You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલને 'આકરી સજા' કરવાની ઈરાનના સર્વોચ્ચ નેતાની પ્રતિજ્ઞા, આગળ શું થશે?
- લેેખક, કસરા નાજી
- પદ, બીબીસી પર્શિયન
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
પહેલાંથી જ ખંડિત પ્રદેશમાં હમાસના રાજકીય નેતાની હત્યાથી તંગદિલીમાં મોટી વૃદ્ધિ થઈ છે.
હમાસના નેતા ઇસ્માઇલ હાનિયા ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનની સોગંદવિધિ સમારંભમાં હાજરી આપવા તહેરાન ગયા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી.
ઈરાની સત્તાવાળાઓએ તરત ઇઝરાયલ તરફ આંગળી ચીંધી છે અને ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામેનેઈએ ઇઝરાયલને “આકરી સજા” કરવાની પ્રતિજ્ઞા લીધી છે.
ખામેનીએ એક નિવેદનમાં કહ્યું હતું, “હાનિયાની હત્યાનો બદલો લેવો તેને અમે અમારી ફરજ ગણીએ છીએ, કારણ કે તેઓ ઈરાનના ઇસ્લામિક ગણતંત્ર ક્ષેત્રમાં શહીદ થયા છે.”
એપ્રિલમાં ઇઝરાયલે સીરિયામાં કરેલા હવાઈ હુમલામાં ઈરાનના ટોચના કમાન્ડર માર્યા ગયા હતા. એ પછી બન્ને દેશો વચ્ચે લગભગ યુદ્ધ છેડાવાનું હતું.
ઇઝરાયલી હુમલાના જવાબમાં ઈરાને ઇઝરાયલ પર સેંકડો ડ્રોન અને રૉકેટ્સ છોડ્યાં હતાં. તેના પ્રતિસાદમાં ઈરાનના ઇસ્ફહાન શહેરમાં લશ્કરી ઍરપૉર્ટ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો.
હમાસના નેતા હાનિયા તાજેતરમાં ઈરાનની વારંવાર મુલાકાત લીધી હતી અને તેઓ ઈરાનના સર્વોચ્ચ નેતા તથા ટોચના અન્ય અધિકારીઓને નિયમિત રીતે મળતા હતા.
ઇસ્લામિક જેહાદના નેતા, લેબનનના હિઝબુલ્લાના બીજા નંબરના નેતા અને યમનના હૂતીના ટોચના નેતાઓ સાથે હાનિયા ઈરાનના રાષ્ટ્રપતિના સોગંદવિધિ સમારંભમાં આગલી હરોળના મહેમાનો હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બધા અગાઉ પણ મળ્યા હતા અને આયતુલ્લા ખામેનેઈએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
ઈરાનનું કહેવું છે કે હાનિયા અને તેમના અંગરક્ષક ઉત્તર તહેરાનના ગેસ્ટ-હાઉસમાં હતા ત્યારે સ્થાનિક સમય અનુસાર બે વાગ્યે ઈરાનની સરહદ બહારથી કરવામાં આવેલા મિસાઇલ હુમલામાં માર્યા ગયા હતા.
છેલ્લા એક દાયકા દરમિયાન થયેલી ઈરાનના સંખ્યાબંધ પરમાણુ વિજ્ઞાનીઓની હત્યામાં ઇઝરાયલનો હાથ હોવાનું માનવામાં આવે છે, પરંતુ ઇઝરાયલે અગાઉ કોઈ પ્રતિષ્ઠિત અથવા અગ્રણી રાજકીય નેતાને નિશાન બનાવ્યા નથી.
હાનિયાની હત્યા ઈરાન માટે ભારે શરમનું કારણ બનશે અને તેની સુરક્ષા એજન્સીઓની ક્ષમતા વિશે સવાલો ઊભા કરશે.
ભૂતપૂર્વ ગુપ્તચર મંત્રી અલી યુનેસીએ ત્રણ વર્ષ પહેલાં કહ્યું હતું કે ઈરાનમાં ઇઝરાયલ એટલે ઊંડે સુધી ઘૂસેલું છે કે તમામ અધિકારીઓ પર જીવનું જોખમ હોય છે.
પોતે ઈરાનમાંના ઇઝરાયલી નેટવર્કને નિયમિત રીતે ખતમ કરી રહ્યા હોવાના ઈરાની ગુપ્તચર અધિકારીઓના દાવા છતાં આ ઘટના બની છે.
હવે શું થશે?
હવે ચિંતા એ છે કે ઈરાનનો પ્રતિસાદ કેવો હશે અને પરિસ્થિતિ કેવો આકાર લેશે. ઈરાનના પ્રતિભાવનો આ પ્રદેશમાંના તણાવ સંદર્ભે શું અર્થ હશે.
દક્ષિણ બેરુતમાં લેબનનના હિઝબુલ્લાહના સૌથી વરિષ્ઠ કમાન્ડરો પૈકીના એકની હત્યા કર્યાના ઇઝરાયલના દાવાના થોડા કલાકો પછી હાનિયાની હત્યા કરવામાં આવી છે. તેને લીધે ઇઝરાયલ સાથેના હિઝબુલ્લાહના સીમા પારના મિસાઈલ યુદ્ધને વધારવાનું કારણ મળી ગયું છે.
ઈરાન તેના વતી લડતા લડવૈયાને ઇઝરાયલ પરના હુમલા વધારવા માટે કહી શકે છે.
આ પ્રદેશમાંના વિવેચકો પહેલેથી જ માને છે કે ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો તણાવ વકરશે તથા બન્ને વચ્ચે સંપૂર્ણ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા પણ છે.
ઈરાનના નવા રાષ્ટ્રપતિ
ઈરાનના રાષ્ટ્રપતિ તરીકે મસૂદ પેઝેશ્કિયાને શપથ લીધા ત્યારે હાનિયાનું મૃત્યુ થયું હતું. એક નવા, પ્રમાણમાં મધ્યમમાર્ગી રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને વિશ્વના અન્ય દેશો સાથેના રાજદ્વારી સંબંધ સુધારવાની પ્રતિજ્ઞા કરી હતી.
અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતા ઍક્સ પરની એક પોસ્ટમાં પેઝેશ્કિયાને જણાવ્યું હતું કે તેઓ સંસદમાં હાથ ઊંચો કરી રહ્યા હતા, જ્યારે આજે તેમણે શબપેટીને ખભા પર ઉઠાવવી પડશે.
પોતે પેલેસ્ટાઈનને ટેકો આપે છે એવું જણાવ્યા બાદ પેઝેશ્કિયાને જણાવ્યું હતું કે તેમની સરકાર સંતુલિત અને સુમેળભર્યા વિદેશી સંબંધો દ્વારા રાષ્ટ્રીય હિતો, વૈશ્વિક શાંતિ તેમજ સુરક્ષાને આગળ ધપાવશે.
હાનિયાની હત્યા તેમના ઇરાદાઓનો, ઓછામાં ઓછો હાલ પૂરતો વીંટો વાળી દેશે.
વ્યાપક વિશ્વ સાથે સંબંધો સુધારવા આતુર રાષ્ટ્રપતિના નેતૃત્વ હેઠળનું ઈરાન ઇઝરાયલ સામે મોટા પાયે સંપૂર્ણ આક્રમણ કરતાં ખચકાઈ શકે છે.
જોકે, હમાસ સંચાલિત પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સંઘર્ષને સમાપ્ત કરવા માટે યુદ્ધવિરામ અને શાંતિ વાટાઘાટ પર આ હત્યાનો ઓછાયો પડશે. આ હમાસ-ઇઝરાયલ યુદ્ધમાં અત્યાર સુધીમાં 38,000થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે.
કતારના વડા પ્રધાન અને ઇઝરાયલ તથા હમાસ વચ્ચેના મુખ્ય મધ્યસ્થીકર્તા શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ-થાનીએ જણાવ્યું હતું કે હાનિયાની હત્યાની વાટાઘાટ પર ગંભીર અસર થશે, કારણ કે તેઓ આ મંત્રણામાં ભાગ લેતી મહત્ત્વની વ્યક્તિ હતા.
આ બધાં કારણસર પ્રદેશમાં એક વ્યાપક યુદ્ધ છેડાશે કે કેમ એ કહેવું અત્યારે મુશ્કેલ છે. આવું પરિણામ હાલ કોઈ ન ઇચ્છતું હોવાનું લાગે છે, પરંતુ યુદ્ધ ક્યારેય ગણતરીપૂર્વકના જોખમનું પરિણામ નથી હોતું.