નરેન્દ્ર મોદીએ કહ્યું 'વિકાસ માટે 370 હઠાવી', જો ગુજરાત સાથે જમ્મુ-કાશ્મીરની સરખામણી કરીએ તો?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 2 મિનિટ

કલમ 370 અને 35-એની જોગવાઈઓની નાબૂદી પછી રાષ્ટ્રજોગ કરેલા સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની વાત કરી. એમણે કહ્યું કે 370 અને 35-એને લીધે કાશ્મીર અને લદ્દાખનો વિકાસ ન થયો ત્યારે સવાલ થાય કે કાશ્મીર ખરેખર કેટલું વિકસિત છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતી છે અને 2014થી લઈ અનેક વાર તેમણે ગુજરાતના વિકાસની વાત કરી છે ત્યારે જમ્મુ અને કાશ્મીરના વિકાસને લગતી કેટલીક બાબતોની સરખામણી કરવા જેવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સફાઈ કામદારોથી લઈને મહિલાઓ અને મજૂરો સુધી અનેક બાબતો કહી. એમણે સમગ્ર રીતે શિક્ષણ, રોજગારી, માળખાગત સુવિધાઓ, આરોગ્ય વગેરેની વાત કરી.

વડા પ્રધાનને રાષ્ટ્રજોગ સંદેશમાં કલમ 370 અને 35-એની નાબૂદી માટે મુખ્ય વિકાસનું કારણ આગળ ધર્યું છે.

અગાઉ ભારતના ગૃહમંત્રી અમિત શાહે પણ સોમવારે રાજ્યસભામાં એમ કહ્યું હતું કે 370 અને 35-એને લીધે જમ્મુ-કાશ્મીરનો વિકાસ ન નથી થયો.

થાય સરખામણી તો...

આ સરખામણીમાં નેશનલ ફૅમિલી હેલ્થ સરવે (2015-16) મુજબ જોઈએ તો કાશ્મીરમાં સેક્સ રેશિયો ગુજરાત કરતાં વધારે સારો છે.

જમ્મુ-કાશ્મીરમાં પ્રતિ 1000 પુરૂષોએ 972 સ્ત્રીઓનો જન્મ થાય છે. ગુજરાતમાં આ સરેરાશ 950ની છે.

સ્ત્રીની વસતીની ટકાવારીની વાત કરીએ તો એમાં ગુજરાત જમ્મુ-કાશ્મીર કરતાં આગળ છે. જમ્મુ-કાશ્મીરમાં 65.5 ટકા સ્ત્રીની વસતી છે તો ગુજરાતમાં આ ટકાવારી 72 છે.

આરોગ્યની વાત કરીએ તો કાં તો ગુજરાત જમ્મુ-કાશ્મીરથી પાછળ છે અથવા તો સમાંતર છે. ઉદાહરણ તરીકે દરેક ઘરમાં વીજળીની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીર ગુજરાત કરતાં આગળ છે.

જમ્મુ-કાશ્મીરમાં 97.4 ટકા ઘરોમાં વીજળી છે તો ગુજરાતમાં આ આંકડો 96 ટકાનો છે.

બાળકોના આરોગ્યની સ્થિતિને મામલે પણ જમ્મુ-કાશ્મીર બહેતર છે. 12થી 23 માસ સુધીનાં બાળકોમાં જમ્મુ-કાશ્મીરમાં 75.1 ટકા બાળકોનું સંપૂર્ણ રસીકરણ થયું છે તો ગુજરાતમાં આની ટકાવારી 50 છે.

નવજાત બાળકોનો મૃત્યુદર ગુજરાતમાં વધારે છે. ગુજરાતમાં ઇન્ફન્ટ મોર્ટાલિટી 34 ટકા છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં તે 32 ટકા છે.

ઘરોમાં સેનિટેશનની સુવિધા, પુરૂષો અને મહિલાઓનું શિક્ષણ અને પ્રસૂતિગૃહોમાં જન્મ જેવી બાબતોમાં ગુજરાત જમ્મુ-કાશ્મીર કરતાં આગળ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો