You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાં આગળ વધેલી સિસ્ટમ ફરી મજબૂત બની, હવે આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
ગુજરાતમાં હાલ બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એક તરફ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ લગભગ બંધ થઈ ગયો છે, માત્ર કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવો વરસાદ થઈ રહ્યો છે.
હવે બંગાળની ખાડીની જે સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનીને આગળ વધી રહી હતી તે મધ્ય પ્રદેશ પર પહોંચી ગઈ છે. આ સિસ્ટમ પહેલાં નબળી પડી ગઈ હતી. જે બાદ ફરીથી તે હવે મજબૂત બની ગઈ છે અને તેના કારણે ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થશે.
હવામાન વિભાગનું કહેવું છે કે સિસ્ટમ ફરીથી મજબૂત બની જતાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને ગુજરાતનાં પાડોશી રાજ્યોમાં પણ તેની અસર દેખાય તેવી સંભાવના છે.
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆત અને ઑગસ્ટ મહિનાના અંતમાં પડેલા ભારેથી અતિભારે વરસાદ બાદ હજી પણ વરસાદ બંધ થઈ રહ્યો નથી.
હાલ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઑફ શૉર ટ્રફ રેખા બનેલી છે અને તેની અસર ગુજરાતમાં થઈ રહી છે, આ ઉપરાંત મધ્ય પ્રદેશ પર પહોંચેલી સિસ્ટમને કારણે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોને અસર થઈ રહી છે.
હવામાન વિભાગના આંકડા પ્રમાણે ચોમાસું શરૂ થયું ત્યારથી ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં 49 ટકા જેટલો વરસાદ થયો છે.
મધ્ય પ્રદેશ પર પહોંચેલી સિસ્ટમ કઈ તરફ જશે, ગુજરાતને અસર થશે?
8 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં ડીપ્રેશન બન્યું હતું અને તે ઓડિશાના દરિયાકિનારે પહોંચે તે પહેલાં વધારે મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બની ગયું હતું.
હાલ આ સિસ્ટમ ઓડિશા, છત્તીસગઢ પરથી આગળ વધીને મધ્ય પ્રદેશ પર પહોંચી છે અને અહીં આવતા તે નબળી પડી ગઈ હતી અને વેલમાર્ક લૉ-પ્રેશર એરિયામાં ફેરવાઈ ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલની સ્થિતિ પ્રમાણે ભારતનાં 8 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત તરફ આવવાની શક્યતા નથી તે વળાંક લઈને મધ્ય પ્રદેશથી ઉત્તર પ્રદેશ તરફ જશે.
જેથી તેની વધારે અસર ગુજરાત અને રાજસ્થાનને બદલે મધ્ય પ્રદેશ તથા ઉત્તર ભારત પર થવાની શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ?
સપ્ટેમ્બર મહિનો એ ચોમાસાનો છેલ્લો મહિનો છે અને 20 સપ્ટેબરની આસપાસ ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરતું હોય છે. હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસાની વિદાય સમય કરતાં થોડી લંબાય તેવી સંભાવના લાગી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ દક્ષિણ ગુજરાત પર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે અને ઑફ શૉર ટ્રફ રેખા પણ થોડી સક્રિય છે જેના લીધે ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે.
ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઓછો વરસાદ પડે તેવી સંભાવના છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ તથા તાપી જિલ્લામાં હજી આગામી બેથી ત્રણ દિવસો સુધી વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 11 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.
ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર તથા કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે, પરંતુ અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારો તથા બીજા કેટલાક વિસ્તારોમાં હળવો છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
આ ચોમાસામાં રાજ્યમાં સરેરાશની દૃષ્ટિએ સૌથી વધારે દેવભૂમિ દ્વારકામાં થયો છે, જે બાદ પોરબંદર, કચ્છ, તથા જૂનાગઢ જિલ્લામાં વધારે વરસાદ નોંધાયો છે.
જુલાઈ તથા ઑગસ્ટ મહિનામાં પડેલા અતિભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ પેદા થઈ હતી અને કેટલાક વિસ્તારોમાં લોકોને બચાવવાની પણ ફરજ પડી હતી.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)