 લાખ ગરીબ પરિવારો પાસે રૅશનકાર્ડ નથી. જેમની પાસે રૅશનકાર્ડ નથી તેમને આગામી ત્રણ દિવસમાં રૅશનકાર્ડ બનાવી આપી અનાજ આપવાની વાત કરવામાં આવી છે. લૉકડાઉનના કારણે બિહાર સરકારે ગરીબોને 5 કિલો ચોખા અને 1 કિલો દાળ મફતમાં આપવાનો નિર્ણય કર્યો હતો. બિહારમાં હાલ સુધી 1.68 કરોડ પરિવારના રૅશનકાર્ડ બનેલાં છે.અન્ન અને પુરવઠા મંત્રી મદન સહનીએ માન્યું હતું કે, હાલ સુધી 47 લાખ નવા આવેદન આવ્યા છે જેમાંથી 11 લાખ પરિવાર સુધી જ રૅશનકાર્ડ પહોંચ્યા છે. એનો અર્થ થાય છે કે 36 લાખ લોકો સુધી કાર્ડ પહોંચવાના બાકી છે. આ 36 લાખ લોકોને ક્યાં સુધી અનાજ મળશે તે નક્કી નહોતું.રાજ્યના મુખ્ય મંત્રી નીતિશ કુમારે જાહેરાત કરી હતી કે જેમની પાસે રૅશનકાર્ડ નથી તેમના તત્કાળ કાર્ડ બનાવી રૅશન આપવામાં આવશે.અન્ન અને પુરવઠા મંત્રીએ ત્યારબાદ કહ્યું કે, આગામી ત્રણ દિવસમાં તમામને રૅશનકાર્ડ બનાવી આપવામાં આવશે.

મહામારી વચ્ચે સારા મોસમની આગાહી

દેશ કોરના વાઇરસની મહામારી સામે ઝઝુમી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે એક સારા સમાચાર આપ્યા છે.

હવામાન વિભાગે કહ્યું કે આ વખતે ચોમાસું સામાન્ય રહેશે. ઉલ્લેખનીય છે કે જે સ્થિતિમાં 96 ટકાથી 100 ટકા સારા વરસાદનું અનુમાન હોય તેવી સ્થિતિને હવામાન વિભાગ સામાન્ય ગણાવે છે.

આમ હવામાન વિભાગે 100 ટકા વરસાદનું અનુમાન કર્યું છે.

ચોમાસું કેરળમાં 1 જૂને શરૂ થશે જે ગત વર્ષે 8 દિવસ મોડું હતું.

સારા વરસાદનું અનુમાન મહામારીના સમયમાં અર્થતંત્રમાં નવો પ્રાણ ફૂંકી શકે છે. દેશની ખેતી વરસાદ આધારિત છે ત્યારે પાકનું ઉત્પાદન વધવાથી મોંઘવારી પણ કાબુમાં રહેશે. ગામોમાં પૈસાની આવક વધતા બજારમાં માગ વધશે જે દેશમાં વિકાસની ગતિને ઝડપી બનાવશે.

હિંદુ-મુસ્લિમ કોરોના વોર્ડ મામલે અમેરિકાના આયોગને ભારતનો જવાબ

ગુજરાતમાં બનેલી કથિત હિંદુ-મુસ્લિમ ધર્મના દરદીઓને અલગ રાખવાની ઘટના અંગે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પરના અમેરિકી આયોગ (યૂએસસીઆઈઆરએફ)એ ટ્વીટ કર્યું હતું.

ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે આ પ્રકારના પગલાં ભારતમાં મુસ્લિમોને કલંકિત કરવાની ઘટના વધારવામાં મદદ કરશે અને આ વાત અફવાને વધારે ઝડપી બનાવશે કે મુસ્લિમ કોવિડ-19 ફેલાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે હૉસ્પિટલના દરદીઓનો આક્ષેપ હતો કે તેમને અલગ અલગ રાખવામાં આવ્યા છે પરંતુ સરકારે તેને નકાર્યા હતા.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે યુએસસીઆઈઆરએફના અહેવાલમાં કોઈપણ પ્રકારનું સત્ય નથી.

આ રિપોર્ટ ભારતમાં કોરોના સામે લડવા માટેના અનુભવી મેડિકલ પ્રોટોકૉલને લઈને ગેરમાર્ગે દોરનારી છે.

તેમણે વધુમાં કહ્યું, "આંતરરાષ્ટ્રીય સ્વતંત્રતા પર અમેરિકાના આયોગે કોરોના મહામારી સામે લડવાના ભારતના રાષ્ટ્રીય લક્ષ્યને ધાર્મિક રંગ આપવાનો બંધ કરવો જોઈએ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો