You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ભારતની સેના શું પ્રવાસી મજૂરોનું સંકટ ટાળી શકી હોત?
- લેેખક, જુગલ પુરોહિત
- પદ, બીબીસી સંવાદદાતા, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
કોરોના વાઇરસના સંક્રમણે જ્યારે ચીનની બહાર અન્ય દેશોમાં પગપેસારો કર્યો, ત્યારે ભારતે ભારતીય સેના, નૌસેના, વાયુદળ અને ઇન્ડો તિબેટિયન બૉર્ડર પોલીસ (આઈ.ટી.બી.પી.)ની મદદ લીધી હતી.
અન્ય દેશોમાં જ્યારે કોરોના વાઇરસનાં સંક્રમિત દર્દીની સંખ્યા વધવા લાગી હતી, ત્યારે ત્યાં ફસાયેલા ભારતીયો કે વિદેશીઓને ભારત લાવવા માટે આ સૈન્યદળોને કામે લગાડવામાં આવ્યાં હતાં.
કોરોના વાઇરસના સંક્રમણ ધરાવતા સંદિગ્ધ લોકોને ક્વોરૅન્ટીનમાં રાખવા માટે પણ સૈન્યસેવા પર ભરોસો મૂકવામાં આવ્યો હતો.
પરંતુ 21 દિવસના દેશવ્યાપી લૉકડાઉનને કારણે સર્જાયેલા પ્રવાસી મજૂરોના સંકટમાં શું આ સૈન્યદળો ભૂમિકા ભજવી શક્યા હોત?
28 માર્ચે નવી દિલ્હીમાં આનંદવિહાર બસ-સ્ટેન્ડ પરથી અન્ય રાજ્યોમાં પોતાના ઘરે પહોંચવા માટે બસમાં પ્રવાસ કરવાની આશાએ હજારો પ્રવાસીઓ ઊમટી પડેલા.
દેશમાં મોટા પાયે કોરોના વાઇરસ સંક્રમણને ફેલાવવાથી રોકવામાં સોશિયલ ડિસ્ટન્સિંગ જ એક માત્ર રસ્તો છે એવું સતત સરકાર કહી રહી છે, પરંતુ દિલ્હીમાં હજારો પ્રવાસીઓનો જમાવડો જોઈને અરેરાટી વ્યાપી ગઈ હતી.
માત્ર દિલ્હી જ નહીં પરંતુ અનેક રાજ્યો સામે પ્રવાસીઓનો પ્રશ્ન ઊભો છે.
શું ભારતીય સેના, વાયુસેના, નૌસેના કે ઇન્ડો તિબેટિયન બૉર્ડર પોલીસ (આઈટીબીપી) આ સંકટમાં મદદરૂપ થઈ હોત?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
આવી પરિસ્થિતિમાં સરકાર કઈ રીતે સેનાને વાપરી શકી હોત?
પ્રથમ તો સરકારે આ પરિસ્થિતિમાં સેનાની ભૂમિકા નક્કી કરવાની જરૂર હતી.
દેશના સૌથી મોટા કેન્દ્રીય પોલીસબળ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના મહાનિદેશક એ.પી. માહેશ્વરીએ કહ્યું, "અત્યાર સુધી આ વિશે કોઈ ચર્ચા નથી થઈ કે નિર્દેશ નથી આપવામાં આવ્યા. પરંતુ અમે આ બાબતે સજ્જ છીએ."
કેન્દ્ર સરકાર તરફથી કોઈ નિર્દેશ ન આવ્યા હોવાની પરિસ્થિતિમાં, દરેક દળ પોતાની રીતે મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
દાખલા તરીકે સીઆરપીએફે રાજ્યોમાં પોતાની શાખાઓને રાજ્ય સરકારને સંપર્ક કરવા અને મદદ કરવા માટે કહ્યું છે.
સીઆરપીએફ માને છે કે તેમનું પોલીસબળ શહેરો છોડીને પોતાના ગામ તરફ હાઈવે ઉપર પગપાળા જઈ રહેલા લોકો માટે પરિવહન, ટૅન્ટ, ખાવા-પીવાના સામાનની વ્યવસ્થા કરી શકે તેમ છે.
એ.પી. માહેશ્વરી કહે છે, "અમારા કેટલાય કૅમ્પસોમાં હાલ અમે રાંધીને જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડી રહ્યા છીએ. અમે સુરક પણ આપી રહ્યા છીએ. મુશ્કેલી ભરેલા આવા અસાધારણ સમયમાં અમારાથી જે બને તે મદદ કરવી જોઈએ."
બિહારમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (એનડીઆરએફ) રાજ્ય સરાકરને બિહારમાં પ્રવેશ કરી રહેલા પ્રવાસીઓની સાર-સંભાળ લેવામાં મદદ કરી રહ્યું છે.
ત્યારે એનડીઆરએફના ડિરેક્ટર જનરલ એસ.એન. પ્રધાને બીબીસીને કહ્યું, "જો અમને કહેવામાં આવે તો અમે દેશના બીજા ભાગોમાં પણ મદદ કરવા માટે તૈયાર છીએ. અમે સ્ટેન્ડ બાય પર છીએ."
ભારતીય સેનાના પ્રવક્તાએ બીબીસીના પ્રશ્નોનો જવાબ નથી આપ્યો, પરંતુ અનેક સેનાધિકારીઓનું કહેવું છે કે સેનાને હજી આ સંકટમાં મદદ કરવા માટે કહેવામાં નથી આવ્યું.
ચીફ ઑફ આર્મી સ્ટાફ (સીઓએએસ) જનરલ એમ.એમ. નરવણે હાલમાં કોવિડ-19 વિશે વાત કરતા કહ્યું હતું, "જ્યારે પણ નાગરિક સંસ્થાનોને જરૂર પડે અને અમને બોલાવવામાં આવે તો સેનાને તેમની મદદ કરવાનો નિર્દેશ હોય છે."
પરિસ્થિતિને જોતાં તેમણે કહ્યું હતું, "ભારતીય સેનામાં સંક્રમિત અને સંદિગ્ધ દર્દીઓ માટે મેડિકલ સેવાની માગમાં વધારો થવાની અને નાગરિક પ્રશાસન તરફથી પણ અરજી આવે તેવી શક્યતા છે."
"મેડિકલ સેવાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં મદદ માટે તૈયાર રહેવાના નિર્દેશ કમાન્ડ હૅડક્વાર્ટર્સને આપી દેવામાં આવ્યા છે."
મોદીનો ઇરાદો સારો પણ અમલ પર પ્રશ્ન
જોકે, પ્રવાસી સંકટનો પહેલાંથી અંદાજ લગાવવામાં સરકારની અક્ષમતા અને લીધેલાં પગલાંને જોતા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) અનિલ ચૈત કહે છે, "મને આશ્ચર્ય થાય છે કે લૉકડાઉનને કારણે પ્રવાસીઓનું સંકટ ઊભું થશે એ પહેલાંથી કેમ ન વિચારવામાં આવ્યું અને કેમ તેનું સમાધાન ન થયું?"
"અમારી પાસે હોનારતના સમયનો અનુભવ છે. દાખલા તરીકે 2013માં ઉત્તરાખંડમાં ( વિનાશક પૂર આવ્યું) અમે એક લાખ લોકોને બચાવ્યા હતા. વડા પ્રધાનના એક સારા ઇરાદાને આટલી ખરાબ રીતે અમલમાં મૂકવામાં આવ્યો એ જોઈને દુખ થાય છે."
"પ્રવાસી મજૂરોના શહેર છોડીને પોતાના ગામ જવાને કારણે આ સમસ્યા વધી છે, કારણે હવે તેઓ લાંબા-લાંબા અંતર સુધી ચાલીને જઈ રહ્યા છે. વિસ્તાર વધતા સમસ્યા વધારે પડકારજનક બની ગઈ છે."
લે. જનરલ (રિટાયર્ડ) અનિલ ચૈત 2013માં ચીફ ઑફ ઇન્ડિગ્રેટેડ સ્ટાફ તરીકે ઉત્તરાખંડમાં આવેલા મહાવિનાશક પૂર વખતે રાહત ઑપરેશનનું નેતૃત્વ કરી રહ્યા હતા.
હાલ કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી ત્યારબાદ અનેક રાજ્યોમાંથી મજૂરો પોતાના ગામે પહોંચવા માટે પગપાળા જઈ રહ્યા છે, કારણ કે રેલ અને બસસેવા બંધ કરવામાં આવી છે.
રોજીરોટીનું સંકટ ઊભું થતા પ્રવાસી મજૂરોને ગામમાં જ સહારો મળવાની આશા છે. પોતાનાં ઘર-ગામ છોડીને લાખો મજૂરો અન્ય રાજ્યોનાં શહેરોમાં મજૂરી કામ કરતા હોય છે, પરંતુ હવે ગામ પાછા જતા વાઇરસના સંક્રમણનો વ્યાપ વધે તેવો ડર છે.
સેના કેવી રીતે મદદ કરી શકી હોત?
નેશનલ સિક્યૉરિટી ગાર્ડના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ અને આઈપીએસ રાજન મેધેકરે બીબીસીને કહ્યું, "અમારી પાસે પ્રશિક્ષિત મૅનપાવર છે જે આખા દેશમાં ફેલાયેલા છે. જો ખાલી જમીન આપવામાં આવે તો અમે ઝડપથી પ્રી-ફૅબ સ્ટ્રક્ચરની મદદથી અનેક પ્રકારની અસ્થાયી સુવિધા ઊભી કરી શકીએ છીએ, જેમાં સંખ્યાબંધ લોકો રહી શકે."
"સૈન્યદળો પાસે પોતાની જમીન પણ હોય છે જે હંમેશાં કામમાં આવતી હોય એ જરૂરી નથી. આ જગ્યાઓ ઓછા સમયમાં અસ્થાયી વપરાશ માટે કામમાં લઈ શકાય."
તેઓ ઉમેરે છે, "આમાંથી એક પાઠ શીખી શકાય કે કેવી રીતે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે વિચાર-વિમર્શ કરીને સેનાના નિષ્ણાતોની મદદથી આ પ્રકારની પરિસ્થિતિને સારી રીતે પાર પાડી શકાય."
એક સરકારી વેબસાઇટ મુજબ સંરક્ષણ મંત્રાલય દેશમાં સૌથી વધારે જમીનની માલિકી ધરાવે છે, જેમાંથી 1.60 લાખ એકર જમીન દેશભરમાં 62 નૉટિફાઇડ કૅન્ટૉનમૅન્ટમાં આવે છે અને બાકીની લગભગ 16.35 લાખ એકર જમીન કૅન્ટૉનમેન્ટની બહાર આવેલી છે.
આમાંથી સૌથી વધારે સેના પાસે 14.14 લાખ એકર જમીન છે. એ સિવાય આઈટીબીપી, સીઆરપીએફ અને અન્ય દળો પાસે પણ દેશભરમાં અનેક કૅમ્પસ છે.
નામ જાહેર ન કરવાની શરતે કેટલાય સેનાધિકારીઓએ પરવાનગી મળે તો મદદ કરવા માટેની તૈયારી બતાવી.
દાખલા તરીકે સીઆરપીએફના એક અધિકારીએ જણાવ્યું, "અમે દર વર્ષે અમરનાથ યાત્રાનું આયોજન કરીએ છીએ, જેના પડકાર અનેક હોય છે. અમારા કર્મીઓ મોટી સંખ્યામાં લોકોને નિયંત્રણમાં રાખવા માટે માહેર હોય છે. સરકારે બસ ઇશારો કરવાનો છે."
બીજી તરફ આઈટીબીપીના એક અધિકારીએ કહ્યું, "અમારા કર્મીઓ દેશભરમાં તહેનાત છે. જો મોકો મળે તો અમે મદદ માટે તૈયાર છીએ. અમે ઝડપથી કામ શરૂ કરી શકીએ, પરંતુ અમારે પર્સનલ પ્રોટેક્શન કિટ (પીપીઈ) અને એન-95 માસ્કની જરૂર પડશે."
એક અધિકારીનું કહેવું હતું, "કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને પ્રવાસીઓની મદદ કરવાની જવાબદારીથી મુક્ત રાખવાની જરૂર છે. અમે આરામથી પ્રવાસીઓની સાર-સંભાળ લઈ શકીએ છીએ."
"અસ્થાયી રૂપે થોડા સમય માટે અમે અમારી જગ્યાઓને સૅનિટાઇઝ કરીને વાપરવા માટે આપી શકીએ છીએ. રાજ્યની સરકારોએ સંક્રમણ રોકવા અને પોતાની ક્ષમતા વધારવા પર ધ્યાન આપવું જોઈએ."
પાઠ શીખ્યો હોત તો...
દિલ્હીમાં શનિવારે હજારોની સંખ્યામાં લોકો આનંદવિહાર બસ સ્ટેન્ડ પર અલગ-અલગ રાજ્યોમાં પોતાના ઘરે પહોંચવા માટે ઊમટી પડ્યા હતા, જેનાથી દેશમાં સંક્રમણ મોટા પાયે ફેલાવવાનો ડર વધ્યો હતો.
તેના એક અઠવાડિયા પહેલાં 21 માર્ચે પણ આવાં જ દૃશ્યો મુંબઈ અને પૂનાના રેલવે સ્ટેશન પર જોવાં મળ્યાં હતાં.
મહારાષ્ટ્ર એ રાજ્ય છે જ્યાં ભારતમાં સૌથી વધારે કોરોના વાઇરસ સંક્રમણના કેસ સામે આવ્યા છે, જેને જોતાં રાજ્ય સરકારે લૉકડાઉનની જાહેરાત કરી હતી.
રોજીરોટીનું સંકટ ઊભું થતા મુંબઈ અને પૂનામાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હજારો મજૂરો અને પ્રવાસીઓ પોતાના ગામ જવા માટે રેલવે સ્ટેશન પર ઊમટી પડ્યા હતા.
જો 21 માર્ચે સામે આવેલાં દૃશ્યોમાંથી પાઠ શીખવામાં આવ્યો હોત તો કદાય એવાં જ દૃશ્યો ફરી એક વખત સામે આવ્યાં હોત?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો