You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નવસારીમાં પાણી ફરી વળ્યાં, ગુજરાતમાં કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી?
ગુજરાતમાં વરસાદનું જોર ધીમું પડી ગયું છે અને તો કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર બાદ હજુ પણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
27 જુલાઈ બાદ હવે 28 જુલાઈના રોજ પણ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.
આગાહી મુજબ છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.
જોકે, સામાન્ય વરસાદની રાજ્યમાં સાર્વત્રિક આગાહી કરવામાં આવી છે, જેના કારણે ક્યાંક વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને સામાન્ય વરસાદ પણ વરસી શકે છે. ક્યાંક ભારે વરસાદનું એકાદ ઝાપટું પણ આવી શકે છે.
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટીની સત્તાવાર વેબસાઇટ અનુસાર ગુરુવારે સવારે છ વાગ્યા સુધી 24 કલાકમાં 24 જિલ્લાના 90 તાલુકામાં વરસાદ પડ્યો હતો.
જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં 119 મિલીમીટર નોંધાયો હતો. વલસાડ જિલ્લામાં સરેરાશ 48 મિલીમીટર વરસાદ પડ્યો હતો.
નવસારી, વલસાડમાં સ્થિતિ વિકટ
ડાંગમાં ગુરુવારે રાતથી શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી ચાલુ રહ્યો હતો. વરસાદી પાણી નવસારીમાં આવતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.
જોકે વહેલી સવાર બાદ વરસાદ બંધ થતાં, ધીરે ધીરે પાણી ઓસરવાનું શરૂ થઈ ગયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર રૂપેશ સોનવણેએ જણાવ્યું હતું કે "સુરત અને નવસારીમાં આજે ભારે વરસાદ નથી. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો સામાન્ય વરસાદ પડ્યો હતો. નવસારી પાસેથી કુલ ત્રણ નદી પસાર થાય છે. અંબિકા, કાવેરી અને પૂર્ણા."
"ડાંગ જિલ્લાના ડુંગરો પર જે વરસાદ પડે છે, તેના કારણે જે પણ પાણી આવે છે તે નવસારીમાં ઊતરે છે. શુક્રવારે સવારે 6 વાગ્યા સુધી ડાંગમાં વરસાદ પડ્યો હતો, જેના કારણે અંબિકા નદી મારફતે નવસારી શહેરમાં પાણી આવ્યું હતું, અને નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. શહેરના ભેસતખાડા, શાંતાદેવી, મુલ્લાની વાડી, કાશીવાડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે."
નદીનું જળસ્તર વધતાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં પાણી ઘૂસ્યાં હતાં. કેટલીક જગ્યાએ ઘુંટણસમા પાણી ભરાઈ ગયાં હતાં. કેટલાક લોકોના ઘરમાં પાણી આવી ગયાં હતાં. ઝૂંપડામાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવાની ફરજ પડી હતી.
રૂપેશ સોનવણેએ ઉમેર્યું, "વાંસદામાં જે પણ વરસાદ પડે તેનું પાણી કાવેરી નદીમાં આવે છે. તો, મહુલા, વાલોર બાજુ જે વરસાદ પડે છે, તેનું પાણી પૂર્ણા નદીમાં આવે છે."
જો ઉપરવાસમાં વધુ ભારે વરસાદ પડે તો અંબિકા નદીનું જળસ્તર વધી શકે છે, અને તો નવસારીના વધુ વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. જોકે નવસારીના ડીડીઓ (ડિસ્ટ્રિક્ટ ડેવલપમૅન્ટ ઓફિસર - જિલ્લા વિકાસ અધિકારી) મુજબ હાલ ગભરાવા જેવી કોઈ જ સ્થિતિ નથી.
નવસારી જિલ્લાના ડીડીઓ પુષ્પલતાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે "24 કલાકમાં ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાની ત્રણેય નદીઓ અંબિકા, કાવેરી અને પૂર્ણ નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું હતું. પણ અત્યારે નવસારી જિલ્લા અને ઉપરવાસ બન્નેમાં વરસાદ થંભી ગયો છે. જેના કારણે આવનારા સમયમાં ભયજનક સપાટી વધે તેવી શક્યતા ઓછી છે. સાથે જ તકેદારીના ભાગરૂપે પ્રશાસન સજાગ છે. 12 કલાકમાં 160 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે. હાલ ગભરાવાની કોઈ જરૂર નથી. પણ નવસારીના લોકોને અપીલ છે કે જ્યારે પણ તંત્ર સ્થળાંતરની સૂચના આપે ત્યારે લોકો સહયોગ કરે."
ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ સ્થિતિ વિકટ બની છે.
ઔરંગા નદીનું જળસ્તર વધતાં કાંઠા વિસ્તારમાં પાણી ભરાયા હતા.
બીબીસીના સહયોગી પત્રકાર જાવેદ ખાને જણાવ્યું "ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડની ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવીને 6 મીટરે પહોંચી ગઈ હતી."
"40 ગામોને જોડતો ઔરંગા નદીનો બ્રિજ પાણીમાં ગરકાવ થતા પ્રશાસને લોકોને સાવચેત કર્યા છે. ઔરંગા નદીનાં પાણી વલસાડના બંદર રોડ પર ફરી વળતાં હનુમાન ભાગડા ગામ સંપર્ક વિહોણું થયું હતું."
"શહેરના કાશ્મીર નગર ,બંદર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. વલસાડ જિલ્લાનાં 13 ગામ, દાદરા નગર હવેલીનાં 14 ગામ, દમણનાં 10 ગામને સાવચેત કરાયાં છે. લોકોને નદી કિનારે ન જવા અપીલ કરાઈ છે."
ક્યાં વરસાદ પડી શકે છે?
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના છોટાઉદેપુર જિલ્લામાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આ સિવાય દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને વલસાડ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ મુજબ આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ તો કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સુરત, ડાંગ, તાપી જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
હાલમાં સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને થઈ છે. 27 જુલાઈએ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો હતો. તો 28 જુલાઈના રોજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પ્રમાણમાં ઓછો થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
દક્ષિણ ગુજરાતમાં સતત બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેનો આજે બીજો દિવસ છે. એટલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણમાં ગઈકાલ કરતાં વરસાદ ઓછો થઈ શકે છે.
આ સિવાય પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.
ઉત્તર ગુજરાતના જિલ્લા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ક્યાંક એકાદ ભારે ઝાપટું પણ આવી શકે છે.
મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ખેડા, પાટણ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે.
આ જિલ્લાઓમાં પણ ક્યાંક ભારે વરસાદનું એકાદ ઝાપટું આવી શકે છે.